પુલવામા હુમલો : આક્રોશની આગમાં કાશ્મીરી વિદ્યાર્થીઓની વહારે લોકો આવે છે પણ...

મુસ્લિમ મહિલા Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના સૂરજ દેશવાલે ટ્ટિટર પર લખ્યું 'કોઈ કાશ્મીરી ભાઈ કે બહેન અમદાવાદમાં હોય અને તેઓ ભય અનુભવતા હોય કે એમના સ્થળે અસુરક્ષિત હોય તો મારો સંપર્ક કરી શકે છે. 4-6 લોકોને સાચવી શકું છું. વધારે લોકોની વ્યવસ્થા પણ થઈ શકશે.'

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ટ્ટિટર પર લખ્યું 'જો કઈ કાશ્મીરીને ગુજરાતમાં મદદની જરુર હોય તો મારો સંપર્ક કરશો. કાશ્મીરીઓને દેશના વિવિધ ભાગોમાં ટાર્ગેટ કરાઈ રહ્યા છે એ નિંદનીય કૃત્ય છે. આ દુઃખની ઘડીમાં આપણે સૌએ વિભાજિત નહીં એક રહેવું પડશે.'

આવી જ રીતે જાણીતા પત્રકાર બરખા દત્ત, રાજદીપ સરદેસાઈ, નિધિ રાજદાન, અલકા લાંબા વગેરે અનેક લોકો ટ્ટિટર પર કાશ્મીરી વિદ્યાર્થીઓની મદદ માટે વ્હારે આવ્યા છે.

પાકિસ્તાનની કથિત સંડોવણીના લોકાક્રોશનો ભોગ જમ્મુ અને કાશ્મીરના સ્ટુડન્ટ્સ અને લોકો ન બની જાય તે માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે. જમ્મુમાં કર્ફ્યુ લાદવામાં આવેલો છે પણ સામે અનેક લોકો આવી પહેલનું સ્વાગત અપશબ્દો અને ઉન્માદથી કરે છે.


આક્રોશનું વાતાવરણ અને અપીલ

Image copyright Getty Images

પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર થયેલા ઉગ્રવાદી હુમલામાં 40થી વધારે સીઆરપીએફના જવાનોનાં મૃત્યુ થતાં દેશમાં શોક અને આક્રોશનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

બિહારના પટનામાં બુદ્ધ માર્ગ પર આવેલા કાશ્મીરી બજાર પર હુમલાના અને ઉત્તરાખંડના પાટનગર દહેરાદુનમાં 12 કાશ્મીરી વિદ્યાર્થીઓની મારપીટની ઘટનાના અહેવાલ પણ મીડિયામાં આવ્યા હતા.

દેશભરમાં અનેક ઠેકાણે પુલવામા હુમલામાં માર્યા ગયેલા જવાનોના સમર્થનમાં અને પાકિસ્તાનના વિરોધમાં બંધ અને રેલી જેવા કાર્યક્રમો યોજાયા છે.

વૉટ્સઍપ ગ્રૂપ્સમાં અનેક અફવાઓ ફેલાવવામાં આવી રહી હોવાનો અને ઉશ્કેરણીનજક સંદેશાઓ આવી રહ્યા હોવાનો પણ દાવો કેટલેક ઠેકાણે કરવામાં આવ્યો છે.

સીઆરપીએફ અને પોલીસની હેલ્પલાઈન

Image copyright Getty Images

પુલવામાં હુમલાની ગંભીરતા અને દેશનો માહોલ જોતા સીઆરપીએફ દ્વારા કાશ્મીરના નાગરિકો જે દેશના અન્ય ભાગમાં વસવાટ કરતા હોય અને ભયભીત હોય તેમના માટે મદદગાર હેલ્પલાઇન પણ બહાર પાડવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરની પોલીસ દ્વારા પણ લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરુર પડ્યે પોલીસનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.

પોલીસ ખોટા સમાચારો પર પણ સતત ધ્યાન રાખી રહેલી દેખાય છે. જેમકે શોપિયનના આઈપીએસ સંદીપ ચૌધરી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલા ટાઇમ્સ નાઉના એક સમાચારને ટ્વીટ કરે છે કે 'વૉટ્સઍપ આધારિત ફેક ન્યૂઝને અવગણો. શોપિયનમાં આવો કોઈ હુમલો નથી થયો.'

સીઆરપીએફનુ સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પણ 'મૃત્યુ પામેલા જવાનોની ખોટી તસીવીરોનો ઉપયોગ કરી લોકોને ભડકાવવાની કોશિશ થઈ રહી હોવાની ટ્ટીટ કરે છે અને આવી તસવીરોને લાઇક કે શૅર ન કરવા વિનંતી કરે છે.'

બીબીસીએ કાશ્મીર સ્થિત વીડિયો વૉલિન્ટિયર્સના સામુદાયિક પત્રકાર સજ્જાદ સાથે વાત કરી. સજ્જાદે જણાવ્યું છે, 'કેટલાક ભાગોમાં બનેલી ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને વેપારીઓ ભયભીત છે. આજે કાશ્મીર બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. સજ્જાદનું માનવું છે કે મીડિયા આવા અહેવાલો ખાસ રિપોર્ટ નથી કરતી."

ઓમર અબ્દુલ્લાહ ટ્વીટ કરે છે, 'હિંસા અન રાજકારણથી અલગ જે સ્ટુડન્ટ્સ જમ્મુ અને કાશ્મીરથી બહાર રહીને અભ્યાસ કરે છે તેમને એક ઉદાહરણ તરીકે જોવા જોઈએ. એમણે હિંસાનો નહીં પોતાના ભવિષ્યનો માર્ગ પસંદ કર્યો છે.'


વિદ્યાર્થીઓની હાલત શું છે?

Image copyright Sheikh_Suhail Twitter

જમ્મુ કાશ્મીર સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રવકતા નાસિર ખુહામી સાથે બીબીસીએ વાત કરી. આ સંસ્થા જમ્મુ અને કાશ્મીરની બહાર અભ્યાસ કરતા સ્ટુડન્ટ્સની સુરક્ષા અને કલ્યાણ માટે કામ કરે છે.

નાસિરનું કહેવું છે, 'છેલ્લા 3 દિવસમાં એમની એકલા પર 800થી વધારે ફોન કૉલ્સ આવ્યા છે. આ ફોન કૉલ્સ વિદ્યાર્થીઓના પરિવારોના અને વિદ્યાર્થીઓના છે અને તેમાના મોટાભાગના કાશ્મીરના છે.'

નાસિર કહે છે 'બહેતર જીવનની આશામાં અનેક સ્ટુડન્ટ્સ, દેશના અનેક વિસ્તારોમાં અભ્યાસ કરે છે પણ ઉત્તરાખંડ સિવાય અન્ય સ્થળે કોઈ મોટો ભય હાલ સુધી જોવા મળ્યો નથી.'

ઉત્તરાખંડના પાટનગર દહેરાદુનથી 100 જેટલા વિદ્યાર્થીઓને ચંદીગઢમાં હાલ શૅલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે એવી માહિતી નાસિર આપે છે.

Image copyright Junaid rather & Mushtaq Ahmad
ફોટો લાઈન ચંદીગઢના શૅલ્ટર હોમમાં રખાયેલા વિદ્યાર્થીઓ

નાસિર અને તેમની ટીમ જમ્મુ-કાશ્મીર પોલીસ તેમજ વહીવટી તંત્રના સતત સંપર્કમાં રહે છે. નાસિરનું કહેવું છે, 'કાશ્મીરી સ્ટુડન્ટ્સના રક્ષણ માટે જમ્મુ-કાશ્મીરની પોલીસ અને ઉત્તરાખંડ પોલીસે જે ત્વરિત હકારાત્મક કામગીરી કરી છે તે સરાહનીય છે.'

ઉત્તરાખંડના કેસમાં પણ ઓમર અબદુલ્લાહનુ ટ્વીટ જોવા મળે છે.

શું ખરેખર ભયનું વાતાવરણ છે?

Image copyright Getty Images

સજ્જાદ જણાવે છે, 'પહેલાં રસ્તો બંધ હોવાથી લોકો ફસાયેલા હતા. કૅમ્પ લગાવવામાં આવ્યા છે. જમ્મુમાં કાશ્મીરીઓની વધારે વસતિવાળા વિસ્તાર ભઠીડીમાં આવો કૅમ્પ હોવાની વિગત સજ્જાદ આપે છે.

'દરેક જિલ્લામાં પોલીસે હેલ્પલાઇન જાહેર કરી છે અને કેટલાક વિદ્યાર્થીઓ જે તે જિલ્લાની પોલીસના સંપર્કમાં છે' એવું પણ તેઓ જણાવે છે.

તો શું કાશ્મીરીઓ ખરેખર ભયભીત છે તેનો જવાબ સજ્જાદ 'હા' આપે છે. તેઓ કહે છે, 'ટૅન્શન છે. વિદ્યાર્થીઓ વિખરાયેલા છે અને તમામની સાથે સંપર્ક કરવો મુશ્કેલ છે. નેટ પણ બંધ છે.'

બીબીસીએ આ અંગે જમ્મુના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ રમેશ કુમાર સાથે વાત કરી. તેઓ જણાવે છે કે 'શાંતિ માટે કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ સુધારા પર છે. મારા વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ સુરક્ષિત છે.'

પૂર્વ સ્ટુડન્ટ યુનિયન પ્રૅસિડેન્ટ અને હાલ જમ્મુ-કાશ્મીર યુથ સિવિલ સોસાયટીના ચૅરમૅન બિલાલ બટ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી. બિલાલ હિંસા અને ઉન્માદના વાતાવરણથી ખાસા 'વ્યથિત' છે.

તેઓ કહે છે 'અહીં એમ પણ હાલત ખરાબ છે. વર્ષોથી હિંસાગ્રસ્ત વિસ્તારમાંથી બહેતર ભવિષ્યની આશામાં આ બાળકો ભણવાં જાય છે. તેઓ જ્યારે હિંસાનો ભોગ બને છે ત્યારે એમનાં માનસ પર ખૂબ નકારાત્મક અસર પડે છે.'

બિલાલ કહે છે કે આવું થશે તો 'ભણેલા લોકો હિંસાને રસ્તે વળી જાય એ નરેટિવ વધારે મજબૂત થાય.'

'18-20 વર્ષની વ્યક્તિ જે બાળપણથી એની આસપાસ હિંસા જ જોવે છે અને એમાંથી બહાર નીકળવા મથે છે, સ્વમાન અને શાંતિ ઇચ્છે છે એને જ્યારે તમે ગદ્દાર કહીને ગાળ દો છો કે એના પર હિંસા કરો છો તો એ શાંતિને રસ્તે નહીં પણ બંદુકને રસ્તે વળી જશે. એને એમ જ લાગશે લોકો અહીં હિંસાની અને ગાળની જ ભાષા સમજે છે.'


ઉગ્રવાદીઓને હીરો ન બનવા દો

Image copyright Major D P Singh Facebook

બિલાલ કહે છે 'ઉગ્રવાદીઓને એમના હીરો ન બનવા દો, શાંતિની વાત કરનારાને એમના હીરો બનવા દો.'આટલી વાત કહેતા તે અહેતિશામનું ઉદાહરણ આપે છે જે માર પડવાને લીધે બંદુકને રસ્તે વળી ગયા હતા અને પછી કાશ્મીર પોલીસને લીધે શાંતિને રસ્તે પાછો વળ્યા હતા.'

પ્રવિણ નામની વ્યકિત ટ્વિટર પર લખે છે, 'કાશ્મીરીઓ પર હુમલો કરીને આપણે દેશ માટે ક્ષોભજનક અને અપમાનની પરિસ્થિતિ પેદા કરીએે છીએ. એક તરફ આપણે કહીએ છીએ કે કાશ્મીર દેશનો અવિભાજ્ય હિસ્સો છે અને બીજી તરફ કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો થાય છે. ખેદજનક છે.'

બિલાલ કહે છે તેવી જ વાત કારગીલ યુદ્ધમાં બહાદુરીથી લડી પોતાનો પગ ગુમાવનારા ભારતીય સેનાના નિવૃત્ત મેજર ડી.પી. સિંહે કહી હતી. ડી. પી. સિંહે ફેસબુક પર અને ટીવી ચૅનલોમાં ચાલી રહેલી ઉન્માદી ચર્ચાઓનો પોતાનો અનુભવ લખ્યો હતો.

એમણે લખ્યું, 'એક સૈનિક તિરંગાની શાન માટે પોતાનો જીવ આપવા માટે કાયમ તૈયાર હોય છે પણ આપણે એ પણ સમજવું પડશે કે વકાસ કમાન્ડો (પુલવામાનો ફિદાયીન હુમલાખોર)ની તુલનામાં બે સેના મેડલ અને અશોક ચક્ર સન્માનિત કાશ્મીરી યુવક લાન્સ નાયક નઝીર વાની આપણા માટે વધારે પ્રેરણાદાયક છે.'

'જો કોઈ પાગલ પાડોશી મારા ઘરમાં ઘૂસીને મારા યુવાનોને ભડકાવે છે અને આપણે એને રોકવામાં નિષ્ફળ જઈએ છીએ તો કયાંક આપણે પણ ખોટાં છીએ.'

બિલાલ કહે છે કે 'આગમાં પાણી નાંખીને ઠારવાને બદલે એને ભડકાવવાની કોશિશ જો આમ થતી રહેશે તો છેવટે આપણે સહુ ભસ્મ થઈ જઈશું.'

મેજર ડી.પી. સિંહ લખે છે કે '40 પરિવાર બર્બાદ થયા છે અને હજીયે આપણે યોગ્ય ઉકેલ તરફ નહીં વળીએ તો ભવિષ્યમાં અનેક પરિવાર બરબાદ થશે.'

'જે લોકો પ્રતિશોધ માટે બૂમો પાડી રહ્યા છે એમણે બીજા પરિવારો, હિતધારકો, એમના બાળકો અને પત્નીઓને પૂછવું જોઇએ કે શું તેઓ હીરો સૈનિકો જે એમના પતિ, દીકરો, ભાઈ છે એના વગર જીવવા માટે તૈયાર છે?'

મીડિયા વૉર રુમ છે

Image copyright Getty Images

મીડિયાની ચર્ચાઓ વિશે બિલાલ કહે છે કે 'મીડિયા હાઉસ યુદ્ધ રુમ જેવાં બની ગયાં છે અને ટીઆરપી ખાતર વાતો કરે છે.'

મેજર ડી.પી. સિંહ લખે છે 'ટીવી ઍન્કર્સ તમારાં મોઢાંમાં ઠસાવવાની કોશિશ કરે જેથી તમે એમની વાત પર સંમત થઈ જાવ અને એમના સૂરમાં જ સામાન્ય લોકો બૂમો પાડવા લાગે છે અને બકવાસ પર સહમત થઈ જાય છે. એક જિંદગી ખતમ થઈ જવાનો અર્થ શું તેની કોઈ કલ્પના નથી કરી શકતું.'

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક પણ અગાઉ એક કાર્યક્રમમાં મીડિયા કાશ્મીરને વિલન ચીતરે છે એવું કહી ચૂક્યા છે.

બિલાલ 'એક જ શ્વાસમાં' પુલવામાની ઘટનાની નિંદા કરે છે અને કહે છે કે કે 'સૈનિકોની માતાઓ, અનાથ થતાં બાળકો, વિધવાઓનાં દર્દ કાશ્મીરીઓથી અલગ નથી.'

તેઓ કહે છે 'અમે એ દર્દ અનુભવી શકીએ છીએ કેમ કે અમે પણ 70 વર્ષથી લોહીનાં આંસુ રડી રહ્યાં છીએ. અહીં પણ સ્ત્રીઓ વિધવા થઈ રહી છે, બાળકો અનાથ થઈ રહ્યાં છે અને જવાનજોધ દીકરાઓ મરી રહ્યા છે.'

નાસિર આક્રોશમાં બધા કાશ્મીરીઓને ગદ્દાર અને દેશદ્રોહી જાહેર કરી દેનારા લોકોની ટીકા કરે છે. તેઓ કહે છે કે 'કાશ્મીરના કેટલા પોલીસોએ જીવ ગુમાવ્યો, શું એમને પણ દેશદ્રોહી કહેશો? જેમની જિંદગીઓ હોમાઈ ગઈ છે એ લોકો દેશદ્રોહી કેવી રીતે ગણાય.'


'મોદીના કે ભાગલાવાદીઓના દીકરા નથી મરતા'

Image copyright Getty Images

બિલાલ બટ કહે છે, 'જવાનોનો શોક આજે બધા મનાવે છે પણ આવતીકાલે કોઈ એમને પૂછશે પણ નહીં.'

મેજર ડી.પી. સિંહની પોસ્ટ પણ કંઈક આવી જ વાત કરે છે. તેઓ કહે છે, 'રાજકીય પક્ષો, મીડિયા હાઉસ અને લોકો માટે બધુ સામાન્ય થઈ જશે પણ જે લોકોએ જિંદગી ગુમાવી દીધી છે એમના પરિવારોનું દર્દ કોઈ નહી સમજે.'

બિલાલ કહે છે 'જ્યારે કોઈ પોતીકું મરે છે ત્યારે લોકો સંવાદ ઉપર આવે છે. આમાં નથી તો મોદીનો કે ભાગલાવાદીઓનો દીકરો મરતો નથી. મરે છે તો સામાન્ય નાગરિકો અને પોલીસ કે જવાનો.'

'હિંસાથી હિંસા જ પેદા થાય છે' એ અમારા નાગરિક સંઠનનનું સૂત્ર છે એમ બિલાલ કહે છે.

દેશમાં ગાંધીની 150મી જંયતિ ઉજવાઈ છે ત્યારે બિલાલ કહે છે એ સૂત્ર ગાંધીજીના વિખ્યાત કથન 'આંખ સામે આંખની વૃત્તિ આખરે સમગ્ર દુનિયાને આંધળી કરી દેશે' ની યાદ અપાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ