પુલવામા CRPF હુમલો : કાશ્મીરી વિદ્યાર્થીઓ અંગેનું જાવડેકરનું નિવેદન આ રીતે છે હકીકતોથી દૂર વેગળું

  • ફૅક્ટ ચેક ટીમ
  • બીબીસી ન્યૂઝ
પ્રકાશ જાવડેકર

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી ઉગ્રવાદી હુમલા બાદ ભારતમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તણૂંકની કોઈ પણ ઘટનાને માનવાથી ઇનકાર કરી દીધો છે.

હાલ જ દિલ્હીમાં થયેલી એક પ્રેસ કૉનફરન્સમાં જાવડેકરે કહ્યું, "કેટલાક લોકો મુદ્દો બનાવવા માગે છે કે કાશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલા થઈ રહ્યાં છે, પણ એવું નથી. હું એ સ્પષ્ટ કરવા માગું છું કે હું દરેક સંસ્થાઓનાં સંપર્કમાં છું અને આવી ઘટનાઓ ઘટી નથી."

કેન્દ્રીય મંત્રીના આ નિવેદન પર કાશ્મીરના સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે.

'ઑપરેશન ડિજિટલ બોર્ડ'ના લૉન્ચ દરમિયાન આશરે વીસ મિનિટ સુધી ચાલેલી પ્રેસ કૉન્ફરન્સમાં પ્રકાશ જાવડેકરે આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું, "પુલવામાની ઘટનાની દેશમાં જબરદસ્ત પ્રતિક્રિયા જોવા મળી રહી છે. જે રીતે આતંકી હુમલો થયો છે, તેના વિરુદ્ધ લોકોમાં ગુસ્સો છે."

14 ફેબ્રુઆરીના રોજ ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં CRPFના 40 કરતાં વધારે જવાનોનાં મૃત્યુ થયાં હતાં.

આ ઘટના બાદ દેશમાં આક્રોશ જોવા મળ્યો. દેશમાં ઘણી જગ્યાએ કૅન્ડલ રેલીઓ યોજાઈ તો કેટલીક જગ્યાઓથી ઉગ્ર પ્રદર્શનના સમાચાર મળ્યા.

પરંતુ આ બધાની વચ્ચે કાશ્મીરી વિદ્યાર્થીઓને ધમકાવવા અને કાશ્મીરી લોકો પર હુમલો થયો હોવાના સમાચાર પણ સામે આવ્યા કે જે કેન્દ્રીય મંત્રી જાવડેકરના નિવેદન પર સવાલ ઉઠાવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'રોષે ભરાયેલી ભીડનું દબાણ'

ઇમેજ સ્રોત, UTTARAKHAND POLICE

ઇમેજ કૅપ્શન,

કાશ્મીરી વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરતાં ઉત્તરાખંડનાં પોલીસ અધિકારી

પુલવામા હુમલા બાદ ઘણી જગ્યાઓથી સમાચાર મળ્યા જેમાં દાવો કરવામાં આવ્યો કે કાશ્મીરી મૂળના વિદ્યાર્થીઓ સાથે કથિત રૂપે ગેરવર્તણૂંક કરવામાં આવી છે.

તેમાં સૌથી વધારે ચર્ચિત રહ્યો ઉત્તરાખંડના દેહરાદૂનનો મામલો જ્યાં બે કૉલેજોએ નિવેદન જાહેર કરી કહ્યું કે તેઓ આગામી સત્રથી કાશ્મીરી વિદ્યાર્થીઓને દાખલો નહીં આપે.

બીબીસી સાથે વાત કરતા દેહરાદૂનની બાબા ફરીદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજીના પ્રાધ્યાપક ડૉક્ટર અસલમ સિદ્દકીએ કહ્યું, " જેમાં કાશ્મીરી વિદ્યાર્થીઓને આગામી સત્રથી દાખલો ન આપવાની વાત છે એ નિવેદન અમારે રોષે ભરાયેલી ભીડના દબાણમાં આવીને જાહેર કરવું પડ્યું ."

દેહરાદૂનની જ અલ્પાઇન કૉલેજ ઑફ મેનેજમેન્ટ એન્ડ ટેકનૉલૉજીએ પણ આ પ્રકારની નોટિસ જાહેર કરી છે.

અલ્પાઇન કૉલેજના ડાયરેક્ટર એસ કે ચૌહાણે બીબીસીને જણાવ્યું, "અમારી કૉલેજમાં આશરે 250 વિદ્યાર્થીઓ છે. તેમાંથી એક વિદ્યાર્થિનીએ પુલવામા હુમલા પર એક સંવેદનશીલ ટ્વીટ કર્યું હતું."

"ત્યારબાદ સેંકડોની સંખ્યામાં રાજકારણમાં સક્રિય વિદ્યાર્થીઓ કૉલેજ પહોંચી ગયા. તેમણે જીદ કરી કે એ વિદ્યાર્થિનીને તરત કાઢી મુકવામાં આવે."

"ત્યારબાદ તેમણે લેખિતમાં આપવાનું કહ્યું કે આગામી સત્રમાં કોઈ પણ કાશ્મીરી વિદ્યાર્થીઓને દાખલો આપવામાં નહીં આવે."

આ તરફ દેહરાદૂનનાં એસએસપી નિવેદિતા કુકરેતીએ બીબીસીને જણાવ્યું, "જેઓ કાશ્મીરી વિદ્યાર્થીઓ વિરુદ્ધ હોબાળો કરી રહ્યા હતા અને કૉલેજો પર કાશ્મીરી વિદ્યાર્થીઓને દાખલો ન આપવાનું દબાણ કરી રહ્યા હતા એવાં 22 વિદ્યાર્થીઓની અમે ધરપકડ કરી છે ."

શું કહે છે રિપોર્ટ્સ

ઇમેજ સ્રોત, Getty Images

દેહરાદૂનની જ જેમ હરિયાણાના અંબાલાથી પણ સમાચાર મળ્યા હતા અને એક વીડિયો શૅર કરવામાં આવ્યો હતો કે જેમાં મકાન માલિક કાશ્મીરી વિદ્યાર્થીઓને ઘર ખાલી કરવાનું કહી રહ્યા હતા.

પુલવામા હુમલા બાદ દેશના અમુક વિસ્તારોમાં કાશ્મીરી વિદ્યાર્થીઓ માટે પરિસ્થિતિ કેવી રીતે મુશ્કેલ બની હતી, તેના પર બીબીસીએ 19 ફેબ્રુઆરીના રોજ એક રિપોર્ટ કર્યો હતો, જેમાં જમ્મુથી લઈને અન્ય સ્થળો પર બનેલી ઘટનાઓનું વિવરણ જોવા મળે છે. .

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 'કાશ્મીર કરિયર કાઉન્સિલિંગ ઍસોસિએશન'એ ગુરુવારના રોજ કેન્દ્ર સરકાર સમક્ષ પ્રાર્થના કરી છે કે તેઓ કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.

કાશ્મીરની સ્થાનિક મીડિયામાં છપાયેલા રિપોર્ટ્સ પ્રમાણે કાશ્મીરના કોચિંગ સેન્ટર ઍસોસિએશને પણ નિર્ણય લીધો છે કે તેઓ કથિત રૂપે પુલવામા હુમલા બાદ ભારતીય શિક્ષણ સંસ્થાઓમાંથી બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને ફ્રી એડમિશન ઑફર કરશે.

જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ ટ્વીટ કરીને કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી હતી.

કાશ્મીરી વિદ્યાર્થીઓ સિવાય કાશ્મીરી મૂળના વેપારીઓ સાથે પશ્ચિમ બંગાળ, દિલ્હી, હરિયાણા અને બિહારમાં થયેલી ગેરવર્તણૂંકની ઘટનાઓને પણ મીડિયાએ કવર કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો