પુલવામા: હુમલા બાદ કોંગ્રેસ શોકમાં, બીજેપી જોશમાં કેમ? - બ્લૉગ

  • રાજેશ પ્રિયદર્શી
  • ડિજિટલ એડિટર, બીબીસી હિન્દી
નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

અગિયારમી ફેબ્રુઆરીએ કૉંગ્રેસના પૂર્વ-ઉત્તર પ્રદેશનાં પ્રભારી પ્રિયંકા ગાંધી રોડ શૉ કરી રહ્યાં હતાં, રાહુલ ગાંધી હાથમાં રમકડાનું યુદ્ધ વિમાન લઈને જનતાને મુદ્દો યાદ કરાવી રહ્યા હતા, કેટલાક લોકો કહેતા હતા કે 'હવા બદલાઈ રહી છે, બીજેપી દબાણમાં દેખાય છે.'

એના ત્રણ દિવસ બાદ 14મી ફેબ્રુઆરીએ પુલવામાના હુમલાથી આખા દેશને આંચકો લાગ્યો છે, પ્રિયંકા ગાંધીએ પોતાની પ્રેસ કૉન્ફરન્સ એમ કહીને રદ કરી દીધી કે 'આવા પ્રસંગે રાજનીતિની વાત કરવી યોગ્ય નથી.'

હુમલા બાદ આખો દેશ જે પ્રકારે શોકમાં ડૂબી ગયો, એનાથી કૉંગ્રેસ હજી સુધી બહાર આવી શકી નથી, જ્યારે બીજેપી (ભારતીય જનતા પાર્ટી) સંપૂર્ણ જોશ સાથે જલ્દી ચૂંટણીના રંગમાં આવી ગઈ.

પુલવામા હુમલા પછી રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની પાર્ટી આ કિસ્સામાં "સરકારની સાથે છે."

એ સવાલ કે આ હુમલાને અટકાવવાની જવાબદારી કોની હતી? અને આ હુમલાના ટાઇમિંગની વાત કરવાની હિંમત રાહુલ ગાંધી દેખાડી શક્યા નહીં.

આ પહેલ કરીને મમતા બેનર્જીએ એકવાર ફરીથી બીજેપી-વિરોધી ગઠબંધનનું નેતૃત્વ છીનવી લીધું છે.

જો તમે 14 ફેબ્રુઆરી પછીની રાજકીય હિલચાલોને જુઓ તો તમને સ્પષ્ટ દેખાશે કે બીજેપી સંપૂર્ણ સક્રિયતાની સાથે ચૂંટણી અભિયાન ચલાવી રહી છે, જ્યારે કૉંગ્રેસનો ગત સપ્તાહ વાળો જોશ ગાયબ છે.

કૉંગ્રેસ કદાચ અટકીને જોવા ઇચ્છે છે કે પુલવામા મુદ્દો કેવી રીતે આગળ વધશે, એને એ પણ દેખાય છે કે આ હુમલા પછી લોકોમાં ખુબ ગુસ્સો છે.

જેને પોતાના પક્ષ તરફ વાળવાની કોઈ યુક્તિ તેને નથી દેખાઈ રહી.

ઇમેજ સ્રોત, Getty Images

બીજી તરફ, બીજેપી બહુ જ સહજતાથી દેશભક્તિ, સેના, રાષ્ટ્રવાદ, હિન્દુત્વ, મોદી, વંદે માતરમ, માતા કી જય જેવા જુના નારાઓ ઉપર પાછી ફરી છે.

રોજગાર, વિકાસ, રફાલની વાત હવે કોઈ સંભાળવા તૈયાર નથી દેખાતું, આ સ્થિતિમાં કોંગ્રેસની પાસે બીજેપીના સૂરમાં સૂર મિલાવવા અથવા ચુપ રહેવા સિવાય અત્યારે તો કોઈ વિકલ્પ પણ નથી.

પંજાબમાં કૉંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ ફક્ત એટલું જ કહ્યું હતું કે "આતંકવાદનો કોઈ દેશ, ધર્મ, જાત નથી હોતી."

એ વાત ઉપર તેમણે તીખા હુમલાઓનો સામનો કરવો પડ્યો છે, તેમણે એકલાએ જ પોતાનો બચાવ કરવો પડ્યો છે, કૉંગ્રેસના કોઈ નેતા તેમના બચાવમાં ના આવ્યા કે તેમણે કોઈ ખોટી વાત નથી કહી.

તમે આ વાંચ્યું કે નહીં?

ગઠબંધન, રેલી અને ભાષણ

ઇમેજ સ્રોત, Getty Images

મંગળવારે તામિલનાડુમાં બીજેપી અને એઆઈડીએમકે (ઑલ ઇંડિયા અન્ના દ્રમુક)ના ગઠબંધનનું એલાન કરવામાં આવ્યું, પલાનીસ્વામી અને બીજેપીના વરિષ્ઠ નેતા પીયૂષ ગોયલે પ્રેસને સંબોધન કર્યું.

તમિલનાડુમાં બીજેપી પાંચ લોકસભા બેઠકો ઉપર ચૂંટણી લડશે.

આ પહેલા સોમવારે બીજેપી-શિવ સેનાએ ઘણી ખેંચતાણ અને રિસામણા-મનામણાંની રમત પછી, ગઠબંધનમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

એક-બીજાને પછાડવા અને મોં તોડવાની ધમકી આપનારા નેતાઓએ એક-બીજાના હાથ પકડીને સસ્મિત ફોટા પડાવ્યા.

મહારાષ્ટ્ર 48 લોકસભા બેઠકોમાંથી બીજેપી 25 અને શિવ સેના 23 બેઠકો ઉપર ચૂંટણી લડશે.

અમિત શાહ અને પીયૂષ ગોયલ સંપૂર્ણ સક્રિયતા સાથે રાજકીય ગતિવિધિઓમાં લાગેલા દેખાયા, ત્યારે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી, અખિલેશ, માયાવતી અથવા અન્ય વિપક્ષી નેતા પણ મૌન જ નજરે પડે છે.

વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશમાં ઝાંસીમાં, મહારાષ્ટ્રમાં ધુલેમાં અને બિહારમાં બૈરોનીમાં જનસભાઓને સંબોધિત કરી ચૂક્યા છે અને 'વંદે ભારત' સહિત ઘણી પરીયોજનાઓનું ઉદ્ઘાટન કે શિલાન્યાસ કર્યા છે.

પુલવામા મુદ્દે રાજનીતિ નહીં કરવાની વાત કરનારી બીજેપીના વરિષ્ઠ નેતા અને રેલ મંત્રીએ કહ્યું કે આ ટ્રેન "આતંકવાદીઓને જવાબ છે."

આ જ રીતે પાર્ટી અધ્યક્ષ અમિત શાહે અસમમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું, પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "આ યૂપીએની સરકાર નથી."

ચૂંટણી સભાઓનો સિલસિલો ચાલુ રાખતા બુધવારે યૂપીના મુખ્ય પ્રધઘાન યોગી આદિત્યનાથ ઓડિશાના પછાત જિલ્લા કાલાહાંડીમાં 'આતંકવાદ વિરુદ્ધ સિંહ ગર્જના' કરશે.

જે સાંજે પુલવામામાંથી મારનારા સૈનિકોની વધતી સંખ્યાના સમાચાર આવી રહ્યા હતાં, એ જ સાંજે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પ્રયાગરાજમાં બીજેપી માટે માત્ર વોટ નહોતા માંગી રહ્યા બલકે સંગીતનો કાર્યક્રમ પણ કરી રહ્યાં હતાં, જે માટે તેમની ટીકા થઈ છે.

રાહુલ ગાંધીએ પુલવામા હુમલા પછી છત્તીસગઢમાં એક જનસભાને સંબોધન કર્યું અને બીજેપી છોડીને આવેલા કીર્તિ આઝાદનું પાર્ટીમાં સ્વાગત કર્યું.

આ સિવાય રાજકીય રીતે તેઓ મૌન દેખાય છે. પ્રિયંકા ગાંધી પુલવામાની ઘટના બાદ લોકોને મળી તો રહ્યાં છે, પરંતુ તેમણે મંચ ઉપરથી અથવા પ્રેસને કંઈ કહેવાનું જોખમ નથી લીધું.

પુલવામા ઉપર ચૂંટણી લડાશે?

ઇમેજ સ્રોત, Getty Images

14 ફેબ્રુઆરી પહેલા સુધી બીજેપી વિપક્ષના હુમલાઓ ઉપર પલટવાર કરતા વિકાસની વાત કરી રહી હતી, વિશ્વ હિંદુ પરિષદ અને સંઘે પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે રામ મંદિર ઉપર ચૂંટણી થઈ જાય ત્યાં સુધી કોઈ આંદોલન નહિ થાય.

પાંચ દિવસ પહેલા સુધી લાગતું હતું કે 2019ની સમાન્ય ચૂંટણીનો ઍજન્ડા સેટ કરવાની પહેલ વિપક્ષે લઈ લીધી છે, પરંતુ પુલવામા હુમલા બાદ બીજેપીની આક્રમક અદા બતાવે છે કારણ કે પાકિસ્તાન વિરુદ્ધ દેશભકિતનો વાતો કરવાનો તેનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો છે.

પાર્ટી દેશભકિતને હિન્દુત્વનો સમાનાર્થી શબ્દ બનાવવામાં સફળ થઈ છે.

બીજી તરફ, પાકિસ્તાન, મુસલમાન, કાશ્મીરી, દેશદ્રોહી વગેરે પણ જરૂરિયાત મુજબ સહેલાઈથી બદલીને ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે.

આ સ્થિતિમાં વિપક્ષને પોતાની રણનીતિ ઉપર નવેસરથી વિચાર કરવો પડશે, પુલવામાનો મુદ્દો આટલી સહેલાઈથી ઠંડો થવાનો નથી.

કોઈ જવાબી કાર્યવાહીને બીજેપી પોતાના નેતૃત્વની સફળતા તરીકે રજૂ કરવામાં નહીં અચકાય.

આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા કોઈક પ્રકારની ટિપ્પણી પણ વિપક્ષ માટે મુશ્કેલ બનશે.

તમને યાદ હશે ઉરીના હુમલા પછી થયેલી 'સર્જિકલ સ્ટ્રાઇક' ઉપર સવાલ કરનારા અરવિંદ કેજરીવાલને કેટલી કટુતાનો સામનો કરવો પડ્યો હતો.

વિપક્ષી એકતાને 'મહાગઠબંધન' કહેનારી બીજેપીએ બહુ ઠાઠથી એઆઈએડીએમકે અને શિવ સેના સાથે ગઠબંધનની જાહેરાત કરી છે, જ્યારે બીજેપી વિરુદ્ધ એકજૂથ થઈને લડવાની વાત કરનારી છાવણીમાં હાલ તો સન્નાટો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો