હું જ્યારે 19 વર્ષનો હતો ત્યારે શુભમનના 10% પણ નહોતો : વિરાટ કોહલી

શુભમાન ગિલની તસવીર Image copyright AFP

ન્યૂ ઝિલૅન્ડ સામેની શ્રેણીમાં ચોથી મેચ શુભમન ગિલ માટે ડૅબ્યૂ મૅચ હતી. આ મેચમાં ગિલ 9 રન જ કરી શક્યા.

પ્રથમ મેચમાં શુભમન ગિલ કંઈ ખાસ પ્રદર્શન ન કરી શક્યા પરંતુ તેમનું અગાઉનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

ભારતને 2019માં અંડર -19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતવવામાં શુભમન ગિલની ભૂમિકા મહત્ત્વની રહી હતી.

આ વર્લ્ડ કપમાં શુભમન ગિલને 'મેન ઑફ ધ ટુર્નામેન્ટ' જાહેર કરવામાં આવ્યા હતા.

તે સિવાય વર્લ્ડ કપમાં જો તેમના પ્રદર્શનની વાત કરીએ તો તેમણે સેમિફાઇનલમાં પાકિસ્તાન સામે 102 રન નોંધાવ્યા હતા.

ઉપરાંત બાંગ્લાદેશ સામે 86 રન, ઝિમ્બાબ્વે સામે અણનમ 90 રન, ઑસ્ટ્રેલિયા સામે 63 રન નોંધાવ્યા ફટકાર્યા હતા.

વિરાટ કોહલીએ શુભમન ગિલ વિશે કહ્યું હતું કે, ''મેં જ્યારે શુભમનને નેટ પ્રૅક્ટિસ કરતા જોયો ત્યારે તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો. હું જ્યારે 19 વર્ષનો હતો ત્યારે તેનો 10% પણ નહોતો."


કોણ છે શુભમન ગીલ?

Image copyright Getty Images

રાઇટ હેન્ડ ટૉપ ઑર્ડર બૅટ્સમૅન પંજાબના શુભમન ગિલ મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતા છે.

પંજાબ તરફથી 2017માં રણજી ટ્રોફિમાં ડૅબ્યૂ કરનારા ગિલે તેમની પહેલી જ મેચમાં અડધી સદી ફટકારી હતી.

જે બાદની મેચમાં જ તેમણે 129 રનની ઇનિગ રમી હતી. જેથી તેમની ગણના ધુંવાધાર બૅટ્સમૅનમાં થવા લાગી હતી.

2014માં પંજાબમાં રમાયેલી ઇન્ટર ડિસ્ટ્રીક અંડર-16 ટૂર્નામેન્ટમાં 351 રનની લાંબી ઇનિગ પણ તેઓ રમી ચૂક્યા છે.

ઉપરાંત તેમના નામે નિર્મલસિંઘ સાથે 587 રનની ઑપનિંગ ઇનિંગ રમવાનો પણ રૅકૉર્ડ પણ નોંધાયેલો છે.

અંડર-16માં પંજાબ તરફથી વિજય મર્ચન્ટ ટ્રૉફિમાં ડૅબ્યૂ કરી તેમણે અણનમ બેવડી સદી ફટકારી હતી.

બીસીસીઆઈ તરફથી તેમને બૅસ્ટ જૂનિયર ક્રિકેટરનો ઍવૉર્ડ પર એનાયત કરવામાં આવ્યો હતો.

એવૉર્ડ લેતી વખતે તેમણે કોહલી સાથે સ્ટેજ શૅર કર્યું હતું.

તેમણે સતત બે વર્ષ 2013-14 અને 2014-15 માટે આ ઍવૉર્ડ જીત્યો હતો.


શુભમનનાં માતા સાથે બીબીસીની ખાસ વાતચીત

Image copyright SOCIAL MEDIA
ફોટો લાઈન શુભમન ગિલ પોતાના માતા કીરત ગિલ સાથે

બીબીસી હિન્દીનાં સંવાદદાતા સૂર્યાંશી પાંડેએ શુભમનનાં માતા કિરત સાથે વાત કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું, "અમે પંજાબના ફઝિલ્કા જિલ્લાના એક ગામમાં રહીએ છીએ.

"મારા પતિ લખવિંદરને ક્રિકેટ જોવાનો શોખ તો છે જ, સાથે જ તેઓ સચિનના ખૂબ મોટા પ્રશંસક પણ છે."

"તેમનું આ ઝનૂન મારા દીકરામાં પણ જોવા મળ્યું. ત્રણ વર્ષની ઉંમરે જ તે ક્રિકેટ રમવા માટે બૅટ શોધવા લાગ્યો હતો."

શુભમનના પિતા લખવિંદરસિંઘ ફઝિલ્કામાં પોતાની જમીન પર ખેતી કરાવે છે.

પરંતુ પોતાના દીકરાના જુસ્સાને યોગ્ય દિશામાં માટે શુભમનનાં માતાપિતાએ ફઝિલ્કા છોડવાનો નિર્ણય કર્યો હતો.

કિરત ગિલના કહેવા પ્રમાણે, ફઝિલ્કામાં ક્રિકેટ માટે કોઈ વ્યવસ્થા નહોતી.

મોહાલી જઈને જ એ ક્ષેત્રમાં આગળ વધી શકાય તેમ હતું. વર્ષ 2007માં તેઓ મોહાલી આવી ગયાં હતાં.


કેવા ખેલાડી છે શુભમન?

Image copyright SOCIAL MEDIA

એ નિર્ણયે જાણે શુભમનના સપનાને પાંખો આપી દીધી.

અંડર-19ના આ બૅટ્સમૅને જ્યારે પહેલી વખત અંડર-16ની વિજય મર્ચન્ટ ટ્રૉફી માટે રમત રમી તો પંજાબ માટે તેમણે 200 રન બનાવ્યા હતા.

એટલું જ નહીં, બીસીસીઆઈ દ્વારા શુભમનને વર્ષ 2013-14 અને 2014-15માં 'બૅસ્ટ જુનિયર ક્રિકેટર'ના પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

અને આઈપીએલની હરાજીમાં આ ખેલાડીના બૅટ પર ભરોસો રાખીને કોલકાતા નાઇટ રાઇડર્સે 1.8 કરોડમાં ખરીદ્યા.


શુભમનના પિતા છે કોચ?

Image copyright SOCIAL MEDIA
ફોટો લાઈન શુભમનના પિતા લખવિંદરસિંઘે મોહાલીમાં પણ શુભમનને ક્રિકેટની તાલીમ આપી હતી

શુભમનની બેટિંગના હુનર વિશે જ્યારે બીબીસીએ તેમનાં માતાને પૂછ્યું તો તેમણે કહ્યું, "શરૂઆતના સમયગાળા દરમિયાન શુભમનને ટ્રેનિંગ માટે મોકલ્યા હતા"

"જોકે, બાળકોની સંખ્યા ખૂબ વધારે હોવાને કારણે કૉચ એક-એક ખેલાડીને માંડ પાંચ મિનિટ આપી શકતા હતા."

"શુભમનના પિતા ફઝિલ્કામાં તેને ક્રિકેટ શીખવતા હતા અને મોહાલી આવીને પણ તેમણે શુભમનને તાલીમ આપવાની જવાબદારી પોતાના શિરે ઉઠાવી લીધી હતી."

લખવિંદરસિંઘ મિત્રના ઘરે નેટ-પ્રેક્ટીસ કરાવવી, ખેતી દરમિયાન બૉલ નાખવા, એમ લગભગ ત્રણથી ચાર કલાક રોજ પ્રેક્ટિસ કરાવતા હતા.

કિરત ગિલ જણાવે છે, "મારા દીકરાના કોચ મારા પતિ છે. તેમણે મારા દીકરાને ટ્રેનિંગ આપવામાં કોઈ કચાશ રાખી નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો