'પુલવામા હુમલા બાદ અક્ષય કુમારે પાકિસ્તાનને સમર્થન આપ્યું', સત્ય શું છે?
- ફૅક્ટ ચેક ટીમ
- બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images
અભિનેતા અક્ષય કુમારની એક વીડિયો ક્લિપ ખુબ વાઇરલ થઈ રહી છે, જેમાં તેઓ કથિત રૂપે કહી રહ્યા છે કે કટ્ટરવાદ પાકિસ્તાનમાં નહીં બલકે ભારતમાં છે.
આ વીડિયોના વાઇરલ થયા બાદ #BoycottAkshayKumar હેશટૅગ ચલાવવામાં આવી રહ્યું છે.
ટ્વિટર પર ઘણા લોકો આ વીડિયોને શૅર કરી રહ્યા છે અને અક્ષય કુમારને રાષ્ટ્રવિરોધી જણાવી રહ્યા છે.
એ લોકો અક્ષય કુમારનો બહિષ્કાર કરવાની અપીલ પણ કરી રહ્યા છે.
આ ટ્વીટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારે કહ્યું, "પાકિસ્તાન કટ્ટરવાદી દેશ નથી, બલકે ભારતમાં કટ્ટરવાદી તત્વો છે."
આ વાઇરલ વીડિયોમાં અક્ષય કુમાર કહી રહ્યા છે કે "ભારતમાં પણ કટ્ટરવાદ છે."
પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના "દુનિયા ન્યૂઝ" ચૅનલે પણ એક આવી જ સ્ટોરી પ્રકાશિત કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અક્ષય કુમારે કટ્ટરવાદી દેશોમાં પાકિસ્તાનનું નામ હોવાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે કટ્ટરવાદ આખી દુનિયામાં ફેલાયેલો છે.
અમારી તપાસમાં બહાર આવ્યું છે કે આ વીડિયોનું પુલવામા હુમલા સાથે કોઈ લેવા-દેવા નથી.

વીડિયોની હકીકત
આ વીડિયો 2015નો છે. એ વખતે અક્ષય કુમાર પોતાની ફિલ્મ "બેબી"નું પ્રમોશન કરી રહ્યા હતા.
પ્રમોશન દરમિયાન જ તેમણે કટ્ટરવાદ વિશે નિવેદન આપ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

અસલ વીડિયોમાં અક્ષય કુમારે કહ્યું છે, "કટ્ટરવાદ કોઈ દેશમાં નથી હોતો. તેનાં કેટલાંક તત્વો હોય છે. કટ્ટરવાદ ભારતમાં પણ છે, અમેરિકામાં પણ અને ઑસ્ટ્રેલિયા, પેરિસ અને પેશાવરમાં પણ છે. કટ્ટરવાદ કેટલાક લોકો ફેલાવે છે અને કોઈ પણ દેશ તેનું સમર્થન નથી કરતો."
હાલ અક્ષય કુમારે લોકોને અપીલ કરી છે કે તેઓ પુલવામા હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારજનો માટે રાહત કોષ "ભારતના વીર"માં યોગદાન આપે.
કુમારે આ નકલી વીડિયો ઉપર હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો