પાકિસ્તાનમાં હીટ 'સલમાન'ની ભારત સાથે આ રીતે છે જૂની યારી

  • ગુરપ્રીત સૈની
  • બીબીસી સંવાદદાતા
સાઉદી પ્રિન્સ અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Meaindia

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન મંગળવારથી બે દિવસના ભારત પ્રવાસ પર છે. તેઓ પાકિસ્તાથી થઈને ભારત પહોંચ્યા છે.

પાકિસ્તાન સાથે તેઓ 20 અબજ ડોલરના કરાર કરીને આવ્યા છે. હવે દરેકની નજર એ વાત પર ટકેલી છે કે ભારત સાથે કેવા પ્રકારના કરાર થશે.

ભારત અને સાઉદી અરેબિયાના ઘણા પરસ્પર હિત છે. પાકિસ્તાન સાથે સાઉદીના નજીકના સંબંધ, કાશ્મીર પર સાઉદીનું વલણ, કટ્ટરપંથી શક્તિઓને તેમના સમર્થન જેવા મુદ્દા શું ભારત અને સાઉદી અરેબિયાની સાચી મિત્રતા વચ્ચે અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કરી શકે છે?

આ સવાલ પર મધ્ય પૂર્વ મામલાના જાણકાર કમર આગા કહે છે, "સાઉદી અરેબિયા અને ભારતની સિસ્ટમમાં ફેર છે. ભારત લોકતંત્ર અને કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે."

"આ તરફ સાઉદી અરેબિયામાં ઇસ્લામિક હુકૂમત છે. ત્યાં કટ્ટરપંથી શાસન છે અને તે હુકૂમત કટ્ટરપંથી શક્તિઓને પ્રોત્સાહિત પણ કરે છે."

આગા કહે છે, "વાત ભારત અને તમામ લોકતાંત્રિક દેશો માટે સમસ્યા છે. તેમાં યૂરોપના પણ ઘણા દેશ સામેલ છે."

જોકે, સાઉદી અને ભારત વચ્ચે સંબંધો ખૂબ સારા છે. વેપારના સંબંધો સતત સારા બની રહ્યા છે. 25 લાખ કરતા પણ વધારે ભારતીયો સાઉદી અરેબિયામાં કામ કરે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કાશ્મીર મુદ્દે સાઉદીનું વલણ

ઇમેજ સ્રોત, Getty Images

કાશ્મીર મુદ્દે સાઉદી અરેબિયાના સ્ટેન્ડને લઈને ભારત અસહજ રહે છે.

ઇસ્લામિક કૉન્ફરન્સ ઑર્ગેનાઇઝેશનમાં પાકિસ્તાનના કાશ્મીર સાથે જોડાયેલા પ્રસ્તાવનું સાઉદી અરેબિયા અને ખાડીના બીજા દેશ સમર્થન કરે છે. કમર આગા કહે છે કે તે એક ખૂબ મોટી વાત છે.

જોકે, સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત રહી ચૂકેલા તલમીઝ અહેમદ કહે છે કે 2001માં જ્યારે ભારતના તત્કાલીન વિદેશ મંત્રી જસવંત સિંહ રિયાદ ગયા હતા ત્યારે સાઉદી અરબે કાશ્મીર મુદ્દે વિસ્તૃત પ્રસ્તાવ આપ્યો હતો.

આ મુદ્દે ભારતે કહ્યું હતું કે તેઓ આ મુદ્દે સાઉદીની સ્થિતિથી સંતુષ્ટ છે.

આ સિવાય અફઘાનિસ્તાનમાં તાલિબાનને લઇને પણ ભારત અને સાઉદી વચ્ચે મતભેદ છે.

સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાત પાકિસ્તાન સિવાય એકલા એ બે દેશ હતા, જેમણે તાલિબાનને સત્તા પર આવવા માટે માન્યતા આપી હતી અને તેમની મદદ પણ કરી હતી.

અત્યાર પણ તેમના તાલિબાન સાથે સંબંધ છે. ભારત તાલિબાનને એક ઉગ્રવાદી સંગઠન માને છે અને અફઘાનિસ્તાનની લોકતાંત્રિક સરકારને સમર્થન કરે છે.

કટ્ટરપંથી શક્તિઓનું સમર્થન

ઇમેજ સ્રોત, PTI

કમર આગા કહે છે કે સાઉદી અરેબિયા કટ્ટરપંથી શક્તિઓને સમર્થન કરે છે. તે મદરેસાને અથવા રુઢિવાદી વિચારધારાને પ્રોત્સાહિત કરે છે.

તેઓ કહે છે, "ભારતની અંદર મોટી સંખ્યામાં મુસ્લિમો વસે છે. દેશની વસતીનો આશરે 14 ટકા ભાગ મુસ્લિમ છે. ડર રહે છે કે ક્યાંક ભારતમાં પણ ઇસ્લામિક ઉગ્રવાદ ન વધે. પાકિસ્તાનની જેમ જો મદરેસાને મોટું ફંડ મળે છે તો તે ભારત માટે એક મોટી સમસ્યા બની શકે છે."

જોકે, પૂર્વ રાજદૂત તલમીઝ અહેમદ કહે છે કે હાલ ભારત અને સાઉદી અરેબિયા બન્ને દેશ ઉગ્રવાદ વિરુદ્ધ બોલી રહ્યા છે.

તેઓ કહે છે કે વર્ષ 2008માં થયેલા મુંબઈ હુમલા પર સાઉદી અરેબિયા સહિત ખાડીના બીજા દેશોએ પ્રતિક્રિયા આપી હતી અને માન્યું હતું કે પાકિસ્તાનની ધરતી પરથી ચલાવવામાં આવતા અને પાકિસ્તાન પ્રાયોજિત જેહાદી સમૂહોથી સમગ્ર ક્ષેત્રને ખતરો છે.

તલમીઝ અહેમદનું કહેવું છે, "હાલ ભારત અને સાઉદી અરેબિયાના સંબંધ કાઉન્ટર ટેરરિઝમ પર આધારિત છે અને આ સંબંધ ખૂબ મજબૂત છે."

તેઓ માને છે, "બન્ને દેશ ક્ષેત્રીય સુરક્ષા મામલે મળીને કામ કરી શકે છે કેમ કે તેમાં બન્નેનાં પરસ્પર હિત છે."

તેઓ કહે છે કે વર્ષ 2010માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ અને વર્ષ 2016માં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાઉદી પ્રવાસથી બન્ને દેશો વચ્ચેના સંબંધ વ્યૂહાત્મક ભાગીદારીના અલગ જ સ્તર પર પહોંચ્યા છે.

પરંતુ સાચી વાત એ પણ છે કે પાકિસ્તાન સાથે સાઉદીના સંબંધ ખૂબ મજબૂત છે.

તો શું પાકિસ્તાન સાઉદી અરેબિયાની વધારે નજીક છે?

ઇમેજ સ્રોત, @PID_GOV

આ મામલે કમર આગા કહે છે કે સાઉદી અરેબિયાના પાકિસ્તાન સાથે સંબંધ ખૂબ ઘનિષ્ઠ છે. પાકિસ્તાન સાઉદી અરેબિયાના શાહી પરિવારની રક્ષા કરે છે.

સાઉદી અરેબિયામાં પાકિસ્તાનના સૈનિક તહેનાત છે. આ સૈનિકો એ વિસ્તારોમાં મોટી સંખ્યામાં છે કે જ્યાં શિયા સમુદાયના લોકો વધારે રહે છે.

તેલ પણ સાઉદી અરેબિયાના આ અલ હસા વિસ્તારમાં સૌથી વધારે મળી આવે છે.

સાઉદી અરેબિયામાં સેના ખૂબ કમજોર છે. સુરક્ષા માટે તેને અમેરિકા પાસેથી ગૅરંટી મળેલી છે, બીજી તરફ પાકિસ્તાન તેને ખુલ્લું સમર્થન આપે છે.

ભવિષ્યમાં જો ઇરાન સાથે સાઉદીના ટકરાવની સ્થિતિ ઊભી થાય છે તો પાકિસ્તાન તેનો મોટો સપોર્ટ હશે.

પાકિસ્તાન સાથે ધાર્મિક સંબંધ

ઇમેજ સ્રોત, @PID_GOV

કમર આગા કહે છે, "પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે ધાર્મિક સંબંધ પણ ખૂબ મજબૂત છે.

"પાકિસ્તાન દક્ષિણ એશિયામાં ઈરાન અને ફારસના પ્રભાવને નિયંત્રિત કરવાનું કામ કરે છે અને તેના પગલે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનમાં હજારો મદરેસા ખોલવા માટે ફંડિંગ આપી છે."

"પાકિસ્તાન મધ્ય પૂર્વ અને ખાસ કરીને ખાડી દેશોમાં ચીનના હિતને પણ પ્રમોટ કરે છે. અત્યારે પાકિસ્તાન અને ચીન મળીને ડિફેન્સ પ્રોટેક્શનની વાત કરી રહ્યા છે. ખરેખર તે એસેમ્બલી પૉઇન્ટ છે જે ચીન પાકિસ્તાનમાં લગાવશે, સાઉદી તેમની પાસેથી હથિયાર ખરીદશે અને તેમનું રોકાણ પણ આવશે. એ માટે પાકિસ્તાન સાઉદી અરેબિયા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે."

પરંતુ હાલ સાઉદી ભારતની પણ અવગણના કરી શકતું નથી. ભારતની અર્થવ્યવસ્થાને જોતાં સાઉદી એવું નહીં કરે.

આ સિવાય ભારત 20 ટકા તેલ સાઉદી અરેબિયા પાસેથી લે છે. સાઉદી અરેબિયા માટે ભારત તેલનું મોટું બજાર છે, જેને તે નકારી શકતું નથી.

ભારતની અર્થવ્યવસ્થા જે રીતે વધી રહી છે, તેવામાં સાઉદીને તેલ સિવાય પણ ભારતમાં આવક દેખાય છે. એ માટે તે અહીં રોકાણ કરે છે.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સંતુલન બનાવવા પ્રયાસ કરશે.

ઇમેજ સ્રોત, Reuters

ઈરાન અને સાઉદી, બન્ને સાથે ભારતના સારા સંબંધ છે. પરંતુ ઈરાન અને સાઉદી અરેબિયાના પરસ્પર સારા સંબંધ નથી. તેવામાં ભારત શું પરસ્પર વિરોધી સ્થિતિમાં નથી?

રક્ષા વિશેષજ્ઞ કહે છે કે ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને મહત્ત્વ આપે છે. તે પોતાની વિદેશ નીતિ પ્રમાણે ચાલે છે.

ભારતના સાઉદી અરેબિયા, ઈરાન અને ઈઝરાયેલ ત્રણેય સાથે સારા સંબંધ છે. કેમ કે આ ત્રણેય ક્ષેત્રના ખૂબ જ મહત્ત્વના દેશ છે.

તલમીઝ અહેમદ કહે છે કે એવું નથી કે એક દેશ સાથે કોઈના સારા સંબંધ હોય તો બીજા દેશ સાથે સંબંધ સારા હોઈ શકતા નથી. જેમ કે ભારતના સાઉદી, ઇઝરાયેલ, ઈરાન, કતાર અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચે રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધ છે.

આ દેશોના પરસ્પર ગમે તેવા સંબંધ હોય, પરંતુ તેની અસર ભારત પર પડતી નથી. તેના સંબંધ બધા સાથે સારા છે.

"તો એવું નથી કે સાઉદી સાથે પાકિસ્તાનના સંબંધ સારા હોવાના કારણે ભારત સાથે તેના સંબંધો પર કોઈ અસર પડશે."

ઈરાન ભારત માટે સેન્ટ્રલ એશિયાનો ગેટવે છે. આ બન્ને દેશો વચ્ચે સિવિલ એવિએશનના ક્ષેત્રમાં અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં હજારો વર્ષ જૂના સંબંધ છે.

આ જ રીતે અરબ સાથે પણ ભારતના સંબંધ ખૂબ જૂના છે.

સંબંધ સારા હોવાનું બીજું કારણ એ છે કે ભારત આ દેશોનાં આંતરિક મામલે દખલગીરી કરતું નથી.

જોકે, ભારત પેલેસ્ટાઇનની માગોને યોગ્ય ગણાવી તેનું સમર્થન કરે છે પરંતુ આ દેશોના આંતરિક ઝઘડા અને વિવાદો મામલે ભારત ન્યૂટ્રલ રહે છે.

એટલું જ નહીં, આ દેશોની વિકાસ યોજનાઓમાં પણ ભારત સહયોગ આપે છે. ભારતના 70 લાખ લોકો ખાડી દેશો, ફારસની ખાડી, ખાસ કરીને અરબ દેશોમાં કામ કરે છે.

ત્યાંના વિકાસમાં આ લોકોનું મોટું યોગદાન છે. તેમની ખૂબ પ્રશંસા પણ કરવામાં આવી છે.

બીજા કયા મુદ્દાઓ પર વાત થશે?

ઇમેજ સ્રોત, Getty Images

કમર આગા કહે છે કે સાઉદી પ્રિન્સના આ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે વેપાર વધારવાને લઈને વાત થશે.

"આ સિવાય ભારતે એ પણ કહેવું જોઈએ કે સાઉદી પાકિસ્તાન પર દબાણ કરે કે જેથી પોતાની જમીન પર ચાલી રહેલા ઉગ્રવાદી ઠેકાણા પર તે કાર્યવાહી કરી શકે."

"સાઉદી અરેબિયાએ ઉગ્રવાદ વિરુદ્ધ વાત કરી છે, જોવાનું એ રહેશે કે તે ઉગ્રવાદનો અંત કરવા માટે કેટલું ગંભીર છે. જો તાલિબાન ફરી અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળે છે તો ઇસ્લામિક મૂવમેન્ટને મોટો સપોર્ટ મળશે."

તલમીઝ અહેમદ કહે છે કે બન્ને દેશ ક્ષેત્રીય સુરક્ષા મામલે સહયોગ વધારવા પર વાત કરશે.

"આ સિવાય ભારતે સાઉદી સમક્ષ પાકિસ્તાનની ધરતી પર ચાલી રહેલા ઉગ્રવાદી ઠેકાણાઓને લઈને ચિંતા વ્યક્ત કરવી જોઈએ."

તલમીઝ અહેમદ કહે છે, "સાઉદી પહેલેથી એ જાણે છે, પરંતુ ભારતમાં હાલ ઘટેલી ઘટના બાદ સાઉદીના નેતાઓને ફરી એક વખત યાદ અપાવવાની જરુર છે. કેમ કે એ માત્ર ભારત માટે ખતરો નથી, પણ સમગ્ર ક્ષેત્ર માટે ખતરો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો