લોકોને BJPના શાસનથી બચાવવા NCPમાં જોડાયો : શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા Image copyright FACEBOOK.COM/PG/SHANKERSINHVAGHELA

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા રાષ્ટ્રવાદી કૉંગેસ પક્ષ(એનસીપી)માં જોડાયા છે.

અમદાવાદમાં પત્રકાર પરિષદમાં પક્ષના અધ્યક્ષ શરદ પવારે વાઘેલાને ખેસ પહેરાવી સંબંધિત જાહેરાત કરી હતી.

વાઘેલાએ જણાવ્યું હતું કે "દેશમાં લોકશાહી અને લોકશાહીની સંસ્થાઓ જોખમમાં છે. ત્યારે અસક્રીય રહેવું યોગ્ય ના કહેવાય."

તેમણે એવું પણ ઉમેર્યું કે તેઓ 'લોકશાહી બચાવવા અને લોકોને ભાજપના શાસનથી બચાવવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષમાં જોડાયા છે.'

પોતે દેશના વિવિધ વિસ્તારોમાં ફરીને એનડીએ વિરુદ્ધ માહોલ ઊભો કરશે એવી વાત કરતા વાઘેલાએ ઉમેર્યું કે તેઓ 'યૂપીએ-3 પ્રકારની એનડીએ વિરોધી સરકાર જોઈ રહ્યા છે.'


અટકળોનો અંત

Image copyright FACEBOOK.COM/PG/SHANKERSINHVAGHELA

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તેમજ જનસંઘથી પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરનારા વાઘેલા ગુજરાતના મુખ્ય મંત્રી અને કેન્દ્રીય મંત્રીનું પદ સંભાળી ચૂક્યા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કૉંગ્રેસમાંથી છેડો ફાડી વાઘેલા 'જન વિકલ્પ મોરચા'ની રચના કરી હતી.

એ બાદ તેઓ એનસીપીમાં જોડાઈ જશે એવી સતત અટકળો વહેતી થઈ હતી.

જોકે, આ અટકળોને સતત નકારતા તેઓ દેશમાં ભાજપ વિરોધી સરકારના ગઠન માટે કાર્ય કરવાની વાત કરતા રહ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ