પુલવામામાં CRPF પર કરાયેલા હુમલાથી સરકારની સૈન્ય નીતિ પર સવાલ

  • અનુરાધા ભસીન જમવાલ
  • વરિષ્ઠ પત્રકાર
પુલવામા હુમલાની તસવીર

કાશ્મીરમાં કેટલું લોહી વહેશે? પુલવામામાં કરાયેલા હૃદયદ્રાવક આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાનોનાં મૃત્યુએ ફરી એક વખત કેટલાય પ્રશ્નો સર્જી દીધા છે.

હુમલો કઈ રીતે કરાયો એ અંગેની ચોક્કસ જાણકારી હજુ સુધી મેળવી શકાઈ નથી.

પ્રાંરભિક અહેવાલો અનુસાર 'જૈસ-એ-મોહમ્મદ' માટે કામ કરનારા આદિલ અહમદે પુલવામામાં વિસ્ફોટથી ભરેલી ગાડી સીઆરપીએફની 70 બસોના કાફલામાં ચાલી રહેલી બસને અથડાવી દીધી હતી.

થોડા જ સમયમાં ઘટનાસ્થળ એવું લાગવા લાગ્યું કે જાણે યુદ્ધગ્રસ્ત વિસ્તાર હોય.

નષ્ટ થઈ ગયેલી ગાડીઓ, કાટમાળ અને અર્ધ સળગેલા મૃતદેહો. અત્યંત ક્રૂર રીતે કરાયેલી આ જાનહાનીએ ભય પેદા કરી દીધો છે.

સપ્ટેમ્બર 2016માં ઉરીમાં સૈન્યના કૅમ્પ પર કરાયેલા 'આતંકવાદી' હુમલા બાદ આ સૌથી મોટો ઉગ્રવાદી હુમલો છે.

આ હુમલો 2001માં શ્રીનગરમાં વિધાનસભામાં કરાયેલા હુમલાની યાદ અપાવે છે, જેમાં વિસ્ફોટોથી લદાયેલી ગાડીને જમ્મુ અને કાશ્મીર સચિવાલયના દરવાજા સાથે અથડાવી દેવાઈ હતી.

જોકે આકાર, પ્રકાર અને પ્રમાણની રીતે જોતા આ હુમલો અલગ છે.

હુમલા બાદ તુરંત જ રાજનેતાઓ, અધિકારીઓ અને લોકોએ નિંદા કરી તથા બદલાની ભાવનાનો સ્વર પણ સાંભળવા મળ્યો.

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને જનરલ વી. કે. સિંહે હુમલાનો બદલો લેવાની ભલામણ કરી અને સાથે જ કહ્યું, "આતંકવાદીઓને એવો પાઠ ભણાવવામાં આવે કે એ ક્યારેય ના ભૂલી શકે."

જોશ લદાયેલી ટિપ્પણીઓ અને એની અસર

શાસનમાં બેઠેલા લોકો તરફથી કરાયેલી આ પ્રકારની ટિપ્પણીઓમાં કાશ્મીર મામલે ગેરસમજ અને ભૂલ ભરેલા ઉપાયો સૂચવવાની પ્રવૃતિ જોઈ શકાય છે.

આવી ટિપ્પણીઓમાં 'સૈનિકોની વીરતા'નું મહિમાગાન કરી પોતાની જવાબદારીઓથી છટકવાની પ્રવૃતિ પણ છતી થાય છે.

જો સરહદ પર લડવાની અને ઉપદ્રવીઓ વિરુદ્ધ સંઘર્ષ કરવાની જવાબદારી સૈનિકોની હોય તો રાજકીય શક્તિની જવાબદારી એ બને છે કે તેઓ એક એવો માહોલ ઊભો કરે, જ્યાં આ પ્રકારની હિંસક પરિસ્થિતિને જન્મ આપનારી સ્થિતિ ટાળી શકાય.

જમીન પર ભરાઈ રહેલાં પગલાંઓમાં ના તો આ જવાબદારીપૂર્ણ ભૂમિકા જોવા મળી રહી છે કે ના તો વ્યવહારકુશળતા.

આ મામલે તપાસ અત્યંત જરૂરી છે. ઢીલું મૂક્યા વગર આ મામલે તમામ પ્રશ્નોના જવાબ શોધવા જોઈએ.

માસ્ટરમાઇન્ડની તપાસ થવી જોઈએ અને એ પણ જાણવું જોઈએ કે ભારે સુરક્ષા ધરાવતા આ આર્ગ પર આખરે ચૂક થઈ ક્યાં?

જવાબદારી અને ઉદાર લોકશાહી ધરાવતા દેશો પાસે એવી આશા નથી રાખવામાં આવતી કે તેમની નીતિઓ અને તેમનાં કાર્યો પ્રતિશોધની ભાવનાથી પ્રેરિત હોય.

આમ પણ, તત્કાલ અપાયેલી પ્રતિક્રિયા શાંતિ સ્થપાવાની ગૅરન્ટી નથી આપતી. આ પ્રકારની પ્રતિક્રિયા કેવળ ખૂનખરાબાને જ પ્રોત્સાહિત કરે છે, જે કાશ્મીરની ખીણ અને ભારત એમ બન્ને માટે નુકસાનકારક છે.

આના બદલે ભારત સરકારે મહત્ત્વપૂર્ણ સવાલ પૂછવા જોઈએ કે હિંસાનું પાગલપણ, સશસ્ત્ર પ્રભાવશાળી સમૂહોના સભ્યો અને નાગરિકોનો જીવ કેમ જઈ રહ્યો છે?

કાશ્મીરની ખીણમાં આ ઘટનાક્રમ કેમ ચાલી રહ્યો છે? સાથે જ એ વિચારવું જોઈએ કે આખરે આ પરિસ્થિતિને કઈ રીતે પહોંચી શકાય?

તમે આ વાંચ્યું કે નહીં?

સરકારી નીતિઓની નિષ્ફળતા

આ ઘટના કાશ્મીર સંઘર્ષને પહોંચી વળવા માટે બનાવેલી ખામીઓથી ભરેલી નીતિઓ અને કાર્યવાહીની અસફળતાનું પરિણામ છે.

ઉગ્રવાદનો અંત આણવાને બદલે સુરક્ષા દળો દ્વારા ઉગ્રવાદીઓને ઠાર કરવાને જ સૈન્યનીતિની સફળતા ગણી લેવાઈ હતી.(આ નીતિમાં સૈનિકો અને પોલીસકર્મીઓને મોટી સંખ્યામાં ગુમાવવા પડે છે.)

જેને કારણે અહીંના યુવાનોએ હથિયાર ઉઠાવી લીધા અને કાશ્મીરના લોકો અને કેન્દ્ર સરકાર વચ્ચેનું અંતર વધી ગયું.

આ ઉગ્રવાદ લોકોમાં જોવા મળી રહેલા અજંપાનું પરિણામ છે. આ અજંપો ઉકેલી ના શકાયેલા રાજકીય વિવાદ, લોકશાહી અને લોકોના લોકતાંત્રિક અધિકારોનું હનન અને માનવાધિકારના ઉલ્લંઘનના મામલાને નજરઅંદાજ કરવાને કારણે ઉદ્ભવ થયો છે.

સૈન્ય પ્રયાસ અને રાજકીય પ્રયત્નોને સાથે લીધા વગર ભારત સરકાર ખોટા રસ્તે જઈ રહી છે.

ગત સાત દાયકા અને વિશેષ રૂપે 1990માં વિદ્રોહની શરૂઆત થઈ ત્યારથી ચૂંટાયેલી તમામ સરકારો વિવાદના ઉકેલને ખચકાતી રહી.

આ સરકારો સમસ્યાના ઉકેલ માટે રાજકીય કૌશલ્ય કે સૈન્યની રીત અપનાવવાને બદલે સરકારમાંથી મોહભંગ કરી ચૂકેલી જનતાને લલચાવવા માટે બહારની શોભાથી ભરેલા ઉપાયો કરતી આવી છે.

વર્તમાન ભાજપ સરકાર માટે સંઘર્ષને પહોંચી વળવાથી માંડીને તેના સમાધાન સુધી પહોંચવાનો રસ્તા તો બહુ દૂર છે જ, પણ સાથે જ તે બેરોકટોક સૈન્ય નીતિ અપનાવી સંઘર્ષને વધારી પણ રહી છે.

ત્યાંસુધી કે વર્ષ 2016માં પણ કાશ્મીરના લોકોને પહોંચી વળવા માટે બુલેટ, પૅલેટ અને ધરપકડના ઉપાય અપનાવાયા હતા. આ નીતિ હિંસાનો રસ્તો અને ઉગ્રવાદનો અંત આણી શકે એમ નથી.

જો વર્ષ 2018માં 250 ઉગ્રવાદીઓ માર્યા ગયા તો એટલી સંખ્યામાં યુવાનોએ હથિયાર પણ ઉઠાવ્યા છે અને કેટલાય એવા પણ છે જે આ માટે તૈયાર બેઠા છે.

જ્યાં સુધી આ સમસ્યાના મૂળથી સમાધાન માટે શાંતિપૂર્ણ ઉપાયોને ગંભીરતાથી પ્રયાસ નહીં કરાય ત્યાં સુધી ખીણ વિસ્તારમાં લોહી વહેડાવવું બંધ નહીં થાય.

શાંતિપૂર્ણ પ્રયાસ જ સમાધાન

ભારત સરકારે અફઘાનિસ્તાનમાં તાલિબાન સાથે વાતચીત માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભરાયેલાં પગલાંનું સમર્થન કર્યું છે. તો પછી ભારત સરકાર કાશ્મીર પર વાતચીત કરતા કેમ ડરે છે?

એ પણ ત્યારે કે જ્યારે અહીં હથિયાર ઉઠાવનારા ઉગ્રવાદીઓ ઉપરાંત હુર્રિયત જેવો રાજકીય સમૂહ અને મજબૂત સિવિલ સોસાયટીના લોકો પણ છે, જેમણે આ વિવાદના ઉકેલ માટે શાંતિપૂર્ણ પહેલ કરી છે.

કાશ્મીર આજે રાજકીય ઉકેલ માટે રાડો પાડી રહ્યું છે. આ સમાધાન માટે કંઈક અલગ પ્રકારનો વિચાર અને આકરાં પગલાં ભરવાની જરૂર છે.

જેમાં પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા તથા જમ્મુ અને કાશ્મીરના લોકો સાથેનો સંવાદ શરૂ કરવાનું સામેલ છે.

ભારત સરકારે ઉત્તર આયર્લૅન્ડમાંથી પ્રેરણા લેવી જોઈએ. આયર્લૅન્ડ હિંસક થઈ જતાં બ્રિટિશ સરકારે મામલાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલ લાવવા માટે તેને મજબૂર કર્યું હતું.

પુલવામાનો હુમલો એક ચેતવણી પણ છે. તે ઉગ્રવાદનો નવો ટ્રૅન્ડ દર્શાવી રહ્યો છે.

જે રીતે હુમલો કર્યો છે એની ભયાનકતા તેને ગત કેટલાય હુમલાઓથી અલગ કરી દે છે.

આ હુમલો એક શીખ પણ આપે છે કે કાશ્મીર અંગેની દોષપૂર્ણ નીતિઓ આપણને એક ખતરનાક વમળમાં ધકેલી રહી છે અને તેનો શિકાર માનવી બની રહ્યો છે, પછી તે ગમે તે ક્ષેત્રનો હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો