જયપુર જેલમાં પાકિસ્તાની કેદીની મારી-મારીને હત્યા

ઇમેજ સ્રોત, RAJESH ASNANI-BBC
રાજસ્થાનના જયપુર સેન્ટ્રલ જેલમાં બંધ પાકિસ્તાની કેદી શકરુલ્લાહને તેમના સાથી કેદીઓએ મારી-મારીને હત્યા કરી છે.
પાકિસ્તાનના સિયાલકોટનો રહેવાસી શકરુલ્લાહ જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યો હતો.
સ્થાનીય પત્રકાર નારાયણ બારેઠ પ્રમાણે જેલમાં બંધ ચાર ભારતીય કેદીઓ ઉપર પત્થર મારી-મારીને શકરુલ્લાહની હત્યા કરવાનો આરોપ છે.
પોલીસ પ્રમાણે આ બનાવ બુધવાર બપોરે બન્યો હતો.
જયપુર પોલીસના વરિષ્ઠ અધિકારી લક્ષ્મણ ગૌડે જેલની બહાર મીડિયાને આ જાણકારી આપી.
ગૌડે કહ્યું કે પ્રારંભિક રૂપે જેલમાં ટીવીના વૉલ્યૂમને લઈને વિવાદ થયા હોવાની અને ત્યારબાદ હત્યા કરવાની વાત બહાર આવી છે.
તેમણે જણાવ્યું કે આ બાબતમાં ચાર કેદીઓની ઓળખ કરીને તેમની સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનો આરોપ
ઇમેજ સ્રોત, Getty Images
પુલવામા હુમલા સાથે આ હત્યા કરવામાં આવી છે, એ સવાલ પર તેમણે કહ્યું કે અત્યાર સુધી વૉલ્યૂમને લઇને વિવાદ થવાની વાત બહાર આવી છે.
શકરુલ્લાહ અને બે પાકિસ્તાની કેદીઓને વર્ષ 2017માં જયપુરની એક અદાલતે ભારતમાં આતંક ફેલાવવાના આરોપમાં જન્મટીપ કેદની સજા ફટકારી હતી, ત્યારથી તેઓ જયપુર જેલમાં હતા.
તેમના પર પાકિસ્તાન સ્થિત ઉગ્રપંથી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હોવાનો આરોપ હતો.
પોલીસે આ બાબતે આઠ લોકોને દોષિત ઠેરવ્યા હતા, જેમાં પાંચ ભારતીય અને ત્રણ પાકિસ્તાની હતા.
આ ઘટના બાદ જેલની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
'453 કરોડ રૂપિયા ન ચૂકવે તો અનિલ અંબાણીને જેલ' - સુપ્રીમ કોર્ટ
ઇમેજ સ્રોત, Getty Images
550 કરોડ નહીં ચૂકવવા સંદર્ભે ઍરિક્સન ઇન્ડિયા દ્વારા કૉર્ટની અવમાનના અંગે કરાયેલી અરજી મામલે રિલાયન્સ કૉમ્યૂનિકેશન્સના ચૅરમૅન અનિલ અંબાણી અને બે ડિરેક્ટરને સુપ્રીમ કોર્ટે દોષી ઠેરવ્યા છે.
આ અંગે સમાચાર એજન્સીએ એએનઆઈએ ટ્વીટ કર્યું છે.
સુપ્રીમ કોર્ટે અનિલ અંબાણી અને બે ડિરેક્ટરને 453 કરોડ રૂપિયા ઍરિક્સન ઇન્ડિયાને ચૂકવવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે. આ રકમ નિયત સમયમાં ચૂકવવામાં નિષ્ફળ જાય તો અનિલ અંબાણી અને બન્ને ડિરેક્ટરને ત્રણ મહિનાની કેદ થશે.
આ ઉપરાંત કોર્ટે અનિલ અંબાણી અને બન્ને ડિરેક્ટર્સ પર એક-એક કરોડનો દંડ પણ ફટકાર્યો છે. દંડની આ રકમ આગામી એક મહિનાની અંદર ભરવામાં નિષ્ફળ જાય તો એક મહિનાની કેદની સજા થઈ શકે છે.
આ વિશે સોશિયલ મીડિયામાં અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેમાં કૉંગ્રેસે ટ્ટીટ કર્યુ છે કે શું મોદીજી એમના મિત્રને બચાવવા નવી કોઈ ગેરલાયક ડિફેન્સ ડીલ આપશે?
કૉંગ્રેસે ટ્ટીટમાં લખ્યુ કે, અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટે એરિકસનને પૈસા નહીં ચૂકવવાના કેસમાં અદાલતની અવમાનનાના કેસમાં દોષિત જાહેર કર્યા છે ત્યારે હવે સવાલ એ છે કે શું મોદીજી એમના મિત્રને મદદ કરવા નવી કોઈ ગેરલાયક ડિફેન્સ ડીલ આપશે?
મેઘાલયના રાજ્યપાલનું 'કાશ્મીરના બહિષ્કાર' માટે ટ્વીટ
મેઘાલયના રાજ્યપાલ તથાગત રૉયે તેમણા ટ્વિટર હૅન્ડલ પર કાશ્મીરની તમામ ચીજોનો બહિષ્કાર કરવાની અપીલ સાથે ટ્વીટ કર્યું છે.
આ ટ્વીટમાં તેમણે લખ્યું છે, "ભારતીય સેનાના નિવૃત્ત કર્નલની અપીલ : કાશ્મીર ન જાઓ, આગામી બે વર્ષ સુધી અમરનાથ ન જાઓ." સાથે હું સમહત થાઉ છું.
આ ટ્વીટમાં કાશ્મીરના લોકો પાસેથી 'કંઈ જ ન ખરીદવું' એવું પણ જણાવ્યું છે.
ટ્વીટમાં લખ્યું છે, "તમામ કાશ્મીરી ચીજોનો બહિષ્કાર કરો."
ટ્વીટના અંતે તેમણે આ અપીલ સાથે સંમતિ દર્શાવી છે.
મેઘાલયના રાજ્યપાલના આ ટ્વીટના કારણે વિવાદ સર્જાયો હતો અને ટ્વિટર યૂઝર્સે તીખી પ્રતિક્રિયા આપી હતી.
સાઉદી પ્રિન્સને ભારતમાં મોદીનો આવકાર
ઇમેજ સ્રોત, Meaindia
સાઉદી અરેબિયાને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બે દિવસીય મુલાકાત માટે ભારત આવી પહોંચ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍરપૉર્ટ પર તેમનું સ્વાગત કર્યું છે.
ભારતની મુલાકાત પહેલાં જ સલમાન પાકિસ્તાનની બે દિવસીય મુલાકાત પર ગયા હતા.
પુલવામાના હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવની અસર પ્રિન્સ સલમાનની પ્રથમ દ્વિપક્ષી ભારત મુલાકાત પર પડી શકે છે.
સૌથી ઝડપથી વિકાસ પામતી વૈશ્વિક અર્થવ્યવસ્થામા સામેલ ભારતને ક્રાઉન પ્રિન્સ તેમના દેશનુ તેલ વધારે પ્રમાણમાં વેચવા માગે છે.
આ ઉપરાંત બુધવારે વડા પ્રધાન મોદી અને પ્રિન્સ સલમાન વચ્ચે થનારી વાતચીતમાં પુલવામા હુમલા અંગે પણ ચર્ચા થઈ શકે છે.
પુલવામા હુમલાની પાક.એ નિંદા ન કરી : જેટલી
ઇમેજ સ્રોત, Getty Images
પુલવામા હુમલા અંગે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના દાવાને ખારિજ કરતા ભારતના નાણામંત્રી અરુણ જેટલીએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને તો હુમલાની નિંદા સુદ્ધાં નથી કરી.
પુરાવા આપવાની ઇમરાન ખાનની માગના જવાબમાં અરુણ જેટલીએ કહ્યું, "જ્યારે ગુનો કરાવનાર જ સ્વીકારે છે તો પછી અપ્રત્યક્ષ ઇંટેલિજેન્સ આપવાનો શો મતલબ છે."
તેમણે કહ્યું, "પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ આ આતંક માટે કરવામાં આવ્યો છે, જે પહેલાં પણ થતું આવ્યું છે. એટલે પાકિસ્તાનનું જે સ્ટેન્ડ છે એની આખા વિશ્વમાં કોઈ વિશ્વસનીયતા નથી."
તમે આ વાંચ્યું કે નહીં?
બુલેટ ટ્રેન પર બબાલ : નીતિન પટેલે કહ્યું મેવાણી રાષ્ટ્રવિરોધી
ઇમેજ સ્રોત, facebook Nitin Patel
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં નાણાપ્રધાન નીતિન પટેલ અને વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ચકમક ઝરી હતી અને નીતિન પટેલે ધારાસભ્ય જિગ્નેણ મેવાણીને રાષ્ટ્રવિરોધી ગણાવ્યા હતા.
ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે મારો ગુજરાત સરકારને સવાલ છે કે તેઓ શા માટે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ઇચ્છે છે.
જિજ્ઞેશ મેવાણીના સવાલના જવાબમાં નીતિન પટેલે એમની સરખામણી નર્મદા બચાવો આંદોલનના અગ્રણી મેધા પાટકર સાથે કરી હતી અને એમની ભાષા બોલનારા તથા એમને અનુસરનારા ગણાવ્યા હતા.
નીતિન પટેલે કહ્યું કે જે મેધા પાટકરની ભાષા બોલનારા, એમને અનુસરનારા આવા વિરોધી, દેશ વિરોધી, પ્રજા વિરોધી, વિકાસ વિરોધી લોકોની વાત સાંભળીને પ્રોજેક્ટ રોકી દેત તો નર્મદા ડૅમ કદી પૂરો ન થયો હોત.
ટ્રમ્પ સાઉદી અરેબિયાને ન્યૂક્લિયર ટૅક્નૉલૉજી આપવાની ઉતાવળમાં
ઇમેજ સ્રોત, Reuters
અમેરિકામાં ડેમૉક્રેટ્સના નેતૃત્વવાળી સદનની સમિતિએ વ્હાઇટ હાઉસ સાઉદી અરેબિયામાં ન્યુક્લિયર રિઍક્ટર્સની શરુઆત કરવા જઈ રહ્યું હોવાના અહેવાલની તપાસ શરુ કરી છે.
એક વ્હિસલબ્લૉઅરે સમિતિને કહ્યું કે આને લીધે મીડલ-ઇસ્ટમાં ન્યુક્લિયર શસ્ત્રોની હોડ જામી શકે છે.
પ્રમુખ ટ્રમ્પ સાથે સંકળાયેલી કંપનીને આના માટે આગળ કરવામાં આવી રહી છે.
પ્રતિનિધિ ગૃહે કહ્યું કે નિરીક્ષણ સમિતિની નોંધ છે કે આ ઘટનામાં તપાસ ખૂબ જ નાજુક છે કેમ કે વહીવટી તંત્રની સાઉદી અરેબિયાને ન્યૂક્લિયર ટૅક્નૉલૉજી આપવાની હિલચાલ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગત 12 ફેબ્રુઆરીએ પ્રમુખ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ન્યુક્લિયર પાવર ડેવલપર્સ સાથે સાઉદી અરેબિયા સહિત મીડલ-ઇસ્ટમાં ન્યુક્લિયર પ્લાન્ટ્સ ઊભા કરવા મિટિંગ કરી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો