શા માટે અણ્ણા હજારેએ સાત દિવસ બાદ પોતાના ઉપવાસ છોડી દીધા?

અણ્ણા હજારે Image copyright BBC/PRAVIN THACKERAY

છેલ્લા સાત દિવસથી ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ પોતાના ઉપવાસ પૂર્ણ કર્યા છે.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે અણ્ણાની માગણીઓ પૂર્ણ કરવાની ખાતરી આપ્યા બાદ તેમણે ઉપવાસ છોડ્યા હતા.

અણ્ણા હઝારે કેન્દ્ર સરકાર દ્વારા લોકપાલની નિમણૂક ના કરવામાં આવતાં તેના પગલે તેમના ગામ રાલેગણ સિદ્ધીમાં ઉપવાસ પર બેઠા હતા.

જે બાદ પોતાના ગામમાં લોકોને સંબોધતા તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર લોકપાલની નિમણૂક પર 13 ફેબ્રુઆરીના રોજ નિર્ણય લેશે.

રાલેગણમાં દેવેન્દ્ર ફડણવીસ અણ્ણા હજારે સાથે છ કલાક સુધી આ મામલે ચર્ચા કરી હતી.

ફડણવીસે અણ્ણાની મુખ્ય માગોને સ્વીકારી હતી અને તેમને પૂરી કરવાની ખાતરી આપી હતી.

અણ્ણા સાથે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જેમાં તેમણે અણ્ણાને ઉપવાસ છોડવાની વિનંતી કરી હતી.

જે બાદ અણ્ણાએ ઉપવાસ છોડ્યા હતા.

અણ્ણાની પ્રથમ માગ હતી કે કેન્દ્ર સરકાર લોકપાલની નિમણૂક કરે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું, "કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી છે કે 13 ફેબ્રુઆરીના રોજ લોકપાલની સર્ચ કમિટીની બેઠક થશે."

"સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જલદી જ આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે."

અણ્ણાની બીજી માગ હતી કે મહારાષ્ટ્રમાં લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે.

આ મામલે બોલતા ફડણવીસે કહ્યું કે આ મામટે જોઇન્ટ ડ્રાફ્ટિંગ કમિટીનું ગઠન કરવામાં આવશે.

અણ્ણાની ત્રીજી માગ હતી કે ખેતીવાડી ભાવ સમિતિને સ્વતંત્ર કરવી જોઈએ.

આ મામલે કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહે આશ્વાસન આપ્યું છે કે તેના માટે એક કમિટીની રચના કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો