લોકસભા ચૂંટણી 2019 : મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં? કેવી રીતે ચકાસશો?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
મતદારયાદીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

જો આપની પાસે વોટર કાર્ડ હોય તો પણ મતદારયાદીમાં નામ ન હોય એવું બને

લોકશાહી વ્યવસ્થામાં દરેક મત અમૂલ્ય છે, પરંતુ અમુક સંજોગોને કારણે તમે મતાધિકારનો ઉપયોગ ન કરી શકો એવું પણ બની શકે.

મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર એકસાથે મતદાન યોજાઈ રહ્યું છે અને ચાર કરોડ 51 લાખ મતદાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણીપંચ સમયાંતરે મતદારયાદી બહાર પાડે છે, તેમાં આપનું નામ હોય તો પણ શક્ય છે કે કોઈ ભૂલને કારણે તમારું નામ બાકાત થઈ ગયું હોય.

હેલ્પલાઇન નંબર 1950

દર વર્ષે જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ચૂંટણીપંચ દ્વારા National Voters Service Portal પર મતદારયાદી અપલોડ કરે છે.

તમે તમારું નામ અહીં ચેક કરી શકો છો. ceo.gujarat.gov.in મતદાનને લગતી વિવિધ માહિતી મેળવી શકાય છે.

વેબસાઇટ ઉપરાંત હેલ્પલાઇન નંબર 1950 ઉપર કોલ કરીને માહિતી મેળવી શકાય છે. આ નંબર ઉપરથી રાજ્યવાર માહિતી આપે છે.

મતલબ કે જો આપ ગુજરાતના મોબાઇલ નંબર સાથે મુંબઈમાં હો અને 1950 ઉપર માહિતી માગો, તો તમને મહારાષ્ટ્ર વિશે જ માહિતી મળે.

આ સિવાય તમારા મોબાઇલ ઉપરથી 8511199899 ઉપર epic <spcace> <આપનો ચૂંટણીકાર્ડ નંબર> SMS કરો.

મતદાન માટે માન્ય ઓળખપત્રો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

VVPAT, EVM તથા કંટ્રોલ યુનિટની તસવીર

મતદાતા ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPCI)ની કામગીરી ગુજરાતમાં 95 ટકા ઉપર પૂર્ણ થઈ ગઈ છે.

આમ છતાંય વૈકલ્પિક ઓળખપત્રોની યાદી પણ સમયાંતરે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવે છે.

જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, હથિયારનો પરવાનો, રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારી તરીકેનું ઓળખપત્ર, પાસપોર્ટ, આધારકાર્ડ, મનરેગા (મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ઍમ્પલૉઇમૅન્ટ ગેરંટી સ્કીમ) અને પેન્શનના દસ્તાવેજ સહિતનાં ઓળખપત્રોનો સમાવેશ થાય છે.

જો વોટર આઈડી ખોવાઈ જાય તો...

ચૂંટણીપંચ દ્વારા ઓળખપત્ર આપવામાં આવે છે, જે નિઃશુલ્ક હોય છે અને આજીવન માન્ય હોય છે, પરંતુ જો તમારું વોટર આઈડી ખોવાઈ જાય તો રૂ. 25 ભરીને નવા કાર્ડ માટે અરજી કરી શકાય .

આ માટે જરૂરી ફી તથા પોલીસ ફરિયાદ સાથે election registrar officeમાં અરજી આપવાની રહે છે.

આપને આ પણ વાચવું ગમશે

ફૉર્મ સાથે જરૂરી દસ્તાવેજ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન,

ચૂંટણીપંચની પર ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવાની જવાબદારી

જો પૉર્ટલ પર તમારું નામ ન હોય તો સાઇટ ઉપર ફૉર્મ છ ભરીને મોકલી શકો છો.

ફૉર્મ સાથે આપે માત્ર ત્રણ દસ્તાવેજ આપવાના રહે છે, જેમાં તમારા રંગીન ફોટોગ્રાફ, ઉંમરનો પુરાવો (જેમ કે, ધો-10ની માર્કશીટ) અને રહેણાકનો પુરાવો (જેમ કે, રૅશનકાર્ડ, ફોન-વીજળીનું બિલ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે આધારકાર્ડ.)

આ ફૉર્મ ઑનલાઇન પણ જમા કરાવી શકાય છે. ત્યાં આપ વોટર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરો.

સૌપ્રથમ સાઇનઅપ કરો અને તમારાં યૂઝરનેમ તથા પાસવર્ડ દાખલ કરો.

ત્યાં આપના રંગીન ફોટોગ્રાફ સાથે ઉંમર અને રહેણાકને લગતા દસ્તાવેજ અપલોડ કરો.

ઑવરસીઝ વોટર માટે

ઇમેજ સ્રોત, https://www.nvsp.in

ઇમેજ કૅપ્શન,

અન્ય દેશનું નાગરિકત્વ નહીં સ્વીકારનાર ભારતીય મતદાન કરી શકે

અભ્યાસ, નોકરી કે અન્ય કારણસર વિદેશમાં વસતાં ભારતીયો ઑવરસીઝ વોટર તરીકે નામ દાખલ કરાવી શકે છે. આ માટે તેમણે ફૉર્મ 6- A ભરવાનું હોય છે.

આ ફૉર્મ ઑનલાઇન ભરી શકાય છે, તેમાં નામ, અટક, જન્મતારીખ, ભારતમાં રહેતા સંબંધી, તેમની સાથેનો સંબંધ, જન્મસ્થળ, લિંગ, મોબાઇલ નંબર, ઈ-મેલ આઈડી, પાસપોર્ટ, જે-તે દેશના વિઝાની વિગતો, વિઝાના પ્રકાર, વિઝા આપ્યાની તારીખ, વિઝાની મુદ્દત વગેરે જેવી વિગતો ભરવાની રહે છે.

મતદાતાએ ઘોષણા કરવાની રહે છે કે તેમણે અન્ય કોઈ દેશનું નાગરિકત્વ નથી લીધું.

આ સિવાય તેમણે ફોટોગ્રાફ તથા પાસપૉર્ટના પેઇજીસ અપલોડ કરવાના રહે છે.

વેબસાઇટ ઉપરથી જ આપને તમારા બૂથ તથા બૂથ સ્તરના અધિકારી વિશે પણ માહિતી મળી રહેશે.

ગુજરાતમાં ગત વખતે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

સામાન્ય રીતે સામાન્ય ચૂંટણી, વિધાનસભા ચૂંટણી કે પેટા-ચૂંટણી પહેલાં ચૂંટણીપંચ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નવા મતદાતાના નામની નોંધણી માટે અભિયાન હાથ ધરવામાં આવે છે.

સામાન્ય રીતે એક મહિનામાં ઇલેક્શન કાર્ડ તૈયાર થઈ જાય છે. આમ છતાંય આપ ચૂંટણીના બે માસ પૂર્વે જ મતદાતા તરીકે નામ નોંધણી કરવાની તજવીજ હાથ ધરી દે તે ઇચ્છનીય છે.

ઑનલાઇન રજિસ્ટ્રેશનના વિકલ્પ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

ચૂંટણી કાર્ડ સિવાયના માન્ય ઓળખપત્રો દ્વારા પણ મતદાન શક્ય

જો ફૉર્મ અપલોડ ન થાય અથવા તો તમે ઑનલાઇન પ્રક્રિયા ન કરવા માગતા હો તો વિકલ્પ રૂપે ફૉર્મ છ અને ઉપરોક્ત દસ્તાવેજો Electoral Registration Officer પાસે જમા કરાવવાના રહે છે.

અન્ય એક વિકલ્પ Voters Registration Centre ખાતે જરૂરી દસ્તાવેજમા કરાવવાનો વિકલ્પ પણ રહલો હોય છે.

બૂથ સ્તરના અધિકારી તમારા ઘરે વૅરિફિકેશન માટે આવશે. જો એ સમયે તમે ઘરે ન હો તો પરિવારજનો કે પાડોશીઓ સાથે વાતચીત કરીને ખરાઈની પ્રક્રિયા પૂર્ણ કરી લેશે.

કેટલીક વખત ઑનલાઇન ફૉર્મ જમા કરાવ્યા બાદ પણ Election Registrar Office ખાતે કાગળિયા જમા કરાવવા રૂબરૂ પણ જવું પડે છે.

રૂબરૂ ઍપ્લિકેશન આપ્યા બાદ તમને ઍપ્લિકેશન આઈડી મળશે, જેના આધારે તમે વેબસાઇટ ઉપરથી તમારી અરજીનું સ્ટેટસ ચકાસી શકો છો.

નામ દાખલ થયે આપના સરનામે લેટર આવશે અથવા તો નોંધાવેલા મોબાઇલ નંબર ઉપર SMS (શોર્ટ મૅસેજ સર્વિસ) આવશે.

મતદાતાયાદીમાં નોંધણી માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત

ઇમેજ સ્રોત, Getty Images

મતદાતા બનવા માટે આપ ભારતનું નાગરિકત્વ ધરાવતા હોવા જોઈએ. ઉપરાંત પહેલી જાન્યુઆરી 2019ના દિવસે તમારી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ.

આપ એક જ વિસ્તારમાં મતદાતા તરીકે નામ દાખલ કરાવી શકો છો.

આથી, જો તમારું રહેણાક બદલો તો પહેલાં જૂના રહેણાક વિસ્તારમાંથી નામ કઢાવીને નવા વિસ્તારમાં નામ દાખલ કરાવડાવો.

જો કોઈ ભૂલ હોય તો...

ઇમેજ સ્રોત, Getty Images

મતદારયાદીમાં તમારું નામ હોય, પરંતુ લિંગ, ઉંમર, નામ કે અન્ય કોઈ બાબતમાં સુધાર કરાવવા ઇચ્છતા હો તો ફૉર્મ 8 ભરો.

જો આપે રહેણાક બદલ્યું હોય અને નામ ટ્રાન્સફર કરાવવા ઇચ્છતા હો તો પણ ફૉર્મ છ ભરો.

જો આપને એવું લાગતું હોય કે અમુક લોકોના નામ મતદારયાદીમાં ન હોવા જોઈએ તો ફૉર્મ -7 ભરી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો