ગુજરાતની રાજપૂત યુવતી અને દલિત યુવકની પ્રેમકહાણી

  • દિવ્યા આર્ય
  • બીબીસી સંવાદદાતા

પોતાનાં જીવનમાં ખુશ નવી પેઢીનાં ઘણાં યુવક યુવતીઓની જેમ જ શિલ્પા પણ જાતિના આધારે ભેદભાવને જોઈને તેની અવગણના કરી દેતાં હતાં.

તેઓ સૌરાષ્ટ્રના એક ગામમાં રહેતાં રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે, જ્યારે ફેસબુકની મદદથી રવીન્દ્ર સાથે મુલાકાત અને પછી પ્રેમ થયો તો તેમના દલિત હોવાનો મતલબ સારી રીતે સમજી શક્યાં ન હતાં.

શિલ્પાએ જણાવ્યું, "બધા જ પરિવારોમાં છોકરીઓ પર વધારે નિયંત્રણો હોય છે. મારા પર પણ હતી. કૉલેજ જવા સિવાય હું ઘરની બહાર નીકળતી ન હતી."

"મારામાં ન સમજ હતી, ન સપનાં, બસ પ્રેમ થઈ ગયો હતો."

પણ ટૂંક સમયમાં ખબર પડી ગઈ કે તેઓ જે કરવા માગતાં હતાં તે અશક્ય જેવું છે.

રવીન્દ્ર કહે છે, "શિલ્પાને સમજાવવું પડ્યું કે હકીકત શું છે. ચૂંટણીનો સમય હતો અને એક દલિતની હત્યા કરી દેવાઈ હતી."

"અમે તો તેમની ગલીમાં પણ જઈ શકતા ન હતા, અને હું તેમના ઘરમાં લગ્ન કરવા માગતો હતો."

શિલ્પાને ઘૂટનનો અનુભવ થવા લાગ્યો. એવું લાગ્યું કે જાણે આ આરપારની લડાઈ છે. રવીન્દ્ર સાથે લગ્ન ન થયાં તો જીવનનો કોઈ મતલબ નથી.

રવીન્દ્રના આધારે આંતરજાતીય લગ્ન કરવાવાળાને બીજી દુનિયાના પ્રાણી માનવામાં આવે છે.

તેઓ કહે છે, "બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાવાળા લોકોને આતંકવાદી સમજવામાં આવે છે. 21મી સદી છે પણ કોઈ પરિવર્તન ઇચ્છતું નથી."

સોશિયલ મીડિયાના માધ્યમથી ડર ફેલાવવામાં આવે છે, પણ આ માહોલથી રવીન્દ્ર ડર્યા નહીં અને નિરાશામાં ડૂબતાં શિલ્પાને પણ બચાવ્યાં.

એક દિવસ શિલ્પાએ ફોન કર્યો અને બાઇક લઈને રવીન્દ્ર દોડી આવ્યા. કહ્યું આત્મહત્યા કોઈ રસ્તો નથી, હવે દુનિયાને સાથે રહીને બતાવીશું.

બન્નેએ ભાગીને લગ્ન કરી લીધાં. જોકે, આ લડાઈનો અંત નહીં, પણ શરુઆત હતી.

ઘર છૂટી ગયું અને એન્જિનિયર તરીકે નોકરી પણ. તેઓ મજૂરી કરવા માટે મજબૂર થઈ ગયાં.

તમે આ વાંચ્યું કે નહીં?

આબરુના નામે હત્યા

બદલો Facebook કન્ટેન્ટ, 1

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ, 1

આબરુના નામે હત્યાના મુદ્દે ભારતમાં કોઈ કાયદો નથી.

દેશમાં થઈ રહેલા અપરાધોની જાણકારી પ્રાપ્ત કરતી સંસ્થા નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરો હત્યાના આંકડાને ઉદ્દેશના આધારે શ્રેણીબદ્ધ કરે છે.

2016માં આબરુના નામે હત્યા એટલે કે ઑનર કિલિંગના 71 કેસ, 2015માં 251 અને 2014માં 28 કેસ દાખલ થયા હતા.

ઑનર કિલિંગના કેસ મોટાભાગે દાખલ થતા નથી, જેના કારણે આંકડાના આધારે આકલન કરવું મુશ્કેલ છે.

ભાડે ઘર લેતા તો તેમની અલગ અલગ જાતિનું ખબર પડતા જ ઘર ખાલી કરવા કહી દેવામાં આવતું.

આશરે 15 વખત તેમણે ઘર બદલ્યાં. દરેક ક્ષણ હુમલાનો ડર રહેતો. રસ્તા પર નીકળતા સમયે. કામ કરતા સમયે.

ક્યારેક ક્યારેક ખૂબ ગુસ્સો અને ઘણી વખત એકબીજા ઉપર આરોપ લગાવવાની પરિસ્થિતિ ઊભી થઈ જતી.

ઘર પરિવારથી અંતર અને મનમાં તેમને દુઃખી કરવાનો બોજ, તેમને તણાવ તરફ લઈ જવા લાગ્યો.

શિલ્પા જણાવે છે, "પછી એક દિવસ અમે બેસીને લાંબી વાતચીત કરી. નક્કી કર્યું કે એકબીજાની વિરુદ્ધ નહીં પણ સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરીશું."

સાથે રહીને જે શક્તિ મળે છે તે ખુશી આપે છે. શિલ્પા કહે છે કે હવે રોવાનું બંધ કરી દીધું છે, રોવાથી નકારાત્મક ભાવનાઓ ઉત્પન્ન થાય છે. એ માટે હસીને જીવવાનું નક્કી કર્યું છે.

સેફ હાઉસ

સુપ્રીમ કોર્ટે માર્ચ 2018માં બે વયસ્કોની મરજીથી થતાં લગ્નમાં ખાપ પંચાયતની દખલગીરીને ગેરકાયદેસર ગણાવી હતી.

કોર્ટે કહ્યું કે પરિવાર, સમાજ અને સમાજની મરજી કરતાં વધારે જરુરી યુવક અને યુવતીની મરજી જરુરી છે.

ખાપ પંચાયતો અને પરિવારોથી સુરક્ષા માટે કોર્ટે રાજ્ય સરકારોને સેફ હાઉસ બનાવવાની સલાહ પણ આપી હતી.

આશરે છ મહિના બાદ ગૃહ મંત્રાલયે બધી જ રાજ્ય સરકારોને નોટિસ જાહેર કરી કોર્ટના દિશા નિર્દેશને લાગુ કરવા પણ કહ્યું હતું, પણ થોડાં જ રાજ્યોએ હજુ સુધી સેફ હાઉસ બનાવ્યાં છે.

શિલ્પા અને રવીન્દ્ર હવે પોતાના જીવન અને તેમના નિર્ણયો વિશે ખુલીને વાત કરે છે.

આંતરજાતીય લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા ઘણા લોકો હવે તેમની પાસેથી સલાહ લે છે. પણ આ લોકો સામે આવવા માગતા નથી.

કદાચ તેમણે પણ સાથ મેળવવાની મુશ્કેલીઓ અને ડરથી બહાર આવીને શક્તિ અને ખુશીની ભાવના સુધીનો પ્રવાસ જાતે જ નક્કી કરવો પડશે.

રવીન્દ્રના જણાવ્યા અનુસાર અલગ અલગ જાતિના લોકો વચ્ચે લગ્ન થવું, એ પરિવર્તન તરફ પહેલું પગલું છે જેમાં દેશમાં જાતિના આધારે ભેદભાવનો અંત આવે.

હવે તેઓ વકીલાતનું શિક્ષણ મેળવી રહ્યા છે કે જેથી એ લોકોની મદદ કરી શકે કે જેઓ શિક્ષિત નથી અને પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવી શકતા નથી.

શિલ્પા કહે છે કે એ ડરેલી છોકરી હવે ખૂબ આગળ નીકળી ગઈ છે, "હવે મારા જીવનના બીજા ઘણા મતલબ છે. કદાચ મારા પિતા પણ એ જોઈ શકે છે કે મેં મસ્તી કરવા માટે લગ્ન કર્યાં નથી, અને તેઓ મને અપનાવી લે."

એ ક્યારે થશે તેની ખબર નથી, પણ શિલ્પાની આશા કાયમ છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
વીડિયો કૅપ્શન થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો