બજેટ 2019 : માત્ર ત્રણ જ શબ્દોમાં સમજો સરકારનું બજેટ

બજેટ Image copyright Getty Images

'બજેટ' નામનો શબ્દ ભારતના બંધારણમાં લખવામાં આવ્યો નથી. બંધાણમાં બજેટ માટે 'વાર્ષિક નાણાકીય નિવેદન' એવા શબ્દો વપરાયા છે.

સરકારને લોકો ચૂંટે છે માટે સરકાર કેટલી આવક ક્યાંથી અને કેવી રીતે મેળવે છે અને કેવી રીતે એ નાણાં ખર્ચે છે એ જાણવું એ દરેક નાગરિકનો અધિકાર છે.

આથી સરકારના કામકાજમાં પારદર્શિતા ઊભી થાય છે અને તેથી સરકાર પર યોગ્ય રીતે ખર્ચ કરવાનું દબાણ ઊભું થાય છે.

ભારત સરકારનું વર્ષ 2018-19નું બજેટ 24.42 લાખ કરોડ રૂપિયાનું હતું અને હવે 2019-20નું બજેટ સંપૂર્ણ રીતે થવાનું નથી પણ લેખાનુદાન રૂપે રજૂ થવાનું છે.

તેનું કારણ એ છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તેથી બજેટ લોકસભામાં પસાર થાય તેટલો સમય બાકી બચતો નથી.

પરિણામે બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર લેખાનુદાન રજૂ થશે.

'લેખાનુદાન'નો અર્થ એ છે કે સરકાર આખા નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ ના કરે અને બે-ત્રણ કે ચાર માસ માટે ખર્ચની આગોતરી મંજૂરી માંગી લે અને એ પછી સમય પૂરો થાય તે પહેલાં સરકાર આખા વર્ષનું બજેટ રજૂ કરે છે.

બજેટને સમજવા માટે કેટલાક મહત્ત્વના શબ્દો સમજવા જરૂરી છે:


1. મહેસૂલી ખાધ

Image copyright Getty Images

મહેસૂલી ખર્ચ એટલે એવો ખર્ચ કે જે સરકાર પગાર, પેન્શન, સરકારી મિલકતોના નિભાવ, યોજનાઓ, વહીવટ વગેરે પાછળ ખર્ચે છે.

આ ખર્ચ એટલે સરકાર ચલાવવાનો ખર્ચ કહી શકાય. આ ખર્ચ જ બજેટમાં સૌથી વધારે હોય છે.

આ ખર્ચ જો મહેસૂલી આવક કરતાં વધારે હોય તો મહેસૂલી ખાધ ઊભી થાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મહેસૂલી આવક એટલે કરવેરાની આવક અને કરવેરા સિવાયની આવક.

કરવેરાની આવક જુદાજુદા વેરામાંથી ઊભી થાય છે. એ વેરા પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે હોય છે.

પ્રત્યક્ષ વેરા એટલે વ્યક્તિઓની આવક પરનો વેરો, કંપનીના નફા પરનો વેરો, શૅરબજાર કે અન્ય બજારોના સોદા પરનો વેરો.

કરવેરા સિવાયની આવક એટલે સરકાર જે ફી, દંડ, વ્યાજ, ભાડું, ચાર્જ વગેરે વસૂલે છે તેની આવક.

સામાન્ય રીતે કરવેરાની આવક જ કરવેરા સિવાયની આવક કરતાં વધારે હોય છે.

હવે જો મહેસૂલી ખાધ ઊભી થાય છે તો તેનો અર્થ એમ થાય કે મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધારે છે અને સરકાર પોતે એટલી આવક પ્રાપ્ત કરતી નથી કે જેટલી સરકાર ચલાવવા માટેનો ખર્ચ થાય છે.


3. ખાધ

Image copyright Getty Images

બજેટમાં ખાધ હોય તેનો અર્થ એ છે કે સરકારની આવક સરકારના ખર્ચ કરતાં વધારે છે.

ખાધના આમ તો પાંચ પ્રકાર છે પણ તેમાં બે પ્રકાર મહત્ત્વના છે. રાજકોષીય ખાધ એક મહત્ત્વનો પ્રકાર છે.

રાજકોષીય ખાધ એટલે સરકારની કુલ આવકમાંથી મહેસૂલી આવક બાદ કરવામાં આવે અને સરકારના દેવા સિવાયની મૂડી આવક બાદ કરવામાં આવે.

સરકારની મૂડી આવક એટલે સરકાર પોતાની કંપનીઓની મૂડી શૅરબજારમાં વેચે તો તેનાથી થતી આવક અને એ કંપનીઓ જે ડિવિડન્ડ સરકારને આપે તે.

ઉપરાંત સરકાર જે વ્યાજ તેમની પાસેથી કમાય છે તેનો સમાવેશ પણ તેમાં થાય છે.

રાજકોષીય ખાધનો અર્થ એ છે કે સરકારની કુલ આવક સરકારના તમામ ખર્ચ કરતાં ઓછી છે અને તેથી સરકારે દેવું કરવું જ પડશે.

આમ, સરકાર દેવું લે તે અગાઉ કેટલો ખર્ચ થયો તેની ખબર રાજકોષીય ખાધ પરથી પડે છે અને આવક કેટલી ઓછી છે તેની સમજણ પણ પડે છે.

ખાધનો બીજો પ્રકાર પ્રાથમિક ખાધ છે.

સરકાર જે દેવું દેશમાંથી અને વિદેશમાંથી લે છે તે પણ રાજકોષીય ખાધમાંથી બાદ કરવામાં આવે તો પ્રાથમિક ખાધ મળે છે.

આ ખાધ પૂરવા માટે સરકાર રિઝર્વ બૅન્ક પાસેથી પૈસા લે છે. જેટલા પૈસા સરકાર રિઝર્વ બૅન્ક પાસેથી લે તેટલી ખાધ પુરવણી થઈ કહેવાય.

જેટલી ખાધ પુરવણી થાય તેટલા પ્રમાણમાં દેશમાં નાણાંનો પુરવઠો વધે છે કારણ કે એ રકમ સીધી રિઝર્વ બૅન્ક પાસેથી આવે છે અને જો નાણાંનો પુરવઠો વધે તો ભાવ વધારો થાય છે.

દેશ આઝાદ થયો ત્યારથી ખાધ પુરવણી થતી જ રહી છે.

મહેસૂલી ખાધ સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયાસ થયો છે પણ ભારત સરકાર તેમાં સફળ થઈ નથી. રાજકોષીય ખાધ તો રહે જ છે.


4. જાહેર દેવું

Image copyright Getty Images

સરકારનું દેવું એટલે જાહેર દેવું. જાહેર દેવાના બે ભાગ પડે છે: આંતરિક દેવું અને બાહ્ય દેવું.

આંતરિક દેવું સરકાર દેશના લોકો, બૅન્કો, નાણાં સંસ્થાઓ અને રિઝર્વ બૅન્ક પાસેથી લે છે.

સરકારને દેવું લે પડે છે કારણ કે સરકારની આવક ખર્ચ કરતાં ઓછી છે.

જો સરકારે દેવું ના કરવું હોય તો કરવેરા વધારવા પડે છે.

કરવેરા લોકોને ગમતા નથી અને સરકારને ચૂંટણી હોય તો તે વધુ લાદવા ગમતા નથી. એટલે સરકારને દેવું કરવું જ પડે છે.

બાહ્ય દેવું એટલે દેશની બહારથી સરકાર વિશ્વ બૅન્ક, આઈએમએફ, ન્યૂ ડેવલપમૅન્ટ બૅન્ક વગેરે જેવી સંસ્થાઓ પાસેથી અને વિશ્વની સરકારો પસેથી જે દેવું લે છે તે.

કેટલાક અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે આંતરિક દેવાની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે લોકોનાં નાણાં સરકાર પાસે આવે છે અને સરકાર વાપરે છે અને તે નાણાં પાછાં સરકાર પાસે જ આવે છે.

બાહ્ય દેવું ખતરનાક છે કારણ કે તે મોટે ભાગે અમેરિકન ડૉલરમાં ચૂકવવાનું હોય છે.

દેશનું બાહ્ય દેવું એટલે કે વિદેશી દેવું વધતું જ જાય છે અને એ ખરેખર જ ચિંતાજનક બાબત છે કારણ કે વિદેશી દેવું દૂર કરવા માટે ભારતે વધુ નિકાસ કરવી પડે અને આયાત ઓછી કરવી પડે. આ બાબત ખૂબ જ મુશ્કેલ હોય છે.

આમ તો બજેટ એ દર વર્ષે થતી કવાયત છે પણ જો લોકો બજેટને સમજે તો સરકાર કેવી રીતે ખર્ચ કરે છે તેની સાદી સમજ ઊભી થાય અને સરકારને વધારે યોગ્ય રીતે ખર્ચ કરવાની ખબર પડે.

બજેટ એટલે સરકારની રાજકોષીય નીતિનો અરીસો.

સરકાર આગામી વર્ષમાં શું કરવા માંગે છે તેની ખબર તેનાથી પડે છે અને તેને લીધે સરકારની વિકાસની દિશા કઈ છે તેની પણ જાણકારી પ્રાપ્ત થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો