રાહુલના વાર પરંતુ સિબ્બલ કયા કેસમાં અનિલ અંબાણીનો કરી રહ્યા છે બચાવ?

કપિલ સિબ્બલ Image copyright Getty Images
ફોટો લાઈન કૉંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ

કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી એક તરફ દરરોજ ફ્રાંસના રફાલ લડાકુ વિમાન સોદામાં બિઝનેસમૅન અનિલ અંબાણી પર આક્ષેપો કરી રહ્યા છે.

બીજી તરફ તેમના જ પક્ષના નેતા કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં એક અન્ય મામલામાં અનિલ અંબાણીનો બચાવ કરી રહ્યા છે.

મંગળવારે તો કપિલ સિબ્બલ કંઈક વધારે જ પ્રોફેશનલ દેખાયા.

સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં અનિલ અંબાણીનો વકીલ તરીકે બચાવ કરતા જોવા મળ્યા તો કોર્ટની બહાર રફાલ મામલામાં રાહુલ ગાંધીની જેમ તેમના પર હુમલો કરતા જોવા મળ્યા.

મંગળવારે કોર્ટમાં સુનાવણીના ઠીક પહેલાં કપિલ સિબ્બલે રફાલ મામલામાં સરકાર અને અનિલ અંબાણી વિરુદ્ધ ટ્વિટ કર્યું હતું.

એ કેસ જેમાં સિબ્બલ અનિલ અંબાણીના વકીલ છે

Image copyright Getty Images
ફોટો લાઈન કપિલ સિબ્બલ અને અનિલ અંબાણી

એરિક્સન ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કૉમ્યુનિકેશન વિરુદ્ધ કોર્ટમાં અવમાનનાની અરજી કરી છે.

એરિક્સન ઇન્ડિયાએ કોર્ટને કહ્યું છે કે તેમના આદેશ છતાં પણ અંબાણીની કંપનીએ 550 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી.

મંગળવારે કપિલ સિબ્બલ અને મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં અનિલ અંબાણીના પક્ષમાં દલીલો કરી હતી અને કહ્યું હતું કે તેમણે કોઈ રીતે કોર્ટની અવમાનના કરી નથી.

સુપ્રીમ કોર્ટે બુધવારે અંબાણીને કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે.

આ મામલામાં કપિલ સિબ્બલ અનિલ અંબાણીના વકીલ છે.

ઘટના એવી છે કે 2014માં એરિક્સન ઇન્ડિયાએ રિલાયન્સ કૉમ્યુનિકેશન સાથે સાત વર્ષો માટે ઑપરેશન મૅનેજમૅન્ટને લઈને એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

એરિક્સન ઇન્ડિયાનું કહેવું છે કે રિલાયન્સ કૉમ્યુનિકેશને તેમના 1,500 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી.

એરિક્સને ભારતની સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આરકૉમના માલિકને જેલમાં મોકલી દેવામાં આવે કારણ કે કોર્ટે તેને 7.9 કરોડ ડૉલરની ચૂકવણીના આદેશ આપ્યા હતા, તેનું તેમણે ઉલ્લંઘન કર્યું છે.

આરકૉમ પાસેથી એરિક્સનને કુલ 15.8 કરોડ ડૉલર લેવાના નીકળે છે.

એરિક્સનની આ અપીલ બાદ આરકૉમે સુપ્રીમ કોર્ટમાં 1.86 કરોડ ડૉલર જમા કર્યા હતા કારણ કે અડધી ચૂકવણી થઈ શકે.


જ્યારે સિબ્બલને કારણે કૉંગ્રેસ દયનીય સ્થિતિમાં મુકાઈ

Image copyright TWITTER/RAHUL GANDHI

મંગળવારે જ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદી રફાલ મામલામાં અનિલ અંબાણીના વચેટિયા તરીકે કામ કરી રહ્યા છે.

રાહુલે આરોપ પણ લગાવ્યો હતો કે મોદી જ્યારે 36 રફાલ લડાકુ વિમાનના સોદા માટે ફ્રાંસ ગયા હતો, તેના ઠીક 10 દિવસ પહેલાં અનિલ અંબાણીએ પેરિસમાં ફ્રાંસના સંરક્ષણમંત્રી સાથે મુલાકાત કરી હતી.

રાહુલે કહ્યું કે સંરક્ષણમંત્રી અને વિદેશમંત્રીને રફાલ સોદા અંગે માહિતી ન હતી પરંતુ અનિલ અંબાણીને માહિતી હતી.

2017માં કપિલ સિબ્બલને કારણે કૉંગ્રેસ ત્યારે ખરાબ સ્થિતિમાં મુકાઈ હતી જ્યારે તેઓ સુપ્રીમ કોર્ટમાં ટ્રીપલ તલાકના વિરોધમાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની તરફથી બચાવ માટે વકીલ તરીકે હાજર રહ્યા હતા.

આ પહેલાં તેઓ શારદા ચીટ ફંડ કૌભાંડમાં મમતા બેનરજીની સરકાર તરફથી વકીલ બન્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો