એનસીપીમાં જોડાનારા 'ભાજપના વિભીષણ' શંકરસિંહ વાઘેલાનું રાજકારણ કેવું છે?

શંકરસિંહ વાઘેલા Image copyright Shankersinh Vaghela/Facebook

ગુજરાતના વરિષ્ઠ રાજકારણી અને લોકમુખે 'બાપુ'ના નામથી જાણીતા બનેલા શંકરસિંહ વાઘેલા આખરે એનસીપી (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી)માં જોડાઈ ગયા છે.

એનસીપીના પ્રમુખ શરદ પવારે ખુદ પક્ષનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું છે.

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે ફરીથી રાજનીતિમાં સક્રિય થવાનો નિર્ણય કર્યો છે.

રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘમાં મહત્ત્વની ભૂમિક ભજવનારા અને એક સમયે નરેન્દ્ર મોદીને પોતાના સ્કૂટર પર ફેરવનારા શંકરસિંહ વાઘેલા કેવી રીતે ગુજરાતના 'બાપુ' બન્યા તેના પર નજર કરવી રસપ્રદ બની રહેશે.


સંઘથી રાજકારણ સુધીની સફર

Image copyright Getty Images

શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગર જિલ્લાના વાસણ ગામમાં 21 જુલાઈ 1940ના રોજ થયો હતો.

તેમની રાજકીય સફર અંગે વાત કરતા એમ.એસ.યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર અમિત ધોળકિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું,

"1960ના દાયકામાં શંકરસિંહ વાઘેલાએ તેમની રાજકીય સફરની શરૂઆત રાષ્ટ્રીય સ્વયં સેવક દળની રાજકીય પાંખ 'જનસંઘ'માં જોડાઈને કરી હતી."

ઉલ્લેખનીય છે કે વર્ષ 1951માં સ્થપાયેલું આ સંગઠન ગુજરાતમાં એટલું બધું વ્યાપક નહોતું.

ધોળકિયાના મતે જનસંઘને ગુજરાતમાં ઠેરઠેર પહોંચતો કરવો અને તેનો વ્યાપ વધારવામાં 'બાપુ'નો મહત્ત્વનો ફાળો છે.

તેમની બોલવાની છટા અને દરેક કાર્યકરનાં નામ સુદ્ધાં યાદ રાખવા જેવી કુશળતાના જોરે જનસંઘે ગુજરાતમાં પોતાનાં મૂળિયા મજબૂત કર્યાં.

આ એ સમય હતો જ્યારે દેશના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી જનસંઘના એક સામાન્ય કાર્યકર હતા અને લોકજીભે તેમનું નામ ચડવું પણ હજુ બાકી હતું.

અમદાવાદ ખાતેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ માસ કૉમ્યુનિકેશન ઍન્ડ જર્નલિઝમના ડિરેક્ટર ડૉ. શિરીશ કાશીકરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે તે સમયે વાઘેલાની સંઘમાં ભારે શાખ હતી.

કાશીકર ઉમેરે છે, "1960ના દાયકામાં તેઓ ગુજરાતમાં ઠેરઠેર જઈને સંઘનો પ્રચાર કરતા હતા. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સંઘની શાખાઓનો વિસ્તાર કરવામાં તેમનો મહત્ત્વનો ફાળો છે."

"આ જ સમયગાળામાં નરેન્દ્ર મોદી પણ તેમની સાથે કામ કરતા હતા. એવી પણ વાત છે કે વાઘેલા તેમના સ્કૂટર પર નરેન્દ્ર મોદીને ઠેરઠેર લઈ જતા હતા."

કાશીકરના મતે શંકરસિંહ વાઘેલાને એક રીતે નરેન્દ્ર મોદીના રાજકીય ગુરુ પણ કહી શકાય.

ભાજપનો ઉદય

Image copyright Getty Images

વર્ષ 1975માં ઇંદિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી હતી.

પ્રોફેસર ધોળકિયાએ જણાવે છે કે દેશમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતમાં ઇંદિરા સરકાર વિરુદ્ધ જે જનઆંદોલ થયું હતું તેમાં બાપુનો મહત્ત્વનો ફાળો હતો.

ત્યારબાદ સમય રહેતા વર્ષ 1977માં જનસંઘનું જનતા પાર્ટીમાં વિલિનીકરણ થયું હતું.

પરંતુ 1980ની સાલ આવતા તો અમુક કારણોસર જનતા પાર્ટી વિખેરાઈ ગઈ અને જૂનો જનસંઘ 'ભારતીય જનતા પાર્ટી' તરીકે ઊભરી આવ્યો.

ધોળકિયા ઉમેરે છે, "વર્ષ 1977માં છઠ્ઠી લોકસભા ચૂંટણી વખતે બાપુ જનતા દળની ટિકિટ પરથી કપડવંજ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા."

"જોકે, 1980માં જનસંઘ 'ભાજપ' બની ચૂક્યો હતો. ત્યારે 11 વર્ષ સુધી વાઘેલા ભાજપના જનરલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રહ્યા. ત્યારબાદ 1984માં રાજ્યસભાના સભ્ય તરીકે પણ સેવા આપી."

"વર્ષ 1989ની લોકસભા ચૂંટણીમાં બાપુ ગાંધીનગર બેઠક પરથી ચૂંટાયા હતા. ત્યારબાદ 1991ની લોકસભામાં તેઓ ગોધરા બેઠક પરથી ચૂંટાયા હતા."

મોદીનો વિરોધ અને 'ખજુરિયા-હજુરિયા' ઘટના

Image copyright Getty Images

વર્ષ 1985ની ચૂંટણીમાં કૉંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીની રાજનીતિ સામે ભાજપ બિલકુલ ધરાશાયી થઈ ગયો.

ભાજપ ફરીથી લોકોમાં પોતાની શાખ વધારવા મહેનત કરી રહ્યો હતો.

વર્ષ 1987માં સંઘ દ્વારા પોતાના પ્રચારક તરીકે કામ કરી રહેલા નરેન્દ્ર મોદીને ભાજપનું સંગઠન મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી.

મોદીની કામ કરવાની પદ્ધતિ અને ભાજપને ચલાવવાની નીતિના પગલે શંકરસિંહ વાઘેલા અને મોદી વચ્ચે વિરોધ ઊભો થવાનું શરૂ થઈ ગયું.

ડૉ. કાશીકરના મતે શંકરસિંહ વાઘેલાની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ અને નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષાઓ વચ્ચે ટકરાવ થવાને કારણે તેમની વચ્ચે ફાટ પડી હોવાનું માની શકાય.

ડૉ. કાશીકર ઉમેરે છે, "અન્ય પણ એક કારણ હતું કે ગુજરાતના મુખ્ય મંત્રી બનવા માટે શંકરસિંહ વાઘેલા લાઇનમાં હતા. તે સમયે દરેક લોકોએ કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રી તરીકે સહયોગ આપ્યો જેમાં નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થતો હતો."

"વાઘેલાના મનમાં એ વાત ખટકી ગઈ કે નરેન્દ્ર મોદીને કારણે તેઓ મુખ્ય મંત્રી નથી બની શક્યા."

ત્યારબાદ વર્ષ 1995માં ગુજરાતમાં કેશુભાઈ પટેલની સરકાર બની.

શંકરસિંહ વાઘેલાને કેશુભાઈ પટેલ સામે વાંધો પડતા તેઓ (શંકરસિંહ વાઘેલા) કેશુભાઈની સરકારના 47 ધારાસભ્યોને લઈને મધ્ય પ્રદેશના ખજુરાહો જતા રહ્યા અને સરકાર સામે બળવો પોકારી દીધો.

આ બળવાને 'ખજુરિયા-હજુરિયા' તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના પરિણામ સ્વરૂપે કેશુભાઈ પટેલની સરકાર ભાંગી પડી.

શંકરસિંહ વાઘેલાની ત્રણ મુખ્ય માગો હતી જેમાંની એક હતી કે કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રી પદ પરથી હટાવવામાં આવે.

બીજું કે તેમના સાથી ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા છ લોકોને મંત્રીપદ આપવામાં આવે અને ત્રીજું કે નરેન્દ્ર મોદીને સ્થાનિક રાજકારણમાંથી હટાવીને કેન્દ્રમાં મોકલી આપવામાં આવે.

શંકરસિંહ વાઘેલાની આ ત્રણેય માગો સંતોષાઈ ગઈ અને ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે સુરેશ મહેતાને પદભાર સોંપવામાં આવ્યો.


ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે વાઘેલા

Image copyright Getty Images

સરકાર સામે બળવો અને ત્યારબાદ સમાધાનનો સમય તો આવ્યો પરંતુ શંકરસિંહ વાઘેલા આ નવી સરકારથી ખુશ નહોતા.

વર્ષ 1995માં સુરેશ મહેતાની સરકાર સામે વાઘેલાએ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો અને તેમની સરકાર ભાંગી પડી.

વર્ષ 1996માં વાઘેલાએ તેમના 47 વિદ્રોહી ધારાસભ્યો સાથે મળીને પોતાની પાર્ટી બનાવી જેનું નામ રાખ્યું 'રાષ્ટ્રીય જનતા પાર્ટી'.

ત્યારબાદ વાઘેલા 1997-98 સુધી કૉંગ્રેસના ટેકાથી ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા.

પ્રોફેસર ધોળકિયાએ જણાવ્યું કે ત્યારબાદ આવનારી ચૂંટણીઓમાં વાઘેલાનો પક્ષ કંઈ ખાસ પ્રદર્શન ના કરી શક્યો અને તેમણે તેમના પક્ષને કૉંગ્રેસમાં ભેળવી દીધો.

ત્યારબાદ વર્ષ 2017 સુધી શંકરસિંહ વાઘેલા કૉંગ્રેસમાં જુદા-જુદા હોદ્દા પર કાર્ય કરતા રહ્યા.

આ સાથે જ વાઘેલા, મનમોહનસિંઘની યૂપીએ-1 (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાયન્સ) સરકારમાં કાપડ મંત્રી તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે.

તો સાથે જ ગુજરાતમાં વિપક્ષના નેતા તરીકે પણ તેઓ સરકારની ટીકા કરતા હતા.

ડૉ. કાશીકર કહે છે, "યૂપીએ-2 સરકારમાં શંકરસિંહ વાઘેલાને માત્ર ગુજરાતમાં સંગઠનની જવાબદારી સોંપવામાં આવી અને ફરીથી એક વખત વાદ-વિવાદનો સમય શરૂ થયો."

"શંકરસિંહની કામ કરવાની પદ્ધતિ અને મહત્ત્વાકાંક્ષા અંગે પક્ષના લોકો વાકેફ હતા એટલા માટે તેમનો વિરોધ શરૂ થયો."

તેમણે જણાવ્યું કે તે સમયે કૉંગ્રેસ પક્ષ વાઘેલાને બહારના નેતા જ ગણતા હતા અને તેમની પૃષ્ઠભૂમિમાં સંઘના કાર્યકર તરીકે જ તેમની છાપ હોવાનું માનતા હતા.

ડૉ. કાશીકર કહે છે, "કૉંગ્રેસ પક્ષ શંકરસિંહ વાઘેલાનો ઉપયોગ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરી શક્યા હોત પરંતુ તેવું ના બન્યું. કારણ કે જે નેતા પોતાના પક્ષમાં રહીને જ 'વિભીષણ' બની તેમના ધારાસભ્યોને પોતાની સાથે ભેળવી શકતા હોય તેઓ કંઈ પણ કરી શકવા સક્ષમ હોય છે."

કૉંગ્રેસને બાય...બાય...

Image copyright Getty Images

વર્ષ 2017ની ચૂંટણી પહેલાં વાઘેલાએ કૉંગ્રેસ સાથે છોડા ફાડી નાખ્યો અને પોતાનો નવો પક્ષ રચ્યો જેનું નામ આપ્યું 'જન વિકલ્પ મોરચા.'

કૉંગ્રેસમાંથી છૂટા થવાના કારણ અંગે પ્રોફેસર ધોળકિયા જણાવે છે, "વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે વાઘેલા ઇચ્છતા હતા કે ગુજરાતમાં જે પણ ટિકિટોની વહેંચણી કે નિર્ણયો લેવાય તે તેમની મરજી મુજબ લેવાય."

"પરંતુ કેન્દ્રમાંથી તે સમયે નિર્ણય લીધો હતો કે ચૂંટણીલક્ષી દરેક કાર્ય એક સામૂહિક સંગઠનની મંજૂરીથી લેવાય. હાઇકમાન્ડના આ નિર્ણયથી વાઘેલા ખૂબ નારાજ થયા."

આ વાતમાં વધુ એક અધ્યાય ઉમેરતા ડૉ. કાશીકર જણાવે છે કે વાઘેલાએ તેમના મુખ્ય મંત્રીના એક વર્ષના કાર્યકાળમાં જે ધડાધડ નિર્ણયો લીધા હતા તેનાથી સ્થાનિક સ્તરે કૉંગ્રેસી નેતાઓ તેમનાથી નારાજ હતા.

કાશીકર કહે છે, "વાઘેલાના એક પછી એક નિર્ણય લેવાથી કૉંગ્રેસને ફાળ પડી ગઈ કે જો આવી જ રીતે વાઘેલા સત્તા પર રહીને શાસન ચલાવશે, તો આગળ જતા મુશ્કેલી પડશે."

"બીજું કે તે સમયે સીતારામ કેસરીને ખજાનચીમાંથી પાર્ટી અધ્યક્ષ બનાવ્યા હતા. કેસરીને અને વાઘેલાને વ્યક્તિગત મતભેદો હતા કારણ કે વાઘેલા પક્ષમાં કોઈનું માનતા જ નહોતા."

"તેમણે ઉપર ફરિયાદ કરી કે વાઘેલાની મહત્ત્વકાંક્ષા કૉંગ્રેસને લઈ ડૂબશે. ત્યારબાદ સરકારે તેમનો ટેકો પાછો ખેંચી લીધો અને વાઘેલાની સરકાર પડી ભાંગી."

2019ની ચૂંટણી અને 'બાપુ'

Image copyright Shankersinh Vaghela/Facebook

કૉંગ્રેસમાંથી જુદા થયા બાદ તેમણે નવો પક્ષ 'જન વિકલ્પ મોરચા'ની સ્થાપના કરી પરંતુ તે સફળતા મેળવવામાં નિષ્ફળ ગયો.

હાલમાં શંકરસિંહ વાઘેલા પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે એનસીપીમાં જોડાછે એવું પ્રોફેસર ધોળકિયાનું માનવું છે.

તેઓ કહે છે કે આગામી લોકસભા ચૂંટણીમાં એનસીપી કદાચ બાપુને કોઈ એક બેઠક પરથી ટિકિટ આપી શકે છે.

બીજી તરફ ડૉ. કાશીકરનું કહે છે, "શંકરસિંહ વાઘેલા તેમની રાજકીય મહત્ત્વકાંક્ષા સંતોષવા માટે એનસીપીમાં જોડાયા છે."

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને વાઘેલા કેટલું નુકસાન કરી શકે તે અંગે કાશીકર કહે છે કે 'બાપુ' આગામી ચૂંટણીમાં ભાજપને કોઈ નુકસાન નહીં કરી શકે કારણ કે તેમની રાજનીતિના પત્તા હવે ખુલ્લા પડી ગયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ