ગુરમેહર પુલવામા હુમલા પર ઇન્ટરવ્યૂ આપવા પાકિસ્તાન ગયાં હોવાની દાવાની હકીકત
- ફૅક્ટ ચેક ટીમ
- બીબીસી ન્યૂઝ

વિદ્યાર્થી કાર્યકર્તા અને લેખિકા ગુરમેહર કૌરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એ દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે 'તેઓ પુલવામા હુમલા બાદ પાકિસ્તાન ગયાં, માત્ર એટલું કહેવા કે આવા હુમલાથી અલ્પસંખ્યકોની તકલીફ વધી છે'.
ફેસબુક પર ક્લોઝ ગ્રૂપ્સમાં, ટ્વિટર પર અને વૉટ્સઍપ પર જે લોકોએ આ 19 સેકંડનો વીડિયો શૅર કર્યો છે, તેમણે સવાલ ઉઠાવ્યો છે કે ગુરમેહર કૌરને પાકિસ્તાન જવા માટે ફંડ કોણે આપ્યું?
આ મામલે કૉંગ્રેસને નિશાન બનાવવા માટે કેટલાક લોકોએ ગુરમેહર કૌરની કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે માર્ચ 2018માં લેવામાં આવેલી એક તસવીર પર શૅર કરી અને લખ્યું છે કે 'શું પ્રિયંકા ગાંધીએ ગુરમેહરની પાકિસ્તાન જવામાં મદદ કરી?'
ઇમેજ સ્રોત, TWITTER/@MEHARTWEETS
જોકે, આ બધા જ દાવા ખોટા છે અને જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે પણ ખોટા છે કેમ કે ગુરમેહર કૌરનો આ વીડિયો પાકિસ્તાનનો નહીં, પણ લંડન (બ્રિટન)નો છે.
એ શક્ય છે કે શૅર કરતી વખતે ઘણાં લોકોને વીડિયોનો સૉર્સ 'બીબીસી ઉર્દૂ' જોઈને લાગ્યું હોય કે વીડિયો પાકિસ્તાનનો છે, પણ એવું નથી.
તમે આ વાંચ્યું કે નહીં?
લંડનનો વીડિયો
વાઇરલ થઈ રહેલો વીડિયો લંડન સ્થિત બીબીસી ઉર્દૂના સ્ટુડિયોમાં રેકૉર્ડ કરવામાં આવ્યો હતો.
ગુરમેહર કૌર પુલવામા હુમલા બાદ, 15 ફેબ્રુઆરીના રોજ બીબીસી ઉર્દૂ સેવાના ટીવી શો સૈરબીનમાં મહેમાન તરીકે પહોંચ્યાં હતાં.
ગુરમેહર કૌર 1999ના કારગિલ યુદ્ધમાં મૃત્યુ પામેલા ભારતીય મેજર મનદીપ સિંહનાં દીકરી છે અને તેઓ ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યાં હતાં, જ્યારે તેમણે કહ્યું હતું "મારા પિતાને પાકિસ્તાને નહીં, પણ યુદ્ધે મારી નાખ્યા હતા."
ગુરમેહરનાં આ નિવેદન બાદ તેમની રાષ્ટ્રીયતા પર સવાલ ઉઠ્યા હતા.
ટીવી શો સૈરબીનમાં એન્કર શફી નકી જામીએ તેના જ આધારે ગુરમેહરને સવાલ કર્યો કે "તમે નાની ઉંમરે તમારા પિતાને ગુમાવી દીધા, તમે એ તકલીફ સમજી શકો છો, પુલવામા હુમલાને તમે કેવી રીતે જુઓ છો?"
તેના જવાબમાં ગુરમેહરે કહ્યું હતું, "લંડન પહોંચીને જ્યારે મેં ફોન જોયો તો પુલવામા હુમલા વિશે ખબર પડી. સૌથી પહેલા મારા મનમાં શહીદોના પરિવારજનો અંગે વિચાર આવ્યો."
"હું તેમને સલામ કરવા માગીશ. ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ જાળવી રાખવાની ચર્ચા વચ્ચે આવા હુમલા મનને તકલીફ પહોંચાડે છે અને એક આશા છીનવી લે છે."
ત્યારબાદ તેમણે કહ્યું કે બન્ને દેશો વચ્ચે શાંતિ માટે અડગ રહેવું ખૂબ જરુરી છે.
'તિરસ્કાર અને ગુસ્સાની વચ્ચે'
શોમાં ગુરમેહર કૌરને જ્યારે પૂછવામાં આવ્યું કે લોકસભા ચૂંટણી પહેલાં પુલવામા હુમલાની દેશના રાજકારણ પર કોઈ અસર પડશે?
તેના પર ગુરમેહર કૌરનો જવાબ હતો : "એ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે રાજનેતાઓ આ ઘટનાનો ઉપયોગ કરી રહ્યા છે."
"આવી ઘટનાઓથી સમાજમાં ગુસ્સો અને તિરસ્કારની ભાવના વધે છે. ઇસ્લામ અને પાકિસ્તાનને એક સમજવામાં આવી રહ્યાં છે."
"તેનાથી અલ્પસંખ્યકોની તકલીફો વધી છે. નેતા આ વિભાજનનો ફાયદો ઉઠાવી રહ્યા છે."
વાતચીતના અંતમાં ગુરમેહર કૌરે કહ્યું હતું, "શહીદોના બાળકો અને તેમના પરિવારોને ત્યારે જ ન્યાય મળી શકે છે, જ્યારે હિંસાનો અંત આવશે."
'સ્મૉલ ઍક્ટ્સ ઑફ ફ્રિડમ' નામનું પુસ્તક લખી ચૂકેલાં ગુરમેહર કૌર યૂકેની ચેરિટેબલ સંસ્થા 'પોસ્ટકાર્ડ્સ ફૉર પીસ'નાં ઍમ્બૅસૅડર પણ છે.
ફેક ન્યૂઝ
ઇમેજ સ્રોત, SM VIRAL POST
વર્ષ 2017માં દિલ્હી યૂનિવર્સિટીની રામજસ કૉલેજના વિવાદ બાદ ગુરમેહર કૌર ચર્ચાનો વિષય બન્યાં હતાં.
તેમણે કૉલેજમાં લેફ્ટ અને રાઇટ વિચારધારા વાળા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી અથડામણ બાદ પોતાની ફેસબુક પ્રોફાઇલનું પિક્ચર બદલી નાખ્યું હતું, જેના પર લખ્યું હતું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં લોકોથી ડરતાં નથી.
પરંતુ વધારે હોબાળો એ તસવીર પર થયો જેમાં તેઓ એક પ્લેકાર્ડ લઈને ઊભાં હતાં અને તેના પર અંગ્રેજીમાં લખ્યું હતું, "મારા પિતાને પાકિસ્તાને નહીં પણ યુદ્ધે માર્યા હતા."
આ તસવીરે ગુરમેહર કૌરને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યા હતા.
ગત અઠવાડિયે પુલવામા હુમલામાં ભારતના 40 કરતાં વધારે જવાનોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારબાદ ભારત સરકારે પાકિસ્તાને અલગ થલગ કરવા માટે મોટા નિર્ણય લીધા હતા.
આ હુમલા બાદ સોશિયલ મીડિયા પર લોકોના આક્રોશ વચ્ચે ફેક ન્યૂઝ ખૂબ ઝડપથી શૅર કરવામાં આવ્યા.
આ જ ક્રમમાં ગુરમેહર કૌરનો વીડિયો ખોટા સંદર્ભ સાથે શૅર કરવામાં આવી રહ્યો છે.
આ વીડિયોને @DrGPradhan નામના ટ્વિટર યૂઝરે પણ શૅર કર્યો છે કે જેમને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફૉલો કરે છે.
ઇમેજ સ્રોત, TWITTER
વડા પ્રધાન નરેન્દ્ર મોદી @DrGPradhan નામના ટ્વિટર યૂઝરને ફૉલો કરે છે
તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને આશરે 30 હજાર વખત જોવામાં આવ્યો છે.
ગુરમેહર કૌર આ ટ્વિટર યૂઝરને જણાવી ચૂક્યાં છે કે તેઓ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે.
તે છતાં જ્યાં સુધી આ રિપોર્ટ લખાયો ત્યાં સુધી વીડિયોને હટાવવામાં આવ્યો નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો