પુલવામા હુમલો: 'આટલો મોટો વિસ્ફોટક જથ્થો પાકિસ્તાનથી ના આવી શકે'

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
પુલવામા વિસ્ફોટ

ઇમેજ સ્રોત, Getty Images

14 ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ) કાફલા ઉપર હુમલો થયો, જેમાં 40થી વધુ જવાનોનાં મૃત્યુ થયાં છે. હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી છે.

આ હુમલા પછી ભારત તરફથી જવાબી કાર્યવાહી શું થવી જોઈએ, આ હુમલાની પાછળના અન્ય કારણો ઉપર વિવાદ છેડાઈ ગયો છે.

આ રીતનાં તમામ સવાલોની વચ્ચે રક્ષા નિષ્ણાંત અને કાશ્મીરમાં કાર્યરત રહેલા ઘણાં સેનાના અધિકારીઓએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે.

સાથે જ એ પણ જણાવ્યું છે કે ભારતને કઈ રીતે આ કિસ્સામાં કામ પાર પાડવું જોઈએ.

ચિનાર કૉર્પસના વડા લેફટનન્ટ જનરલ કે. એસ. ઢિલ્લોનના કહેવા પ્રમાણે:

"કયા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ક્યાંથી આવ્યો હતો તે અંગે તપાસ ચાલુ છે."

"આ અંગે કડીઓ મળી છે, પરંતુ કંઈ પણ કહેવું વહેલું ગણાશે."

ત્યારે 1965 બેચના આઈપીએસ ઑફિસર એ. એસ. દુલત રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગ(રૉ)ના પ્રમુખ રહી ચૂક્યા છે, તેમની પાસેથી હુમલા વિશે જાણીએ.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, Getty Images

રવિવારે તેમણે પુલવામાં હુમલા ઉપર કહ્યું કે ભારતને આ હુમલાના જવાબમાં 'આક્રમક કાર્યવાહી'ના બદલે 'આક્રમક કૂટનીતિ' અપનાવવી જોઈએ.

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, "કૂટનીતિનો રસ્તો અપનાવવો અનહદ જરૂરી છે."

"અમેરિકાએ આપણને પહેલા જ સમર્થન આપી દીધું છે. કૂટનીતિની દિશામાં જવાબ આપવો એ બહેતર ઉપાય છે.""આ જ રીતે 1999માં થયેલા કારગીલ યુદ્ધ અને 2001માં થયેલા સંસદ હુમલા પછી આપણે અપનાવી હતી. આપણે આક્રમક કૂટનીતિ અપનાવીને પાકિસ્તાનને કડક સંદેશ આપવો જોઈએ."

દુલત ઇન્ટેલિજન્સ બ્યૂરોના વિશેષ ડાયરેક્ટર રહી ચૂક્યા છે.

દુલત દેશમાં કાશ્મીર બાબતના મોટા જાણકારોમાંના એક છે.

તેમણે હાલમાં જ કાશ્મીર ઉપર એક પુસ્તક 'ધ સ્પાઈ ક્રોનિકલ: રૉ, આઈએસઆઈ અને ઇલ્યૂઝન ઑફ પીસ' લખી છે જેમાં વાજપેયી કાર્યકાળમાં કાશ્મીરમાં શું હાલત હતી એનો ઉલ્લેખ છે.

આપને આ પણ વાંચવું ગમશે

આ હુમલા ઉપર આગળ કહ્યું, "મેં કાયમ બંને દેશોની વચ્ચે સંવાદની હિમાયત કરી છે, પરંતુ પુલવામાં હુમલા પછી જો હું સંવાદની વાત કરું છું તો મને 'દેશ-વિરોધી' કહેવામાં આવશે."

સેનાને કારવાહીની ખુલ્લી છૂટ આપી દેવાયાના નિવેદન ઉપર તેમણે કહ્યું, "સેનાને જે ઉચિત લાગે, તેઓ એવું કરવા માટે સ્વતંત્ર છે.

પરંતુ એનો મતલબ એ નથી કે તમે કોઈના ઘરમાં ઘૂસો અને લોકોની હત્યા કરી દો. આનો એ મતલબ છે કે જ્યારે તમારી ઉપર હુમલો થાય ત્યારે તમે જવાબી કાર્યવાહી કરો."

ભાગલાવાદી નેતાઓને આપવામાં આવેલી સુરક્ષા પાછી લેવાના નિર્ણય ઉપર દુલતે કહ્યું,

"સચ્ચાઈ એ છે કે કેટલાક ભાગલાવાદી નેતાઓ જોખમ છે તો કેટલાંક ભાગલાવાદી નેતાઓની હત્યા પણ થઈ ચૂકી છે, એટલે તેમને સુરક્ષા આપવામાં આવી હતી."

"જો તમે સુરક્ષા હટાવો તો તેમની ઉપર ફરીવાર હુમલા થઈ શકે છે."

"જૈશ કેટલાંક વર્ષથી શાંત હતું, પરંતુ હવે પાછલા બે વર્ષમાં આ સંગઠન ફરીથી સક્રિય થઈ ચૂક્યું છે."

ઇમેજ સ્રોત, Getty Images

લેફ્ટનન્ટ જનરલ ડી. એસ. હુડ્ડાએ ન્યૂ યૉર્ક ટાઈમ્સ સાથે વાત કરતા પુલવામા હુમલા ઉપર કહ્યું, "એ શક્ય નથી કે આટલાં મોટા જથ્થામાં વિસ્ફોટક સીમા પારથી આવી જાય."

પૂર્વ-ઉત્તર કમાન્ડના પૂર્વ લેફ્ટનન્ટ જનરલ ડી. એસ. હુડ્ડાના કાર્યકાળ દરમિયાન વર્ષ 2016માં ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી.

હુડ્ડાએ આગળ કહ્યું, "આ વિસ્ફોટક સંતાડીને લઈ જવાયો હશે, જેનો આ હુમલામાં ઉપયોગ કરવામાં આવ્યો. આપણે પડોસી દેશ સાથે આપણા સંબંધોની બાબતે ફરીવાર વિચારવાની જરૂર છે."

આપને આ પણ વાંચવું ગમશે

પુલવામાં હુમલાની પાછળના કારણો ઉપર ભૂતપૂર્વ રૉ ચીફ વિક્રમ સુદનું કહેવું છે કે આ હુમલામાં સુરક્ષા બાબતોમાં બહુ મોટી ગફલત થઈ છે.

તેમણે સમાચાર એજન્સી એઈનઆઈને કહ્યું, "આ હુમલો કોઈ સુરક્ષા ચૂક વગર થઈ શકે જ નહીં."

"મને નથી ખબર કે આખરે ભૂલ કેવી રીતે થઈ, પરંતુ આવી ઘટનાઓ સુરક્ષામાં ગડબડ વગર બની શકે નહીં."

હૈદરાબાદમાં એક સેમિનાર દરમિયાન સૂદે કહ્યું, "સ્વાભાવિક છે આ હુમલામાં એક કરતા વધુ લોકો સામેલ છે."

"કોઈએ કારનો બંદોબસ્ત કર્યો હશે, તેમને સીઆરપીએફના કાફલા અંગે સંપૂર્ણ જાણકારી હશે. એક આખા સમૂહે આ હુમલાને આખરી સ્વરૂપ આપ્યું છે."

ઇમેજ સ્રોત, AFP

ભારતને આ હુમલાનો જવાબ કેવી રીતે આપવો જોઈએ એ સવાલ ઉપર તેમણે કહ્યું, "આ કોઈ બૉક્સિંગ મેચ નથી. મુક્કાના જવાબમાં મુક્કાની રીત આ સ્થિતિમાં કામ નહીં આવે."

"ચીન પાકિસ્તાન માટે સુરક્ષા કવચનું કામ કરી રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રમાં ચીન જ મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવા નથી દેતો."

ભારતે આ હુમલા પછી પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લઈ લીધો છે.

આ સાથે જ પાકિસ્તાનથી આયાત થતા સામાન ઉપર લાગનારી કસ્ટમ ડ્યૂટી 200 ટકા સુધી વધારી દેવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો