પુલવામા : સેનાને છૂટો દોર આપવાનો અર્થ ખરેખર શું થાય છે?

  • વાત્સલ્ય રાય
  • બીબીસી સંવાદદાતા
સૈનિકો

ઇમેજ સ્રોત, PTI

ભારત શાસિત કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સીઆરપીએફના કાફલા ઉપર થયેલા હુમલા પછી દેશભરમાં વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થયો છે. કેન્દ્ર સરકાર પાસે માગ કરવામાં આવી રહી છે કે તે દોષીઓને 'કડક' જવાબ આપે.

જેમાં 40થી વધારે જવાન શહીદ થયા તે પુલવામા હુમલાની જવાબદારી ઉગ્રપંથી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.

આ સંગઠન પાકિસ્તાનની ધરતી ઉપરથી પોતાની ગતિવિધિઓનું સંચાલન કરે છે.

આ સ્થિતિમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત ખેંચી લીધો છે.

સૈન્ય દળો અને સામાન્ય જનતાની ભાવનાઓની જાણકારી હોવાની વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારની એક રેલીમાં કહ્યું:

"મને દેશવાસીઓના હૃદયમાં કેટલી આગ છે તેનો અંદાજ છે. જે આગ તમારા હૃદયમાં છે, તે જ આગ મારા હૃદયમાં પણ છે."

આ અગાઉ એક રેલીમાં મોદીએ કહ્યું, "ગુસ્સાને દેશ સમજે છે. એટલે સુરક્ષા દળોને છૂટો દોર આપી દેવામાં આવી છે."

જોકે, યુદ્ધ નીતિ વિષયક બાબતોના નિષ્ણાતોનો મત એવો છે કે આવા નિવેદનોના આધારે એવું માનવું યોગ્ય નહીં રહે કે આગળનો વિકલ્પ યુદ્ધ છે.

બીબીસી હિન્દી રેડિયોના સાપ્તાહિક કાર્યક્રમમાં ઇન્ડિયા બોલમાં સામેલ થયેલા લેફ્ટનન્ટ જનરલ શંકર પ્રસાદે કહ્યું કે આ વખતે 'રણનીતિયુક્ત જવાબ'ની વાત થઈ રહી છે.

તેમણે કહ્યું, "જ્યારે સૈન્યને છૂટ આપી દેવામાં આવે છે તો એ યુદ્ધ સ્તરે હોય છે. સેના એ કરે છે અને આગળ પણ કરતી રહેશે."

તમે આ વાંચ્યું કે નહીં?

'આધુનિકીકરણની બાબતમાં સેના પાછળ રહી ગઈ'

ઇમેજ સ્રોત, PTI

પુલવામા હુમલા બાદ થઈ રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન પાકિસ્તાનને 'પાઠ ભણાવવા'ની માંગ પણ કરવામાં આવી રહી છે.

ટીવી ચેનલોમાં પણ ઘણી ચર્ચાઓ દરમિયાન યુદ્ધોન્માદ ઊભો કરવાનો પ્રયત્ન દેખાય છે.

પરંતુ, 1971માં પાકિસ્તાનની વિરુદ્ધ થયેલા યુદ્ધમાં ભાગ લઈ ચૂકેલા ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ શંકર પ્રસાદ ચેતવે છે કે હવે લડાઈ સહેલી નથી.

તેમણે કહ્યું, "આ વાતને બરાબર ધ્યાનથી સમજવી જોઈએ કે પાકિસ્તાન પાસે પણ આર્મી છે. પાકિસ્તાનની સેના એવી નબળી નથી."

"આપણે તેમને 1971માં હરાવીને તેના 90 હજાર સૈનિકોને બંદી પણ બનાવ્યા હતાં. પરંતુ પાકિસ્તાન પાસે યુદ્ધ વિમાનોના 25 સ્ક્વૉર્ડન છે."

"આપણી પાસે ફક્ત બે ચાર સ્ક્વૉર્ડન વધુ છે, એટલે કે ભરોસાપાત્ર સુરક્ષાતંત્ર નથી."

તેઓ કહે છે કે બે દશકાથી વધુ સમય દરમિયાન રણનીતિની ખામીઓ અને રાજકીય વિવાદોને લીધે આધુનિકીકરણની બાબતે સેના પાછળ રહી ગઈ છે.

આપને આ પણ વાંચવું ગમશે

ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ શંકર પ્રસાદ કહે છે, દુ:ખની વાત એ છે કે પાછલાં 20-25 વર્ષથી સૈન્ય દળોના આધુનિકીકરણનું કામ પાછળ રહી ગયું છે.

તેમનો મત છે કે જો આગળ પણ સેનાના આધુનિકીકરણ ઉપર ધ્યાન આપવામાં નહીં આવે તો દેશને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

લેફટનન્ટ જનરલ શંકર પ્રસાદે કહ્યું, "જ્યાં સુધી સશસ્ત્ર સેનાઓ અને જાસૂસી એજન્સીઓ મજબૂત નહીં હોય, ત્યાં સુધી દુશ્મન રમત રમતા રહેશે."

હાલના સમયમાં સરકાર કયો વિકલ્પ અજમાવી શકે છે, એ પૂછવામાં આવ્યું ત્યારે ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલ શંકર પ્રસાદે કહ્યું:

"ગુસ્સામાં આનો રસ્તો કાઢી શકાય નહીં, આપણે શાંતિથી વિચારવું જોઈએ કે શું વિકલ્પ છે."

તેઓ સીઆરપીએફમાં (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ) પણ મોટા ફેરફારોની જરૂરિયાત ઉપર ભાર આપે છે અને કહે છે કે તેને સેનાની જેમ ઢાળવાની જરૂર છે.

વ્યવસાયિક વલણનો અભાવ

ઇમેજ સ્રોત, PTI

ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલે કહ્યું, "સીઆરપીએફની સંરચનામાં જબરદસ્ત ફેરફારની જરૂર છે. સીઆરપીએફ યુનિટ કંપનીના સ્તરે કાર્ય કરે છે.""તેમના કમાન્ડિંગ ઑફિસર કેટલાય કિલોમીટર દૂર બેઠા હોય છે. તેમની જે કંપની લડે છે, તેની સાથે એક મેજરની રેન્કના અધિકારી હોય છે."

"સેનામાં આખું યુનિટ સાથે જાય છે. તેમના કમાન્ડિંગ ઑફિસર સાથે હોય છે. જો હુમલો થવાનો હોય તો કમાન્ડિંગ ઑફિસર તેની આગેવાની કરે છે. તમે એ કારગીલ યુદ્ધ દરમિયાન જોયું હશે."

તેઓ આગળ કહે છે, "મારી સમજણ છે કે સીઆરપીએફના મિડલ અને સિનિયર રૅન્કમાં વ્યવસાયિકતાનો અભાવ છે."

"તેઓ નોકરશાહની જેમ કામ કરવા ઇચ્છે છે. સરકાર પણ આ બધું જાણે છે, પરંતુ રાજનીતિ અને અન્ય અડચણોને લીધે ફેરફાર નથી થઈ શકતો."

"એમના ઘડતર, નેતૃત્વ અને ટ્રેનિંગ ઉપર ધ્યાન આપવાની જરૂર છે."

જો કે, તેઓ એમ પણ કહે છે કે આ ખામીઓને પુલવામામાં હુમલા સાથે સાંકળવી યોગ્ય નહીં રહે.

તેઓ કહે છે કે આ હુમલા પછી સ્પષ્ટ છે કે સુરક્ષા અને જાસૂસી તંત્રની દૃષ્ટિએ દરેક સ્તરે અભાવ રહ્યો છે. આ વાત આશ્ચર્યજનક છે કે કાશ્મીરમાં આટલી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જાય છે અને તેની કોઈએ તપાસ ના કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો