મમતા વિરુદ્ધ CBI: મમતા બેનરજીએ યાદ કરાવેલો ગુજરાતનો હરેન પંડ્યા મર્ડર કેસ શું છે?

હરેન પંડ્યા અને નરેન્દ્ર મોદી Image copyright Kalpit S Bhachech
ફોટો લાઈન નરેન્દ્ર મોદી સાથે હરેન પંડ્યા

"હરેન પંડ્યાની હત્યા કોણે કરી? હું તમને કહી શકું એમ છું." પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ મંગળવારે પત્રકાર પરિષદ સંબોધતી વખતે આ વાત કહી હતી.

તેમનું આ નિવેદન ગુજરાતના રાજ્યકક્ષાના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાના સંદર્ભમાં હતું.

તાજેતરમાં હરેન પંડ્યા હત્યા કેસ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે.

હરેન પંડ્યાનાં પત્ની જાગૃતિબહેને મમતાના નિવેદન ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું કે 'સત્ય બહાર આવવું જોઈએ.'

આ સાથે જ મમતા બેનરજીના નિવેદનને કારણે એ પ્રકરણ ફરી એક વખત જનમાનસમાં તાજું થયું છે.


હત્યાનો એ દિવસ

Image copyright Kalpit S Bhachech
ફોટો લાઈન ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ સાથે હરેન પંડ્યા

તા. 26મી માર્ચ 2003ના દિવસે હરેન પંડ્યા (ઉં.વ.42) અમદાવાદના લૉ ગાર્ડન ખાતે મૉર્નિંગ વોક કરવા માટે ગયા હતા.

કથિત રીતે બે હત્યારાઓ દ્વારા પાંચ ગોળી મારીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

લગભગ બે કલાક સુધી તેમનો પાર્થિવદેહ કારમાં પડી રહ્યો હતો.

કલાકો સુધી હરેન પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, જેમાં તેમની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.

તેમની હત્યાથી ભાજપના કાર્યકરો અને અમદાવાદની જનતા આઘાતમાં આવી ગયા હતા.

ગુજરાત પોલીસ દ્વારા હત્યાની તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પંડ્યા પરિવાર, ગુજરાત ભાજપના નેતાઓના એક વર્ગ તથા કાર્યકરોના દબાણ બાદ રાજ્ય સરકારે હત્યાકાંડની તપાસ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપી દીધી હતી.

આપને આ પણ વાચવું ગમશે

No One Killed Pandya

Image copyright Kalpit S Bhachech
ફોટો લાઈન હાલના ઉપરાષ્ટ્રપતિ અને એક સમયના ભાજપના વરિષ્ઠ નેતા વૈંકેયા નાયડુ સાથે હરેન પંડ્યા

સીબીઆઈએ વિશ્વ હિંદુ પરિષદના નેતા જગદીશ તિવારીની હત્યાના પ્રયાસનો કેસ પણ પંડ્યા મર્ડર કેસ સાથે જોડી દીધો હતો.

જૂન-2007માં અમદાવાદની પોટા (પ્રિવૅન્શન ઑફ ટેરરિઝમ ઍક્ટ) કોર્ટના જજ સોનિયાબહેન ગોકાણીએ 800-પેજનો ચુકાદો આપ્યો.

આ ચુકાદામાં એક આરોપીને જનમટીપ, સાત આરોપીઓને સાદી જનમટીપ, બે આરોપીઓને 10-10 વર્ષ અને એક આરોપીને પાંચની સજા ફટાકરી હતી.

ત્યારબાદ વર્ષ 2011માં ગુજરાત હાઈકોર્ટે પંડ્યા મર્ડર કેસમાં તમામ આરોપીઓને છોડી દીધા હતા.

બૅંચે ટિપ્પણી કરી હતી કે "સીબીઆઈએ અયોગ્ય રીતે અપૂરતી તપાસ કરી છે."

"આ અન્યાય માટે સીબીઆઈના તપાસનીશ અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ."

"કેસ સાથે સંકળાયેલા લોકોને ભારે સતામણી થઈ છે. કોર્ટના સમયની તથા જાહેર સંશાધનોનો વ્યય થયો હતો."

હરેન પંડ્યાનાં પત્ની જાગૃતિબહેનના કહેવા પ્રમાણે, "મારી જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટમાં તાજેતરમાં આ કેસની દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને ચુકાદો પડતર છે."

બીજી બાજુ, પ્રશાંત ભૂષણના નેતૃત્વમાં સ્વૈચ્છિક સંસ્થાએ સુપ્રીમ કોર્ટમાં પબ્લિક ઇન્ટ્રેસ્ટ લિટિગેશન (પીઆઈએલ, જાહેર હિતની અરજી) દાખલ કરી છે.

જેમાં આઝમ ખાનના એક આરોપીની કબૂલાતને આધાર બનાવવામાં આવી છે. (એના વિશે અહીં આગળ વાંચો)

હરેન પંડ્યાની કારકિર્દીને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળે બીબીસી સાથે વાત કરતા કહ્યું:

"હાઈકોર્ટના ચુકાદાને ધ્યાને લઈએ સીબીઆઈએ યોગ્ય દિશામાં તપાસ કરી જ નહીં અને આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ જ ન કર્યો."


પિતાનો મોદી પર આરોપ

Image copyright AFP
ફોટો લાઈન પોટા કોર્ટના ચુકાદા બાદ મીડિયાની વચ્ચે વિઠ્ઠલભાઈ

પુત્રની હત્યા બાદ પિતા વિઠ્ઠલભાઈ પંડ્યાએ આરોપ મૂક્યા હતા કે 'હરેનની હત્યામાં મોદી સંડોવાયેલા છે. કારણ કે તે મોદી માટે રાજકીય હરીફ હતો.'

દયાળના કહેવા પ્રમાણે, "વર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા. નિયમ પ્રમાણે, છ મહિનાની અંદર કોઈ વિધાનસભાની બેઠક પરથી ચૂંટાવું તેમના માટે જરૂરી હતું."

"મોદી ભાજપનો ગઢ મનાતી અમદાવાદની ઍલિસબ્રિજ બેઠક પરથી ચૂંટણી લડવા માગતા હતા."

"એ બેઠક પરથી ધારાસભ્ય પંડ્યાએ બેઠક ખાલી કરવાનો ઇન્કાર કરી દીધો. આથી, બંને સામે-સામે આવી ગયા હતા."

"ત્યારબાદ તત્કાલીન નાણા પ્રધાન વજુભાઈ વાળાએ ભાજપના ગઢ સમાન ગણાતી રાજકોટ-2ની બેઠક મોદી માટે ખાલી કરી આપી, જ્યાંથી તેઓ ચૂંટાઈ આવ્યા."

"ત્યારબાદ વર્ષો સુધી વજુભાઈ વાળા ગુજરાતના નાણાપ્રધાન રહ્યા અને સૌથી વધુ વખત ગુજરાતનું બજેટ રજૂ કરવાનો કિર્તિમાન પણ બનાવ્યો."

હાલ વજુભાઈ વાળા કર્ણાટક રાજ્યના રાજ્યપાલ છે.

દયાળ ઉમેરે છે, "2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ ઍલિસબ્રિજ બેઠક પરથી હરેન પંડ્યાને ટિકિટ ન આપી, જેના કારણે બંને વચ્ચેના સંબંધ વધુ વણસી ગયા."

તેઓ માને છે કે આ મુદ્દો 'બેઠક કરતાં ઇગોનો વધુ હતો.'


પત્ની ભાજપમાં જોડાયાં

Image copyright Getty Images

વર્ષ 2003માં હત્યા સમયથી જ જાગૃતિબહેન તેમના સસરા વિઠ્ઠલભાઈની સાથે ભાજપના કેન્દ્રીય નેતૃત્વ ઉપર નબળી તપાસના આરોપ મૂકતાં રહ્યાં હતાં.

વર્ષ 2011માં હાઈકોર્ટે તમામ આરોપીઓને છોડી મૂક્યા ત્યારે તેમનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.

જાગૃતિબહેન વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાયાં.

આ પાર્ટીની સ્થાપના ભાજપથી અસંતુષ્ટ એવા ગોરધન ઝડફિયા તથા કેશુભાઈ પટેલે કરી હતી.

જાગૃતિબહેને પતિની પરંપરાગત ઍલિસબ્રિજ બેઠક પરથી ચૂંટણી લડી પરંતુ તેમનો પરાજય થયો.

વર્ષ 2013માં તેમણે હૈદરાબાદની જેલમાં હરેન પંડ્યા મર્ડર કેસમાં છોડી મૂકાયેલા મુખ્ય આરોપી અસગર અલીની સાથે મુલાકાત કરી હતી.

વર્ષ 2014માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા, ગુજરાત ભાજપના અન્ય એક નેતા અમિત શાહ શાસક પક્ષ ભાજપના અધ્યક્ષ છે.

વર્ષ 2016માં જાગૃતિબહેન ભાજપમાં પરત ફર્યાં. એ સમયે તેમણે કહ્યું હતું, "મેં કોઈની સામે વ્યક્તિગત આરોપ નથી મૂક્યા."

"નરેન્દ્ર મોદી કે અમિત શાહ સામે મને વ્યક્તિગત રીતે કોઈ વાંધો નથી. જે રીતે તપાસ થઈ રહી હતી, તેની સામે મેં સવાલ ઉઠાવ્યા હતા."

ત્યારબાદ તેમણે ગુજરાતના બાળ અધિકાર પંચના અધ્યક્ષા તરીકે પદભાર સંભાળ્યો, હાલ પણ તેઓ એ પદ ઉપર જ છે.

છેલ્લા લગભગ 15 વર્ષથી ન્યાય માટે સંઘર્ષ કરી રહેલાં જાગૃતિબહેને બીબીસી સાથે વાત કરતા કહ્યું :

"મારી લડત ન્યાય માટેની હતી અને ચાલુ રહેશે. મારી એક જ ઇચ્છા છે કે આ મુદ્દે સત્ય બહાર આવે, અમને ન્યાય મળે અને ગુનેગારોને સજા થાય."

એક સમયે મોદીના કટ્ટર વિરોધી ગોરધન ઝડફિયા આજે ભાજપમાં પરત ફર્યા છે અને આગામી લોકસભા ચૂંટણી માટે તેમને યૂપીમાં સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે.

ગત લોકસભા ચૂંટણી સમયે ભાજપના વર્તમાન અધ્યક્ષ અમિત શાહે આ જવાબદારી સંભાળી હતી.


નવો સાક્ષી આવ્યો સામે

Image copyright PTI

'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારના રિપોર્ટ મુજબ, સોહરાબુદ્દીન શેખના કથિત ફેક ઍન્કાઉન્ટર મામલાના સાક્ષી આઝમ ખાને દાવો કર્યો :

"ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકાર ડી. જી. વણઝારાએ જ સોહરાબુદ્દીનને ભાજપ નેતા અને ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી હરેન પંડ્યાની હત્યાની સોપારી આપી હતી."

ખાનના કહેવા અનુસાર, હરેન પંડ્યાની હત્યાની સોપારીની વાત ખુદ સોહરાબુદ્દીને જ તેમને કરી હતી.

'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, આઝમ ખાને દાવો કર્યો છે કે વર્ષ 2010માં તેમણે આ વાત સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) ને કરી હતી, પરંતુ 'અધિકારીઓએ એ સમયે આ વાતને તેમના નિવેદનમાં નોંધવાનો ઇન્કાર કરી દીધો હતો.'

ખાનના કહેવા પ્રમાણે, "જ્યારે મેં સીબીઆઈ અધિકારી એન. એસ. રાજુને હરેન પંડ્યાની હત્યા અંગે જણાવ્યું તો તેમણે કહ્યું કે નવો વિવાદ ઊભો ના કર."

તુલસીરામની જેમ આઝમ ખાન પણ સોહરાબુદ્દીનના સાગરીત હતા.

વર્ષ 2005માં સોહરાબુદ્દીન અને 2006માં તુલસીરામ પ્રજાપતિનું ઍન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.


કોણે આપી સોપારી?

ફોટો લાઈન સોહરાબુદ્દીન શેખ ઉપર હરેન પંડ્યાની હત્યા કરાવવાનો આોપ

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર આઝમ ખાને નવેમ્બર-2018માં મુંબઈની કોર્ટ સમક્ષ દાવો કર્યો :

"સોહરાબુદ્દીન સાથેની વાતચીતમાં તેણે મને કહ્યું કે નઇમ ખાન અને શાહિદ રામપુર સાથે ગુજરાતના ગૃહ મંત્રી હરેન પંડ્યાને પર મારવાની સોપારી મળી હતી."

"આ સોપારી મળ્યા બાદ તેમની હત્યા કરી નાખવામાં આવી. આ વાત સાંભળી મને દુખ થયું હતું અને મેં સોહરાબુદ્દીનને કહ્યું કે તે એક સાચા માણસની હત્યા કરી નાખી છે."

"સોહરાબુદ્દીને મને જણાવ્યું કે તેને આ સોપારી વણઝારાએ આપી હતી."

અખબાર અનુસાર, આઝમ ખાને દાવો કર્યો કે સોહરાબુદ્દીને તેમને જણાવ્યું હતું કે તેમને 'ઉપરથી આ કામ સોંપવામાં આવ્યું હતું.'

ઉદયપુર પોલીસે સપ્ટેમ્બર-2018માં તેમની ધરપકડ ધરપકડ કરી હતી અને નવેમ્બર-2018માં મુંબઈની કોર્ટ સમક્ષ તેમણે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.


વણઝારા વચ્ચે હોવાનો દાવો

Image copyright AFP
ફોટો લાઈન જાગૃતિબહેનના કહેવા પ્રમાણે, શાહ-મોદી સામે વ્યક્તિગત વાંધો નહીં

પૂર્વ આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારાની છાપ ગુજરાત પોલીસમાં 'ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' તરીકેની હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા, ત્યારે વણઝારા તેમના નજીકના અધિકારીઓમાં સામેલ હતા.

વણઝારા વર્ષ 2002થી 2005 સુધી અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશ્નર ઑફ પોલીસ હતા.

તેમના કાર્યકાળમાં 20 લોકોનાં ઍન્કાઉન્ટર થયાં હતાં. ત્યારબાદ આ અંગે સવાલો પણ ઊઠ્યા હતા.

વર્ષ 2007માં ગુજરાત સીઆઈડી (ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) એ વણઝારાની ધરપકડ કરી હતી.

મુંબઈમાં સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) અદાલતે ઑગસ્ટ 2017માં વણઝારાને સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટરમાં મુક્ત કરી દીધા હતા. સીબીઆઈએ આ કેસને ઉચ્ચ કોર્ટમાં પડકાર્યો નહોતો.


નકલી ઍન્કાઉન્ટર સાથે સંબંધ

Image copyright Getty Images
ફોટો લાઈન સીબીઆઈની તપાસની ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ, "આઝમ ખાને સીબીઆઈની વિશેષ અદાલતને જણાવ્યું કે તેમને વર્ષ 2005માં અખબારમાંથી માહિતી મળી કે સોહરાબુદ્દીનનું પોલીસ સાથેના ઍન્કાઉન્ટરમાં મોત થયું છે."

"જ્યારે પ્રજાપતિ, આઝમ ખાનને ઉદયપુર સેન્ટ્રલ જેલમાં મળ્યા, ત્યારે તેણે જણાવ્યું કે સોહરાબુદ્દીન અને કૌસર બીનાં મોત તેમની (પ્રજાપતિ) ભૂલને કારણે થયાં છે."

અખબાર મુજબ, "આઝમ ખાને આગળ જણાવ્યું કે પ્રજાપતિએ કથિત રીતે તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે સોહરાબુદ્દીન 4-6 મહિનામાં જામીન પર બહાર આવી જશે."

"પ્રજાપતિએ જણાવ્યું કે બસમાંથી ઝડપાયા બાદ સોહરાબુદ્દીન, કૌસર બી અને તેમને અમદાવાદના એક ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યાં હતાં."

"કૌસર બીએ પોતાના પતિ પર હુમલાનો વિરોધ કર્યો તો તેમને અલગ સ્થળે લઈ જવામાં આવ્યાં."

"ત્યાં તેમણે(પ્રજાપતિ) ફાયરિંગનો અવાજ સાંભળ્યો અને કૌસર બીનો અવાજ શાંત થઈ ગયો."

"તેમણે(પ્રજાપતિ) અવાજ પણ સાંભળ્યો, જેમાં સોહરાબુદ્દીનનું મોત થયું હતું."ટૃ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો