વડા પ્રધાન મોદીએ કાર્યક્રમમાં PUBG ગેમનો ઉલ્લેખ શા માટે કર્યો?

ગેમ Image copyright PubG

બાળકોમાં હાલ PUBGનો ટ્રૅન્ડ આસમાને ચઢેલો છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ દરમિયાન આ ગેમનો ઉલ્લેખ કર્યો અને દર્શકોમાંથી તાળીઓનો ગળગળાટ સંભળાયો હતો.

બાળકોમાં ચાલી રહેલા ટ્રૅન્ડની નરેન્દ્ર મોદીને જાણ હોવાથી દર્શકોએ તેમની પ્રશંસા પણ કરી હતી.

વાત એમ છે કે એક માતાએ કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે પહેલાં મારું બાળક ભણવામાં હોંશિયાર હતું. શિક્ષકો તેના વખાણ કરતા હતા, પરંતુ હવે તે વધારે સમય ઑનલાઇન ગેમિંગમાં પસાર કરે છે.

ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માતાને અનુસરીને કહ્યું, 'શું આ બાળક PUBG વાળું છે?'

લોકોમાં જેમ વિવિધ પ્રકારનું વ્યસન જોવા મળે છે તેવી જ રીતે હાલ PUBG ગેમ બાળકોમાં અને યુવાનોમાં વ્યસન જેવું કામ કરી રહી છે તેવું માતાપિતાની વાતો પરથી કહીં શકાય.

આ ઘટના બાદ જ સોશિયલ મીડિયામાં વડા પ્રધાનની આ વાત ચર્ચાનો વિષય બની હતી. નીચેના વીડિયોમાં તમે સમગ્ર ઘટના જોઈ શકો છો.


PUBG ગેમ શું છે?

Image copyright PubG

PUBG(પ્લેયર્સ અનનૉન બૅટલગ્રાઉન્ડ) એક જાણીતી મોબાઇલ ગેમ છે. વિશ્વભરના કરોડો લોકો આ ગેમથી આકર્ષાયા છે. આ ગેમના ચાહકોમાં ભારતના યુવાનો અને બાળકોની મોટી સંખ્યા છે.

માર્ચ 2017માં PUBG ગેમ રિલીઝ થઈ હતી. જાપાનની થ્રિલર ફિલ્મ 'બૅટલ રૉયલ' પરથી પ્રભાવિત થઈને આ ગેમ બનાવાઈ છે.

PubG ગેમમાં 100 ખેલાડીઓ પૅરાશૂટ લઈને ટાપુ પર જાય છે, હથિયારો શોધે છે અને છેલ્લે એક જ વ્યક્તિ બચે ત્યાં સુધીને એકબીજાને મારે છે.

આ ગેમને એક, બે, ત્રણ કે ચાર લોકો એક સાથે એક ટીમમાં રમી શકે છે. ગેમમાં 8X8 કિલોમિટરનું બૅટલફિલ્ડ છે.

આ ગેમમાં હથિયારો, વાહનો વગેરેનો ઉપયોગ કરી અંતિમ સુધી જીવતા રહેનારને વિજેતા જાહેર કરવામાં આવે છે.

ગેમ રમનાર લોકોના પ્રમાણે આ ગેમના ફીચર્સ અને ગ્રાફિક્સ ખૂબ જ સારાં છે. આ રમતને દૂર રહેતા મિત્રો સાથે એક ગ્રૂપ બનાવી રમી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો