CRPF: પુલવામા હુમલા બાદ પણ ભારત પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ કેમ નથી તોડી શકતું?

  • અભિજીત શ્રીવાસ્તવ
  • બીબીસી સંવાદદાતા

કાશ્મીરના પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન પાસેથી 'મોસ્ટ ફેવર્ડ નેશન'નો દરજ્જો પરત લેવાની જાહેરાત કરી છે અને તેની સાથે-સાથે એવી વાત પણ સામે આવી હતી કે ભારતે સિંધુ જળ સંધિને સમાપ્ત કરી દેવી જોઈએ.

જોકે, સત્તાવાર રીતે આવી કોઈ વાત કરવામાં નથી આવી.

અટલ બિહારી વાજપેયી સરકારમાં વિદેશ સચિવ રહેલા કંવલ સિબ્બલ કહે છે, "ભારતે જેટલું સખત બનવું જોઈએ, તેટલું નથી બની રહ્યું."

"ભારતે સિંધુ જળ સંધિને તોડી નાખવી જોઈએ, આનાથી પાકિસ્તાન સીધું થઈ જશે."

બીજી તરફ પાકિસ્તાન સ્થિત ભારતના રાજદૂત જી. પાર્થસાર કહે છે, "જમ્મુ-કાશ્મીરમાં હાઇડ્રો-ઇલેક્ટ્રિક પાવરની જરૂરિયાતને પૂરી કરવા માટે ભારતને પાણીની જરૂર છે પરંતુ સિંધુ જળ સંધિને તોડવી એક વિવાદિત વિષય છે."

ભારતના પૂર્વ વિદેશ સચિવ મુચકુંદ દુબે કહે છે, "સંધિને રદ કરીને પાકિસ્તાનને મળેલા અધિકારથી વંચિત કરીશું તો મોટો મતભેદ થઈ શકે છે અને ખૂબ મોટી ઘટનાઓ ઘટી શકે છે."

છેલ્લાં અમુક વર્ષો દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે જેટલી વખત વિવાદ વધ્યો છે, તેટલી વખત સિંધુ જળ સંધિ તોડવાની વાત ઊઠી છે.

જ્યારે કાશ્મીરના ઉરીમાં હુમલો થયો હતો ત્યારે ભારતે જળ વિવાદ મુદ્દે દિલ્હીમાં આયોજિત બેઠકને રદ કરી નાખી હતી.

ત્યારે પાકિસ્તાનના અંગ્રેજી અખબાર 'ધ ન્યૂઝ' એ છાપ્યું હતું કે જેવી રીતે જળવાયુ પરિવર્તનની હકીકત સામે આવી રહી છે અને જળ સંસાધનોની માથકૂટ વધી રહી છે, ત્યારે ભારત દ્વારા 'પાણીને હથિયારના રૂપમાં' ઉપયોગ કરવાની સંભાવના વધતી જશે.

'એક્સપ્રેસ ટ્રિબ્યૂન'માં છપાયેલા અહેવાલ અનુસાર જળવાયુ પરિવર્તનના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ વિવાદ અન્ય વિવાદોની ઉપર છે.

કરાચીના ઉર્દૂ અખબાર 'ડેલી એક્સપ્રેસ'માં છપાયું હતું કે 'સમયની માગ છે કે જળ વિવાદ પર વાતચીત ચાલુ રહેવી જોઈએ અને પાકિસ્તાન પોતાનાં હિતોનો બચાવ કરે.'

શું છે સિંધુ જળ સંધિ?

ઇમેજ કૅપ્શન,

450 મેગાવૉટ ક્ષમતા ધરાવતી બગલિહાર પરિયોજના ભારત પ્રશાસિત કાશ્મીરની ચેનાબ નદી પર 2008માં બની હતી.

બ્રિટિશ રાજ દરમિયાન દક્ષિણ પંજાબમાં સિંધુ નદી ખીણ પર મોટી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારને આ પ્રોજેક્ટનો એટલો લાભ મળ્યો કે તે કૃષિ શ્રેત્રે દક્ષિણ એશિયાનો મુખ્ય ભાગ બની ગયો.

ત્યારબાદ ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે પંજાબના પણ ભાગલા પડ્યા જેમાં તેને પૂર્વ ભાગ ભારત અને પશ્ચિમ ભાગ પાકિસ્તાન તરફ ગયા.

આ સાથે જ સિંધુ નદી ખીણ અને તેની વિશાળ નહેરોનું પણ વિભાજન કરવામાં આવ્યું. પરંતુ તેનાથી મળતા પાણી પર પાકિસ્તાન સંપૂર્ણ ભારત પર નિર્ભર હતું.

પાણીના વહેણને જાળવી રાખવાના હેતુથી પૂર્વ અને પશ્ચિમ પંજાબના ચીફ એન્જિનિયરો વચ્ચે 20 ડિસેમ્બર 1947માં એક સંધિ થઈ.

આ સંધિ અંતર્ગત વિભાજન પહેલાં નક્કી કરાયેલો પાણીનો નિશ્ચિત હિસ્સો ભારતે 31 માર્ચ 1948 સુધી પાકિસ્તાનને આપતું રહેવાનું નક્કી થયું.

1 એપ્રિલ 1948ના રોજ જ્યારે સંધિ સમાપ્ત થઈ ત્યારે ભારતે બે મુખ્ય નહેરોનું પાણી રોકી દીધું જેના કારણે પાકિસ્તાનના પંજાબની 17 લાખ એકર જમીનની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ.

ઇમેજ કૅપ્શન,

1960માં કરાચી ખાતે સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા બાદ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અયુબ ખાન અને ભારતના પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ

ભારતના આ પગલા પાછળ ઘણાં કારણો રજૂ કરવામાં આવ્યાં જેમાંથી એક હતું કે ભારત કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પર દબાણ ઊભું કરવા માગતું હતું.

ત્યારબાદ થયેલી સંધિ મુજબ ભારત પાણીની આપૂર્તિ જાળવી રાખવા માટે રાજી થઈ ગયું.

એક અભ્યાસ મુજબ વર્ષ 1951માં વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ ટેનસી વેલી ઑથૉરિટીના પૂર્વ પ્રમુખ ડેવિડ લિલિયંથલને ભારત બોલાવ્યા.

લિલિયંથલ પાકિસ્તાન પણ ગયા અને અમેરિકા પરત ફરીને તેમણે સિંધુ નદી ઘાટીના વિભાજન પર એક લેખ લખ્યો.

આ લેખ વિશ્વ બૅન્કના પ્રમુખ અને લિલયંથલના મિત્ર ડેવિડ બ્લેકે વાંચ્યો અને આ મુદ્દે ભારત અને પાકિસ્તાનનો સંપર્ક કર્યો. ત્યારબાદ બન્ને પક્ષો વચ્ચે બેઠકો સિલસિલો શરૂ થયો.

આ બેઠકો લગભગ એક દાયકા સુધી ચાલી અને આખરે 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં સિંધુ નદી ઘાટી સંધિ પર હસ્તાક્ષર થયા.

તમે આ વાંચ્યું કે નહીં?

સંધિમાં શું હતું?

જી. પાર્થસારથી કહે છે કે સિંધુ સંધિ અંતર્ગત સિંધુ નદી ઘાટીની નદીઓને પૂર્વ અને પશ્ચિમ નદીઓમાં વિભાજિત કરવામાં આવી.

ઝેલમ અને ચિનાબ નદીઓને પશ્ચિમની નદીઓ ગણીને તેનું પાણી પાકિસ્તાનને મળશે એવું કહેવામાં આવ્યું.

જ્યારે રાવી, બિયાસ અને સતલુજને પૂર્વની નદીઓ ગણીને તેનું પાણી ભારત માટે હશે એવું નક્કી કરવામાં આવ્યું.

સંધિ મુજબ ભારત પૂર્વની નદીઓનું પાણી અમુક અપવાદોને છોડીને બેરોકટોક વાપરી શકે છે. જ્યારે પશ્ચિમની નદીઓના પાણીના ઉપયોગ અમુક સીમિત અધિકાર ભારતને આપવામાં આવ્યો હતો. જેમ કે, વીજળી ઉત્પન કરવી, ખેતી માટે સીમિત પાણીનો ઉપયોગ કરવો.

આ સંધિ અંતર્ગત બન્ને દેશ વચ્ચે વાતચીત અને સાઇટની મુલાકાત લેવાની જોગવાઈ પણ હતી.

આ સંધિ અંતર્ગત સિંધુ આયોગ પણ સ્થાપવામાં આવ્યું જેની અંતર્ગત બન્ને દેશોના કમિશનરોને મળવાનો પ્રસ્તાવ હતો.

મતલબ કે આ બન્ને કમિશન આ સંધિના કોઈ પણ વિવાદિત મુદ્દા પર વાતચીત કરી શકે છે અને સમયાંતરે મળશે એવી જોગવાઈ કરવામાં આવી હતી.

તેમાં એવું પણ હતું કે જ્યારે કોઈ દેશ કોઈ પરિયોજના પર કામ કરે છે અને બીજા દેશનો કોઈ આપત્તિ છે, તો બન્ને દેશ વચ્ચે બેઠક થશે અને પ્રથમ દેશે જવાબ આપવો પડશે.

ત્યારબાદ જો બેઠકમાં પણ કોઈ ઉકેલ ના નીકળ્યો, તો બન્ને દેશોની સરકારે આ મુદ્દો ઉકેલવો પડશે.

આ સાથે જ કોઈ પણ વિવાદિત મુદ્દા પર તટસ્થ નિષ્ણાતની મદદ લેવી તથા કોર્ટ ઑફ ઑર્બિટ્રેશનમાં જવાની જોગવાઈ રાખવામાં આવી હતી.

વિવાદિત વિષય

સિંધુ નદી ઘાટીના પાણીને લઈને બન્ને દેશ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.

પાકિસ્તાન, ભારતની મોટી જળવિદ્યુત પરિયોજનાઓ પાકલ (1,000 મેગાવૉટ), રાતલે (850 મેગાવૉટ), કિશનગંગા (330 મેગાવૉટ), મિયાર (120 મેગાવૉટ) તથા લોઅર કલનાઈ (48 મેગાવૉટ) પર સવાલ ઉઠાવી રહ્યું છે.

આ મુદ્દે જી. પાર્થસારથી કહે છે, "કાશ્મીર પોતાનાં સમગ્ર જળસંસાધનનો ઉપયોગ નથી કરી રહ્યું."

બીજી તરફ ભારત પ્રશાસિત કાશ્મીરમાં ત્યાંના જળસંસાધનોનો લાભ રાજ્યને નથી મળી રહ્યો એમ કહેવામાં આવે છે.

જ્યારે ભાજપનાં સમર્થક મહેબૂબા મુફ્તી જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય મંત્રી હતાં, ત્યારે તેમણે કહ્યું હતું કે સિંધુ જળ સિંધિથી રાજ્યને 20 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને કેન્દ્ર તેની ભરપાઈ માટે પગલાં ભરે.

ભારતના પૂર્વ કૅબિનેટ સચિવ, રક્ષા સચિવ, ગૃહ સચિવ અને જળ સંસાધન સચિવ રહી ચૂકેલા નરેશ ચંદ્રાએ બીબીસીને કહ્યું, "જ્યારે તુલબુલ પ્રોજેક્ટ કાશ્મીરમાં બનાવવાની વાત આવી, ત્યારે પાકિસ્તાને આપત્તિ રજૂ કરી હતી."

"તુલબુલ પ્રોજેક્ટમાં ચોમાસા દરમિયાન વરસાદના પાણીને અટકાવવાની વાત કરવામાં આવી હતી જે સંધિ અનુસાર કરી શકાય એમ નહોતું. કારણ કે સંધિમાં લખ્યું હતું કે પાણીનો ઉપયોગ એવી રીતે કરી શકાશે કે તેનું વહેણ અટકે નહીં."

જોકે, તેમનું માનવું હતું કે આ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સફળ સંધિ હતી.

તો શું ભારત સંધિ તોડી શકે છે?

સિંધુ નદી ઘાટી સંધિ પર 1993થી 2011 સુધી પાકિસ્તાનના કમિશનર રહી ચૂકેલા જમાત અલી શાહે બીબીસીને કહ્યું, "સંધિ અનુસાર કોઈ પણ એકતરફી રીતે આ સંધિને ના તોડી શકે અથવા ના બદલી શકે."

"ભારત-પાકિસ્તાને સાથે મળીને આ સંધિમાં પરિવર્તન કરવું પડશે અથવા નવી સંધિ બનાવવી પડશે."

બીજી તરફ વૈશ્વિક વિવાદો પર પુસ્તક લખી ચૂકેલા બ્રહ્મ ચેલાનીએ લખ્યું હતું, "ભારત વિયેના સમજૂતીના સંધિઓના કાયદાની કલમ 62 અંતર્ગત એવું કહીને પીછેહટ કરી શકે છે કે પાકિસ્તાન ઉગ્રવાદી સંગઠનોનો ઉપયોગ તેમની વિરુદ્ધ કરી રહ્યું છે."

"આંતરરાષ્ટ્રિય અદાલતોએ કહ્યું છે કે જો મૂળભૂત સ્થિતિઓમાં પરિવર્તન થાય, તો કોઈ પણ સંધિને રદ કરી શકાય છે."

આ મુદ્દે મુચકંદુ દુબે કહે છે, "વિભાજન બાદ સિંધુ ઘાટીથી નીકળતી નદીઓ પર નિયંત્રણને લઈને ભડકેલા વિવાદની મધ્યસ્થતા વિશ્વ બૅન્કે કરી હતી. જો ભારત આ સંધિ તોડશે, તો પાકિસ્તાન સૌપ્રથમ વિશ્વ બૅન્ક પાસે જશે."

"વિશ્વ બૅન્ક ભારત પર આવું ના કરવાનુ દબાણ ઊભું કરશે. વિદેશ નીતિના નાતે આ પગલું વિશ્વ બૅન્ક અને અન્ય સભ્ય દેશો સાથે સંબંધ ખરાબ કરવા સમાન હશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો