ગુજરાતનો 'ડાઇનેમાઇટ કેસ' જેણે જ્યોર્જ ફર્નાન્ડિઝને 'દેશના હીરો' બનાવી દીધા

જ્યોર્જ ફર્નાન્ડિઝ Image copyright Getty Images

વર્ષ 1975. વાત ત્યારની છે, જ્યારે દેશની લોકશાહી પર સૌથી મોટું જોખમ તોળાયું હતું. એ વખતનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી દીધી હતી. લોકશાહી સંસ્થાઓની સ્વતંત્રતા છીનવી લેવાઈ અને વિરોધ પક્ષના નેતાઓને ટપોટપ જેલમાં ધકેલી દેવાયા.

વિરોધનો રસ્તો બંધ થયો એટલે હિંસાનો રસ્તો પસંદ કરાયો અને તેના માટે ગુજરાતની ધરતી પસંદ કરવામાં આવી.

નક્કી એવું કરાયું કે 'દેશમાં બધું બરોબર ચાલી રહ્યું' હોવાના ઇંદિરા ગાંધીના દાવાની હકીકત ઉજાગર કરવા 'ધડાકો' કરાય.

ધડાકો એવો હોય કે દેશ અને દુનિયા સુધી સંદેશો પહોંચે અને કટોકટી લાદનારાં ઇંદિરા ગાંધીને લોકશાહી ફરતે વીંટાળેલો ગાળિયો છોડી દેવો પડે.

જોકે, દેશમાં લોકશાહીને બહાલ કરવા ઘડાયેલું આ 'ષડયંત્ર' અંજામ પર પહોંચે એ પહેલાં જ સરકારી એજન્સીઓ પહોંચી ગઈ.

ધડાધડ ધરપકડો થઈ, આરોપનામું ઘડાયું અને એ વખતના ફાયરબ્રાન્ડ નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝને મુખ્ય આરોપી બનાવાયા.

એજન્સીઓએ આ મામલાને 'બરોડા ડાઇનેમાઇટ કેસ' ગણાવ્યો.


'બરોડા ડાઇનેમાઇટ કેસ'

Image copyright WWW.GEORGEFERNANDES.ORG

25 જૂન 1975એ કટોકટી લાદી દેવાઈ ત્યારે જ્યોર્જ ફર્નાન્ડિઝ 11 વાગ્યા સુધી વિરોધ પક્ષના કાર્યાલયમાં હતા અને ત્યાં જ ઊંઘી ગયા.

સવારે ઊઠ્યા ત્યારે દેશનો માહોલ બદલાઈ ગયો હતો. દેશમાં કટોકટી લાદી દેવાઈ હતી અને વિપક્ષી નેતાઓ માટે જેલના દરવાજા ખૂલ્લા મૂકી દેવાયા હતા.

બીજા દિવસે તેઓ ભૂવનેશ્વરથી મોટરકારમાં દિલ્હી પહોંચ્યા અને દિલ્હીથી સીધા જ વડોદરા દોડી ગયા.

જાણીતા પત્રકાર અને જ્યોર્જના નજીકના સહયોગી રહેલા વિક્રમ રાવ જણાવે છે, "ઇમર્જન્સીની ઘોષણા થયા બાદ અચાનક વડોદરામાં એક સરદારજી મારા ઘરે પહોંચ્યા."

"જ્યોર્જે ખૂબ જ સારો વેશ ધારણ કર્યો હતો, છતાં હું તેમને ઓળખી ગયો, કેમ કે તેઓ જ્યારે હસતા હતા ત્યારે તેમના ગાલ પર ખંજન પડતાં હતાં."

"મેં તેમને કહ્યું હતું કે જ્યોર્જ તમે ખૂબ સારા લાગો છો. ત્યારે જ્યોર્જે કહ્યું 'હું પોતાના દેશમાં જ શરણાર્થી બની ગયો છું' તેમનું વાક્ય માર્મિક હતું."

તમે આ વાંચ્યું કે નહીં?

પણ તેમને શરણાર્થી બનીને રહેવું નહોતા માગતા અને નાગરિક તરીકેના મૂળભૂત અધિકારો પરત મેળવવા માગતા હતા. એ માટેના પ્રયાસો પણ તેમણે શરૂ કરી દીધા.

નક્કી એવું કરાયું કે ઇંદિરા ગાંધીની આગામી સભાના સ્થળની નજીકની સરકારી કચેરીઓના ટૉઇલેટ્સને ડાઇનેમાઇટ્સથી ઉડાડી દેવામાં આવે.

ધડાકો ઇંદિરા ગાંધી સુધી સંભળાય પણ ઇજા કોઈને ના પહોંચે.

આ કેસમાં સામેલ મુખ્ય આરોપીમાંના એક અને વરિષ્ઠ પત્રકાર કિરિટ ભટ્ટે 'ઇન્ડિયન ઍક્સપ્રેસ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું :

"અમે નિયમિત મળતા હતા અને સરમુખત્યારને કઈ રીતે ઉથલાવી શકાય એ માટે મંથન કરતા હતા."

"પણ, જ્યોર્જ કંઈક સનસનાટી મચાવવા માગતા હતા. તેમને 'દેશમાં બધુ જ સમુંસૂતરું ચાલી રહ્યું છે' એવા ઇંદિરા ગાંધીના દાવાની પોલ તેમને ખોલી નાખવી હતી."


વડોદરામાં ઘડાયું ષડયંત્ર

Image copyright GEORGE FERNANDES/FACEBOOK

ભટ્ટ એ વખતે વડોદરામાં પત્રકાર સંઘના અધ્યક્ષ હતા અને કટોકટીના પ્રખર ટીકાકાર હતા. વિક્રમ રામ અને અન્ય જાણીતા પત્રકારો સાથે મળીને ઇંદિરા ગાંધીનો વિરોધ કરવા તેમણે જ્યોર્જ સાથે ટીમ બનાવી હતી.

ધડાકો કરવાનું નક્કી તો કરાયું પણ એ માટે જરૂરી વિસ્ફોટકો લાવવા ક્યાંથી?

વિસ્ફોટકો માટેની શોધખોળ કરાઈ અને તેમાં સ્થાનિક ઉદ્યોગપતિ મિત્ર મદદે આવ્યા.

એ વખતે હાલોલમાં ટાઇલ્સ બનાવવા માટે મોટાપાયે ડાઇનેમાઇટ્સનો ઉપયોગ કરાતો હતો.

એ ડાઇનેમાઇટ્સનો ઉપયોગ ઇંદિરા ગાંધીની સરકાર વિરુદ્ધ કરવાનું નક્કી કરાયું.

વારાણસીમાં ઇંદિરા ગાંધી એક જાહેરસભાને સંબોધવાનાં હતાં, જ્યાં કોઈને ઇજા ના પહોંચે એ રીતે વિસ્ફોટ કરવાનું નક્કી કરાયું.

આ માટે ગુપ્ત રીતે વડોદરામાંથી ડાઇનેમાઇટ્સને વારાણસી પહોંચાડવાનું પણ નક્કી કરાયું.


વડોદરાને કેમ પસંદ કરાયું?

Image copyright Getty Images

વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામીએ બીબીસી સંવાદદાતા જયદીપ વસંત સાથેની વાતચીતમાં જણાવ્યું, "વર્ષ 1975થી વર્ષ 1977 દરમિયાન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી (ઇમર્જન્સી) લાગુ કરી હતી."

"એ સમયે ગુજરાતમાં બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વમાં જનતા મોરચાની સરકાર હતી. જે બિન-કૉંગ્રેસી સરકાર હતી."

"જેથી મુંબઈ અને દિલ્હીના સમાજવાદી તથા અન્ય વિપક્ષી નેતાઓ માટે ગુજરાત પ્રમાણમાં 'સલામત સ્થળ' હતું."

"જ્યોર્જ ફર્નાન્ડિઝ સહિત અન્ય કેટલાક નેતાઓએ ડાઇનેમાઇટ દ્વારા રેલવે ટ્રૅક્સને ઉડાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું."

"જે આગળ જતા 'બરોડા ડાઇનેમાઇટ કેસ' તરીકે વિખ્યાત થયો."


પોલીસને જાણ થઈ

Image copyright Getty Images

જોકે, વિસ્ફોટકો વડોદરાથી વારાણસી પહોંચે એ પહેલાં જ આ અંગેના સમાચાર પોલીસ સુધી પહોંચી ગયા.

વડોદરામાંથી ભટ્ટની ધરપકડ કરાઈ અને આ સિલસિલો આગળ ચાલ્યો.

કલકત્તામાંથી જ્યોર્જની ધરપકડ કરાઈ અને કટોકટી લાદનારાં ઇંદિરા ગાંધીની સરકારને ઉથલાવવા સમાજવાદી નેતાના આ અભિયાનનો અંત આવ્યો.

જોકે, ભટ્ટના જણાવ્યા અનુસાર જ્યોર્જ માત્ર વિસ્ફોટ કરીને જ સંતોષ માની બેસી રહેવા નહોતા માગતા.

તેઓ પિમ્પરી (મહારાષ્ટ્રમાં પુના પાસે આવેલું શહેર) થી બૉમ્બે જઈ રહેલી ટ્રેનમાંથી હથિયારો લૂંટી સરકારી કચેરીઓ ઉડાવી દેવા માગતા હતા.

એટલું જ નહીં, દેશમાં લોકશાહીના પુનઃસ્થાપન માટે તેઓ હૅમ રેડિયો થકી વિદેશી મદદ પણ મેળવવા માગતા હતા.

આ કેસનો ખટલો દિલ્હીમાં ચાલ્યો. જોકે, જ્યોર્જે જેલમાંથી જ ઉત્તર પ્રદેશના મુઝ્ઝફરનગરથી લોકસભાની ચૂંટણી લડી અને જીતી લીધી.

કેન્દ્રમાં જનતા પક્ષની સરકાર બની અને જ્યોર્જ સહિત તમામ આરોપીઓ વિરુદ્ધનો કેસ પરત ખેંચી લેવાયો.

હિટલરની સરમુખત્યારશાહીનું ઉદાહરણ આપતાં કોર્ટમાં જ્યોર્જ ફર્નાન્ડિઝે નિવેદન આપ્યું હતું કે 'મને ગર્વ છે, બહુ ગર્વ છે કે જ્યારે શ્રીમતી ગાંધી સરમુખત્યાર બન્યાં ત્યારે હું અને મારા કૉમરેડ્સ મરદની માફક વર્ત્યા.'


હિંસક વિરોધ સફળ કે નિષ્ફળ?

Image copyright Getty Images

'બરોડા ડાઇનેમાઇટ્ કૉન્સપીરસી કેસ' પુસ્તકમાં સી. જી. કે. રેડ્ડી લખે છે કે એ વખતે દેશમાં ચાલી રહેલી સમાજવાદની 'અંડરગ્રાઉન્ડ' ચળવળનો ઉદ્દેશ માત્ર વિસ્ફોટ કરવાનો નહોતો.

પણ, કટોકટી મામલે દેશ અને દુનિયાની આંખો ખોલવાનો હતો.'

આ માટે અનેક ઉપાયો નક્કી કરાયા હતા અને તેમાંનો એક ઉપાય ડાઇનેમાઇટ્સનો ઉપયોગ કરવાનો હતો.

એક મીડિયા સાક્ષાત્કારમાં બિહારના રાજનેતા અને ચૌધરી ચરણસિંહના અનુયાયી કે. સી. ત્યાગીએ કહ્યું હતું કે :

"કટોકટી વિરુદ્ધની લડવાની આ રીતનો વિપક્ષ વિરોધી હતો."

"જોકે, જ્યોર્જ અમારા રોમૅન્ટિક હીરો હતા. મને યાદ છે કે મેં પણ કેટલાક વિસ્ફોટકો લીધા હતા, પણ ચરણસિંહના ડરને કારણે હું તેનો ઉપયોગ નહોતો કરી શક્યો."

જ્યોર્જની આત્મકથા માટે સંશોધન કરનારા રાહુલ રામાગુંડમ કહે છે, "ડાઇનેમાઇટ કેસનું કોઈ વિધ્વંસક પરિણામ નહોતું આવ્યું."

"સાત-આઠ મહિના જેટલો સમય આ ષડયંત્રને ઘડતા થયો જેમાં મોટાભાગે સંગઠન રચાયાં, તાલીમ અપાઈ અને વિસ્ફોટકોને બીજે મોકલાવાયા."

"લોકો જ્યોર્જના વ્યક્તિત્વથી મંત્રમુગ્ધ હતા અને જ્યોર્જ જે વિરોધ કરતા હતા, એમાં વિશ્વાસ ધરાવતા હતા."

"પણ એ ષડયંત્રનો બહુ થોડો અંશ પાર પાડી શકાયો હતો."

જોકે, રેડ્ડી આ અંગે અલગ વલણ ધરાવે છે. તેમના મતે એ અભિયાનમાં બિહારના આરાના ટેલિફોન ઍક્સચેન્જ ઉડાડી દેવામાં અને કેટલીક જગ્યાએ રેલ વ્યવસ્થા ખોરંભી દેવામાં સફળતા મળી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ