અનિલ અંબાણી RCom મામલે નાદારી નોંધાવવા કેમ મજબૂર થયા

અનિલ અંબાણી Image copyright EPA

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કૉમ્યુનિકેશન અથવા આરકૉમ - એક સમય હતો જ્યારે આ ભારતની બીજી મોટી ટેલિકૉમ્યુનિકેશન કંપની હતી. પરંતુ હવે આ કંપની દેવાળું ફૂંકી રહી છે.

તેના એ હાલ તેમના હરીફોએ કર્યા જેમાં તેમના મોટા ભાઈ મુકેશ અંબાણીની કંપની જિયોનું પણ સારું એવું યોગદાન છે.

શેર બજારમાં ભારે નુકસાને આરકૉમની કમર ભાંગી નાખી. છેલ્લાં ઘણાં વર્ષોથી પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહેલી કંપનીએ હવે છેવટે કોર્ટમાં દેવાની સમસ્યાના સમાધાન માટે અરજી કરી છે.

સાત અબજ ડૉલરના દેવાના નવીનીકરણમાં નિષ્ફળ થયા બાદ રિલાયન્સે આ જાહેરાત કરી છે.

13 મહિના પહેલાં કરજ-દાતાઓએ આ મુદ્દે સહમતી વ્યક્ત કરી હતી પરંતુ વાત બની નહોતી.

ડિસેમ્બર 2017માં દેવાંના નવીનીકરણની પ્રક્રિયા ત્યારે ખોરંભે ત્યારે પડી જ્યારે અનિલ અંબાણીના વ્યવસાય વિરુદ્ધ કાયદેસરની લડાઈ અને વિવાદોનો દોર વધતો ગયો.

આરકૉમે ગત શુક્રવારની રાત્રે એક નિવેદન જાહેર કર્યું અને કહ્યું કે તેઓ નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ, ઇન્ડિયા બૅન્કરપ્સી કોર્ટમાં દેવાળિયાપણાના(નાદારીના)નવા નિયમો અંતર્ગત દેવાની સમસ્યાનું સમાધાન કરવા ઇચ્છે છે.

Image copyright Getty Images

આ નવો નિયમ 2016થી અમલમાં આવ્યો હતો. આ અંતર્ગત નવ મહિનામાં કેસનું સમાધાન લાવવાનું હોય છે.

દેવું ચૂકવવામાં નિષ્ફળ રહેનારી કંપની આ સમય અવધિમાં પોતાની સંપત્તિ વેચીને દેવું ચૂકતે કરે છે.

આ નવા નિયમ અંતર્ગત આરકૉમ સૌથી મોટી કંપનીરૂપે પોતાના દેવાઓનું ચૂકવણું કરશે.

આરકૉમનું કહેવું છે કે નાદારી કોર્ટમાં જવાનો નિર્ણય તમામ શેરધારકોના હિતમાં છે કારણ કે આનાથી નિશ્ચિતતા અને પારદર્શકતા નક્કી સમયમર્યાદામાં સામે આવી જશે.

ડિસેમ્બર 2017માં અંબાણીએ આરકૉમના લેણદારો સાથે સંપૂર્ણ સમાધાનની જાહેરાત કરી હતી.

અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેમની કંપની 3.8 અબજ ડૉલરની પોતાની સંપત્તિ વેચીને દેવાઓની ચૂકવણી કરશે. આમાં જિયોને ઉપલબ્ધ કરાવી અપાયેલી સેવાઓ પણ સામેલ હતી.

પરંતુ શુક્રવારની બૉમ્બે સ્ટૉક એક્સચેંજને આરકૉમે કહ્યું કે દેવાદારોને રજૂ કરેલી સંપત્તિના વેચાણથી કંઈ મળ્યું નથી અને દેવાંની ચૂકવણીની પ્રક્રિયા હજુ પણ અટકેલી છે.

Image copyright Getty Images

કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે તે પોતાના 40 વિદેશી અને ભારતીય દેવાદારોમાં સહમતિ સાધવામાં નિષ્ફળ ગઈ છે.

કંપનીએ કહ્યું કે આ માટે 40 બેઠકો થઈ પરંતુ ઉકેલ આવ્યો નહીં અને સાથે ભારતીય અદાલતી વ્યવસ્થામાં કાયદાની આંટીઘૂંટીઓ વધતી ગઈ.

આરકૉમે પોતાની મોબાઈલ સેવાની અગત્યની મિલકતો જિયોને વેચી છે અને એની મંજૂરી પણ મળી ગઈ છે.

સરકારી અધિકારી પણ સ્પેક્ટ્રમની ખરીદીમાં ઉઘરાણી કરવા માટે આ મામલે ઝડપથી નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

અનિલ અંબાણી ઉપર જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં દબાણ વધ્યું જ્યારે સ્વીડનની કંપની એરિક્સને ભારતની સુપ્રીમ કોર્ટને કહ્યું કે આરકૉમના માલિકને જેલમાં મોકલવામાં આવે કારણ કે અદાલતે 7.9 કરોડ ડૉલરના ચૂકવણીનો જે આદેશ આપ્યો હતો, તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આરકૉમ ઉપર એરિક્સનનું 15.8 કરોડ ડૉલરનું કુલ લેણું છે.

એરિક્સનની આ અપીલ પછી આરકૉમે સુપ્રીમ કોર્ટમાં 1.66 કરોડ ડૉલર જમા કર્યા જેથી આંશિક ચૂકવણી કરી શકાય.

પરંતુ આની સાથે જ આરકૉમે ટેલિકૉમ્યુનિકેશન વિભાગ વિરુદ્ધ એક અરજી પણ નોંધાવી છે અને દાવો કર્યો કે સમયસર દેવું નહીં ચૂકવવા માટે સરકાર જવાબદાર છે, કારણ કે સરકારે જિયોને સંપત્તિ વેચવાની મંજૂરી નહોતી આપી.

અનિલ અંબાણીની કંપનીએ દેશ અને વિદેશોના મીડિયા આઉટલેટ્સ અને કેટલાક નેતાઓ વિરુદ્ધ કુલ 11.4 અબજ ડૉલરનો માનહાનિનો કેસ કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ