પુલવામા હુમલો: શું CRPFના કાફલા પર થયેલો હુમલો અટકાવી શકાયો હોત?
- વિનીત ખરે
- બીબીસી સંવાદદાતા, દિલ્હી

ઇમેજ સ્રોત, EPA
ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા આ પ્રકારના પ્રથમ પૂર્વ આયોજિત આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જેટલા જવાનોએ જીવ ગુમાવ્યો.
આવું પહેલી વખત બન્યું કે આત્મઘાતી હુમલાખોરે બારૂદ ભરેલી એક ગાડી સુરક્ષાદળોની બસ સાથે અથડાવી દીધી.
આ ઘટના અફઘાનિસ્તાન કે ઇરાકની યાદ અપાવે છે.
અહેવાલો અનુસાર આત્મઘાતી હુમલા બાદ સુરક્ષા દળો પર ગોળીબાર પણ થયો.
આ ઘટનાની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે પણ સવાલ એ ઊઠી રહ્યા છે કે આ ઘટના કેવી રીતે ઘટી અને ભૂલ ક્યા થઈ?
એબીપી ન્યૂઝ સાથે વાત કરતા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું, "આટલા વિસ્ફોટકો ભરેલી ગાડી ફરતી રહી અને ખબર જ ન રહી. તેનો અમને ખૂબ અફસોસ છે."
તમે આ વાંચ્યું કે નહીં?
સીઆરપીએફ પ્રમુખ આર. આર. ભટનાગરે એએનઆઈને કહ્યું કે, જમ્મુથી શ્રીનગર જઈ રહેલા સીઆરપીએફના આ કાફલામાં અઢી હજાર જવાનો હતા.
આ અંગે મલિકે કહ્યું,"ફૉર્સના જે નિયમો હોય છે, તેમાં ક્યાંક કોઈ ચૂક થઈ છે. અઢી હજાર લોકોને લઈને એકસાથે જઈ શકાતું નથી."
"જ્યાં આઈઈડી બ્લાસ્ટની શંકા હોય ત્યાં ગાડી વધારે ઝડપે ચાલતી હોય છે. પણ આ કાફલો ધીરેધીરે ચાલતો હતો. કોઈ પણ આવીને તેના પર હુમલો કરી ગયું, અમારી ભૂલ થઈ છે."
ઉગ્રવાદીઓને અંદરની મદદ અંગે મલિકે કહ્યું, "તેમના જાણભેદુઓ તો દરેક જગ્યાએ છે."
બીબીસીએ હુમલાના વિવિધ પાસાંઓ પર સીઆરપીએફ, બીએસએફ અને સેનામાં કામ કરી ચૂકેલાં નિવૃત્ત અધિકારીઓ સાથે વાત કરી.
નવા પડકારો માટે કોઈ વિચાર નહીં
ઇમેજ સ્રોત, EPA
અધિકારીઓ કહી રહ્યા છે કે આ નવા પ્રકારના હુમલા બાદ હવે તેમને ઘાટીમાં કામ કરવાની પદ્ધતિ બદલવી પડશે.
પૂર્વ સીઆરપીએફ પ્રમુખ દિલીપ ત્રિવેદીના મતે પહેલાં સુરક્ષાકર્મીઓ પર આઈડી બ્લાસ્ટ અને ગોળીઓથી વધુ હુમલા થતા, જેનો સામનો કરવા માટે રોડ ઑપનિંગ પાર્ટીઝ(આરઓપી)ની મદદ લેવાતી હતી.
મોટા ભાગના સીઆરપીએફના જવાનો જ આ પાર્ટીમાં તૈનાત કરાતા હતા.
સુરક્ષાકર્મીઓની અવર-જવર માટે રોડ સંરક્ષિત રાખવાની તેમની જવાબદારી રહેતી.
આ પાર્ટીઝ સુરક્ષા દળો પસાર થવાના હોય એ એ રસ્તા, રસ્તાના કિનારે આવેલા પુલ અને નાના પુલ, રસ્તાની બંને બાજુ પર આવેલાં ગામો અને દુકાનોને સ્નિફર ડૉગ્ઝ અને વિસ્ફોટકને પકડી શકતાં સાધનોની મદદથી સુરક્ષિત કરવામાં આવતા હતા.
કોઈ જગ્યાએ તાજુ ખોદીને બૉમ્બ મુકાયાની પણ તપાસ થતી હતી.
સીમા સુરક્ષા દળના પૂર્વ અધિક મહાનિદેશક પી કે મિશ્રાના મતે આ પાર્ટીઝનું કામ માત્ર માર્ગો સુરક્ષિત કરવાનું નથી પણ તેનાથી દૂર દૂર આવેલા વિસ્તારોને પણ સુરક્ષાના ઘેરામાં લેવાનું હોય છે.
પરંતુ એક વ્યસ્ત રાજમાર્ગ પર હંમેશાં આવું કરવાનું સહેલું હોતું નથી. મિશ્રાના મતે આ પાર્ટીઝમાં હજારોની સંખ્યામાં જવાનો હોય છે.
ઇન્ટેલિજન્સમાં ચૂક
ઇમેજ સ્રોત, Reuters
પરંતુ દિલીપ ત્રિવેદીના મતે આ ઘટનામાં શરૂઆતથી અંત સુધીની સુરક્ષામાં ચૂક રહી ગઈ છે.
તેઓ પૂછે છે, "આટલી મોટી માત્રામાં દારૂગોળો ઘાટીમાં કઈ રીતે આવ્યો, તેને સાચવીના રખાયો, ગાડીમાં લદાયો, તેમાં ડેટૉનેટર્સ લગાવાયા, કેવી રીતે એ ગાડી સારક્ષા દળોની ગાડીની નજીક પહોંચી અને કોઈને કંઈ જ ખબર ન પડી."
પૂર્વ સેના પ્રમુખ જનરલ વી પી મલિકના મતે, "હુમલા માટે ગાડી અને હુમલાખોરને તૈયાર કરવામાં ઘણા દિવસો લાગ્યા હશે. તો એવું કઈ રીતે બને કે આપણને કંઈ ખબર જ ન પડે."
આ જવાબદારી સ્થાનિક ઇન્ટેલિજન્સના અધિકારીની હતી કે તેઓ આ જાણાકારી એકત્ર કરે, જે ન થયું.
70થી વધુ ગાડીઓ અને અઢી હજાર જવાનોનો લાંબો કાફલો
ઇમેજ સ્રોત, Reuters
સવાલ ઊઠી રહ્યા છે કે આટલા લાંબા કાફલા સાથે ઉગ્રવાદ પ્રભાવિત દક્ષિણ કાશ્મીરના વિસ્તારમાંથી પસાર થવું કેટલું યોગ્ય હતું.
પૂર્વ સેના પ્રમુખ જનલર વી. પી. મલિકના મતે ગાડીઓની આટલી લાંબી કતારનું પસાર થવું સામાન્ય વાત નથી. આ લાંબી કતારનું કારણ હિમવર્ષાના કારણે ડ્યૂટી પરથી શ્રીનગર પરત જઈ રહેલા જવાનોની અવર-જવર પર રોક હતી.
થોડા મહિનાઓ પહેલાં સુધી જ્યારે પણ સૈનિકોનો કાફલો પસાર થતો ત્યારે સામાન્ય લોકોની ગાડીઓને માર્ગ પર પ્રવેશવા પર પ્રતિબંધ હતો.
જનરલ મલિકના મતે રાજકીય દબાણ બાદ સામાન્ય લોકોને પોતાની ગાડીઓ રસ્તાના કિનારેથી લઈ જવાની છૂટ મળી હતી અને આ રીતે જૂની પદ્ધતિને પુનઃસ્થાપિત કરી દેવામાં આવી.
તમે આ વાંચ્યું કે નહીં?
સામે સીઆરપીએફના પૂર્વ પ્રમુખ કે દુર્ગાપ્રસાદ કહે છે, "જો આ કાફલો ટૂકડે ટૂકડે જતો હોત તો પણ તમે દારૂગોળો ભરેલી ગાડીને કઈ રીતે રોકી શકયા હોત?"
સૂત્રોએ તેમને જણાવ્યું કે આ દારૂગોળો ભરેલી ગાડી રાજમાર્ગને સમાંતર રસ્તા પર થોડી વાર સુધી ચાલતી રહી ત્યાર બાદ તેને જોડતા રસ્તા પરથી રાજમાર્ગ પર આવીને જવાનોના વાહન સાથે અથડાઈ.
દુર્ગાપ્રસાદ કહે છે, "આ ગાડીને રોકવાનો એક માત્ર રસ્તો હતો કે, જ્યાં સુધી આ કાફલો પસાર ન થઈ જાય ત્યાં સુધી રાજમાર્ગને સમાંતર જતા રસ્તા પરના વાહનોને પણ રોકી રાખવામાં આવે."
પણ આવું કરવું કેટલું શક્ય હતું?
સામાન્ય બસોમાં સવાર જવાન
ઇમેજ સ્રોત, EPA
સવાલ એવા પણ ઊઠી રહ્યા છે કે ઉગ્રવાદ પ્રભાવિત દક્ષિણ કાશ્મીરના વિસ્તારમાંથી પસાર થતા આ કાફલામાં જવાનો સામાન્ય બસમાં સવાર હતા.
તેમને શ્રીનગર પહોંચાડવા માટે હેલિકૉપ્ટર કે બુલૅટપ્રુફ ગાડીઓનો ઉપયોગ કેમ ન થયો.
જનરલ મલિકના મતે, "હું પાક્કુ ન કહી શકું પણ મને કહેવામાં આવ્યું હતું કે આ બસોમાં સુરક્ષાની વ્યવસ્થા હતી."
જ્યારે સીઆરપીએફના પૂર્વ પ્રમુખ દિલીપ ત્રિવેદીના મતે તેઓ 80ના દાયકાથી કાશ્મીરમાં સામાન્ય બસોમા જ સફર કરી રહ્યા છે અને છેલ્લાં 20-30 વર્ષથી બધું બરાબર હતું.
અધિકારીઓના મતે હજારો જવાનોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે હેલિકૉપ્ટર પ્રૅક્ટિકલ વાત નથી અને "બુલૅટપ્રુફ ગાડીઓનો ઉપયોગ ઑપરેશન્સ વખતે થાય છે."
અહેવાલો મુજબ ડ્યૂટી પર પરત ફરતા આ જવાનો પાસે હથિયાર નહોતા. જનરલ મલિકના મતે સુરક્ષાના કારણે મોટા જથ્થામાં હથિયાર અપાયા નહોતા. પણ આવી દરેક બસમાં હથિયારધારી જવાનો તહેનાત હોય છે.
અસુરક્ષિત જમ્મુ-શ્રીનગર રાજમાર્ગ પરથી પસાર થવું કેટલું યોગ્ય
ઇમેજ સ્રોત, EPA
સીઆરપીએફના જવાનો પર હુમલો થયો ત્યારે જમ્મુ-કાશ્મીર રાજમાર્ગ નંબર 44 પરથી પસાર થઈ રહ્યા હતા. આ રાજમાર્ગ શ્રીનગરને બાકી દેશ સાથે જોડે છે.
આ રાજમાર્ગ પર સુરક્ષા બળો ઉપરાંત સામાન્ય લોકો પણ પસાર થતા હોય છે, તેથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખવો સહેલો નથી.
પૂર્વ સીઆરપીએફ પ્રમુખ કે દુર્ગાપ્રસાદના મતે શરૂઆતમાં આ રાજમાર્ગ સાથે અમુક જ રસ્તા જોડાયેલા હતા. પરંતુ સ્થાનિક લોકોની માગથી તેની સાથે વધુ માર્ગો સાથે જોડી દેવાયા.
રાજમાર્ગને સુરક્ષિત કરવાનો મતલબ છે, દરેક થોડા અંતરે એક સુરક્ષાકર્મી તહેનાત કરવો. જેથી આવતી-જતી ગાડીઓને નિયંત્રિત કરી શકાય. પરંતુ અધિકારીઓના મતે એટલા સુરક્ષાકર્મીઓ ઉપલબ્ધ નથી.
સીઆરપીએફ પર વારંવાર હુમલા કેમ
ઇમેજ સ્રોત, પુલવા હુમલો
પૂર્વ અધિકારીઓ પૂછી રહ્યા છે કે 'ઘાટી હોય કે નક્સલ પ્રભાવિત છત્તીસગઢ, સીઆરપીએફના જવાનો પર જ આટલા હુમલા કેમ થાય છે? જેમાં મોટી સંખ્યામાં જવાનો મૃત્યુ પામે છે.'
તેઓ સીઆરપીએફની આગેવાની પર પણ સવાલ ઊભા કરે છે.
જનરલ વીપી મલિકના મતે જવાનોની ટ્રેનિંગ અને તેમની તહેનાતીની પદ્ધતિ પર ધ્યાન આપવું જરૂરી છે.
જ્યારે સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીના મતે 70થી 80 ટકા ઘટનાઓમાં તેમની તહેનાતી દેશના સૌથી પડકારજનક વિસ્તારોમાં જ હોય છે, જેના કારણે તેમના પર આટલા હુમલા થાય છે.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો