જ્યોર્જ ફર્નાન્ડિઝ જ્યારે સિતારાની પેઠે ચમકી જનમાનસમાં છવાઈ ગયા

જ્યોર્જ ફર્નાન્ડિઝનો નશ્વર દેહ Image copyright Abhijeet Kamble

જ્યોર્જ સાહેબ ગયા... એક ઝંઝાવાત સ્મૃતિમાં સમેટાઈ ગયો! એમનાં છેલ્લાં પથારીવશ નહીં, તો પણ ઘરબંધ વર્ષો જોતાં જીવનનાં જે ઉત્તમ વર્ષોમાં એમણે સંકલ્પ અને સાહસનો સક્રિય હિસાબ આપ્યો એનો ભાગ્યે જ ખયાલ આવે.

દેશના રાજકીય આકાશમાં કટોકટીની કાળરાત્રિમાં 'બરોડા ડાઇનેમાઇટ કેસ' સાથે એ એક સિતારાની પેઠે ચમક્યા અને જનમાનસમાં છવાઈ ગયા.

1975-77ના એ વર્ષો પહેલાં જોકે આપણી રાજનીતિમાં કંઈક સાક્ષાત્કારક કહેવાય એ રીતે 1987માં એમનું નામ ચમક્યું હતું.

મુંબઈના બેતાજ બાદશાહ કહેવાતા દેશના ધુરંધર રાજકારણીઓ પૈકી મુઠ્ઠીભર માંહેલા એક સદોબા પાટિલને લોકસભાની ચૂંટણીમાં દક્ષિણ મુંબઈની બેઠક પર હરાવીને એ 'જાયન્ટ કિલર'નું બિરુદ રળ્યા હતા.

એ દિવસોમાં તેમની ઓળખ એક અનોખા, આગ્રહી (અને આક્રમક હોઈ શકતા) ટ્રેડ યુનિયનિસ્ટની હતી.

રામ મનોહર લોહિયાની દૃઢ મુદ્રાથી અંકિત સમાજવાદી રુઝાન ત્યારે હતું, આજીવન રહ્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright Abhijeet Kamble

સાહસી એટલી જ ચિકિત્સક પ્રકૃતિના આ જીવે એમના આરંભિક વર્ષોમાં (મેંગલોર- કર્ણાટકમાં) પકડેલો પહેલો રાહ પાદરી થવા માટેના પ્રશિક્ષણનો હતો.

પણ એમની જિજ્ઞાસા અને કૌતુક કોઈ બદ્ધમત એવા ધર્મની બંદી રહી શકે એમ નહોતા અને એ ખૂબ ઝડપથી સમાજવાદી વિચારો તરફ વળી ગયા.

ધાર્મિક શિક્ષણનાં 'સેમિનારી' વર્ષોમાંથી જોકે એ એક વાત પાક્કી કરી લાવ્યા, અને તે લેટિન ભાષા.

વિવિધ ભાષાઓમાં પ્રવેશ અને પકડ એમને આજીવન રહ્યા.

અંગ્રેજી-હિંદી બન્નેમાં રવાની ઉપરાંત લેટિન, મરાઠી, ઉર્દુ, મલયાલમ પણ.

કટોકટી પછી બનેલી જનતા સરકારમાં ઉદ્યોગ પ્રધાન તરીકે એમનું એક વિરોધ વલણ મલ્ટિનેશનલ કંપનીઓ સામેની ઝીંકનું હતું.

મોરારજી દેસાઈની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત આવી ત્યારે બચાવમાં થયેલાં જોરદાર ભાષણોમાં તેમનું મોખરે હતું પરંતુ, અંતિમ નિર્ણયમાં તેઓ સરકાર સાથે રહ્યા નહોતા.

આ સરકાર અસ્થિર થઈ એમાં મહત્ત્વનો મુદ્દો જનતા પક્ષના અંગભૂત જનસંઘની બેવડી વફાદારીનો હતો.

તેઓ જનતા પક્ષને વફાદાર છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને એવો મુદ્દો એ ગાળામાં સતત ઉપસ્થિત થતો રહેતો હતો.

Image copyright Getty Images

1977-1979ના રાજકીય સત્તાના એ ટૂંકા ગાળા પછી સંસદમાં અને સંસદ બહાર વિપક્ષી સક્રિયતાના એક દોર બાદ એ 1989માં વિશ્વનાથ પ્રતાપ સિંહની જનતા દળની સરકારમાં અને તે પછી 1998-2004ની વાજપેયીના વડપણ હેઠળની એનડીએ સરકારોમાં એક મંત્રી તરીકેની એમની કામગીરી રહી.

આ વર્ષોમાં કોંકણ રેલવે સહિત એમનું મહત્ત્વનું યોગદાન રહ્યું.

તહલકા કેસમાં, સંરક્ષણ સોદામાં થતાં ભ્રષ્ટાચાર સબબ એ વિવાદોના વિષય રહ્યા પણ, આ વર્ષોમાં એમની રાજકીય પ્રતિભા મુખ્યત્વે વાજપેયી સરકારના એક સંકટમોચક (ટ્રબલ શુટર) તરીકે તેમ એનડીએના સંયોજક તરીકે સારી રીતે ઊભરી.

ઉલટ પક્ષે એમના એવા ઝુઝારુ સમાજવાદી ભારતીય જનતા પક્ષના કોમી વલણો ઢાંકનારા ફિગ લીફ (અંજીર પાંદ)ની ગરજ સારતા હોવાની છાપને કારણે ચાહકોના એક વર્ગમાં ટીકાપાત્ર પણ બન્યા.

એમની દલીલ કદાચ એ હતી કે મારું ભાજપ સમવાય સાથે હોવું એ જૂના બિનકૉંગ્રેસવાદનું જ એક રુપ છે.

સામી બાજુએ મુદ્દો એ હતો કે બિનકૉંગ્રેસવાદ જે જયપ્રકાશની પ્રેરણાથી જનતાપક્ષ રૂપે ઉભર્યો એમાં જનસંઘ એક ઘટક તરીકે પોતાની કોમવાદી ભૂમિકાને સંયમમાં રાખવાને બાધ્ય હતો.

એથી ઊલટું, ભારતીય જનતા પક્ષ પર એવું કોઈ નિયમન નથી.

Image copyright Getty Images

વાજપેયી સરકારના પતન પછીના ફર્નાન્ડીઝનાં વર્ષો એક પ્રકારે બિયાબાંના રહ્યાં.

સમતા પાર્ટી, વળી જનતા દળ (યુનાઇટેડ) વગેરે ઉધામા એમની શક્તિ અને પ્રતિભાને જેબ આપી શક્યા નહીં.

એકંદરે ઘણી શક્યતાઓ સામે ઓછી ને પાછી પડેલી એક કારુણિકા જેવી કહાણી એમની રહી.

જે એક કાંટેબાજ મિજાજ એમનો હતો, લકીરના ફકીર નહીં બની રહેવાનો જે અંદાજ એમનો હતો તે અલબત્ત વખતોવખત પ્રગટ થતો રહ્યો.

કોંકણી, અંગ્રેજી, હિંદી પત્રકારિતા એમના પ્રયાસોમાં એક મૌલિક ઉન્મેષ જણાય છે, પછી તે 'ધ અધર સાઇડ' હોય કે 'પ્રતિપક્ષ'.

ચાલુ રાજપ્રકરણી વહેવાર વચ્ચે 'ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ' અને 'પ્રિયુસિએલ' જેવી સ્વતંત્ર સંસ્થાઓ તરફે સક્રિય સંડોવણી, મ્યાંમારના સ્વાતંત્ર્ય સૈનિકો સાથેની દિલી દોસ્તીને ઉઘાડા બારણાંનો વહેવાર, પુનર્જન્મ હોય તો અમેરિકા-ફ્રાન્સ-ચીનથી આક્રાન્ત વિયેતનામી રૂપે જન્મ લઈ સંઘર્ષ કરવાનો પુણ્ય આક્રોશ, પહેલ પ્રથમ સાંસદ થયા ત્યારે જનતાના પ્રત્યક્ષ સંધાનના મુદ્દે સભ્યપદ છોડવાની ધખના પાદરીબાવામાં નહી બંધાઈ જતો જીવ...

આ બધું અનિરુદ્ધપણે ક્યાંથી ક્યાં લઈ ગયું હોત એમને!

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ