યોગીની ડૂબકી પર થરૂરનો કટાક્ષ : 'ગંગા સ્વચ્છ પણ રાખવી છે અને પાપ પણ અહીં જ ધોવાં છે'

યોગી આદિત્યનાથ Image copyright TWITTER/UP TOURISM

પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરે કુંભ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સંગમમાં ડુભકી અને ગંગા નદીની સફાઈ અંગે કટાક્ષ કર્યો છે.

શશિ થરૂરે યોગી આદિત્યનાથની નદીમાં ડૂબકી લગાવતી તસવીર ટ્વીટ કરતા લખ્યું, "ગંગા સ્વચ્છ પણ રાખવી છે અને અહીં જ પાપ પણ ધોવા છે. આ સંગમમાં બધા જ નાગા છે. જય ગંગા મૈયા કી!"

જોકે શશિ થરૂરનો આ કટાક્ષ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી સાથેસાથે તેમની કૅબિનેટ પર પણ છે, કારણકે આ તસવીરમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સાથેસાથે તેમની કૅબિનેટ પણ દેખાય છે.

મુખ્ય મંત્રી યોગી મંગળવારે કૅબિનેટના મંત્રીઓ સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. પહેલા તેમને સંગમના કિનારે વિશેષ વ્યવસ્થા અંતર્ગત મિટિંગ કરી અને પછી સંગમમાં ડૂબકી લગાવી.

સંગમના તટ પર થયેલી કૅબિનેટ બેઠક બાદ મુખ્ય મંત્રી યોગીએ મેરઠથી પ્રયાગરાજ સુધી ગંગા એક્સપ્રેસ વે ની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું કે ગંગા એક્સપ્રેસ વેનો પડતર ખર્ચ 36 હજાર કરોડ જેટલો હશે અને આ એક્સપ્રેસ વે 600 કિલોમિટલ લાંબો બનશે, જે વિશ્વનો સૌથી મોટો એક્સપ્રેસ વે હશે.

આ એક્સપ્રેસ વે અમરોહા, બુલંદશહર, બદાયૂં, શાહજહાંપુર, રાયબરેલી અને ફતેહપુરને પ્રયાગરાજ સાથે જોડશે.

Image copyright Twitter

યોગીએ કુંભ સાથે જોડાયેલા અનેક ટ્વીટ કર્યા છે.. તેમાંથી એકમાં તેમણે લખ્યું, "ઐતિહાસિક કુંભ, પ્રયાગરાજમાં આજે પવિત્ર સંગમ તટ પર પૂજ્ય સંત મહાત્માઓ અને પ્રદેશ સરકારની મંત્રી પરિષદના સભ્યો સાથે સ્નાન કરી પૂજા તથા આરતી કરી."

જોકે આ દરમિયાન યોગીએ ગંગા સફાઈ અભિયાનના વખાણ પણ કર્યા. તેમણે કહ્યું, "ગઈ વખતે કુંભમાં મૉરિશસના વડા પ્રધાને ગંદકીના કારણે આચમન સુદ્ધાં નહોતું કર્યું, જ્યારે આ વખતે વડા પ્રધાન પ્રવિંદ જગન્નાથ સ્નાન કરીને ગયા છે."

એક તરફ યોગી ગંગાની સફાઈના વખાણ કરી રહ્યા છે ત્યાં રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ પણ જ્યારે કુંભ સ્નાન માટે પહોંચ્યા ત્યારે મેલી ગંગા અંગે કટાક્ષ કરવાનું ન ચૂક્યા.

તેમણે કહ્યું કે જ્યારે સમાજવાદીઓને તક મળશે ત્યારે જ આની સફાઈ કરાશે.

અખિલેશે સંગમ પર યોગીના મંત્રીમંડળની બેઠક પર પણ નિશાન સાધતા કહ્યું કે ભલે કૅબિનેટ બેસી જાય પણ જો એનાથી ખેડૂતોનું સારું ન થતું હોય તો બધું જ બેકાર છે.

આ પહેલાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ મકર સંક્રાતિના દિવસે પહેલા શાહી સ્નાન દરમિયાન ડૂબકી લગાવી હતી. તેની તસવીર પણ તેમણે ટ્વિટર પર શેર કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રિયંકાના આવવાની પણ ચર્ચા

હવે એવી પણ ચર્ચા છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમનાં બહેન પ્રિયંકા ગાંધી પણ અહીં પહોંચી શકે છે.

એવું ચર્ચાઈ રહ્યું છે કે પ્રિયંકા ગાંધી કુંભમાં આસ્થાની ડૂબકી સાથે તેમની રાજકીય કારકિર્દી શરૂ કરશે.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમનાં બહેન પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે. અહીંની 32 બેઠકો પર કૉંગ્રેસનું નેતૃત્વ પ્રિયંકા ગાંધીની જવાબદારી રહેશે.

બીજી તરફ અખાડા પરિષદે કહ્યું છે કે પ્રિયંકાને અહીં સાધુ સંતોના આશિર્વાદ મળશે.

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરી મહારાજે સાથેસાથે એવું પણ કહ્યું કે પ્રિયંકા ગાંધીનાં દાદી ઇંદિરા ગાંધી પણ દર વખતે કુંભમાં પ્રયાગરાજ આવતાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો