ગુજરાતનો એ પ્રદેશ જ્યાં ગ્રામજનો મગર સાથે રહે છે

મગર Image copyright ANIRUDH VASAVA

ગુજરાતનાં કેટલાંક ગામોમાં ગ્રામજનો ખતરનાક ગણાતા મગરની અડોઅડ જ રહે છે. જાનકી લેનીન આ વિચિત્ર સહઅસ્તિત્વની સ્થિતિ જાણવા માટે આવા જ કેટલાંક ગામોની મુલાકાતે પહોંચ્યાં.

સવારે કપડાં સૂકવતાં સૂકવતાં મહિલાએ મને જણાવ્યું, "મગર 10 વાગ્યાની આસપાસ જ બહાર આવશે."

હું વાઇલ્ડ સફારી પર નીકળી હતી. મલતાજ ગામનાં મહિલાના ઘરના ફળિયામાં હું બેઠી હતી અને ઘરના દરવાજાની સામે જ આવેલા તળાવ પર મારી નજર ઠરેલી હતી.

આમ તો સામાન્ય તળાવ લાગે, પણ તેમાં ઊગેલી વનસ્પતિની વચ્ચે છુપાયેલા હોય છે મગર.

ભારતમાં ત્રણ પ્રકારના ક્રોકોડાઇલ જોવા મળે છે, તેમાંથી આ એક પ્રકારના મગર છે.

આ ઘરની ગૃહિણી તથા તેમના જેવા અન્ય ગ્રામજનો પેઢીઓથી આ રીતે જ મગરની અડોઅડ વસવાટ કરતા રહ્યા છે અને ગ્રામજનો મગરની ટેવોને સારી રીતે જાણે છે.

બીજી કોઈ જગ્યાએ આ રીતે મગર દેખાઈ જાય તો લોકોમાં નાસભાગ મચી જાય, પરંતુ સાબરમતી અને મહી નદીની વચ્ચે આવેલા 4000 ચોરસ કિલોમિટર (1544 ચોરસ માઇલ)માં ફેલાયેલા ચરોતરની વાત જુદી છે.

Image copyright NIYATI PATEL

ચરોતરના 30 ગામોનાં તળાવોમાં લગભગ 200 જેટલા મગરો આ રીતે રહેતા હોવાનું સ્થાનિક એનજીઓ વૉલ્નટરી નેચર કન્ઝર્વન્સીના સર્વેમાં જાણવા મળ્યું છે.

આ વિસ્તારમાં વસતિની ગીચતા દર ચોરસ કિમીએ 600 લોકોની છે.

આ વિસ્તારના લગભગ દરેક તળાવ પાસે મગરથી સાવધાન રહેવા માટેની ચેતવણીના બોર્ડ લગાવેલા છે.

જોકે, ગામના લોકોનું રોજિંદું જીવન આ તળાવોની આસપાસ જ કેન્દ્રિત છે. તેથી ગામના લોકો ચેતવણીની પરવા કર્યા વિના તળાવોમાં તરવા કૂદી પડે છે, ન્હાવા જાય છે, કપડાં ધોવે છે, પશુઓને ધમારવા લઈ આવે છે અને પોયણા, નાળો વગેરે ઉગાડે છે.

મગરો પોતાની રીતે તળાવોમાં વિહરતા રહે છે અને માછલીઓનો શિકાર કરીને પોતાનાં બચ્ચાંને ઉછેરે છે. તેઓ ધરાઈ જાય ત્યારે કિનારે ચડીને તડકામાં પડ્યા રહે, આસપાસ ઊગેલાં ઘાસમાં ફરતા હોય છે અને ઘણી વાર પશુઓ, લોકો અને બાળકોની આવનજાવન હોય તે રસ્તે ફરવા પણ નીકળી પડે છે.

આ રીતે રોજબરોજનું જીવન ચાલતું રહે છે અને મગર અને મનુષ્ય એકબીજાને કનડતા નથી.


મગર વિશે આપણે શું જાણીએ છીએ?

Image copyright BHAUMIKCHA RAJDEEP
  • હિંદીમાં ક્રોકોડાઇલ માટેનો શબ્દ 'મગરમચ્છ' છે તેના પરથી ગુજરાતીમાં 'મગર' શબ્દ આવ્યો છે.
  • મગર મધ્યમ કદના ક્રોકોડાઇલ છે, જેમાં પુખ્ત વયના મગરની લંબાઈ ત્રણથી ચાર મીટરની હોય છે.
  • મગર ભારતીય ઉપખંડમાં મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતા હતા. 1950 અને 1960ના દાયકામાં તેમની વસતિ ઝડપથી ઘટવા લાગી, કેમ કે શિકારીઓ ચામડાં અને માંસ માટે તેમનો શિકાર કરવા લાગ્યા. લોકો તેમનાં ઇંડા શોધીને ખાવા લાગ્યા હતા.
  • મગરને બચાવવા માટેના પ્રયાસો શરૂ કરાયા તે પછી હવે ભારતમાં 3000થી 4200 મગર બચ્યા હોવાનું મનાય છે. પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા અને ઈરાનમાં પણ મગર જોવા મળે છે.
  • સ્થાનિક ભાષામાં ચરોતર એટલે 'સોનાનો ઘડો', કેમ કે ખેડૂતો અહીં ધનધાન્યથી સમૃદ્ધ થયા છે.

અહીં ચારેય તરફ તમાકુનાં ખેતરો જોવા મળે છે, જંગલનું નામોનિશાન જોવા ન મળે. તો પછી મગરો આવ્યા ક્યાંથી?

કેટલાક લોકો કહે છે પહેલાંથી જ તે ચરોતરમાં રહેતા આવ્યા છે. અન્યોનો દાવો છે કે આ વિસ્તારમાં 18મી સદીના પ્રારંભથી ગાયકવાડનું રાજ આવ્યું ત્યારે રાજવીઓએ તળાવમાં મગરો છોડ્યા હતા, જેથી તેનો શિકાર કરી શકાય.

જોકે, આ વાતની ખરાઈ માટે કોઈ ઐતિહાસિક પુરાવા નથી. એક વાત નક્કી છે કે મગરો અહીં ઘણા વખતથી રહેતા આવ્યા છે.

જોકે, ચરોતરના મગરોનું વર્તન સૌથી અનોખું છે. ક્રોકોડાઇલ પ્રજાતિમાં મગર ત્રીજા સૌથી ખતરનાક પ્રાણી છે.

મગરોના હુમલાનો હિસાબ રાખતી ક્રોકબાઇટ (CrocBITE) સંસ્થાના જણાવ્યા અનુસાર, 2018માં વિશ્વમાં 18 લોકોનાં મૃત્યુ મગરના હુમલાથી થયા હતા.

ચરોતરથી 40 કિમી દૂર વિશ્વામિત્રી નદીમાં પણ મગરો છે. આ મગરોએ 2011 અને 2012માં હુમલા કરીને આઠ લોકોને ઘાયલ કર્યા હતા અને બેનાં મોત થયાં હતાં એમ મગરોની બાબતના નિષ્ણાત રાજુ વ્યાસ લખે છે.

સરદાર સરોવર ડૅમમાં રહેતા 300થી 500 મગરોને ત્યાંથી અન્યત્ર ખસેડવાનો નિર્ણય લેવાયો છે, ડૅમમાં સી-પ્લૅન લૅન્ડ થઈ શકે તે માટેનું ટર્મિનલ બનાવવા આવો નિર્ણય લેવાયો છે, પણ તેનાથી ઘણા નિષ્ણાત ચિંતામાં પડ્યા છે.


Image copyright JANAKI LENIN

નિષ્ણાતો કહે છે કે મગરને જ્યાં છોડી દેવામાં આવે ત્યાં તેઓ રહેતા નથી. તે પોતાના મૂળ નિવાસે પરત ફરવા કોશિશ કરતા હોય છે. તેના કારણે માર્ગમાં વચ્ચે નિર્દોષ લોકોનો ભેટો થઈ જાય તો તેમના પર જોખમ ઊભું થઈ શકે છે.

આ વિસ્તારમાં મગર અને મનુષ્ય વચ્ચે થઈ રહેલા સંઘર્ષમાં વધારો થઈ શકે છે.

આની સામે ચરોતરમાં છેલ્લાં 30 વર્ષમાં માત્ર 26 હુમલાના બનાવો થયા હોવાનું વૉલન્ટરી નેચર કન્ઝર્વન્સી સંસ્થાએ નોંધ્યું છે. તેમાંથી આઠ કિસ્સામાં વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી.

2009માં નવ વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું હતું. તે સિવાયના 17 હુમલા પાલતુ પશુઓ પર થયા હતા.

મલતાજમાં વન વિભાગે તળાવના કિનારાની નજીક વાડ કરી છે, જેથી લોકો મગરથી સલામત દૂર રહીને પાણીનો ઉપયોગ કરી શકે.

જોકે, ગામના લોકો કહે છે કે મગરો શાંત છે. તે લોકો આવી વાડ ઇચ્છતા નથી અને તેની જાળવણી પણ થતી નથી.


તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
એક વ્યક્તિ જેમણે પોતાના બગીચામાં આપ્યું 40 કરતાં વધારે મગરને જીવન

વાડ ઘણી જગ્યાએ તૂટી ગઈ છે અને તેમાંથી મગર બહાર આવીને કોઈનો પણ પગ પકડીને ખેંચી શકે છે.

જોકે, દિવસ દરમિયાન ઘણા લોકો તળાવે આવે છે, પણ ક્યારેય મગર એવી રીતે હુમલો કરતા નથી. મગરો પણ મનુષ્યોની હાજરીથી ટેવાઈ ગયા હોય તે રીતે ભાગ્યે જ હુમલો કરે છે.

લોકો મગરનો બચાવ પણ કરતા રહેતા હોય છે.

દાખલા તરીકે પેટલી ગામમાં તળાવના કિનારે રહેતા કુટુંબની બકરીને મગર તાણી ગયો હતો. તેને સ્વીકારીને કુટુંબના વડીલ કહે છે, "એ બકરી એના ભાગ્યમાં લખી હશે. એટલે તે લઈ ગયો."

તેના ઘરની બાજુમાં જ મગરે બનાવેલી બખોલ આવેલી છે. ભરઉનાળે આવી ઊંડી બખોલમાં મગરો પડ્યા રહે છે.

જોકે, ઘણીવાર રસ્તાની નીચે મગર બખોલ બનાવી દે છે, તેના કારણે રસ્તો બેસી જાય તેવો ભય હોય છે.

આવી બખોલને કારણે કિનારે આવેલા ઘરો પર પણ જોખમ હોય છે. મલતાજ ગામમાં હાલમાં જ એક મકાનનું ભોંયતળિયું આના કારણે બેસી ગયું હતું. સદનસીબે કોઈને ઈજા થઈ નહોતી.


Image copyright ROM WHITAKER

આવી મુશ્કેલીઓ છતાં ચરોતરના લોકો પોતાના મગરો માટે ગૌરવ ધરાવે છે. દેવા ગામમાં સૌથી વધુ મગરો છે, પણ મલતાજ ગામના લોકો પોતાને 'મગરોનું ગામ' તરીકે ઓળખાવા માગે છે.

ગામના લોકોએ એક મગરની અંતિમયાત્રા પણ કાઢી હતી અને ખોડિયાર માતાનું મંદિર પણ બાંધ્યું છે.

ખોડિયાર માતા સાથે વાહન તરીકે મગર હોય છે. મલતાજ ગામનાં ઘણાં ઘરોમાં ખોડિયાર માતાની રંગીન છબી ટાંગેલી હોય છે.

મગરો અને મનુષ્યો વચ્ચે સહઅસ્તિત્વનું કારણ માત્ર માતાજી હશે તેમ માની લેવું સરળીકરણ કરવા જેવું થશે. હકીકતમાં ગામના લોકોને પ્રાણીઓ પસંદ છે.

ગામના સરપંચ દુર્ગેશભાઇ પટેલ કહે છે કે તેઓ બીજું તળાવ ખોદાવા માગે છે, જેથી મગરો વધારે મોકળાશથી રહી શકે.

દિવસ ચડવા લાગ્યો તે સાથે મગરો પાણીમાંથી બહાર આવવા લાગ્યા. લગભગ એક ડઝન મેં ગણ્યા અને દૂર બીજા પણ મગરો પણ જોઈ શકાતા હતા.

ગામની બહાર આવેલા બ્રીજ પર લારીમાં ગરમાગરમ ભજિયાં તળાઈ રહ્યાં હતાં. કેટલાક રાહદારીઓ ત્યાં એકઠા થયા હતા.

નીચેના નાળામાં મગર અડધું શરીર બહાર કાઢીને લંબાવીને તડકો ખાઈ રહ્યો હતો. કોઈનું ધ્યાન તેના તરફ નહોતું, કેમ કે તેમના માટે આવું દૃશ્ય રોજિંદું છે.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા