'દીદી ખુલીને હસો તમે દિલ્હીમાં છો,' વિપક્ષની રેલી પહેલાં લાગ્યાં પોસ્ટર્સ

મમતા બેનરજી અને નરેન્દ્ર મોદી Image copyright Getty Images

લોકસભાની 2019ની ચૂંટણીના માહોલમાં વિપક્ષો એક થઈ રહ્યાં છે ત્યારે દિલ્હીમાં રેલીમાં ભાગ લેવા આવેલા પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીને આવકારતા દીદી અહીં ખુલીને હસો, તમે લોકશાહીમાં છો એવાં પોસ્ટર લાગ્યા છે.

કોલકત્તામાં મહાગઠબંધનની મહારેલી બાદ આજે નવી દિલ્હીમાં જંતર મંતર પર આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં વિપક્ષો ભેગા થઈ રહ્યાં છે.

આમ આદમી પાર્ટીએ તાનાશાહી હટાવો, લોકતંત્ર બચાવો સત્યાગ્રહના નામે આ કાર્યક્રમનું આયોજન કર્યુ છે.

આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી, આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબૂ નાયડુ, પૂર્વ વડા પ્રધાન દેવગૌડા, નેશનલ કૉન્ફરન્સના નેતા ફારુક અબદુલ્લા, શરદ પવાર, શરદ યાદવ, શત્રુધ્ન સિંહા વગેરે સામેલ થઈ રહ્યા છે.

ઉપરાંત સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ, ડીએમકેના કનિમોઝી અને યશવંત સિંહા પર હાજર રહેવાના છે.

આમ આદમી પાર્ટીના દિલ્હીના સંયોજક ગોપાલ રાયે કહ્યું છે કે સમાજવાદી પાર્ટી, ડીએમકે, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રીય લોક દળ અને અન્ય તમામ પક્ષોના નેતાઓ સંબોધન કરશે.

આમ આદમી પાર્ટીએ આ રેલી માટે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપ્યુ છે. જોકે, આ રેલીમાં કૉંગ્રેસ વતી કોણ હાજરી આપશે એ હજી જાણવા મળ્યું નથી.

ઉલ્લેખનીય છે કે આજે સંસદના બજેટ સત્રનો છેલ્લો દિવસ છે અને રાહુલ ગાંધી, મનમોહન સિંહ, સોનિયા ગાંધી સહિતના ટોચના નેતાઓએ સંસદભવન આગળ રફાલના મુદ્દા પર ધરણાં પણ યોજ્યાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો