દિલ્હી વિધાનસભા ચૂંટણી : શું EVMને હૅક કરવું શક્ય છે?

  • સૌતિક બિસ્વાસ
  • બીબીસી સંવાદદાતા

આજે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.

આ જટિલ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા એ આધારે નક્કી થાય છે કે ચૂંટણી માટે આપવામાં આવેલા મતોની ગણતરીની પ્રક્રિયા કેટલી ચોક્કસ છે.

ભારતની ચૂંટણીઓના ઇતિહાસની વાત કરીએ તો ઈવીએમનો ઉપયોગ શરૂ થયો એ પહેલાં દેશભરમાં અલગઅલગ સ્તર પર થતી ચૂંટણીઓમાં મતદાનકેન્દ્રો ઉપર હુમલા, મતપેટીઓમાં મત ભરવા જેવી ઘટનાઓ ઘટી છે.

આ હુમલા રાજકીય પાર્ટીઓ માટે કામ કરતાં અસામાજિક તત્ત્વો કરતાં હોવાનું પણ અગાઉ પ્રકાશમાં આવ્યું છે.

પરંતુ નવી સદીના આગમનની સાથે જ ચૂંટણીઓમાં ઈવીએમના પ્રયોગ થવા લાગ્યો અને આવી ઘટનાઓ વીતી ગયેલા વખતની વાત બની ગઈ.

જો કે, વખતોવખત આ મશીનોની પ્રમાણિકતા પર સવાલો ઉદ્ભવ્યા છે. ઘણી વખત ચૂંટણી હારનારી પાર્ટીઓ આક્ષેપ કરે છે કે આ મશીનોને હૅક કરી શકાય છે.

વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીઓમાં હવે ફક્ત જૂજ સપ્તાહ બાકી છે અને આ મશીનો ઉપર એક વાર ફરીથી સવાલો ઊઠવાના શરૂ થઈ ગયા છે.

અમેરિકાના હૅકરનો દાવો

અમેરિકા સ્થિત એક હૅકરે દાવો કર્યો કે વર્ષ 2014ની ચૂંટણીમાં મશીનોને હૅક કરવામાં આવ્યાં હતાં.

જે ચૂંટણીમાં બીજેપીના નેતૃત્વવાળા ગઠબંધને ભારે બહુમત સાથે જીત નોંધાવી હતી.

જોકે, ભારતીય ચૂંટણી કમિશને આ દાવાઓનું ખંડન કર્યું છે, પરંતુ આ મશીનોમાં તકનીકના ઉપયોગને લઈને આશંકાઓ જાહેર કરવામાં આવી છે.

ભારતની અલગઅલગ અદાલતોમાં આ મુદ્દા પર ઓછામાં ઓછા સાત કેસ ચાલે છે, પરંતુ ચૂંટણીપંચ દરેક પ્રસંગે આ મશીનોને હૅકિંગ-પ્રૂફ ગણાવતું આવ્યું છે.

ભારતની ચૂંટણીમાં 16 લાખ ઈવીએમ ઉપયોગમાં લેવાય છે અને આવા પ્રત્યેક મશીનમાં વધુમાં વધુ 2000 મત રજિસ્ટર થઈ શકે છે.

કોઈ પણ મતદાનકેન્દ્ર પર નોંધાયેલા મતદારોની સંખ્યા 1500 અને ઉમેદવારોની સંખ્યા પણ 64થી વધુ નથી હોતી. ભારતમાં બનેલાં આ મશીનો બૅટરીથી ચાલે છે.

આ મશીનો એ વિસ્તારોમાં પણ ચાલી શકે છે ,જ્યાં વીજળી ઉપલબ્ધ ન હોય. આ મશીનોના સોફટવૅરને એક સરકારી કંપની સાથે જોડાયેલા ડિઝાઇનરોએ બનાવ્યું હતું.

ચૂંટણી પંચ મુજબ, આ મશીનો અને તેમાં નોંધાયેલા રેકૉર્ડ્સને કોઈ પણ બહારના જૂથ સાથે શૅર કરાતું નથી.

કેવી રીતે કામ કરે છે આ મશીનો

મતદારોને વોટ કરવા માટે એક બટન દબાવવાનું હોય છે.

મતદાન અધિકારી પણ એક બટન દબાવીને મશીન બંધ કરી શકે છે, જેથી મતદાનમથક ઉપર હુમલો થવાની સ્થિતિમાં જબરજસ્તીથી નાખવામાં આવનારા મતોને અટકાવી શકાય.

મતદાન સાથે સંલગ્ન રેકૉર્ડ્સ રાખનારાં મશીન ઉપર મીણનું આવરણ ચઢેલુ હોય છે. આ સાથે જ આમાં ચૂંટણી પંચ તરફથી આવનારી એક ચીપ અને સિરિયલ નંબર હોય છે.

આ મશીનનો અત્યાર સુધી 113 વિધાનસભા ચૂંટણીઓમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મશીનના પ્રયોગથી મતગણતરીનું કામ બહુ ઝડપથી થાય છે.

એક લોકસભા બેઠક માટે અપાયેલા મતોને ફક્ત ત્રણથી પાંચ કલાકમાં ગણી શકાય છે, જ્યારે બૅલટપેપરના સમયમાં આ જ કામ કરવામાં 40 કલાક જેટલો સમય લાગતો હતો.

આ સાથે જ મશીન ખોટા મતોને જુદા પાડી દે છે, જેનાથી એવા મતોને ગણવામાં લાગતા સમય અને ખર્ચમાં ખાસ્સો ઘટાડો થયો છે.

આ વિષય ઉપર થયેલા સંશોધનમાં બહાર આવ્યું છે કે વોટિંગ મશીનોના ઉપયોગથી ચૂંટણીમાં કૌભાંડો અને માનવીય ભૂલોમાં ઘટાડો થયો છે જેનાથી લોકતંત્રને લાભ થયો છે.

સંશોધકો શિશિર દેબનાથ, મુદિત કપૂર અને શામિકા રવિએ વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીઓ સાથે સંબધિત આંકડાઓ ઉપર સંશોધન કરીને વોટિંગ મશીનની અસર ઉપર એક સંશોધન પેપર પ્રસ્તુત કર્યું હતું.

આ સંશોધકોએ પોતાના સંશોધન દરમિયાન નોંધ્યું કે વોટિંગ મશીનના ઉપયોગથી ચૂંટણીમાં થતા ગોટાળાઓમાં ઘટાડો થયો છે ,જેનાથી ગરીબોને સરળતાથી મતદાન કરવામાં મદદ મળી છે અને ચૂંટણીઓ વધુ પ્રતિસ્પર્ધી બની છે.

આ સંશોધકોને એ પણ માલુમ થયું છે કે ઈ-વોટિંગને લીધે અગાઉના સત્તાધારી દળોના વોટ શૅરમાં ઘટાડો થયો છે.

શું હૅકિંગ સંભવ છે?

ચૂંટણીપંચ મશીન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનો દાવો કરતું આવ્યું છે. પરંતુ વખતોવખત આ મશીનોના હૅક થવાની આશંકાઓ પણ બહાર આવી છે.

આઠ વર્ષ પહેલાં, અમેરિકાની મિશિગન યુનિવર્સિટી સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ એક ડિવાઇસને મશીન સાથે જોડીને બતાવ્યું હતું કે મોબાઇલથી સંદેશો મોકલીને મશીનનાં પરિણામોને બદલી શકાય છે.

જો કે ભારતની સત્તાવાર સંસ્થાઓએ આ દાવાને નકારતા કહ્યું હતું કે મશીન સાથે છેડછાડ કરવાનું તો દૂર, આવું કરવા માટે મશીન મેળવવું જ મુશ્કેલ છે.

તો, મૅસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી સાથે જોડાયેલા નિષ્ણાત ધીરજ સિન્હા માને છે કે લાખો વોટિંગ મશીનોને હૅક કરવા માટે ઘણાં વધારે ધનની જરૂર પડે અને એવું કરવા માટે આ કામમાં મશીનનિર્માતા અને ચૂંટણી કરાવનાર સંસ્થાનું સામેલ હોવું જરૂરી છે, એ માટે એક બહુ જ નાની રિસિવર સર્કિટ અને એક એંટીનાને મશીનની સાથે જોડવાની જરૂર પડે જે 'માનવીય આંખોથી દેખાશે નહીં'.

તેઓ કહે છે કે વાયરલેસ હૅકિંગ કરવા માટે મશીનમાં એક રેડિયો રિસિવર હોવું જોઈએ જેમાં એક ઇલેક્ટ્રૉનિક સર્કિટ અને ઍંટિના હોય છે.

ચૂંટણીપંચનો દાવો છે કે ભારતીય વોટિંગ મશીનોમાં આવી કોઈ સર્કિટ નથી. ઓછા શબ્દોમાં કહીએ તો આટલા વ્યાપક સ્તર ઉપર હૅકિંગ કરવું લગભગ અશક્ય બને.

દુનિયાના વોટિંગ મશીનોની સ્થિતિ

દુનિયામાં લગભગ 33 દેશોએ કોઈને કોઈ પ્રકારે ઇલેક્ટ્રૉનિક વોટિંગની પ્રક્રિયાને અપનાવી છે અને એ મશીનોની પ્રમાણિકતા ઉપર સવાલો ઊઠ્યા છે.

વેનેઝુએલામાં વર્ષ 2017ની ચૂંટણીઓમાં અપાયેલા મતોની કુલ સંખ્યા કહેવાતી રીતે અસલ સંખ્યાથી દસ લાખ વધુ નીકળી. જો કે, સરકાર તે નકારે છે.

આર્જેન્ટિનાના રાજનેતાઓએ આ જ વર્ષે મતોની ગુપ્તતા અને પરિણામોમાં છેડછાડની આશંકાઓ વ્યક્ત કરતા ઈ-વોટિંગ કરાવવાની યોજનાથી મોં ફેરવી લીધું છે.

ઇરાકમાં વર્ષ 2018માં થયેલી ચૂંટણીઓ પછી ઇલેક્ટ્રિક વોટિંગ મશીનોમાં ગડબડના સમાચાર પછી મતોની આંશિક ગણતરી ફરીથી કરાવવામાં આવી હતી.

ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કાંગોમાં ઈ-વોટિંગ પહેલાં મશીનોના ટેસ્ટિંગ નહીં કરાયાના સમાચારો બહાર આવ્યા પછી ઈ-વોટિંગ મશીનો વિવાદનો વિષય બન્યા હતા.

અમેરિકામાં વોટિંગ મશીનને લગભગ 15 વર્ષ પહેલાં ઉપયોગમાં લેવાયાં હતાં.

હાલમાં અમેરિકામાં લગભગ 35 હજાર મશીનો ઉપયોગમાં લેવાય છે.

આ ચૂંટણીઓમાં મતોની ગણતરી કરનારાં મશીનોમાં એક પ્રોગ્રામ જોવા મળ્યો જે દૂર બેઠા સિસ્ટમ ઍડમિનિસ્ટ્રેટરને મશીનમાં ફેરફાર કરવાની સગવડ આપતો હતો.

સાઉથ કૅરોલિના યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સ વિભાગના પ્રોફેસર ડંકન બુએલ આ જ વિષય ઉપર સંશોધન કરી રહ્યા છે.

તકનીક અને લોકતંત્ર

ડંકન બુએલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "મારું માનવું છે કે આપણે ચૂંટણી પ્રક્રિયામાં તકનીકનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ. સોફ્ટવૅર સરખી રીતે કામ કરે, એ મુશ્કેલ હોય છે અને એ પણ ત્યારે જયારે મતો અને મતદાતાઓની વચ્ચે સંબંધ સ્થાપિત ના કરવાનો હોય. આ સ્થિતિમાં આની ખાતરી કરવાનો કોઈ સાચો ઉપાય નથી કે આ વસ્તુઓ અપેક્ષા અનુસાર કામ કરે."

આ તમામ છતાં ભારતમાં ચૂંટણીઓને પારદર્શક અને ભરોસાપાત્ર બનાવવા માટે કદાચ સાચી દિશામાં કામ થઈ રહ્યું છે.

પાંચ વર્ષ પહેલાં, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે તમામ વોટિંગ મશીનોમાં વીવીપેટ મશીનો(મતદાનને લગતી પાવતીઓ છાપનાર મશીન) લાગેલું હોવું જોઈએ.

એક મતદાતા પોતાનો મત આપે ત્યારે મત નોંધાતા જ પ્રિન્ટીંગ મશીનમાંથી એક પાવતી નીકળે છે જેમાં એક સીરિયલ નંબર, ઉમેદવારનું નામ અને ચૂંટણી ચિહ્ન નોંધાયેલું હોય છે. આ માહિતી એક પારદર્શક સ્ક્રીન ઉપર સાત સેકંડ માટે ઉપલબ્ધ રહે છે.

જો કે, સાત સેકંડ પછી આ પાવતી નીકળીને એક સીલબંધ ડબ્બામાં પડી જાય છે.

ચૂંટણી કમિશને એવો નિર્ણય લીધો છે કે વિધાનસભા ચૂંટણીઓમાં મશીનથી પ્રાપ્ત પરિણામોને કુલ મતદાન કેન્દ્રોમાંથી પાંચ ટકા કેન્દ્રોની મતદાન પાવતીઓના આધાર ઉપર કાઢવામાં આવેલાં પરિણામો સાથે મેળવવામાં આવશે.

કારણકે મતદાન પાવતીઓની મદદથી ચૂંટણી પરિણામોનું આકલન આર્થિક રીતે અને સમયની દૃષ્ટિએ અત્યંત ખર્ચાળ બનશે.

સંશોધકોએ આ મુદ્દા પર જોખમ ઓછું કરવા માટે ઑડિટ કરવાની રજૂઆત કરી છે જેનાથી ભારતીય ચૂંટણીઓનાં પરિણામોની વિશ્વસનિયતા પ્રાપ્ત થઈ શકે.

હાલ, ચૂંટણી પંચના ભૂતપૂર્વ પ્રમુખ એસ. વાય. કુરેશી માને છે કે મતદાન પાવતીઓને કારણે વધુ આશંકાઓ સમાપ્ત થવી જોઈએ.

વર્ષ 2015થી તમામ વિધાનસભા ચૂંટણીઓમાં વીવીપેટ મશીનોનો પ્રયોગ થઈ રહ્યો છે. આ ચૂંટણીઓમાં પંદરસો મશીનોમાંથી નીકળેલી પાવતીઓની ચૂંટણી પરિણામો સાથે મેળવણી કરવામાં આવી હતી.

એસ. વાય. કુરેશી જણાવે છે, "આ ચૂંટણીઓમાં એક પણ વાર એવો પ્રસંગ નથી બન્યો જેમાં પરિણામો વચ્ચે અંતર જોવા મળ્યું હોય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો