જમ્મુ-કાશ્મીરના પુલવામામાં બ્લાસ્ટ, CRPFના 46 જવાનનાં મૃત્યુ

કાશ્મીરમાં હુમલો Image copyright Reuters

પોલીસ સૂત્રો પ્રમાણે ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરામાં થયેલા એક બ્લાસ્ટમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ(સીઆરપીએફ)ના 46 જવાનનાં મૃત્યુ થયાં છે અને અનેક ઘાયલ થયા છે.

સીઆરપીએફે 40 જવાનનાં મૃત્યુની પુષ્ટિ કરી છે. સીઆરપીએફના જવાનોની બસ આ રસ્તે જઈ રહી હતી ત્યારે જ ઉગ્રવાદીઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ બસમાં 40થી વધારે જવાન હતા.

300 કિલોમીટરના આ રાજમાર્ગ ઘણો મહત્ત્વનો છે અને હંમેશાં સુરક્ષા દળોની ચોકસાઈ રહે છે. ઇજાગ્રસ્ત જવાનોને શ્રીનગરની સેનાની હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

આ રાજમાર્ગ પર ગાડીઓની અવરજવર રોકી દેવામાં આવી છે અને આ વિસ્તારમાં હુમલાખોરોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સીઆરપીએફના ડીજી આર. આર. ભટ્નાગરે પીટીઆઈને જણાવ્યું, "આ વિશાળ કૉન્વૉય હતો અને આશરે 2,500 લોકો અલગઅલગ વાહનોમાં હતા. કૉન્વૉય પર ફાયરિંગ પણ થયું હતું."

અધિકારીઓએ પીટીઆઈને એવું પણ જણાવ્યું કે આ હાઈ-વે પર છેલ્લા બે-ત્રણ કલાકથી ખરાબ વાતાવરણ અને ના કારણે કોઈ જ ગતિવિધિ નહોતી.

તમે આ વાંચ્યું કે નહીં?

'સુરક્ષાની ત્રુટી'ના કારણે દુર્ઘટના ઘટી?

Image copyright GNS

ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ માને છે કે આ હુમલાને ટાળી શકાયો હોત.

ટોચના સુરક્ષા અધિકારીઓએ બીબીસીને જણાવ્યું છે કે દેશભરની સુરક્ષા એજન્સીઓને 12 ફેબ્રુઆરીના રોજ એલર્ટ કરાઈ હતી, જેમાં જૈશ-એ-મોહમ્મદ(જેણે આ ઘટનાની જવાબદારી સ્વીકારી) દ્વારા આત્મઘાતી હુમલો થવાની માહિતી હતી.

હુમલા બાદ તરત જ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ દિલબાઘ સિંઘે ન્યૂ દિલ્હી ખાતે નેશનલ સિક્યૉરિટી એડ્વાઇઝરને પણ આ જ બાબત કહી હતી એની માહિતી બીબીસીને સૂત્રો પાસેથી મળી છે.

સ્ટેટ ઇન્ટેલિજન્સે એક વીડિયોના આધારે એલર્ટ જાહેર કરી હતી. જૈશ-એ-મોહમ્મદ દ્વારા અફઘાનિસ્તાનમાં કરાયેલા હુમલાનો આ વીડિયો છે અને આવો જ હુમલો કાશ્મીરમાં લોકો પર થતા અત્યાચારના વિરુદ્ધમાં હોવાનું જણાવ્યું છે.

નામ ન આપવાની શરતે સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગેની માહિતી અગાઉથી અપાઈ હોવાથી આ મામલો 'સુરક્ષાની ગેરહાજરી'નો છે.

સરકારના સૂત્રોનું માનીએ તો ગૃહ મંત્રી રાજનાથ સિંહ શુક્રવારે સુરક્ષાની સ્થિતિ ચકાસવા માટે કાશ્મીરની મુલાકાત લઈ શકે છે, આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે ત્યારે તેઓ મુલાકાત લે એ શક્યતા વધી જાય છે.


જૈશ એ મોહમ્મદે લીધી જવાબદારી

Image copyright Rajnish Parihan

પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.

જૈશ-એ-મોહમ્મદના પ્રવક્તા મોહમ્મદ હસને એક નિવેદનમાં જાહેર કર્યું છે કે આદિલ અહેમદ ઉર્ફે વકાસ કમાંડોએ આ હુમલાને અંજામ આપ્યો છે. વકાસ કમાન્ડોને પુલવામા જિલ્લાના નાગરિક હોવાનું જાણવા મળે છે.

લોકસભા ચૂંટણી પહેલાં થયેલા આ હુમલાને સુરક્ષા દળો માટે એક ઝટકો માનવામાં આવે છે.

ગૃહ મંત્રાલય પ્રમાણે 2018માં ઓછામાં ઓછા 250 ઉગ્રવાદી, 84 સુરક્ષા કર્મીઓ અને 150 સામાન્ય લોકોનાં મૃત્યુ થયાં છે.

આ વર્ષે છેલ્લાં 6 અઠવાડિયાંમાં 20 ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.

આ ઘટના વિશે કૉંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ પણ પોતાનું નિવેદન આપ્યું છે.

આ હુમલાની ઘટના અંગે શોક વ્યક્ત કરતા તેમણે કહ્યું, "પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં આપણા જવાન શહીદ થયા છે"

વડા પ્રધાન મોદીએ પણ આ ઘટના અંગે ટ્વીટ કર્યું છે.

વડા પ્રધાન મોદીએ આ ઘટનાને વખોડી કાઢી છે અને લખ્યું છે, "બહાદુર શહીદોના પરિવારજનો સાથે આખો દેશ ખભો મિલાવીને ઊભો રહેશે."

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું, "પુલવામાની સ્થિતિ અંગે ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી છે."

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી આ હુમલાને વખોડી કાઢ્યો છે. તેમણે લખ્યું છે, "2004-2005 પહેલાં આતંકવાદના કાળા દિવસોની યાદ અપાવતા આ આત્મઘાતી (ફિદાઇન) હુમલાની જવાબદારી જૈશે લીધી છે."

ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી. કે. સિંઘે આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા ટ્વીટ કર્યું, "એક સૈનિક અને ભારતીય નાગરિક હોવાના કારણે હું આ કાયરતાપૂર્ણ હુમલાથી લઈને મારું લોહી ઊકળી રહ્યું છે."

"પુલવામામાં અમારા બહાદુર સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. હું આ નિસ્વાર્થ બલિદાનને સલામ કરૂં છું અને વાયદો કરૂં છું કે આપણા સૈનિકોના લોહીના દરેક ટીપાનો બદલો લેવામાં આવશે.''


અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કેમ?

Image copyright Rajnish Parihan

જે પ્રકારે આ હુમલો થયો છે, એ અત્યાર સુધીના હુમલામાં જોવા ન મળ્યું હોવાનું જાણવા મળે છે.

હુમલામાં સામેલ આદિલ અહેમદ 2018માં ઉગ્રવાદી સંગઠનમાં જોડાયા હતા તેવી માહિતી પોલીસ પાસેથી મળે છે.

શ્રીનગર-જમ્મુના મુખ્ય નેશનલ હાઈ-વે પર આ હુમલો થયો છે. આ હાઈ-વે જમ્મુથી શ્રીનગરને જોડતો મુખ્ય હાઈ-વે છે. ઘટનાસ્થળ શ્રીનગરથી ફક્ત 20-25 કિલોમિટર અંતરે છે.

સીઆરપીએફ કૉન્વૉયમાં 70 વાહનો અને 2500 લોકો હતા. આનો એ અર્થ એ કે આટલા મોટા કૉન્વૉય પર આવો હુમલો કદી નથી થયો.

આટલી મોટી સંખ્યામાં જવાનો હાજર હોય અને એમના જુલુસ પર હુમલો થયો હોય એવું અગાઉ નથી બન્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ