#PakistanAndCongress સાથે સોશિયલ મીડિયા પર ફેલાયેલા દાવાનું સત્ય શું છે?

  • ફૅક્ટ ચેક ટીમ
  • બીબીસી ન્યૂઝ
વિરોધ પ્રદર્શનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સોમવારની સવારે જ્યારે ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામા જિલ્લામાંથી ભારતીય સેનાના ચાર જવાનોનાં મૃત્યુના સમાચાર આવ્યા, તેની થોડીવાર બાદ જ #PakistanAndCongress ટ્વિટરના ટૉપ ટ્રેન્ડ્સમાં સામેલ થઈ ગયું.

#PakistanAndCongressની સાથે જે લોકોએ ટ્વીટ કર્યા છે તેમાંથી જમણેરી વલણ ધરાવતા મોટાભાગના સોશિયલ મીડિયા યૂઝર્સનો આરોપ છે કે પુલવામા હુમલા બાદ પણ પાકિસ્તાન માટે કૉંગ્રેસ પાર્ટીનું વલણ નરમ છે.

હજારો લોકોએ આ હેશટેગ સાથે ન માત્ર ટ્વિટર પર, પણ ફેસબુક અને શૅરચેટ જેવી ચેટિંગ ઍપ્લીકેશન પર ભડકાઉ સામગ્રી શૅર કરી છે.

ઘણા લોકોએ આ હેશટેગ સાથે જૂની તસવીરો અને વીડિયો ઉપયોગમાં લીધા છે, પરંતુ અમારી તપાસમાં જાણવા મળ્યું કે મોટાભાગના લોકોનાં દાવા ખોટા અને પાયાવિહોણા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રિયંકા ગાંધીની મુલાકાત

ઇમેજ સ્રોત, SM VIRAL POSTS

જમણેરી સમર્થક પોતાના ફેસબુક ગ્રૂપ્સમાં ટ્રેન્ડિંગ હેશટેગ સાથે લખી રહ્યા છે કે કૉંગ્રેસ પાર્ટીનાં નવા મહાસચિવ પ્રિયંકા ગાંધી 7 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાને મળ્યાં હતાં.

ટ્વિટર અને ફેસબુક પર આ પ્રકારના સંદેશ હજારો વખત શૅર કરવામાં આવ્યા છે.

પરંતુ તથ્યોના આધારે આ દાવા ખોટા સાબિત થાય છે કેમ કે 7 ફેબ્રુઆરીના રોજ પ્રિયંકા ગાંધી આગામી લોકસભા ચૂંટણીમાં ઔપચારિક રૂપે પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી મળ્યા બાદ પહેલી વખત કૉંગ્રેસ કાર્યાલય પર મીટિંગ માટે પહોંચ્યાં હતાં.

આ મીટિંગમાં કૉંગ્રેસ પાર્ટીનાં બધા મહાસચિવ અને રાજ્યોના પ્રભારી સામેલ થયા હતા.

રાહુલ ગાંધીનું ટ્વીટ

ઇમેજ સ્રોત, SM VIRAL POST

સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનું 24 ઑક્ટોબર 2018ના રોજ કરવામાં આવેલું ટ્વીટ શૅર કરવામાં આવી રહ્યું છે.

આ ટ્વીટમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એ કહીને નિશાન બનાવ્યા હતા કે "પીએમએ CBI ડાયરેક્ટરને હટાવી દીધા જેથી તપાસ રોકી શકાય."

વાઇરલ થઈ રહેલા આ ટ્વીટને અત્યાર સુધી 12 હજાર કરતાં વધારે લોકો રી- ટ્વીટ કરી ચૂક્યા છે.

પરંતુ કેટલાક લોકોનો એવો દાવો છે કે પાકિસ્તાન ડિફેન્સે પણ રાહુલનું આ ટ્વીટ રી ટ્વીટ કર્યું હતું, કેમ કે મોદીને હટાવવા માટે પાકિસ્તાન કૉંગ્રેસને મદદ કરી રહી છે.

આ દાવો એકદમ ખોટો છે કેમ કે પાકિસ્તાનના રક્ષા મંત્રાલય અને પાકિસ્તાની સેનાનું 'પાકિસ્તાન ડિફેન્સ' નામે કોઈ સત્તાવાર ટ્વિટર હૅન્ડલ છે જ નહીં.

પાકિસ્તાન પોતાના ડિફેન્સ અને સેના સાથે જોડાયેલી જાણકારી ટ્વીટ કરવા માટે ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશનના આધિકારિક હૅન્ડલનો ઉપયોગ કરે છે.

સિબ્બલનું નિવેદન

દક્ષિણ ભારતના મોટાભાગના કથિત મોદી સમર્થક સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલનું એક નિવેદન #PakistanAndCongress સાથે શૅર કરવામાં આવી રહ્યું છે કે જેના આધારે સિબ્બલે અતિવાદી રાષ્ટ્રવાદને પુલવામા હુમલાનું કારણ બતાવ્યું છે.

તેને દક્ષિણપંથી વલણ ધરાવતા મોટા હિંદી ભાષી ગ્રૂપ્સમાં પણ શૅર કરાય રહ્યું છે.

આ વિશે કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલે બીબીસી સાથે વાતચીતમાં દાવો કર્યો છે કે તેમણે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા પર ન માત્ર સોશિયલ મીડિયા પર, મીડિયાને પણ આ પ્રકારનું કોઈ નિવેદન આપ્યું નથી.

કાશ્મીરી ટ્રક ડ્રાઇવર

ઇમેજ સ્રોત, SM VIRAL POST

ઇમેજ કૅપ્શન,

આ એક જઘન્ય વીડિયો છે તે માટે વીડિયોની લિંક આપવામાં આવી નથી

સોશિયલ મીડિયા પર ઘણા લોકો કાશ્મીરના લોકો વિશે ઝેર ઓકી રહ્યા છે અને તેમની વિરુદ્ધ લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઘણા લોકોએ લખ્યું છે કે 'કૉંગ્રેસી નેતા એ કાશ્મીરી લોકોનો સાથ આપી રહ્યા છે કે જેમણે પુલવામા ઘટનાને અંજામ આપ્યો છે.'

પરંતુ કેટલાક લોકો તો એવા પણ છે કે જેઓ જૂના વીડિયો શૅર કરીને કાશ્મીરી લોકોમાં ભય ઉત્પન્ન કરવા અને તેમને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ વીડિયો બન્ને રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.

આવા જ એક વીડિયોની સાથે લખવામાં આવ્યું છે કે પુલવામા હુમલાથી રોષે ભરાયેલા લોકોએ કાશ્મીરી ટ્રક ડ્રાઇવર સાથે મારપીટ કરી.

સોશિયલ મીડિયા પર લોકોએ આ વીડિયોને જમ્મુના ઉધમપુરનો હોવાનું બતાવ્યું છે, પરંતુ જમ્મુ કાશ્મીર પોલીસે વર્ષ 2018માં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને પુલવામા ઘટના સાથે જોડાયેલો હોવાની વાતનું ખંડન કર્યું છે.

16 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીર પોલીસે પોતાના આધિકારિક ટ્વીટમાં લખ્યું, "કાશ્મીરી ડ્રાઇવરની મારપીટનો એક વીડિયો જેને ઉધમપુરનો બતાવીને અફવા ફેલાવવામાં આવી રહી છે, તે ખોટો છે. આવી અફવાઓ પર ધ્યાન ન આપો."

કાશ્મીરી વર્કર્સ સાથે મારપીટ

આ જ રીતે કાશ્મીરના સ્થાનિક સોશિયલ મીડિયા ગ્રૂપ્સમાં થોડા દિવસ પહેલા ઇન્ટરનેટ પર વાઇરલ થયેલો લગ્ન દરમિયાન હિંસાનો વીડિયો, કાશ્મીરી વર્કર્સ સાથે મારપીટનો ગણાવીને શૅર કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયોને ચંડીગઢનો બતાવવામાં આવ્યો છે, જ્યારે વીડિયો દિલ્હીના જનકપુરી સ્થિત એક ફાઇવ સ્ટાર હૉટેલનો છે, જ્યાં ભોજનની સર્વિસ મામલે મહેમાનો અને હૉટેલ સ્ટાફ વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.

જોકે, સોશિયલ મીડિયામાં ઘણાં એવા રિપોર્ટ્સ આવ્યા છે કે જેમાં કાશ્મીરી મૂળના લોકો સાથે ગેરવર્તણૂક અને દુર્વ્યવ્હારની વાતો સામે આવી છે.

પરંતુ લગ્નના વીડિયોનો એક ભાગ જેને સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે, તેના પુલવામા હુમલા અને કાશ્મીરી મૂળના લોકો સાથે કંઈ લેવા દેવા નથી.

ભાજપ નેતાનું નિવેદન

ઇમેજ સ્રોત, SM VIRAL POST

સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ #PakistanAndCongressના જવાબમાં ભાજપના સાંસદ નેપાલ સિંહનું એક જૂનું નિવેદન પુલવામા હુમલા સાથે જોડીને શૅર કર્યું છે.

ન માત્ર કૉંગ્રેસ સમર્થક ફેસબુક ગ્રૂપ્સમાં, પણ મુંબઈ કૉંગ્રેસના સત્તાવાર ટ્વિટર હૅન્ડલે પણ ભાજપ સાંસદના નિવેદન પર આધારિત એક વર્ષ જૂના સમાચારને પુલવામા હુમલા સાથે જોડીને ટ્વીટ કર્યું છે.

વર્ષ 2017ના અંતમાં CRPFના ટ્રેનિંગ કૅમ્પ પર થયેલા હુમલામાં ભારતના ચાર જવાનોનાં મૃત્યુ થયા હતા, જેના પર પ્રતિક્રિયા આપતા ભાજપ નેતા નેપાલ સિંહે કહ્યું હતું:

"આર્મીમાં દરરોજ મળશે. કોઈ એવો દેશ છે કે જ્યાં ઝઘડો હોય અને સૈનિક મરતા ન હોય."

નેપાલ સિંહની કડક નિંદા બાદ તેમણે પોતાના આ નિવેદન બદલ માફી માગવી પડી હતી.

તેમના આ નિવેદનને પુલવામા સાથે જોડવું સંપૂર્ણપણે ખોટું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો