પાણીની સમસ્યા : અહીં પાણીને કારણે અનેક છોકરીઓ ભણતર છોડી ચૂકી છે

યશોદા Image copyright PIYUSH NAGPAL

"દરરોજ માથે મોટા-મોટા ઘડાઓ અને હાંડા વેંઢારવાને કારણે અમારે અહીં મહિલાઓના માથાના વાળ ખરી રહ્યા છે અને તેમને ટાલ પડી રહી છે." આ શબ્દો છે 18 વર્ષનાં યશોદના જેઓ પોતાના ગામની સમસ્યા કહી રહ્યાં છે.

જાન્યુઆરી મહિનામાં શિયાળાની બપોર હતી પણ પણ મહારાષ્ટ્રના આ વિસ્તારમાં ગરમીને કારણે અમને પરસેવો વળી રહ્યો હતો. આવનારા દુકાળનાં નિશાન અમે સ્પષ્ટ અનુભવી રહ્યાં હતાં.

જ્યાં યશોદા પાણી લેવા આવ્યા હતાં એ કૂવા પાસે અમે બેઠાં હતાં. દિવસમાં ત્રણ વાર એ કૂવે પાણી ભરવા આવે છે.

યશોદાનું ગામ પહાડી પર છે અને એમને રોજ ત્યાંથી ઊતરીને કૂવા પર આવવું પડે છે.

પાછા વળતા તેઓ માથા પર પાણીથી ભરેલા બે મોટા ઘડાઓ વેંઢારી જાય છે.

તેઓ કહે છે, "મારું જીવન પાણીની આસપાસ જ ફરે છે. હું સવારે ઊઠું છું ત્યારે આજે પાણી લેવા કયાં જવું પડશે એનો વિચાર આવે છે અને ઊંઘતા પહેલાં કાલે પાણી ક્યાંથી આવશે એ જ મગજમાં ચાલતું હોય છે."

અમે જ્યાં ઊભા હતા ત્યાં અમારી ચારે તરફ દૂર-દૂર સુધી ફકત સૂકી જમીન હતી.

અમે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના જવ્હાર તાલુકામાં છીએ. આદિવાસીઓની વધારે વસતિ ધરાવતા આ વિસ્તારમાં અમે યશોદાના ગામ પાવરપાડામાં પહોંચ્યા છીએ.

યશોદા કહે છે, "મને મારા ઘરમાં પાણી જોઈએ છે. જે મારા ઘર સુધી પાણીનો નળ લઈ આવશે એને હું મત આપીશ."


સારો વરસાદ છતાં દુકાળ

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
'જે પાણી આપશે, હું તેને મત આપીશ'

ચોમાસાના ચાર મહિનામાં જવ્હાર અને તેની આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ થાય છે. ક્યારેક અહીં 3281 મિલી મીટર (129 ઇંચ) જેટલો ભારે વરસાદ પડે છે.

યશોદા કહે છે, "ચોમાસામાં એટલો વરસાદ પડે છે કે અમારા બધાં કામ બંધ થઈ જાય છે."

"નદી-નાળાઓ છલોછલ ભરાઈ જાય છે અને અનેક ગામોનો સડક સાથેનો સંપર્ક તૂટી જાય છે."

આ વર્ષનો એ સમય હોય છે જ્યારે મુંબઈ, થાણે અને નાશિકથી સેંકડો પ્રવાસીઓ જવ્હારની આસપાસના વિસ્તારોમાં હરિયાળીની મજા માણવા આવે છે.

અનેક લોકો અહીંનાં ઝરણાંઓ, જંગલ અને ત્યાં ખીલેલાં જંગલી ફૂલોને કૅમરામાં કેદ કરી લેતા હોય છે.

પણ, આ જાન્યુઆરીનો મહિનો હતો અને અમે લોકો લગભગ સૂકાઈ ગયેલા એ કૂવા પાસે બેઠાં હતાં.

દૂર દૂર સુધી જીવનની કોઈ નિશાની દેખાતી નથી. ચોમાસાંમાં દોટ મૂકતાં ઝરણાંઓ સૂકાં થઈ ગયાં છે અને ન તો હરિયાળી છે કે ન તો એને જોવા આવતાં શહેરના લોકો.

અહીં બેસીને હું વિચારું છું કે, જે લોકો ચોમાસામાં જવ્હાર આવે છે એમને વર્ષના બીજા સમયમાં અહીં પાણીની બુંદ પણ નથી મળતી એની ખબર હશે કે કેમ!

Image copyright PIYUSH NAGPAL

યશોદા કહે છે, "દિવસમાં મારો મોટાભાગનો સમય પાણી પાછળ જતો રહે છે."

"આ ફક્ત મારી જ સમસ્યા નથી પણ આસપાસના ગામોની મહિલાઓની પણ આવી જ હાલત છે."

યશોદા પરોઢમાં જાગે છે અને ઊઠીને સૌથી પહેલું પહાડી પરથી ઊતરી કૂવે પહોંચવાનું કરે છે.

કૉલેજ જતાં પહેલાં તેઓ બે ઘડા પાણી ઘરે પહોંચાડી દે છે. પછી તેઓ એક કલાકની મુસાફરી કરીને જવ્હાર શહેરની એમની કૉલેજ સુધી પહોંચે છે, જ્યાં તેઓ બીએનો અભ્યાસ કરે છે.

કૉલેજ પછી તેઓ કમ્પ્યૂટર કોચિંગ ક્લાસમાં જાય છે અને ત્યાંથી સાંજ સુધીમાં પોતાને ઘરે પહોંચે છે.

તેઓ જ્યારે ઘરે પહોંચે છે ત્યારે ખાલી ઘડાઓ એમની રાહ જોતા હોય છે. યશોદા ઘડાઓ ઊઠાવે છે અને ફરી પાણી ભરવા માટે નીચે કૂવે જાય છે.

યશોદાનાં બહેન પ્રિયંકા ઇન્ડિયન ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ (આઇટીઆઇ)માં ભણે છે. એમની દિનચર્યા પણ કંઈક આવી જ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ આ વિસ્તારમાં રહેતી અન્ય યુવતીઓ કરતાં યશોદા અને પ્રિયંકા પોતાને ભાગ્યશાળી માને છે.

એમના મતે અન્યને ભણતર પૂરું કરવાનો એ મોકો નથી મળતો જે એમને મળી રહ્યો છે.

ઘરનું કામ કરવા માટે અનેક છોકરીઓ પોતાનું ભણતર અધૂરું છોડી ચૂકી છે.

આ છોકરીઓ માટે પણ સૌથી મહત્ત્વનું કામ ઘર માટે પાણી લાવવાનું હોય છે.

સારા વરસાદ છતાં આ વિસ્તારમાં પાણીની આટલી કમી કેમ છે? શું આના માટે ભૌગોલિક કારણ જવાબદાર છે?

આનો જવાબ સરળ નથી. જવ્હાર કૉલેજમાં મરાઠી ભાષા વિભાગમાં પ્રોફેસર પ્રાદન્ય કુલકર્ણી કહે છે કે "આ નાગરિક સમસ્યા નથી પણ જૅન્ડર (લૈંગિક ભેદભાવ)ની સમસ્યા છે."

તેઓ કૉલેજના અન્ય એક પ્રોફેસર અનિલ પાટિલ સાથે મળીને આદિવાસી ગામોમાં પાણી, સ્વચ્છતા અને શિક્ષણને મુદ્દે કામ કરે છે.

Image copyright PIYUSH NAGPAL

પ્રાદન્ય કુલકર્ણી કહે છે કે "સરકાર અહીં સિંચાઈની વ્યવસ્થા માટે ખાસ કામ નથી કરી રહી."

"અહીંની ભૌગોલિક સ્થિતિ થોડી મુશ્કેલ છે, આ મેદાની પ્રદેશ નથી પરંતુ પહાડી વિસ્તાર છે અને અહીં જળસંચય યોજનાઓ લાગુ કરવી સરળ કામ નથી."

"જોકે, એ પણ સત્ય છે કે બધી જવાબદારી ફક્ત સરકારની નથી. પુરુષવાદી વિચારધારા પણ કેટલીક હદે આ સમસ્યા માટે જવાબદાર છે."

"ઘર માટે પાણી લાવવું એ અહીં મહિલાઓનું કામ માનવામાં આવે છે. કોઈ એ નથી વિચારતું કે આના લીધે મહિલાને કેટલું વેઠવું પડે છે."

પ્રોફેસર અનિલ પાટિલ કહે છે, "એક આદિવાસી ગામમાં પહાડીની નીચેના ઉપર સુધી પાણી પહોંચાડવા માટે અમે એક કૂવો બનાવવા માગતા હતા."

"અમે એના માટે પ્રયાસો કર્યા. અમને સરકાર તરફથી મદદ પણ મળી રહી હતી જે થનારા કુલ ખર્ચની 90 ટકા હતી."

"આ યોજનામાં શેષ 10 ટકા રકમ ગામના લોકોએ જમા કરાવવાની હોય છે પણ ગામના પુરુષોએ આની ના પાડી દીધી."

"એમનું કહેવું હતું કે જે વસ્તુ અમને મફત મળવી જોઈએ એના માટે અમે પૈસા શું કામ આપીએ?"

"હું આ પરિયોજના પૂરી કરવા માગતો હતો કેમ કે મેં 7 માસની એક ગર્ભવતી મહિલાને માથે બે ઘડા ઊંચકી પહાડ પર ચડતાં જોઈ હતી."

"પણ લોકોએ ના પાડી અને મારું દિલ તૂટી ગયું."

પુરુષોને લાગે છે કે પાણી મફતમાં મળવું જોઈએ પણ શું ખરેખર એવું છે?

કહેવામાં આવે છે કે આપણને મળતી દરેક ચીજની કોઈને કોઈ કિંમત જરુર હોય છે, તો આ મફત પાણીની શું કિંમત હતી?

સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ 'વર્લ્ડ વૂમન ડે 2015 : ટ્રેન્ડ ઍન્ડ સ્ટેટેસ્ટિક' મુજબ સમગ્ર વિશ્વમાં પાણીની શોધમાં મહિલાઓના 20 કરોડ કલાકો ખર્ચાઈ જાય છે. આનો અર્થ છે કે 22,800 વર્ષ ફકત પાણીની તલાશમાં ખતમ થઈ જાય છે.

આ અહેવાલ મુજબ ભારતની 46 ટકા મહિલાઓ દિવસના 15 અથવા એથી વધારે મિનિટ પાણી લાવવામાં ગુજારે છે. આ મફત પાણીની કિંમત છે.

તમે આ વાંચ્યું કે નહીં?

નિર્ણય પુરુષોનો, માનવો પડે છે મહિલાઓએ

Image copyright PIYUSH NAGPAL

કૂવા પાસે બેસીને અમે યશોદા સાથે વાત કરી રહ્યાં હતાં અને પહાડી પરથી શાળાનો ગણવેશ પહેરેલી છોકરીઓ અમારી તરફ આવતી દેખાઈ.

એમના હાથમાં અને માથા પર ઘડાઓ હતાં. મેં યશોદાને પૂછ્યું, આ છોકરીઓ અહીં કેમ આવે છે?

યશોદાએ કહ્યું "આ છોકરીઓ મધ્યાહ્ન ભોજન યોજના મુજબ ખોરાક રાંધવા પાણી લેવા આવી રહી છે."

એ સમજી શકાય એવી વાત છે કે જે એક મહિલા તમામ બાળકો માટે મિડ-ડે મિલ મુજબ રાંધતી હોય એમના માટે આટલું પાણી લઈ આવવું સંભવ ન જ હોય.

વળી, શાળાની આસપાસ પાણીનો કોઈ સ્રોત નથી. નવાઈની વાત તો એ હતી કે પાણી લેવા માટે ફક્ત છોકરીઓ જ આવી હતી, એક પણ છોકરાને આના માટે નહોતો મોકલવામાં આવ્યો.

"પાણી લાવવું એ મહિલાઓનું કામ છે" એ સંદેશો સ્પષ્ટ હતો. વિટંબણા તો એ છે કે આ મામલે મહિલાઓની મરજી કોઈ મહત્ત્વ ધરાવતી નથી.

અમે નજીકના ગામ નાગરમોડા ગયા. ગામનાં સરપંચ ઘનુભાઈએ અમને આવકાર આપ્યો.

અમને ગામમાં પાણીની એક ટાંકી દેખાઈ. ઘનુભાઈએ અમને કહ્યું કે અહીં પાણીના નળ છે પણ ન તો નળમાં પાણી છે કે ન ટાંકીમાં.

અમે ઘનુભાઈને પૂછ્યું કે સુવિધા હોવા છતાં મહિલાઓએ આટલે દૂરથી પાણી કેમ લાવવું પડે છે?

ઘનુભાઈ તર્ક આપે છે, "મેં નિર્ણય કર્યો કે અમે નળથી પાણી નહીં લઈએ અને મહિલાઓ પાણી લાવશે."

"જો મહિલાઓ નળથી પાણી લે છે તો તેઓ ઘણું પાણી વેડફે છે, અમારે ગરમીના દિવસો માટે પાણી બચાવવું છે એટલે એ જ બહેતર છે કે અમે નળનું પાણી ન વાપરીએ."

"મહિલાઓ દૂરથી પાણી લાવે છે અને સાચવીનો તેનો વપરાશ કરે છે."

ગરમી માટે પાણી બચાવાવનો એમનો આ નિર્ણય પ્રશંસાજનક છે પણ એ નિર્ણયમાં પિતૃસત્તાની ઝલક સાફ વર્તાય છે.

મેં એમનેં પૂછ્યું કે શું તેમણે નિર્ણય લેતા એમની મુશ્કેલીઓને કેમની ઓછી કરી શકાય એ અંગે મહિલાઓ સાથે વાત કરી

તો એમણે કહ્યું, "આમાં પૂછવા જેવું શું છે?"

તમે આ વાંચ્યું કે નહીં?

અમે અહીં માત્ર એક ઉદાહરણ આપી રહ્યાં છીએ પણ આવાં ઉદાહરણો તમને પૂરા દેશમાં જોવા મળશે.

યશોદાના ગામમાં પાણી મળવું મુશ્કેલ છે કારણ કે અહીં પુરુષોએ પાણી વેરો ચૂકવવાની મનાઈ કરી દીધી છે.

યશોદા કહે છે, "ગામમાં તમને નળની બધી પાઇપ તૂટેલી દેખાશે."

આ વિસ્તારની કોઈ પણ મહિલા સાથે વાત કરીએ છીએ તો સમજાય છે કે પાણીને મુદ્દે તેઓ ખૂબ સંવેદનશીલ છે અને એનું કારણ પણ સ્પષ્ટ સમજાય છે.

યશોદા જેવી છોકરીઓને જોઈને જાણવા મળે છે કે એમની દિનચર્યાનો એક મોટો હિસ્સો પાણી પાછળ ખર્ચ થઈ જાય છે અને તેની અસર એમનાં સ્વાસ્થ્ય અને ભણતર પર જોવા મળે છે.

યશોદા કહે છે, "પાણી લાવવાનો સમય બચી જાય તો હું બીજાં અનેક કામ કરી શકું, હું થોડો વધારે અભ્યાસ કરી શકું અને આરામ પણ કરી શકું."

18 વર્ષીય યશોદા રાજનીતિની પણ થોડી સમજ ધરાવે છે. તેઓ કહે છે, "તમને ખબર છે કે સરકાર કેમ આ મુદ્દા પર ધ્યાન નથી આપતી?"

"કેમ કે, સરકારમાં મહિલા મંત્રીઓ ખૂબ ઓછાં છે. હાલત મારા ગામ જેવી જ છે, જ્યાં નિર્ણયો લેવાય છે ત્યાં મહિલાઓ છે જ ક્યાં!"

Image copyright PIYUSH NAGPAL

યશોદા પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પોલીસ કૉન્સ્ટેબલ બનવા માગે છે.

બે વખત તેઓ શારીરિક પરીક્ષા પણ પાસ કરી ચૂક્યાં છે પણ લેખિત પરીક્ષામાં પાછળ રહી ગયાં છે.

તેઓ કહે છે, "મને લાગે છે હું ભણવામાં થોડી પાછળ રહી જાઉં છું, મારે અભ્યાસ પર વધારે ધ્યાન આપવાની જરુર છે."

પણ સવાલ એ છે કે શું તેઓ પોતાની પાણી કેન્દ્રીત દિનચર્યામાંથી અભ્યાસ માટે વધારે સમય કાઢી શકશે.

યશોદા કહે છે, "અહીં મહિલાઓ પાણીનું સપનું જુએ છે."

યશોદા શહેરમાં જઈને વસવા માગે, જ્યાં નળ ખોલતા જ પાણી મળશે અને એમને પાણી માટે દૂર ભટકવું નહીં પડે.

પણ જ્યાં સુધી ઘર માટે પાણીની વ્યવસ્થા કરવી એ પુરુષોનું કામ નહીં બને એમનું સપનું પૂરું નહીં થાય.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો