ગુજરાતમાં શિક્ષકોની હડતાળ : શું અમે કોઈ ગુનેગાર છીએ?

શિક્ષકોનો વિરોધ

ઇમેજ સ્રોત, Hitesh Chavda

ઇમેજ કૅપ્શન,

ગુજરાત વિધાનસભા બહાર વિરોધ કરી રહેલા શિક્ષકો

હડતાળ, અટકાયત, પ્રદર્શનો, બેઠકો, સમધાન અને સમાધાનનો ઇનકાર. પોતાની માગોને લઈને ગાંધીનગરમાં વિધાસનભા ઘેરવાનો શિક્ષકોએ આપેલો કાર્યક્રમ સંબંધિત શબ્દોનો સાક્ષી રહ્યો.

શિક્ષણ સિવાયના કરવાં પડતાં ફરજિયાત કામો અને અન્ય પડતર પ્રશ્નોને લઈને રાજ્યભરના શિક્ષકોએ આજે વિધાનસભાને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

જોકે, ઘર્ષણ પહેલાં અટકાયતો કરવામાં આવી હતી. વિધાનસભાને ઘેરવાના કાર્યક્રમ માટે ગાંધીનગર આવેલા શિક્ષકોની અટકાયત કરીને તેમને પોલીસ અકાદમી ખાતે રાખવામાં આવ્યા હતા.

આ બધા વચ્ચે શિક્ષકોના આક્રોશને ભાળી ગયેલી સરકારે સમધાનનો રસ્તો અપનાવવા શિક્ષક સંઘના પ્રમુખ સાથે બેઠક કરી હતી.

બેઠક હકારાત્મક રહી હોવાનો દાવો કરી હડતાળ પરત ખેંચી લેવાની જાહેરાત કરાઈ, છતાં શિક્ષકો ટસથી મસ નથી થયા.

આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધી હડતાળ ચાલી રહી છે અને માગ ના સ્વીકારવામાં આવે ત્યાં સુધી અનિશ્ચિત મુદ્દત માટેની હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરાઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

હડતાળ કેમ કરવી પડી?

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને જામનગરના સિક્કામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હડતાળ જાહેર કરવાનું કારણ જણાવ્યું હતું.

જાડેજાએ કહ્યું, "વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યના એક લાખ શિક્ષકોએ રેલી કાઢીને એ વખતના મુખ્ય મંત્રીને પોતાની માગોને લઈને આવેદન પત્ર પાઠવ્યું હતું."

"શિક્ષકોએ વારંવાર અલગઅલગ મંત્રીઓને, ધારાસભ્યોને, કલેક્ટરોને આવેદન પત્રો પાઠવ્યાં. આ 11મી ફેબ્રુઆરીએ પણ શિક્ષકોએ રાજ્યના તમામ ધારાસભ્યો અને તમામ સાંસદોને આવેદન પત્રો પાઠવ્યાં."

"11થી 16 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના સવા બે લાખ શિક્ષકોએ કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણ કાર્ય કર્યું. આટલું ઓછું હોય એમ 15મી અને 16મી ફેબ્રુઆરીએ શિક્ષકોએ બે દિવસ ધરણાં પણ કર્યાં અને એ વખતે પણ મુખ્ય મંત્રીને આવેદન પત્ર પાઠવવમાં આવ્યો."

"આટલું ઓછું હોય એમ 15 અને 16મી ફેબ્રુઆરીએ અમે શિક્ષકોએ બે દિવસ ધરણાં પણ કર્યા અને એ વખતે પણ મુખ્ય મંત્રીને આવેદન પાઠવ્યું."

"જોકે, આખરે અમારા પ્રશ્નોનો નિવેડો ના આવતા અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો."

મહાનગર પાલિકા, નગરપાલિકા, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો ઉપરાંત નિવૃત શિક્ષકોના 70 હજાર શિક્ષકોએ આ આંદોલનને ટેકો જાહેર કર્યો હોવાનો દાવો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કર્યો હતો.

અટકાયતોની શૃંખલા

ઇમેજ સ્રોત, Hitesh Chavda

ઇમેજ કૅપ્શન,

ગુજરાત વિધાનસભા બહાર વિરોધ કરી રહેલા શિક્ષકોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.

શિક્ષકો વિધાનસભાને ઘેરવામાં સફળ થાય એ પહેલાં જ અટકાયતનો સિલસિલો શરૂ કરાયો હતો.

વિધાનસભાના ઘેરાવનો કાર્યક્રમ આપવા માટે ગાંધીનગર પહોંચેલા શિક્ષકોની મોટા પ્રમાણમાં અટકાયત કરવામાં આવી હતી.

અટકાયત કરાયેલા શિક્ષકોને ગાંધીનગર નજીક આવેલી કરાઈ પોલીસ અકાદમી ખાતે રાખવામાં આવ્યા હતા.

કરાઈ અકાદમી ખાતે જ રખાયેલા શિક્ષક અને પોરબંદર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ અરજણભાઈ સાથે બીબીસી ગુજરાતીએ વાતચીત કરી.

અરજણભાઈએ કહ્યું, "વગર કંઈ કહ્યે કે વગર કંઈ પૂછ્યે અમને અહીં ગોંધી રાખવામા આવ્યા છે. લગભગ હજારેક શિક્ષકોને અહીં રાખવામાં આવ્યા છે."

અરજણભાઈના જણાવ્યા અનુસાર તેમને ગાંધીનગર પહોંચતા અટકાવવાના પ્રયાસ કરાયા હતા. ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

"અમને શિક્ષણ સિવાયનાં કેવાં-કેવાં કામો કરવાં પડે છે? શિક્ષકોએ ગામના સેનિટેશન ગણવાં જવાનાં અને એને રંગ કરવા પણ જવાનો. ગરીબ કલ્યાણ મેળામાં આવનારા અધિકારીઓને શિક્ષકોએ પાણી આપવું."

પોતાની વાત આગળ વધારતા અરજણભાઈ જણાવે છે, "શિક્ષણ સાથે જેને કોઈ નિસ્બત નથી એવી તમામ કામગીરીઓ અમારે કરવી પડે છે. શિક્ષકને આજે ચપરાસી બનાવી દેવાયો છે. અમને ઘરેથી ઉઠાવી લેવાયા, રસ્તામાંથી ઉઠાવી લેવાયા."

'અમે ગુનેગાર છીએ?'

અરજણભાઈની વાતમાં સુર પુરાવતા અન્ય એક શિક્ષક પરબતભાઈ જણાવે છે, "પેન્શન યોજના નાબુદ કરવામાં આવી. સળંગ નોકરી ગણવાનો ઇનકાર કરી દેવાયો, વિદ્યાસહાયકને તમામ બાબતોમાં અન્યાય કરાયો. કેમ?"

"દરિયાકાંઠા અને અંતરિયાળ વિસ્તારનો શિક્ષક ટેકરા પર બેસી નેટવર્ક મેળવવાના ફાંફા હોય એવી સ્થિતિમાં ઑનલાઇન હાજરી પૂરે છે. જ્યાં ઇન્ટરનેટ કનેક્શન બરોબર આવતું હોય એવી જગ્યાએ પણ 200 વિદ્યાર્થીની ઑનલાઇન હાજરી પૂરવામાં કેટલો સમય લાગે?"

તેઓ ઉમેરે છે, "ચૂંટણીની કામગીરી કરાવો માની પણ લઈએ. પણ આરોગ્યની, મંત્રીની, આંગણવાડીની, ગરીકલ્યાણ મેળાની કામગીરી પણ અમારે કરવાની? સૌને પાણી પાવાનું, માણસો ભેગા કરવાનું આ બધું તો જોહુકમી છે સાહેબ."

"એકથી આઠ એ શિક્ષણનો પાયો છે અને એની સાથે તમે આવું કરાવો છો? અમે શિક્ષકો છીએ કોઈ ગુનેગાર છીએ? કોઈ ગુનો કરીને અમે અહીંથી ભાગી જવાના છીએ કે આવી રીતે ગોંધી રાખવામા આવ્યા છે?"

હડતાળ સમેટી લેવાઈ?

ઇમેજ સ્રોત, Hitesh Chavda

ઇમેજ કૅપ્શન,

શિક્ષકોની હડતાળના પગલે સરકારે સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો.

શિક્ષકોની હડતાળને પગલે સરકારે પણ સમાધાનનો રસ્તો અપનાવ્યો હતો. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે બેઠક યોજાઈ હતી.

બેઠક સફળ રહી હોવાનો દાવો ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ સાથે કર્યો હતો.

ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં ચુડાસમાએ જણાવ્યું હતું, "આંદોલનકારી શિક્ષકો સાથેની બેઠક સકારાત્મક રહી છે. શિક્ષકોની માગો પર વિચાર કરવા માટે મુખ્ય મંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, તેમજ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની એક સમિતિની રચના કરવામાં આવશે."

શિક્ષકોની 17 માગોમાંની એક એવી સીસીસીના પ્રમાણપત્રને રજૂ કરવાની મુદ્દત એક વર્ષ સુધી વધારી આપવામાં આવી હોવાની પણ ચુડાસમાએ જાહેરાત કરી.

તો મીડિયા સાથેની વાતચીતમાં દિગ્વિજયસિંહે સરકારની ખાતરી પર વિશ્વાસ વ્યક્ત કરીને હડતાળ સમેટી લેવાની જાહેરાત કરી.

અને એ સાથે જ સમગ્ર દિવસના કાર્યક્રમમાં નાટ્યાત્મક વળાંક આવ્યો.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે હડતાળનો અંત આવ્યો હોવાની જાહેરાત કરી હોવા છતાં ગાંધીનગરમાં શિક્ષકો હટ્યા નહીં.

જ્યાં સુધી લેખિત ખાતરી ના મળે ત્યાં સુધી શિક્ષકોએ અચોક્કસ મુદ્દતની હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી દીધી.

રાજકીય સમર્થન

આ હડતાળને કૉંગ્રેસે પણ ટેકો જાહેર કર્યો. વિધાનસભાને ઘેરવા માટે એકઠા થયેલા શિક્ષકો વચ્ચે વિપક્ષના નેતા પરેશ ધાનાણી કૉંગ્રેસી નેતાઓ સાથે પહોંચ્યા.

ધાનાણીએ 'શિક્ષકોની નૈતિક માગોને સમર્થન' આપવાની વાત કરી.

તો પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાતમાં કોઈ પણ કાર્યક્રમ કરવાની મંજૂરી નથી મળી રહી. ગુજરાતની અંદર તમામ લોકો દુઃખી છે. પછી તે ખેડૂતો હોય કે યુવાનો હોય.એસ.ટી.નો કર્મચારી હોય કે શિક્ષક હોય."

હાર્દિકે એવું પણ કહ્યું, "ગુજરાતનો તમામ વર્ગ સરકારની ખોટી નીતિથી નારાજ છે. ભાજપ લોકોને ડરાવીને ધમકાવીને પોતાની સત્તા ચલાવવા માગે છે."

શિક્ષણની ગુણવત્તા સાથે બાંધછોડ?

શિક્ષણશાસ્ત્રી ડૉ. અશોક પટેલ સાથે બીબીસી ગુજરાતીએ ગુજરાતમાં શિક્ષકોની સ્થિતિ અંગે વાતચીત કરી.

ડૉ. પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "શિક્ષકો હડતાળ પર ઊતર્યા છે એ સાચા છે એના બદલે હું એવું કહીશ કે સરકાર ખોટી છે."

"ખેડૂત હોય, શિક્ષક હોય કે કોઈ અન્ય હોય એ હડતાળ પાડે ત્યારે જ એમની વાત કેમ સાંભળવામાં આવે. એ પહેલાં એમની માગણીઓને કેમ સ્વીકારવામાં નથી આવતી. એટલે સરકાર જ લોકોને ઉશ્કેરે છે કે તમે હડતાળ પર જશો એ બાદ જ તમારી વાત સ્વીકારાશે."

"શિક્ષકો પાસે શિક્ષણ સિવાયનું જ એટલું કામ કરાવાય છે કે શિક્ષણ માટે એમને સમય જ મળતો નથી. શાળા કે વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ સિવાયનું તમામ કામ થઈ રહ્યું છે. જેની સીધી જ અસર વર્ગોમાં થઈ રહી છે."

"આરોગ્ય અને શિક્ષણ આ બે એવી બાબત છે કે જેના પર કોઈ પણ પ્રકારનું બાંધછોડ ના ચાલે. પણ સરકાર આના પર જ બાંધછોડ કરી રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો