'ભારતીય કાર્ડિનલે સતામણીનો ભોગ બનેલાઓને નિરાશ કર્યાં'

  • પ્રિયંકા પાઠક
  • ગ્લોબલ રિલિજન રિપોર્ટર, નવી દિલ્હી
કાર્ડિનલ ઑસ્વાલ્ડ ગ્રાસિયસ
ઇમેજ કૅપ્શન,

કાર્ડિનલ ઑસ્વાલ્ડ ગ્રાસિયસ

કૅથલિક ચર્ચના સૌથી વરિષ્ઠ કાર્ડિનલમાંથી એક અને બાળકોના શોષણ મુદ્દે સુધાર લાવવા માટે વૅટિકન ખાતે આયોજિત કૉન્ફરન્સના મુખ્ય ચાર આયોજકોમાંથી એકે સ્વીકાર્યું છે કે તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલાં શોષણનાં આરોપોને વધુ સારી રીતે કાર્યવાહી કરી શક્યા હોત.

બીબીસીની તપાસ બાદ કાર્ડિનલ ઑસ્વાલ્ડ ગ્રાસિયસે આ વાત કહી હતી.

બાળકના શોષણના એક કિસ્સામાં મુંબઈના તત્કાલીન આર્ચ-બિશપ ઑસવલ્ડ ગ્રાસિયસે તત્કાળ કાર્યવાહી ન કરી હોવાનું તેમજ આરોપો અંગે પોલીસને જાણ કરી ન હોવાનું બીબીસીની તપાસમાં બહાર આવ્યું છે.

પીડિત તથા તેમનું સમર્થન કરનારાઓનો આરોપ છે કે ભારતના સૌથી વરિષ્ઠ ખ્રિસ્તી ધર્મગુરુઓમાંથી એક કાર્ડિનલ ઑસવલ્ડ ગ્રાસિયસ અને વૅટિકનની જાતીય શોષણ અંગેની કૉન્ફરન્સના ચાવીરૂપ આયોજકે શોષણના આરોપો અંગે જાણ કરવા છતાં તેને ગંભીરતાથી લીધા ન હતા.

ભારતના કૅથલિકોના કહેવા પ્રમાણે, પાદરીઓ દ્વારા જાતીય શોષણ મુદ્દે કૅથલિક ચર્ચમાં ભય અને ચુપકીદીનો માહોલ પ્રવર્તે છે. જેમણે આ મુદ્દે અવાજ ઉઠાવવાની હિંમત કરી, તેમનું કહેવું છે કે આ મુદ્દો સંઘર્ષનો છે.

અમને એવા બે અલગ કેસ મળ્યા, જેમાં કાર્ડિનલ તત્કાળ કાર્યવાહી કરવામાં કે પીડિતોને મદદ આપવામાં નિષ્ફળ રહ્યા હોવાનો દાવો છે.

પહેલો કિસ્સો વર્ષ 2015માં મુંબઈ ખાતે નોંધાયો હતો.

મુંબઈની આ માતા માટે એ સાંજ અન્ય કોઈ સાંજ જેવી જ સામાન્ય હતી, પરંતુ જ્યારે તેમના પુત્ર ચર્ચમાં આયોજિત પ્રાર્થનાસભામાંથી પરત ફર્યા અને જણાવ્યું કે એ વિસ્તારના પાદરીએ તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું, તેમનું જીવન બદલાઈ ગયું.

તેઓ કહે છે, 'મને સમજ નહોતી પડતી કે શું કરવું?' હજુ પણ તેમને ખબર નથી કે શું કરશે, પરંતુ એ ઘટનાને કારણે ભારતના કૅથલિક ચર્ચ સાથે તેમનો સંઘર્ષ શરૂ થયો.

તેમણે મદદ માટે ભારતમાં કૅથલિક ચર્ચના સૌથી સિનિયર પ્રતિનિધિઓમાંથી એક એવા કાર્ડિનલ ઑસવલ્ડ ગ્રાસિયસનો સંપર્ક સાધ્યો હતો. આજે પણ તેઓ કૅથલિક ચર્ચના વરિષ્ઠ પ્રતિનિધિઓમાંથી એક છે.

કથિત સૃષ્ટિ વિરુદ્ધનાં કૃત્યનાં 72 કલાક બાદ પરિવારે મુંબઈના આર્ચ-બિશપ, કૅથલિક બિશપ્સ કૉન્ફરન્સ ઑફ ઇંડિયા તથા ફેડરેશન ઑફ એશિયન બિશપ્સ કૉન્ફરન્સિસના તત્કાલીન અધ્યક્ષ કાર્ડિનલ ઑસવલ્ડ ગ્રાસિયસ સાથે ટૂંકી મુલાકાત કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેઓ આગામી પોપ બની શકે છે. એથી પણ મહત્ત્વપૂર્ણ એ છે કે આવતાં અઠવાડિયે વૅટિકન ખાતે આયોજિત જાતીય શોષણ અંગેના વૈશ્વિક શિખર પરિષદ સંવાદના ચાર મુખ્ય આયોજકોમાંથી એક છે.

આપને આ પણ વાચવું ગમશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

શિકાગોના કાર્ડિનલ બ્લેસ સુપિચની ફાઇલ તસવીર

ચર્ચમાં જાતીય શોષણને વૅટિકનના આધુનિક યુગના સૌથી મોટા સંકટોમાંથી એક માનવામાં આવે છે. કૉન્ફરન્સના નિષ્કર્ષ ઉપર કૅથલિક ચર્ચની ન્યાયનિષ્ઠાનો આધાર હોવાનું કહેવાય છે.

ગત એક વર્ષ દરમિયાન, કૅથલિક ચર્ચ ઉપર વિશ્વભરમાંથી જાતીય શોષણના અનેક આરોપ લાગ્યા છે.

ઉત્તર અને દક્ષિણ અમેરિકા, યુરોપ અને ઑસ્ટ્રેલિયામાં આ પ્રકારની ઘટનાઓ હેડલાઇન બને છે, પણ એશિયન દેશોની સમસ્યાઓ અંગે બહુ ઓછું બહાર આવે છે.

ભારત જેવા દેશોમાં સતામણી અંગે બોલવાને સામાજિક લાંછન સાથે જોડીને જોવામાં આવે છે. દેશમાં લગભગ બે કરોડ 80 લાખ લોકોની વસતિ સાથે ખ્રિસ્તીઓ લઘુમતીમાં છે.

ભય અને મૌનને માહોલ કારણે આ સમસ્યા કેટલી વિકરાળ છે તેનો અંદાજ કાઢવો મુશ્કેલ છે.

કાર્ડિનલ ઑસવલ્ડ ગ્રાસિયસના સાથી અને કૉન્ફરન્સના મુખ્ય ચાર આયોજકમાંથી અન્ય એક શિકાગોના કાર્ડિનલ બ્લેસ સુપિચે વચન આપ્યું છે કે પીડિતોને ન્યાય અપાવવા તથા બાળકોના હકોનું સંરક્ષણ કરવા માટે કૃતનિશ્ચયી છીએ.

કાર્ડિનલ ગ્રાસિયસ વૈશ્વિક શિખર પરિસંવાદના બીજા દિવસની શરૂઆત ચર્ચમાં જવાબદારી અંગે વિચારો સાથે કરશે. આવી મહત્ત્વપૂર્ણ શિખર પરિસંવાદમાં તેમને અપાયેલી મહત્ત્વપૂર્ણ જવાબદારીને કારણે ભારતમાં કેટલાક લોકો નારાજ થયા છે.

તેમનું કહેવું છે કે બાળકો અને મહિલાઓને શોષણકર્તાઓથી બચાવવાનો તેમનો ટ્રૅકરેકર્ડ સંદિગ્ધ છે.

તેમની સમક્ષ રજૂઆત કરનાર જે લોકો સાથે અમે વાત કરી, તેમનું કહેવું હતું કે તેમને બહુ થોડી મદદ મળી હતી.

માતાએ કહ્યું, 'પાદરીએ મારા દીકરા સાથે જે કંઈ કર્યું હતું તે અને પુત્રના દર્દ વિશે મેં કાર્ડિનલને જણાવ્યું. એટલે તેમણે પ્રાર્થના કરી કરી અને કહ્યું કે તેમણે રોમ જવાનું છે...એ ક્ષણે મારું દિલ ખૂબ જ દુભાયું હતું.'

'એક માતા તરીકે ઘણી બધી અપેક્ષાઓને લઈને તેમની પાસે ગઈ હતી અને આશા હતી કે તેઓ મારા દીકરાનો વિચાર કરશે, મને ન્યાય આપશે, પણ તેમણે કહ્યું કે તેમની પાસે (અમારા માટે) સમય ન હતો, તેમણે માત્ર રોમ જવાની જ ફિકર હતી.' પરિવારનું કહેવું છે કે તેમણે તબીબી સહાયની માગ કરી હતી, પરંતુ મળી ન હતી.

કાર્ડિનલે અમને જણાવ્યું કે 'આ સાંભળીને તેમને દુખ થાય છે' અને તેમને જાણ ન હતી કે બાળકને તબીબી સહાયની જરૂર હતી અને જો તેમની પાસે મદદ માગવામાં આવી હોત તો તેમણે તત્કાળ આપી હોત.

કાર્ડિનલ સ્વીકારે છે કે તેઓ સત્તાધીશોને જાણ કર્યાં વગર એ રાત્રે રોમ નીકળી ગયા હતા. પોલીસને જાણ નહીં કરીને કાર્ડિનલ ગ્રાસિયસે ભારતના પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ ઍક્ટ, (પૉસ્કો) 2012નો ભંગ કર્યો હોય શકે છે.

આ કાયદાની જોગવાઈ પ્રમાણે, જો કોઈ કંપની કે સંસ્થાના વડા તેમને અધીન લોકો સાથે થયેલ મર્યાદાભંગ અંગે પંચને જાણ કરવામાં નિષ્ફળ રહે તો તેને એક વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે.

કાર્ડિનલે અમને જણાવ્યું કે બીજા દિવસે તેમણે પોતાના બિશપને કૉલ કર્યો હતો, જેમણે તેમને જણાવ્યું કે પરિવારે જાતે જ પોલીસને જાણ કરી હતી.

જ્યારે પૂછવામાં આવ્યું કે એ સમયે જાતે પોલીસ નહીં જણાવવાનો ખેદ છે, તેમણે કહ્યું:

'તમે જાણો છો કે હું પ્રમાણિક છું, હું 100 % ખાતરીબદ્ધ નથી...પણ મારે તેની ઉપર ઊંડણપૂર્વક વિચાર કરવો જોઈએ. હું સ્વીકારું છું કે પોલીસને ચોક્કસથી તરત જ સામેલ કરવી જોઈતી હતી.'

તેમણે કહ્યું કે આરોપી વ્યક્તિ સાથે વાત કરીને આરોપોની ખરાઈ અંગે મૂલ્યાંકન કરવાની તેમની ફરજ હતી.

ઇમેજ સ્રોત, Getty Images

એ બેઠકમાંથી નીકળીને પરિવારે તબીબ પાસે જવાનો નિર્ણય લીધો. માતા કહે છે, 'તબીબે મારા દીકરાને એક નજર જોયો અને કહ્યું કે તેની સાથે કંઈક થયું છે. આ પોલીસ કેસ છે. કાં તો તમે પોલીસને જાણ કરો અથવા હું કરીશ...આથી એ રાત્રે અમે પોલીસ પાસે ગયાં.'

પોલીસે કરાવેલી તબીબી તપાસમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું બહાર આવ્યું હતું.

નામ ન આપવાની શરતે વર્તમાન પાદરીએ અમને જણાવ્યું કે સંદિગ્ધ પાદરી ઉપર પહેલી વખત આરોપ નથી લાગ્યા અને અગાઉ પણ એના વિશે કાર્ડિનલનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

પાદરીએ અમને જણાવ્યું, 'આ (કથિત) ઘટનાના કેટલાક વર્ષો પહેલાં તેમને મળ્યો હતો.'

'બિશપની દેખરેખ હેઠળ ચર્ચમાં (આરોપી પાદરી અંગે) શોષણ અંગે ભારે અફવાઓ હતી. આમ છતાંય તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ અને એક દેવળથી બીજા દેવળ ફરતા રહે છે. કાર્ડિનલે મારી સાથેની સીધી વાતમાં જણાવ્યું હતું કે તેઓ આ બધી બાબતો અંગે પ્રત્યક્ષ રીતે માહિતગાર નથી.'

કાર્ડિનલનું કહેવું છે કે આવો કોઈ સંવાદ થયો હોવાનું તેમને યાદ નથી. તેઓ કહે છે કે આ વ્યક્તિ ઉપર 'શંકાના વાદળ' હોય એવું કશું તેમને યાદ નથી.

અમારી તપાસના ભાગરૂપે અમે ચકાસવા માગતા હતા કે કાર્ડિનલ ઉપર કાર્યવાહી કરવામાં ઢીલ દાખવવાના બીજા કોઈ આરોપ છે કે નહીં.

ઇમેજ કૅપ્શન,

વર્જિનિયા સલઢાણા

આવી જ એક ઘટના લગભગ એક દસક અગાઉ બની હોવાનું અમારી જાણમાં આવ્યું હતું. મુંબઈના આર્ચ-બિશપ બન્યાના અમુક વર્ષ બાદ એ ઘટના તેમના ધ્યાને મૂકવામાં આવી હતી.

માર્ચ 2009માં એક મહિલાએ આધ્યાત્મિક એકાંતવાસનું આયોજન કરતા અન્ય એક પાદરી દ્વારા જાતીય સતામણીની તેમને ફરિયાદ કરી હતી. તેમણે કોઈ કાર્યવાહી ન કરી એટલે તેણીએ મહિલા કૅથલિક કાર્યકરોનો સંપર્ક કર્યો હતો, જેથી કાર્ડિનલને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

દબાણ હેઠળ અંતે ડિસેમ્બર 2011માં તેમણે ઇન્ક્વાયરી કમિટીનું ગઠન કર્યું. તપાસના છ મહિના બાદ પણ કોઈ કાર્યવાહી ન થઈ અને આરોપી પાદરી તેમના દેવળમાં યથાવત્ રહ્યા.

બે દાયકા દરમિયાન અનેક ચર્ચના મહિલા વિભાગમાં અલગ-અલગ હોદ્દાઓ ઉપર ફરજ બજાવનારા ચુસ્ત કૅથલિક વર્જિનિયા સાલઢાણાના કહેવા પ્રમાણે, 'અમે કાર્ડિનલને ત્રણ કાયદાકીય નોટિસ મોકલી હતી અને ધમકી આપી હતી કે જો તેઓ કાર્યવાહી નહીં કરે તો મામલાને કોર્ટમાં લઈ જશે.'

જ્યારે કાર્ડિનલે જવાબ આપ્યો, તેમણે કહ્યું, 'પાદરી મારું સાંભળતા નથી.'

દરમિયાન, સાલઢાણા કહેછે કે તેમણે ચર્ચ છોડવું પડ્યું કારણ કે, 'ચર્ચામાં એ વ્યક્તિને પ્રાર્થનાસભા આયોજિત કરતા જોઈ શકતી ન હતી. મને ત્યાં જવું ગમતું ન હતું.'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ફાઇલ તસવીર

બાદમાં એ પાદરીને દેવળમાંથી હટાવી દેવાયા, પરંતુ તેમના નિર્ગમનનાં કારણો જાહેર નહોતાં કરાયાં. ઑક્ટોબર 2011માં કાર્ડિનલે તેમને 'માર્ગદર્શન હેઠળ એકાંતવાદ અને ઉપચારક પરામર્શ'ની સજા આપી હતી.

અમે જ્યારે તેમને પ્રક્રિયાની ઝડપ અને સજા અંગે પૂછ્યું, ત્યારે કાર્ડિનલે તેને 'જટિલ કેસ' જણાવ્યો.

સેમિનરીમાં નિવાસ બાદ આરોપી પાદરીને ફરી એક વખત થોડો સમય માટે દેવળની જવાબદારી સોંપવામાં આવી હતી અને તેઓ હજુ પણ એકાંતવાસ શિબિર યોજે છે.

બીજી બાજુ, દુષ્કર્મનો ભોગ બનેલા પરિવારે જે સંસ્થાની આજુબાજુ તેમનું જીવન ગૂંથ્યું હતું તેના દ્વારા જ ત્યજી દેવાયેલો અનુભવે છે.

માતાએ સ્વીકારી લીધું છે કે 'આ લડાઈ એકલા હાથે લડવાની છે.' તેમનું કહેવું છે કે ચર્ચે તેમનો બહિષ્કાર કર્યો છે અને સમુદાયમાં પણ તેઓ એકલાં પડી ગયાં છે.

તેઓ કહે છે, 'પોલીસ ફરિયાદ બાદ અમે ચર્ચ જતા ત્યારે લોકો અમારી સાથે વાત કરવાનો ઇન્કાર કરી દેતાં અને પ્રાર્થના દરમિયાન અમારી પાસે બેસતાં નહીં. જો અમે કોઈની પાસે જઈને બેસીએ તો ઊભા થઈને નીકળી જતા.'

'આવા વ્યવહારને કારણે ચર્ચ છોડી દેવું પડ્યું, સમયાંતરે એ બધું અમારાં માટે એટલું મુશ્કેલ બની ગયું હતું કે અમારે બધુંય છોડીને ઘર બદલવું પડ્યું.'

ચર્ચના સભ્યોના કહેવા પ્રમાણે, દ્વેષપૂર્ણ માહોલને કારણે પીડિત અને તેમના પરિવાર માટે અવાજ ઉઠાવવો મુશ્કેલ બની જાય છે.

દેખીતી રીતે ટેકારૂપ નહીં બનનારા ખ્રિસ્તી ધર્મુગુરુ મંડળ, દ્વેષપૂર્ણ સામાજિક વર્તુળની વચ્ચે અનેક લોકો અવાજ ઉઠાવતા ખચકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો