પુલવામા : CRPF પર હુમલાથી ચર્ચામાં આવેલો આ જિલ્લો 'કાશ્મીરના આણંદ' તરીકે ઓળખાય છે

  • ટીમ બીબીસી
  • નવી દિલ્હી
પુલવામા

ઇમેજ સ્રોત, PULWAMA.GOV.IN

કાશ્મીરમાં CRPFના કાફલા પર ગુરુવારે થયેલા કટ્ટરવાદી હુમલા પછી પુલવામા એક વાર ફરી ચર્ચાના કેન્દ્રમાં રહ્યું. દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં પાછલા ઘણાં વર્ષોથી ઉગ્રવાદી ગતિવિધિઓ થતી રહી છે પણ આ સિવાય પણ એની અલગ ઓળખ છે જેને સીધી રીતે ગુજરાત સાથે લેવાદેવા છે.

છેલ્લા કેટલાંક વર્ષોથી અશાંત ગણાતો આ વિસ્તાર કાયમથી આવો નહોતો, પણ આ વિસ્તારની ગણતરી કાશ્મીરના એક ખૂબ જ સુંદર મેદાની જિલ્લા તરીકે થાય છે.

દક્ષિણ કાશ્મીરનો પુલવામા જિલ્લો ઉત્તરમાં શ્રીનગર, બડગામ, પશ્ચિમમાં પુંછ અને દક્ષિણ-પૂર્વમાં અનંતનાગથી ઘેરાયેલો છે.

અનંતનાગ જિલ્લામાંથી જ પુલવામા, શોપિયાં અને ત્રાલ તાલુકાને 1979માં અલગ કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી અને તેને પુલવામા, પંપોર, અવંતિપોરા અને ત્રાલ એમ ચાર તાલુકાઓમાં વહેચવામાં આવ્યો છે.

2007માં જિલ્લાને શોપિયાં અને પુલવામા બે ભાગોમાં વહેચી દેવામાં આવ્યો હતો. હવે અહીં આઠ તાલુકા પુલવામા, ત્રાલ, અવંતિપોરા, પંપોર, રાજપોરા, શાહૂરા, કાકપોરા અને અરિપલ છે.

શ્રીનગરના ડલગેટથી ફક્ત 28 કિલોમિટર દૂર 951 વર્ગ કિલોમિટરમાં ફેલાયેલા પુલવામાની વસતિ 2011ની ગણતરી અનુસાર લગભગ 5.70 લાખ છે.

અહીં વસતિ ગીચતા ઘનત્વ 598 પ્રતિ કિલોમિટર છે અને વસતીની દૃષ્ટિએ દેશના 640 જિલ્લાઓમાં તેનું સ્થાન 535મુ છે.

જિલ્લામાં પુરુષ-મહિલાનો સરેરાશ દર 1000 સામે 913 છે.

અહીં 85.65 ટકા શહેરી અને 14.35 ટકા ગ્રામીણ વસતી છે. જિલ્લાના 65.41 ટકા પુરુષ અને 53.81 ટકા મહિલાઓ સાક્ષર છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રકૃતિની અનુપમ ભેટ

ઇમેજ સ્રોત, PULWAMA.GOV.IN

પુલવામાના જળવાયુમાં મોટી સંખ્યામાં ઝરણા અને પ્રાકૃતિક દૃશ્યોની ભરમાર છે.

અહીં તસર અને માર્સાર સૌથી મહત્ત્વપૂર્ણ તળાવોમાંથી છે. શહેરથી લગભગ 39 કિલોમિટર દૂર અહરબિલ ઝરણાની સુંદરતાને જોતા જ દંગ થઈ જવાય એવી છે.

અહીંની અર્થવ્યવસ્થા મુખ્યતઃ ખેતી પર નિર્ભર છે. અહીં ચોખા અને કેસરની ખેતી થાય છે.

પુલવામા જિલ્લો આખી દુનિયામાં કેસરના ઉત્પાદન માટે પ્રસિદ્ધ છે. કેસર અહીં પુલવામા, પંપોર, કાકાપોરા તાલુકાઓમાં ઉગાડવામાં આવે છે.

કાશ્મીરનું આણંદ પુલવામા

જિલ્લાના સંપૂર્ણ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) માં ધાન, ઑઇલ સીડ, કેસર અને દૂધ જેવા કૃષિ ઉત્પાદનોનું મુખ્ય યોગદાન છે.

ફળોની બાબતમાં આ જિલ્લો સફરજન, બદામ, અખરોટ અને ચેરીની ખેતીમાં લાગેલો છે. અહીંની 70 ટકા ખેડૂતો આ ઉત્પાદનોની ખેતી કરે છે. બાકી 30 ટકા ખેડૂતો અન્ય ઉત્પાદનોની ખેતી કરે છે.

આ સિવાય પશુપાલન પણ છે. દૂધના ઉત્પાદનની બાબતે પુલવામા 'કાશ્મીરના આણંદ'ના નામથી પ્રસિદ્ધ છે.

પુલવામા વિશેષ પ્રકારે રાજા અવંતિવર્મન અને લાલ્તા દિત્ય દ્વારા રચિત પુરાતાત્વિક સ્મારકો માટે જાણીતું છે.

અવંતિપોરા શહેર બસ્તરવાન અથવા વાસ્તુરવાન પહાડની તળેટીમાં સ્થિત છે, જ્યાં જમ્મુ-શ્રીનગર રાજમાર્ગની સાથે ઝેલમ નદી વહે છે.

આ શહેર હજુ પણ અવંતિપુરાના પોતાના પ્રાચીન નામથી ઓળખાય છે.

રાજતરંગિણીમાં છે ઉલ્લેખ

અવંતિપુરા એ જગ્યા છે જેનું કલ્હણે પોતાના મહાકાવ્ય રાજતરંગિણી (રાજાઓની નદી)માં વર્ણન કર્યું છે.

સાચા અર્થમાં રાજતરંગિણી આ વિસ્તારના પ્રાચીન ઇતિહાસનું એકમાત્ર સાહિત્ય પ્રમાણ છે.

કલ્હણ કાશ્મીરના રાજા હર્ષદેવના કાળમાં હતા. તેમણે કાશ્મીરના 2500 વર્ષોના ઇતિહાસને સમેટતા રાજતરંગિણીનું લેખન વર્ષ 1150માં પૂર્ણ કર્યું. જેમાં અંતિમ 400 વર્ષોની જાણકારી સવિસ્તાર આપવામાં આવી છે.

7826 શ્લોકો અને આઠ તરંગો એટલે કે ભાગોમાં વિભાજિત રાજતરંગિણી કાશ્મીરના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસનું કાવ્યરૂપમાં વર્ણન છે. તેને સંસ્કૃત મહાકાવ્યોનો મુકુટમણિ કહેવામાં આવે છે.

રાજતરંગિણીના અનુસાર શહેરની સ્થાપના રાજા અવંતિવર્મનના નામ પરથી થઈ હતી.

અવંતિવર્મન એક શાંતિપ્રિય શાસક હતા. તેમણે પોતાના રાજ્યના વિસ્તાર માટે ક્યારેય સેનાનો ઉપયોગ કર્યો ન હતો.

તેમણે પોતાનું સંપૂર્ણ સામર્થ્ય જનકલ્યાણ અને આર્થિક વિકાસમાં લગાવ્યું. તેમના રાજમાં અહીં કળા, વાસ્તુકલા અને શિક્ષણના ક્ષેત્રને ખુબ પ્રોત્સાહન મળ્યું.

ખનીજ સંપદા થકી ધનવાન

જમ્મુ-કાશ્મીર ભૂવૈજ્ઞાનિક અને ખનન વિભાગની જિલ્લા સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર જિલ્લામાં ઝેલમ નદીની સાથે-સાથે અરપાલ, રોમ્શીસ સહિત અનેક ઝરણાંઓ નીકળે છે.

આ તમામ ધારાઓ પ્રકૃતિમાં બારમાસી છે અને જિલ્લાના વિવિધ સ્થાનો પર ખનિજો જમા કરે છે.

ઝેલમથી રેતી અને જાડી રેતી ઉપરાંત અહીં પ્રચુર માત્રામાં ચૂનાનો પત્થર પણ કાઢવામાં આવે છે.

આ સિવાય વિસ્તારના અડદિયો પથ્થર અને ચીકણી માટીથી પણ રાજ્યની આવક થાય છે.

પુલવામા અને ઉગ્રવાદી આદિલ ડાર

ઇમેજ સ્રોત, Reuters

પુલવામામાં સીઆરપીએફ કાફલા પર ગુરુવારે આત્મઘાતી હુમલો કરનારા 21 વર્ષના આદિલ અહમદ ડાર પુલવામાની પાસે જ ગુંડીબાગના રહેવાસી હતા.

તેમનું ગામ એ જગ્યાએથી ફક્ત 10 કિલોમિટર દૂર છે, જ્યાં તેઓ સુરક્ષા કાફલા સાથે વિસ્ફોટકોથી ભરેલી ગાડીને અથડાવવા અને આ ઘટનાને અંજામ આપવામાં સફળ થયા હતા.

આ ઘટનામાં અત્યાર સુધીમાં 40થી વધુ સીઆરપીએફ જવાનોનાં મૃત્યુ થયાં છે.

પોલીસ રેકોર્ડ મુજબ આદિલ અહેમદ માર્ચ 2017માં સ્કૂલનું શિક્ષણ લેવાનું છોડીને મસૂદ અઝહરના કટ્ટરવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં સામેલ થયા હતા.

ગૃહ મંત્રાલયના હાલના આંકડાઓ અનુસાર જમ્મુ-કાશ્મીરમાં 2014 અને 2018 દરમિયાન ઉગ્રવાદી ઘટનાઓમાં સુરક્ષાકર્મીઓના મૃત્યુ આંકમાં 93 ટકા વધારો થયો છે.

આ સિવાય, આ પાંચ વર્ષ દરમિયાન રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓ 176 ટકા વધી છે.

સરવાળે આ વર્ષોમાં રાજ્યએ 1,808 કટ્ટરવાદી ઘટનાઓ વેઠી છે, એટલે આ પાંચ વર્ષ દરમિયાન દર મહિને આવી 28 ઘટનાઓ બની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો