પુલવામા હુમલો: દેવબંધમાં બે કાશ્મીરી યુવાનોની ધરપકડ અંગે પરિવારો શું કહે છે

દેવબંધમાં પકડાયેલાં યુવાનો Image copyright up police

"પોલીસનો દાવો ખોટો છે. મારો ભાઈ છેલ્લા ત્રણ વર્ષથી દેવબંધમાં અભ્યાસ કરતો હતો. જે વાતો ફેલાવાઈ રહી છે, તેવું બિલકુલ નથી. અમારું આખું ગામ જાણે છે કે તેને (મારા ભાઈ) કટ્ટરવાદ સાથે કોઈ જ લેવા-દેવા નથી."

"તમે ગામના લોકોને પૂછીને તેની ખાતરી કરી શકો છો. તમે મારા ભાઈના પોલીસ રેકર્ડ્ઝ જોઈ શકો છો. આજ સુધી મારા ભાઈની વિરુદ્ધમાં કોઈ ફરિયાદ નથી થઈ. આ બધાં જ આરોપ બિલકુલ પાયા વિહોણા છે."

આ વાતો શાહનવાઝ અહમદ તેલીના મોટા ભાઈ વકાર અહમદ તેલીએ કહી.

શાહનવાઝ અને એક અન્ય કાશ્મીરી અકીબ હમદ મલિકની ઉત્તર પ્રદેશ એટીએસએ (ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડ) શુક્રવારે દેવબંધ વિસ્તારમાંથી પુલવામા સીઆરપીએફના (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) કાફલા પર હુમલા સંદર્ભે ધરપકડ કરી છે.

શાહનવાઝ કુલગામના યારીપોડાના વતની છે, જ્યારે અકીબ પુલવામા જિલ્લાના ચંદીગામ ગામના વતની છે.

ટીવી પર શાહનવાઝના ધરપકડના સમાચાર જોયા બાદ આસપાસના લોકો કુલગામના નુનવઈ ગામમાં શાહનવાઝના ઘરે એકઠા થવા લાગ્યા.


Image copyright Majid jahangir/bbc

પોલીસનો દાવો છે કે શાહનવાઝ ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સક્રિય સભ્ય છે અને દેવબંધમાં ઉગ્રપંથી સંગઠન માટે કામ કરી રહ્યા હતા.

એટીએસએ પોતાની પ્રેસ રિલીઝમાં કહ્યું છે કે પકડાયેલા બંને વ્યક્તિ પાસેથી કેટલીક ગેરકાયદેસર સામગ્રી, હથિયાર અને ગોળા બારૂદ મળી આવ્યા છે.

પોલીસે એવું પણ કહ્યું કે, પકડાયેલા બંને કટ્ટરપંથીઓ કાશ્મીરના છે. તેઓ દેવબંધમાં વિદ્યાર્થી બનીને રહેતા હતા અને તેમણે કોઈ જ કૉલેજ કે મદરેસામા પ્રવેશ મેળવ્યો નહોતો.

પ્રવેશ મેળવ્યા વિના જ બંને દેવબંધમાં અભ્યાસ કરતા હતા

Image copyright Majid jahangir/bbc
ફોટો લાઈન શાહનવાઝના મોટા ભાઈ વકાર

વકારે પોલીસના આ દાવાનો વિરોધ કરતા કહ્યું કે ત્યાં મદરેસામાં બે પ્રકારના વિદ્યાર્થીઓ છે.

વકારે કહ્યું, "તે સમત કોર્સ (મદરેસાનો એવો કોર્સ જેમાં અનૌપચારિક રીતે ભણી શકો છો, તમારે કાયદેસર પ્રવેશ મેળવવાની જરૂરિયાત નથી રહેતી.)"

"તેને પ્રવેશ નહોતો મળ્યો, તેના માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રયત્ન કરતો હતો. તે મદરેસનાની નજીક જ એક રૂમમાં ભાડે રહેતો હતો."

વકારે પોલીસના વધુ એક દાવાને નકાર્યો છે કે શાહનવાઝે નકલી આધારકાર્ડ બનાવ્યા હતા અને નવાઝ અહમદ તેલીના નામથી રહેતો હતો.

પોલીસે શુક્રવારે જાહેર કરેલી પ્રેસ રિલીઝમાં પકડાયેલા બે વ્યકતિઓની ઓળખ શાહનવાઝ અહમદ તેલી અને અકીબ અહેમદ મલિક રૂપે આપી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેનું નામ 'શાહનવાઝ' નહીં 'નવાઝ' છે..

Image copyright Majid jahangir/bbc
ફોટો લાઈન શાહનવાઝના પડોશી મુદાસિર અહમદ

વકાર કહે છે, "મારા ભાઈનું નામ શાહનવાઝ અહમદ તેલી નથી, તેનું નામ નવાઝ અહમદ તેલી છે. તમે તેના દસ્તાવેજોની તપાસ કરી શકો છો."

મીડિયામાં આવેલાં અહેવાલોમાં પોલીસે કહ્યું છે કે શાહનવાઝે નકલી આધાર કાર્ડ બનાવ્યા હતા અને તેણે પોતાની ઓળખ નવાઝ અહમદ તેલી તરીકે આપી છે.

વકારે શાહનવાઝના યુનિવર્સિટીના દસ્તાવેજો બતાવ્યા અને કહ્યું કે તેમના ભાઈનું નામ નવાઝ હતું, શાહનવાઝ નહીં.

વકારે કહ્યું કે તેમનો ભાઈ ત્રણ વર્ષ પહેલાં દેવબંધ મદરેસા ગયો હતો અને ત્યાં સામાન્ય જીવન જીવતો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ કહે છે, "ત્રણ દિવસ પહેલાં જ એણે હમેશાની જેમ મારી સાથે ફોન પર વાત કરી હતી."

"તેણે પરિવારના લોકોના સમાચાર પૂછ્યા હતા. મારા ભાઈની ધરપકડ બાદ એના કૉલેજના મિત્રોએ મને જાણ કરી હતી."

"તેમણે મને કહ્યું કે ગઈ રાત્રે કેટલાંક સુરક્ષાકર્મીઓએ મારા ભાઈને હૉસ્ટેલના રૂમમાંથી પકડી લીધો છે."

"જ્યારે મને આ વાતની જાણ થઈ એટલે હું પોલીસ સ્ટેશન ગયો અને તેમને મેં આ વાત જણાવી."

દેવબંદ જતાં પહેલાં શાહનવાઝ ધાર્મિક કાર્યક્રમોમાં જતો અને શુક્રવારે પ્રવચન પણ કરતો.


'પ્રદર્શનો કે પત્થરબાજીમાં પણ સામેલ નથી થયો'

Image copyright Waqar/BBC
ફોટો લાઈન શાહનવાઝ અહમદની આ તસવીર તેમના ભાઈ વકારે લીધી હતી

વકાર કહે છે, "એ ધાર્મિક વિચારવાળો માણસ છે. તાજેતરમાં જ તેણે 60 હજાર રૂપિયાનું ઇસ્લામિક સાહિત્ય ખરીદ્યું હતું. તમે એ પુસ્તકો જોઈ શકો છો."

"ક્યારેક-ક્યારેક તે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેતો અને શુક્રવારે પ્રવચન પણ આપતો."

"ઉગ્રવાદીઓ સાથેના સંબંધ બાબતે જે પણ કંઈ કહેવાય રહ્યું છે, તે પાયા વિહોણું છે."

"આ પ્રકારની કોઈ પણ ગતિવિધિમાં તેની કોઈ જ ભૂમિકા નથી."

"તેણે ક્યારેય કોઈ વિરોધ પ્રદર્શન કે પત્થરબાજીની ઘટનામાં ભાગ નથી લીધો. તેનો કોઈ અપરાધિક રેકર્ડ પણ નથી."

તેઓ બોલ્યા, "કાશ્મીર યુનિવર્સિટીમાં બીએનો અભ્યાસ પૂરો કરીને તે ઉચ્ચ ધાર્મિક શિક્ષણ મેળવવા માટે દેવબંધ ગયો હતો."

જ્યારે તેમને પૂછ્યું કે એટીએસે તેમના જૈશ સાથેના સંબંધની વાત કરી છે, તો વકારે કહ્યું, "શુક્રવારે તે પોતાના પ્રવચનોમાં સામાજિક બાબતો પર વાત કરતો."

"તે દહેજ જેવા મુદ્દા ઊઠાવતો. તેણે ક્યારેય આંદોલનની વાત નથી કરી."

"તે લોકો આવું કઈ રીતે કહી શકે? આ બહુ જ આશ્ચર્યજનક અને ચોંકાવનારી વાત છે. અમે આ વાતથી બિલકુલ સ્તબ્ધ થઈ ગયા છીએ."

Image copyright Majid jahangir/bbc
ફોટો લાઈન શાહનવાઝના પુસ્તકો

શાહનવાઝ ડિસેમ્બર 2018મા છેલ્લે ઘરે ગયા હતા.તેમના પડોશી મુદાસીર અહેમદ કહે છે, "હું તેને બાળપણથી ઓળખું છું."

તેઓ કહે છે, "સૌથી પહેલાં તો હું એ સ્પષ્ટ કરી દેવા માગુ છું કે એ શાહનવાઝ નહીં નવાઝ છે."

"પોલીસે કહેલી કોઈ જ વાત અમે ક્યારેય નથી માન્યા. એવું ન કહી શકાય કે એને ધર્મ પ્રત્યે બહુ ઝુકાવ હતો."

"પોલીસ જે કહે છે તે એ જાણે અને અમે જે કહીએ છીએ એ અમે જાણીએ છીએ."

પુલવામાથી દેવબંધ સુધી હથિયાર લઈ જવા કઈ રીતે શક્ય છે, કારણ કે તમે ગામની બહાર નીકળો, ત્યારે તમારી સુરક્ષા તપાસ થાય છે."

અન્ય એક ગામના આફતાબે પણ શાહનવાઝ જેવી જ કહાણી જણાવી.


આકિબનો પરિવાર શું માને છે?

Image copyright Majid jahangir/bc
ફોટો લાઈન કુલગામ જિલ્લાનું નુનવઈ ગામ

આ મામલે પકડાયેલા પુલવામાના રહેવાસી આકિબ અહેમદના પરિવારે પણ તેમના દીકરા પર પોલીસે મુકેલા આરોપોને ફગાવી દીધા છે.

બીબીસીએ ફોન પર આકિબના પરિવાર સાથે વાત કરવાની કોશિશ કરી, પણ તેમની સાથે સંપર્ક ન થઈ શક્યો.

સ્થાનિકોએ કહ્યું કે તેમના મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યા છે.

જોકે, સ્થાનિક લોકોની આ વાતની બીબીસી ખાતરી કરી શક્યું નથી. આકિબના પિતાનો ફોન શુક્રવારથી સ્વિચ ઑફ આવે છે.

સ્થાનિક અંગ્રેજી અખબાર ગ્રેટર કાશ્મીરને આકિબ મલિકના ભાઈ રઈસ અહેમદે કહ્યું કે તેમના ભાઈ નિર્દોષ છે અને તેમના ભાઈનો ઉગ્રવાદ સાથે કોઈ સંબંધ નથી.

રઈસ કહે છે, "એ હાપિઝ-એ-કુરાન(કુરાનની આયાતો યાદ રાખનારો વ્યક્તિ) છે અને તે દેવબંધ બે મહિના પહેલાં જ ધાર્મિક અભ્યાસ માટે ગયો હતો. તે દેવબંધમાં કોર્સ કરતો હતો."

Image copyright Getty Images

"તેને ઉગ્રવાદ સાથે કોઈ સંબંધ નથી. યૂપી (ઉત્તર પ્રદેશ) પોલીસ તેને ફસાવી રહી છે. અમે આશા રાખીએ છીએ કે સ્થાનિક પોલીસ અમારી મદદ કરશે."

તેમણે કહ્યું કે આગળના દિવસે જ આકિબ સાથે વાત થઈ હતી, કારણ કે પુલવામા હુમલા બાદ દેશના વિવિધ ભાગોમાં રહેતા કાશ્મીરીઓ પર હુમલા થઈ રહ્યા હતા તેથી અમે તેના વિશે ચિંતિત હતા.

રઈસે કહ્યું, "આકિબ નિશ્ચિંત હતો. તેણે કહ્યું કે એવી કોઈ વાત નથી, કારણ કે પોલીસ ત્યાં તેમને સુરક્ષા આપી રહી છે. તેણે બહુ જલ્દી આવવાની વાત કરી હતી."

ચાર ભાઈ અને ત્રણ બહેનો વચ્ચે આકિબનો છઠ્ઠો નંબર છે. તેના પિતા પાસે બગીચા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ