લોકસભા ચૂંટણી 2019 : રાજકીય પક્ષો માટે વલસાડની બેઠક શા માટે 'લક્કી' અને મહત્ત્વપૂર્ણ?

રાહુલ ગાંધી Image copyright Getty Images

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ધરમપુર ખાતે જાહેરસભાને સંબોધીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારની 'ઔપચારિક' શરૂઆત કરી હતી.

પરંપરાગત રીતે આદિવાસી બહુમતી ધરાવતી આ બેઠક કૉંગ્રેસનો ગઢ રહી છે, જોકે ગત વખતે મોદી લહેરમાં કૉંગ્રેસના હાથમાંથી આ બેઠકને ખૂંચવી લેવામાં ભાજપને સફળતા મળી હતી.

વલસાડની બેઠકને રાજકીય હવાને પારખવામાં નેતૃત્વ લેનારી બેઠક (bell-wether) તરીકે ઓળખવામાં આવે છે.

એવી માન્યતા છે કે જે પક્ષ વલસાડની બેઠક જીતે તે પક્ષ (કે તેના નેતૃત્વમાં યુતિ) કેન્દ્રમાં સરકાર બનાવે.

2014ની લોકસભા ચૂંટણી સમયે ભાજપે તમામ 26માંથી 26 બેઠક જીતીને રાજ્યમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

જોકે, રાજકીય હવાનો અંદાજ આપતી દેશની આ એકમાત્ર બેઠક નથી, અન્ય કેટલીક બેઠકો સાથે પણ આવી જ માન્યતા જોડાયેલી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વલસાડની વિશિષ્ટતા

Image copyright Getty Images

વરિષ્ઠ પત્રકાર ફૈઝલ બકીલીના કહેવા પ્રમાણે, "જો વડા પ્રધાન બનવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી થઈને જાય છે તો વલસાડ એ લક્કી ચાર્મ છે."

"કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર બની હોય કે જનતા દળની. વલસાડની બેઠકે રાજકીય વલણને પારખ્યું છે."

વર્ષ 2004 અને 2009માં કૉંગ્રેસના ઉમેદવાર કિશન પટેલ આ બેઠક પરથી સાંસદ રહ્યા હતા.

એ સમયે કેન્દ્રમાં કૉંગ્રેસના નેતૃત્વમાં યૂપીએ (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલાયન્સ)ની સરકાર બની હતી.

વર્ષ 2014માં ભાજપના ડૉ. કે. સી. પટેલે કૉંગ્રેસના કિશન પટેલને પરાજય આપ્યો. હાલમાં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ)ની સરકાર છે.

2004 પહેલાં ભાજપના મણિલાલ ચૌધરી આ બેઠક પરથી સાંસદ હતા. એ સમયે કેન્દ્રમાં એનડીએની સરકાર હતી.

લક્કી અને મહત્ત્વપૂર્ણ

Image copyright Getty Images

ઑલ ઇંડિયા કૉંગ્રેસ કમિટી (AICC)ના સભ્ય તથા વલસાડ બેઠકના પ્રભારી કાદીરભાઈ પીરજાદાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું :

"વલસાડની બેઠક ઇંદિરા ગાંધી તથા રાહુલ ગાંધીના સમયથી જ કૉંગ્રેસ માટે લક્કી સાબિત થઈ છે અને આ વખતે પણ લક્કી સાબિત થશે એવી અમને આશા છે."

"અમને વિશ્વાસ છે કે અમે વલસાડની બેઠક જીતીશું અને કેન્દ્રમાં પણ સરકાર બનાવીશું."

બકીલી જણાવે છે, "1977માં કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર બની હતી, ત્યારબાદ ઇંદિરા ગાંધી તથા કૉંગ્રેસ પાર્ટી બૅકફૂટ પર હતાં, ત્યારે ઉંમરગામ ખાતેના રોડ-શોએ જોમ પુરું પાડ્યું હતું."

"1984માં લોકસભાની ચૂંટણી યોજાઈ તે પૂર્વે રાજીવ ગાંધીએ પારડી સત્યાગ્રહની સભામાં ભાગ લીધો હતો."

"1999ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસનો પરાજય થયો હતો. અનેક વિભાજનોને કારણે કૉંગ્રેસ પાર્ટી હચમચી ગઈ હતી."

"તે સમયે સોનિયા ગાંધી દક્ષિણ ગુજરાત આવ્યા હતાં અને પારડી સત્યાગ્રહ સભામાં ભાગ લીધો હતો."

"સેલવાસ ખાતે રોડ-શોમાં સામેલ થયાં હતાં અને સ્થાનિક મંદિરમાં પૂજા પણ કરી હતી. વર્ષ 2004માં કૉંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં યૂપીએની સરકાર બની હતી."

ભૂમિહીન ખેતમજૂરોના અધિકારો માટે પારડી સત્યાગ્રહ હાથ ધરવામાં આવ્યો હતો.

તેની સ્મૃતિમાં આજે પણ દર વર્ષે પહેલી સપ્ટેમ્બરે વિશાળ જનસભાનું આયોજન થાય છે.

વિધાનસભા અને વલસાડની બેઠક

Image copyright Getty Images

વિધાનસભા માટે પણ વલસાડની બેઠકની 'રાજકીય હવાનું વલણ પારખતી બેઠક' તરીકે ઓળખવામાં આવે છે.

1990માં દોલતભાઈ દેસાઈ પ્રથમ વખત આ બેઠક જીત્યા હતા, ત્યારે ભાજપ અને જનતા પાર્ટીની યુતિ સરકાર બની હતી, ત્યારબાદથી ભાજપની એકલા હાથે સરકાર બની છે.

વર્ષ 2012થી ભરતભાઈ પટેલ આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરે છે.

ગત પાંચ ચૂંટણીનો અભ્યાસ કરવામાં આવે તો ગુજરાતની જામનગર તથા બનાસકાંઠાની લોકસભા બેઠકોને પણ 'રાજકીય હવાનું વલણ' પારખી લેતી બેઠક તરીકે ઓળખવામાં આવે છે.

આ બેઠક પર જે પક્ષના સાંસદ વિજેતા થયા હોય, તે પક્ષ (કે યુતિ)એ કેન્દ્રમાં સરકાર બનાવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ