'પુલવામા હુમલામાં મૃત્યુ પામેલા સૈનિકોને ઍરલિફ્ટ ન મળ્યું, તો કાશ્મીરી વિદ્યાર્થીઓને શા માટે?'

  • ફૅક્ટ ચેક ટીમ
  • બીબીસી ન્યૂઝ
ઍરલિફ્ટ કરવામાં આવતા વિદ્યાર્થીઓની તસવીર

ઇમેજ સ્રોત, TWITTER/@PRODEFENCEJAMMU

ભારતીય વાયુ સેનાના વિમાનમાં બેઠેલા કાશ્મીરી વિદ્યાર્થીઓની તસવીરો વાળી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કરવામાં આવી રહી છે.

15 ફેબ્રુઆરીથી માંડીને અત્યાર સુધી ફેસબુક અને ટ્વિટર પર આ પોસ્ટને હજારો વખત શૅર કરવામાં આવી છે અને દરેક જગ્યાએ આ પોસ્ટની એક જ ભાષા છે.

પોસ્ટમાં લખ્યું છે : "આ દરમિયાન કાશ્મીરના 319 વિદ્યાર્થીઓએ આજે GATEની પરીક્ષા આપી. ગઈકાલની ઘટનાના કારણે રસ્તાઓ પર જવું સુરક્ષિત ન હતું, એ માટે આ વિદ્યાર્થીઓને ઍરલિફ્ટ કરવામાં આવ્યા. ભારતીય વાયુસેના આ કામ માટે આગળ આવી છે. મારા આ શબ્દ દુઃખના આ સમયે આપણા સૈનિકોની પ્રશંસા કરવા માટે પર્યાપ્ત નથી. આપણે સૈનિકોનાં ઋણી છીએ. ભારતીય સશસ્ત્ર બળોને સલામ."

ઇમેજ સ્રોત, SM VIRAL POST

14 ફેબ્રુઆરીના રોજ ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં ઘટેલી ઉગ્રવાદી ઘટના સાથે જોડતા કાશ્મીરી વિદ્યાર્થીઓની આ તસવીરોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે.

આ ઘટનામાં ભારતીય સશસ્ત્ર બળ CRPFના 45 કરતાં વધારે જવાનોનાં મૃત્યુ થયાં હતાં.

આ ઘટના બાદ અધિકાંશ લોકોએ સોશિયલ મીડિયાની મદદથી પોતાના દુઃખ અને ગુસ્સાને વ્યક્ત કર્યો છે.

ઘણા લોકો આ વાઇરલ પોસ્ટને પૉઝિટિવ સંદેશ બતાવી રહ્યાં છે, તો ઘણાં લોકોએ તેને કાશ્મીરી લોકો વિરુદ્ધ પોતાનો ગુસ્સો બતાવવા માટે ઉપયોગ કર્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, TWITTER/@PRODEFENCEJAMMU

વાઇરલ પોસ્ટ સાથે ઘણાં લોકોએ લખ્યું છે:

  • ભારતીય સેના તેમની માટે શું કરી રહી છે જોઈ લો અને તેઓ ભારતીય સેના સાથે શું કરે છે, બધાને ખબર છે.
  • દુઃખના સમયે સેનાના આ સંયમના વખાણ થવા જોઈએ.
  • દુઆ કરીએ છીએ કે આ લોકો હવે ભારતીય સૈનિકોનું સન્માન કરશે.
  • જ્યારે પુલવામા હુમલામાં મૃત્યુ પામેલા સૈનિકોને ઍરલિફ્ટ ન મળ્યું, તો આ લોકોને શા માટે?

પરંતુ તથ્યોના આધારે કાશ્મીરી વિદ્યાર્થીઓની આ વાઇરલ તસવીરોનો પુલવામા ઘટના સાથે કોઈ સંબંધ નથી.

ઘણાં ફૅક્ટમાં ગડબડ

પહેલી વસ્તુ એ કે 15 ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધી જે વાઇરલ પોસ્ટને 14 તારીખની પુલવામા ઘટના સાથે જોડીને શૅર કરવામાં આવી રહી છે, તે ઘટનાના ત્રણ દિવસ પહેલાની છે.

વાઇરલ પોસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી તસવીરો જમ્મૂના ડિફેન્સ પ્રવક્તાએ 11 ફેબ્રુઆરીના રોજ ટ્વીટ કરી હતી.

તેમાં એ દાવો કરવો કે 'ઘટના બાદ પરીક્ષા આપવા હાઈવેના રસ્તે જવું સુરક્ષિત ન હતું એ માટે વિદ્યાર્થીઓને ઍરલિફ્ટ કરવામાં આવ્યા' તે દાવો સંપૂર્ણપણે ખોટો છે.

કેમ કે એન્જિનિયરીંગ માટે યોજાતી સેન્ટ્રલ પરીક્ષા GATEની કોઈ પરીક્ષા પુલવામા ઘટનાના દિવસે કે ત્યારબાદ થઈ નથી.

આધિકારિક વેબસાઇટના અનુસાર GATE-2019ની છેલ્લી પરીક્ષા 10 ફેબ્રુઆરી 2019ના રોજ હતી, એટલે કે પુલવામા ઘટનાના 4 દિવસ પહેલા.

ભારતનાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ અને જમ્મુના ડિફેન્સ પ્રવક્તાએ ટ્વીટના માધ્યમથી એ જાણકારી આપી હતી કે ભારતીય વાયુસેનાએ 9 અને 10 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી GATE પરીક્ષા માટે 300 કરતાં વધારે કાશ્મીરી વિદ્યાર્થીઓને ઍરલિફ્ટ કર્યા હતા.

ડિફેન્સ પ્રવક્તાએ 9 ફેબ્રુઆરીના રોજ લખ્યું હતું, "ભારતીય વાયુ સેનાના સી-17 ગ્લોબમાસ્ટર વિમાને શ્રીનગરમાં ફસાયેલા 319 GATE પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને ઍરલિફ્ટ કરી જમ્મુ પહોંચાડ્યા હતા. યાત્રિઓ સહીત 39 સ્થાનિક નાગરિક પણ આ વિમાનમાં શ્રીનગરથી જમ્મુ ગયા હતા. સ્થાનિક વહીવટીતંત્ર અને વાયુસેનાના પ્રયાસના કારણે આ શક્ય બની શક્યું."

આ ટ્વીટમાં લખ્યું હતું કે ભારે બરફવર્ષાના કારણે જમ્મુ અને કાશ્મીરને જોડવા વાળો રાષ્ટ્રીય રાજમાર્ગ બ્લૉક થઈ ગયો હતો, જેના કારણે આ લોકો ફસાયેલા હતા.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 9-11 ફેબ્રુઆરી વચ્ચે 700 કરતાં વધારે લોકોને ઍરલિફ્ટ કરવામાં આવ્યા જેમાં 200 લોકોને જમ્મુથી શ્રીનગર લાવવામાં આવ્યા હતા.

ત્યારબાદ સ્થાનિક મીડિયામાં છપાયેલા કેટલાક રિપોર્ટ પ્રમાણે ઍરલિફ્ટ કરવામાં આવેલા વિદ્યાર્થીઓમાંથી આશરે 180 વિદ્યાર્થીઓ GATE-2019ની પરીક્ષા આપી શક્યા ન હતા.

રિપોર્ટ્સમાં જમ્મુ કાશ્મીર સરકાર અને માનવ સંસાધન મંત્રાલય વચ્ચે ખરાબ તાલમેલને તેના માટે જવાબદાર ગણાવવામાં આવ્યા.

જોકે, એવું પહેલી વખત નથી કે જ્યારે ભારતીય વાયુસેનાએ જમ્મુ કાશ્મીરના સ્થાનિક લોકો અને યાત્રીઓને ઍરલિફ્ટ કર્યા છે અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે.

દર વર્ષે શિયાળામાં (નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે) બરફવર્ષા દરમિયાન પરિસ્થિતિ ખૂબ બગડેલી રહે છે અને રસ્તા પર ચાલવુ અશક્ય બની જાય છે તો વાયુસેના લોકોની મદદ માટે આગળ આવે છે.

પરંતુ ભારતીય વાયુસેનાના આ નિવેદનને પુલવામા હુમલા સાથે જોડવું ખોટું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો