માતૃભાષા દિવસ: બાળકો પાસેથી માતૃભાષા છીનવવી એ આઝાદી છીનવવા જેવું -ધીરુબહેન પટેલ

ધીરુબહન પટેલ Image copyright Kalpit Bhachech
ફોટો લાઈન ધીરુબહેન પટેલ

"મેં 11 વર્ષ સુધી જન્મભૂમિ ગ્રૂપમાં નોકરી કરી છે. હું માત્ર બસમાં આવવાં-જવાંના પૈસા જ લેતી હતી. મને વાંચન સિવાયનો કોઈ શોખ નહોતો અને એટલે જ મારે પગાર નહોતો જોઈતો."

ઉપરોક્ત શબ્દો છે 93 વર્ષની ઉંમરે પણ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે સક્રીય ધીરુબહેન પટેલના.

ભાષા પ્રત્યેના પોતાના પ્રેમ અંગે વાત કરતાં ધીરુબહેન જણાવે છે, "ભાષા મારો એક માત્ર શોખ છે. હું અંગ્રેજીની અધ્યાપિકા હતી અને ઉપાચાર્યને સમકક્ષ હતી."

"12 વર્ષ સુધી નોકરી કરી અને છોડી દીધી. કારણ કે મને લાગ્યું કે વિદ્યાર્થીઓ માત્ર નોકરી મેળવવા માટે જ અંગ્રેજી સાહિત્ય ભણે છે. એમને ભાષા શીખવામાં કોઈ જ રસ નથી."

નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, અનુવાદક એમ ધીરુબહેને ગુજરાતી સાહિત્યમાં બહોળું ખેડાણ કર્યું છે.

તેમની વાર્તાઓ પરથી ફિલ્મો બની ચૂકી છે, ટેલિવિઝન શ્રેણીઓ બની ચૂકી છે. તખ્તા પર એમનાં નાટકો ભજવાઈ ચૂક્યા છે.

તેમની કૃતિઓનું મરાઠી, બંગાળી, અંગ્રેજી, જર્મન જેવી ભાષાઓમાં ભાષાંતર થઈ ચૂક્યું છે.

નાટ્ય દિગ્દર્શિકા અદિતિ દેસાઈ ધીરુબહેન અંગે વાત કરતાં જણાવે છે, "એમનામાં બાળક જેવી નિર્દોષતા અને ગજબનું તોફાન છે. મને હંમેશાં એ વાતનું આશ્ચર્ય થાય છે કે ત્રાણું વર્ષની ઉંમરે કોઈ આટલું જીવંત કઈ રીતે હોઈ શકે?"


Image copyright R J devki

ધીરુબહેન પટેલ હાલમાં 'જય ભિખ્ખુ'ની ટૂંકી વાર્તા પરથી 'દરિયા દિલ' નામે નાટક લખી રહ્યાં છે, જેનું દિગ્દર્શન અદિતિ દેસાઈ કરશે.

ગુજરાતમાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની વધી રહેલી માગ અંગે વાત કરતાં ધીરુબહેન જણાવે છે, "બાળક પાસેથી માતૃભાષા છીનવી, એની આઝાદી છીનવી લેવાય છે. બાળક જો શરૂઆતના પાંચ વર્ષ માતૃભાષામાં ભણશે તો બીજી ભાષાઓ પણ ઝડપથી શીખી શકશે."

વાંચનની ઘટી રહેલી પ્રવૃતિઓ અંગે તેઓ કહે છે, "આજે વાંચન ઘટી ગયું છે. યુવાનોના કાન શુદ્ધ ભાષા સાંભળવા માટે ટેવાયેલા નથી. એટલે લખાણમાં થોડી કુત્રિમતા વર્તાય છે."

તો સમસ્યાનો ઉકેલ પણ તેઓ જાતે જ આપી દે છે, "સમાજમાં માત્ર બાળકો પર જ નહીં, પરિવારો પણ ધ્યાન આપવાની જરૂર છે."

Image copyright Kalpit Bhachech

'અધૂરો કોલ', 'એક લહર', 'વિશ્રંભકથા' એમના વાર્તા સંગ્રહો છે. નારીના હૃદયની લાગણીઓ અને માનવીય સંબંધોની નાજુકતા એમનાં લેખનની વિશેષતા રહી છે. માનવમનની સંકુલતાને તાગતો મનોવૈજ્ઞાનિક અભિગમ એમના લેખનને વિશિષ્ટ બનાવે છે.

પોતાના વાંચનના શોખ અંગે વાત કરતાં ધીરુબહેન કહે છે, "મને બાળપણથી જ વાચંવું ગમતું હતું. શાળાએથી આવ્યાં બાદ કોઈ ચોપડી લઈને હું ઝાડ પર ચડી જતી હતી અને છેક અંધારું થાય ત્યારે નીચે ઊતરતી હતી."

"મારા બા-બાપુ મને શોધવા માટે કોઈ ઝાડ પર જ શોધતાં હતાં."

ભાષા-સાહિત્ય પ્રત્યેના પોતાના શોખ અંગે આગળ વાત કરતા ધીરુબહેન કહે છે, "હું જાતે જ શાળાએ બેસી ગઈ હતી. મને ક્યારેય કોઈ શાળાએ મૂકવા નહોતું આવ્યું. મારા ઘરની નજીક જ શાળા હતી અને મને વાંચવું-લખવું બહુ જ ગમતું."

"હું અદ્યાપિકા બની ગઈ પછી કદાચ મારા એક શિક્ષકે મને કહ્યું હતું કે તમારા નિબંધો અમે સ્ટાફરૂમમાં વાંચતાં અને તમારા લેખનમાંથી ભૂલ શોધવા કે એના કરતાં કંઈક સારું લખવા અમે એકબીજાને પડકાર ફેંકતા."

Image copyright Kalpit Bhachech

'પહેલું ઈનામ', 'પંખીનો માળો', 'વિનાશને પંથે' 'મનનો માનેલો', 'અંડેરી ગંડેરી ટીપરીટેન' વગેરે એમના જાણીતાં નાટકો છે.

પોતાના નાટ્યલેખનની શરૂઆત કઈ રીતે થઈ એ અંગે પ્રકાશ પાડતાં તેઓ જણાવે છે, "મારાં બા સ્ત્રીઓનું એક મંડળ ચલાવતાં હતાં. મંડળના વાર્ષિક સમારોહમાં એક નાટક ભજવવાનું હતું. એના માટે જાણીતા નાટ્યલેખક ધનસુખલાલ મહેતાને નાટક લખવા માટે વિનંતી કરાઈ હતી."

"જોકે, એમણે નાટક લખવાનો ઇનકાર કરતા આ જવાબદારી મારા માથે આવી પડી. મેં નાટક લખ્યું અને એ ભજવાયું. નાટક ભજવાયું ત્યારે ધનસુખલાલ મહેતા પણ હાજર હતા."

આ અંગે વધુમાં તેઓ જણાવે છે, "એક દિવસ અચાનક ધનસુખલાલ મહેતા અમારા ઘરે આવી ચડ્યા."

"દરવાજા પર લાકડી પછાડીને પૂછ્યું કે તમારી આટલી હિંમત કે મારાથી સારું નાટક લખો અને એ પણ લોકોને ગમે તેવું?"

"પછી તો એવું થયું કે દર અઠવાડિયે તેઓ અમારે ત્યાં આવે અને મેં જે લખ્યું હોય એને ચકાશે. ગ્રૅડ આપે. મને નાટ્યશૈલી એમણે જ શીખવી છે. અમે બન્નેએ સાથે મળીને બે નાટકો પણ લખ્યાં છે."


સુરેશ દલાલના પડકારને ઝીલવા કવિતાઓ લખી

Image copyright Kalpit Bhachech

ધીરુબહેનના કવિતા સંગ્રહ 'કિચન પૉએટ્રી'નો જર્મન અને મરાઠી ભાષામાં અનુવાદ થયો છે. ધીરુબહેને આ કવિતાઓ સુરેશ દલાલના પડકારના પ્રતિભાવના રૂપે લખી હતી.

આ અંગે વાત કરતા તેઓ જણાવે છે, "એક દિવસ સુરેશભાઈનો મારા પર ફોન આવ્યો. મને કહે કે ધીરુબહેન મને હમણાંથી કશુંય ગમતું નથી. મને કહે કે એમાંથી તેઓ બહાર નહીં આવી શકે."

"સુરેશભાઈ જેવો ઉત્સાહી માણસ આવું કહે એ કેમ ચાલે? મેં વિચાર્યું કે સુરેશભાઈને શું ગમે? કવિતા જ સ્તો!"

તમે આ વાંચ્યું કે નહીં?

"બીજા દિવસે મેં એમને ફોન કર્યો અને એક અંગ્રેજી કવિતા સંભળાવી. એમને એ એટલી ગમી કે મેં બીજી બે-ચાર પણ સંભળાવી."

"એ કવિતાઓ કોણે લખી એ એમણે પૂછ્યું. મને કહ્યું કે હજુ વધુ આવી કવિતાઓ લખી શકો?"

"એટલે મેં પૂછ્યું કે કેટલી કવિતા લખું? 20, 50, 100? તો મને કહે કે 100 કવિતા લખો અને મેં પડકાર ઝીલી લીધો. મેં 100 કવિતાઓ લખી જે, 'કિચન પોએટ્રી'ના નામે વખણાઈ."

Image copyright Kalpit Bhachech

ગુજરાતી સાહિત્યમાં મહિલાઓના સ્થાન અંગે તેઓ જણાવે છે, "ભૂલી જાવ કે તમે સ્ત્રી છો. માત્ર તમારા હોદ્દાને યાદ રાખો. વાતેવાતે મહિલાપણું આગળ ધરવાનું છોડી દો."

નોંધનીય છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ ધીરુબહેન પટેલ રહી ચૂક્યાં છે.

હાલ તેઓ ગુજરાત વિશ્વકોશ ભવન ખાતે 'વિશ્વા' નામે ૪૦ વર્ષથી ઉપરનાં ગૃહિણીઓ સાથે કામ કરે છે.

તેઓ કહે છે, "આ ઉંમરે સ્ત્રીઓ સામાજિક જવાબદારીઓમાંથી નવરી પડે છે. તેથી ખાલીપો અનુભવે છે."

"તેના પરિણામે તેઓ નાનીનાની વાતોમાં અકળાઈ જતી હોય છે. સંતાનના દૂર જવાને કારણે સ્ત્રીમાં કડવાશ આવી જતી હોય છે."

"આવી મહિલાઓ માટે અમે મહિનામાં બે વખત વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ."

Image copyright R J Devki
ફોટો લાઈન અદિતિ દેસાઈના ઘરે મુલાકાત દરમિયાન

ધીરુબહેનના ખુશ રહેવા અને ખુશીઓ વહેંચવાના સ્વભાવ અંગે વાત કરતાં અદિતિ દેસાઈ જણાવે છે, "એક વખત હું, પ્રીતિ સેનગુપ્તા(લેખિકા) અને ધીરુબહેન કૉફી પીવા ગયાં હતાં."

"એ દિવસે વૅલેન્ટાઇન્સ ડે હતો એટલે હું એ બન્ને માટે ગુલાબ લઈ ગઈ હતી."

"જોકે, આ વખતના વૅલેન્ટાઇન્સ ડે વખતે હું સાસણ ગીરમાં હતી. બીજા દિવસે એમણે મને ફોન કર્યો અને પૂછ્યું આ વખતે તું મારા માટે ગુલાબ કેમ ના લાવી?"

તમે આ વાંચ્યું કે નહીં?

લેખક અને 'ગુજરાત વિશ્વકોશ' નામની સંસ્થાના મૅનેજિંગ ડિરેક્ટર કુમારપાળ દેસાઈ એક કિસ્સો વાગોળે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે, "એક કાર્યક્રમમાં હું, વર્ષા અડાલજા અને ધીરુબહેન વક્તાઓ હતાં, મને વર્ષા બહેને કહ્યું કે મેં આ જે સાડી પહેરી એ મને ધીરુબહેને ભેટમાં આપી છે."

"તેથી મેં સામાન્ય મજાક કરી કે ધીરુબહેન અમને આવી ભેટ નથી આપતાં. અને બીજા દિવસે હું જ્યાં ઊતર્યો હતો ત્યાં મારા માટે તેમણે સફારીનું કાપડ મોકલ્યું હતું."

આજે ૯૩ વર્ષની ઉંમરે ધીરુબહેન એક નાટક લખી રહ્યાં છે, એક સિરીયલના એપિસોડ્સ લખે છે.

તેમના નાટક 'મમ્મી તું આવી કેવી?' પરથી ગુજરાતી ફિલ્મ 'મિશન મમ્મી' બની ચૂકી છે.

ધીરુબહેન યુવાનો માટે લેખન શિબિરોનું આયોજન કરે છે તેમજ વિશ્વકોશ ખાતે ભાષાદોષ ચકાસે છે. તેઓ ભાષાશુદ્ધિના વર્ગો પણ લે છે.


ભવની ભવાઈ કે લેખકની?

Image copyright Kalpit Bhachech

ધીરુબહેન જણાવે છે, "આમ તો આપણને આનંદ જ કરવો ગમે છે, છતાં 'ભવની ભવાઈ' માટે લડત કરવી પડી. કારણ કે એ એક લેખકના હકની સૈદ્ધાંતિક લડત હતી."

રાષ્ટ્રીય ફિલ્મ ઍવૉર્ડ્ઝમાં વિવિધ કૅટેગરીના ઍવૉર્ડ્ઝ મળ્યા તેઓ ખુશ હતાં, પણ આ ખુશી લાંબી ન ટકી શકી.

ધીરુબહેને પ્રકાશિત કરેલાં 'ભવની ભવાઈ' પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓ લખે છે કે, મને નહોતી ખબર આ લેખકના 'ભવની ભવાઈ' થવાની છે.

"૨૨-૧૦-૮૭ના રોજ સવારે મિત્ર ડૉ. સુરેશ દલાલના ફોનની ઘંટડી રણકી. એમણે સીધી વાત કરી, ધીરુબહેન, સ્ટ્રેન્ડબુક સ્ટોરમાં તમારું પુસ્તક જોયું, પણ ખૂબીની વાત એ છે કે ક્યાંય તમારું નામ ન જડ્યું...મને અત્યંત આશ્ચર્ય થયું...ફિલ્મ -કેતન મહેતા, સ્ક્રીપ્ટનું પુનર્નિર્માણ અને અનુવાદ - શંપા બેનરજી."

તમે આ વાંચ્યું કે નહીં?

આ વિશ્વાસઘાતનો તેમને વધુ આઘાત ત્યારે લાગ્યો જ્યારે કેતન મહેતાએ ફરી એક વખત એક લેખકના હકની અવગણના કરી. તેઓ લખે છે, "૨૩-૧૨-૮૭ના રોજ કેતન મહેતા મળવા આવ્યા. કહ્યું કે, હું દિલગીર છું, રૉયલ્ટી પણ તમે લઈ લો અને લેખક તરીકે પણ તમારું નામ મુકાવી દઉં."

"…પંદર દિવસમાં કાગળ તો તૈયાર થઈને આવ્યો પણ રૉયલ્ટી અને કૉપીરાઈટની વાત અંતરથી ગુલ. આવા કાગળનો શો અર્થ?..."

"ગુજરાતી લેખકોની આંખ ઉઘાડવા અને કૉપીરાઇટ બાબતે સજાગ કરવા માટે આ પુસ્તક પ્રકાશિત કરું છું. આ અન્યાય સામેનો મારો મારી રીતનો પ્રતિકાર છે."

Image copyright Kalpit Bhachech

ધીરુબહેનનાં માતા ગંગાબહેન અને પિતા ગોર્ધનભાઈ બંને સ્વાતંત્ર્ય સેનાનીઓ હતાં. તેમનાં માતા આઝાદીની લડતમાં જેલમાં પણ જઈ ચૂક્યાં હતાં.

ગાંધી બાપુનું સાંનિધ્ય સાંપડ્યુ હોય એવા બહુ ઓછા લેખકો બચ્યા છે, ધીરુબહેન તેમાનાં એક છે. આ સંસ્મરણો વાગોળતાં તેઓ કહે છે, "મેં ગાંધી બાપુની ટપલી ખાધી છે અને બા પાસેથી ભાગ."

તેઓ કહે છે, "એક વખત હું મારાં બા સાથે બાપુને મળવા ગઈ, બીજા બાળકો સાથે હું પણ બાપુ પાસે બેઠી હતી."

"મને બાપુ કહે, છોકરી તને શું આવડે?

મેં કહ્યું, "મને લખતાં અને વાંચતાં બંને આવડે. એટલે બાપુ કહે, 'એટલાંથી કંઈ હોશિયાર ન કહેવાય. તને કેટલા કામ આવડે છે?' એ વાતથી મને લાગી આવ્યું, બીજી વખત ગઈ ત્યારે મેં બાપુને કહ્યું, "હું મારો રૂમાલ તો જાતે જ ધોઉં છું." અને બાપુએ મને ગાલ પર ટપલી મારી અને કહ્યું, હવે તું હોશિયાર."

"બા તો અમને બહુ વહાલ કરતાં, અમને ખોળામાં બેસાડે, લાડ કરવા અને ભાગ આપે."

Image copyright RJ Devki
ફોટો લાઈન અદિતિ દસાઈ અને યુવા કલાકારો સાથે ધીરુબહેન

ધીરુબહેન પટેલે નારાયણભાઈ દેસાઈ લિખિત અને અદિતિ દેસાઈ દિગ્દર્શિત નાટક કસ્તુરબામાં પણ કેટલાક પ્રસંગો તેમજ નાટકને કસ્તુરબાનો પરિપ્રેક્ષ્ય આપવામાં મદદ કરી હતી.

એક શીઘ્ર લેખક હોવા છતાં પોતાના જીવનનો એક અનુભવ એવો છે, જેને ધીરુબહેન શબ્દોમાં નથી મૂકી શકતાં.

તેઓ કહે છે, "આ વાત હું ક્યારેય કરતી નથી. એ વખતે હું ૧૭-૧૮ વર્ષની હોઈશ. મારાં માના આગ્રહથી અમે રમણ મહર્ષિના આશ્રમ જઈ રહ્યાં હતાં. એ બીજા વિશ્વયુદ્ધનો સમય હતો."

આપને આ પણ વાચવું ગમશે

બાળક ધીરુ વિશે તેઓ કહે છે, "અમને અડધા રસ્તે ગાડીમાંથી ઉતારી મૂકવામાં આવ્યાં. તેથી રેલવે સ્ટેશનમાં રાત કાઢવી પડી અને ખરાબ રસ્તાઓમાં હેરાન થઈને અમે આશ્રમ પહોંચ્યા."

"મને એમ કે હવે ભોજન મળશે. પણ માએ કહ્યું કે, પહેલાં દર્શન, પછી ભોજન. મને રીસ ચડી. એટલે મેં આખો બંધ કરી દિધી."

"ત્યાં બે પગથિયાંમાં હું વાંકી વળી અને જેવી આંખ ખોલી કે મારી સામે રમણ મહર્ષિ ઊભા હતા, અમારી આંખો મળી."

"એ વખતની જે અનુભૂતિ હતી, તે હું ક્યારેય શબ્દોમાં નથી મૂકી શકી, તમને દરેક બંધનમાંથી મુક્ત થયા હોય એવી લાગણી થાય. પણ અમુક બાબતો માત્ર અનુભવવાની હોય છે."

Image copyright Kalpit Bhachech

ધીરુબહેનને બાળપણથી જ સંપૂર્ણ વ્યક્તિ-સ્વાતંત્ર્યનો માહોલ મળ્યો.

તેનાં બે ઉદાહરણ આપતાં તેઓ કહે છે, "નાની ઉંમરમાં મારાં બા જ્યારે મને કાન વીંધવા લઈ ગયાં ત્યારે મારા બાપુએ ના પાડેલી."

તેમણે કહેલું, "હજુ જેને કંઈ ખબર જ નથી, સમજણ નથી એના કાનમાં વીંધનારા આપણે કોણ? એ મોટી થશે અને એને ઇચ્છા થશે તો હું કોઈ મોટા સર્જન પાસે લઈ જઈને એના કાન વીંધાવી આપીશ."

ધીરુબહેને નાની ઉંમરમાં જ આજીવન લગ્ન નહીં કરવાનો નિર્ણય લઈ લીધો હતો. તેઓ જણાવે છે, "મેં પણ બાકીની છોકરીઓ સાથે શોખથી ગૌરી વ્રત શરૂ કરેલાં. પણ મને કોઈએ કહ્યું કે, આ તો સારો વર મેળવવા માટેનું વ્રત છે. મેં ગોર મહારાજ ને પૂછ્યું તો તેમણે હા પાડી, અને મેં તયારે જ ઉપવાસ તોડી નાંખ્યો."

એક તરફ જ્યારે ગુજરાતી બાળ સાહિત્યકારો બાળકોને સાહિત્ય વાંચવામાં રસ નથી તેવી ફરિયાદ કરે છે, ત્યારે ધીરુબહેનનાં દરેક બાળ નાટકો અને વાર્તાઓ લોકપ્રિય બને છે, અને તેઓ કિશોર સાહિત્યમાં રહેલો શૂન્યવકાશ ભરવાની પ્રયત્નો કરી રહ્યા છે.

તેઓ કહે છે, "આજે બાળકોનાં પુસ્તકોમાં ઑરિજિનાલિટી ઓછી છે. ઉપદેશ આપશો તો એમને નહી ગમે."

Image copyright Kalpit Bhachech

જ્યારે આજનાં લેખન અને સાહિત્યમાં ઘટતાં સામાજિક નિસબત અને સંવેદન અંગે તેઓ જણાવે છે, "સમાજ જેવો હશે લેખકો પણ એવા જ હશે. લેખકો આકાશમાંથી તો આવતા નથી. આજે વાતાવરણ દૂષિત થયું છે અને લેખકોને ભાષા કરતાં પ્રસિદ્ધિમાં વધુ રસ છે."

મુંબઈથી અમદાવાદ આવ્યાં પછી ધીરુબહેન નિયમિત રીતે દરરોજ બપોરે 3-30 વાગ્યે વિશ્વકોશ પહોંચી જાય છે.

વિશ્વકોશના મૅનેજિંગ ડિરેક્ટર કુમારપાળ દેસાઈ જણાવે છે, "જેમના રૂવે રૂવે સર્જનાત્મકતા હોય, વિચારોમાં કોઈ પુનરાવર્તન નહીં, અખૂટ નાવીન્ય એમની નૈસર્ગિક પ્રતિભામાંથી પ્રગટે છે."

"તેઓ હંમેશાં મજાકમાં કહે છે કે હું વિશ્વકોશમાં નોકરીએ આવું છું. તેઓ જે કામ હાથમાં લે તેની પાછળ સો ટકા લાગી જાય. એમનું એક પણ આયોજન ક્યારેય નિષ્ફળ જતું નથી."

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો