અરબી શેખે ખરેખર સુષમા સ્વરાજની હાજરીમાં રામ મંદિર માટે ભજન ગાયું?

સુષમા સ્વરાજ અને શેખ Image copyright Screen Grab/ANI/Youtube

સોશિયલ મીડિયામાં ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનો એક જૂનો વીડિયો એવા દાવા સાથે વાઇરલ થઈ રહ્યો છે કે કુવૈત પ્રવાસ દરમિયાન એક શેખે સુષમા સ્વરાજ સામે રામ મંદિર નિર્માણના સમર્થનમાં ગીત ગાયું છે.

ફેસબુક પર આ વીડિયોને છેલ્લા 48 કલાકમાં લાખો વખત જોવામાં આવ્યો છે અને મંગળવારે પણ હજારો લોકોએ આ વીડિયોને ફેસબુક પર શેર કર્યો હતો.

મોટાભાગના લોકોએ આ વીડિયોને એવા 'સંદેશ' સાથે શેર કર્યો છે કે 'અમુક દિવસો અગાઉ સુષમા સ્વરાજ કુવૈત ગયાં હતાં.

ત્યાં તેમના સન્માનમાં શેખ મુબારક અલ-રશીદે અયોધ્યામાં રામ મંદિર નિર્માણના સમર્થનમાં એક ગીત ગાયું અને આપણું દિલ જીતી લીધું, જરૂર જુઓ.

આ વાઇરલ વીડિયોમાં અરબ દેશનો પોશાક પહેરીને એક વ્યક્તિ ગીત ગાઈ રહી છે જેની બાજુમાં સુષમા સ્વરાજ બેઠાં છે.

વાઇરલ વીડિયોમાં શેખ ગાઈ રહ્યા છે : 'જે રામનું નથી, મારાં કામનું નથી. બોલો રામ મંદિર ક્યારે બનશે'

તેમની પાછળ કુવૈત પ્રવાસ અંગેનું પણ એક હૉર્ડિંગ પણ દેખાઈ રહ્યું છે. સાથે જ વીડિયોમાં સમાચાર એજન્સી એએનઆઈનો લૉગો પણ લાગેલો છે.

પરંતુ જ્યારે અમે આ વીડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું કે દરેક દાવા ખોટા છે અને વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે.

વર્ષ 2018ના અંતમાં પણ આ ખોટા વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

વીડિયોની વાસ્તવિકતા શું છે?

રિવર્સ સર્ચમાં જાણવા મળ્યું કે આ વીડિયો 30 ઑક્ટોબર 2018નો છે.

ભારતની સરકારી ન્યૂઝ ચેનલ ડીડી અનુસાર આ વીડિયો અરબ દેશ કુવૈતમાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે વિદેશ મંત્રી સુષમા સ્વરાજના સંવાદ કાર્યક્રમનો છે.

આ કાર્યક્રમમાં કુવૈત સ્થિત રહેતા ભારતીય મૂળના લોકોએ સુષમા સ્વરાજ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.

કુવૈતના સ્થાનિક ગાયક મુબારક અલ-રશીદ પણ આ કાર્યક્રમમાં હતા.

તેમણે બોલીવુડનાં બે ગીતો બાદ મહાત્મા ગાંધીનું સૌથી મનપસંદ ભજન 'વૈષ્ણવ જન તો તેને કહીયે' ગાયું હતું.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ 31 ઑક્ટબર 2018ના રોજ મુબારક અલ-રશીદનો વીડિયો ટ્વીટ કર્યો હતો.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ મુજબ અલ-રશીદનું નામ '124 દેશોના સંગીતકારોની યાદી'માં સામેલ હતું જેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી વર્ષના અવસર પર પોતપોતાના દેશથી 'વેષ્ણવ જન તો તેને કહીયે' ભજનનો વીડિયો મોકલ્યો હતો.

પરંતુ આ કાર્યક્રમના વીડિયોને ખૂબ ખરાબ રીતે એડિટિંગ કરી બદલવામાં આવ્યો છે.

આ વીડિયો પર સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા ન્યૂઝ બનાવવામાં આવ્યા હતા. આ ન્યૂઝ યૂ-ટ્યૂબ પર ઉપલબ્ધ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો