લોકસભા ચૂંટણી 2019: મોંઘવારીને નાથવામાં સરકાર સફળ કે નિષ્ફળ?
- વિનીત ખરે,
- બીબીસી રિયાલિટી ચેક

ઇમેજ સ્રોત, Getty Images
દાવોઃ ભાજપ સરકાર મોંઘવારીની બાબતમાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે વિપક્ષ કૉંગ્રેસ જણાવે છે કે આંતરરાષ્ટ્રીય પરિબળો સાનુકૂળ હોવા છતાં સરકારે તેને કાબૂમાં રાખવા કોઈ પ્રયત્નો કર્યા નથી.
નિષ્કર્ષઃ વસ્તુઓ અને સેવાની કિંમતોમાં વધારો એટલે કે મોંઘવારીને કાબૂમાં રાખવાની બાબતમાં અગાઉની સરકાર કરતાં વર્તમાન સરકારનો રેકૉર્ડ સારો રહ્યો છે. મોંઘાવીર ઘટાવનું કારણ છે, 2014 પછી ક્રૂડ ઑઈલના ભાવમાં ઘટાડો તથા ગ્રામીણ વિસ્તારોના લોકોની આવકમાં પણ ઘટાડો.
કૉંગ્રેસના રાજસ્થાનના નેતા સચીન પાઇટલે ગયા વર્ષે કહ્યું હતું,"ભાજપની સરકારે મોંઘવારીને કાબૂમાં રાખવાનું વચન આપીને સત્તા મેળવી હતી, પણ વૈશ્વિક પરિબળો સાનુકૂળ હોવા છતાં સરકારે આ બાબતમાં કશું કર્યું નથી."
2017માં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાવોને કાબૂમાં લે અને નહીં તો "સત્તા છોડી દે".
આ વર્ષે જાન્યુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતમાં પોતાની કામગીરીના વખાણ કરતાં કહ્યું હતું કે છેલ્લા દાયકાઓની સરખામણીએ મોંઘવારીનો દર સૌથી નીચે રહ્યો છે.
ભાજપને જેમાં જીત મળી હતી તે 2014ની ચૂંટણી વખતે પક્ષે આપેલા મહત્ત્વના વચનોમાં મોંઘવારીને કાબૂમાં રાખવાના વચનનો પણ સમાવેશ થતો હતો.
તે વર્ષે નિમાયેલી સરકારી સમિતિએ ફુગાવાનો દર 4 ટકાની આસપાસનો રાખવા માટેના લક્ષ્યાંકની ભલામણ કરી હતી. ફ્લેક્સિબલ ઇન્ફ્લેશન ટાર્ગેટ તરીકે ઓળખાતા આવા લક્ષ્યાંકમાં નિર્ધારિત આંકથી મહત્તમ બે પોઈન્ટ ઉપર કે નીચે જવાની શક્યતા હોય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
મોંઘવારીનો દર
તો શું મોંઘવારી અંગેનો લક્ષ્યાંક પાર પાડી શકાયો ખરો?
કૉંગ્રેસની સરકાર હતી ત્યારે 2010માં ફુગાવો લગભગ 12% સુધી પહોંચી ગયો હતો.
2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની સરકાર બની તેના કાર્યકાળમાં છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો ફુગાવાનો દર રહ્યો છે.
2017માં ફુગાવાનો વાર્ષિક દર ઘટીને છેક 3% જેટલો નીચે ગયો હતો.
ફુગાવાની ગણતરી કેવી રીતે થાય છે?
ઇમેજ સ્રોત, Getty Images
ભારત જેવા વિશાળ અને વૈવિધ્ય ધરાવતા દેશમાં ફુગાવાની ગણતરી સંકુલ બાબત સાબિત થઈ શકે છે.
ફુગાવાનો દર જાણવા માટે સત્તામંડળ વસ્તુઓના જથ્થાબંધ ભાવો પર આધાર રાખે છે.
જોકે 2014માં ભારતની મધ્યસ્થ બૅન્ક રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ ફુગાવાના દર માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (ગ્રાહક ભાવાંક)નો આધાર લેવાનું શરૂ કર્યું હતું.
ગ્રાહક ભાવાંક એટલે વસ્તુઓ અને સેવાઓનો એ ભાવ, જે ગ્રાહક સીધા ચૂકવતા હોય, જેને સરળ ભાષામાં છૂટક ભાવો કહેવાય.
વસ્તુઓ અને સેવાનો છૂટક ભાવ જાણવા માટે સર્વે કરવામાં આવતો હોય છે.
સર્વેમાં ખાદ્ય પદાર્થો અને બિન ખાદ્ય પદાર્થોની અલગ-અલગ ગણતરી કરવામાં આવે છે.
બિન ખાદ્ય પદાર્થોમાં ઇલેક્ટ્રૉનિક્સ સહિતની વપરાશી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય પાછળનો ખર્ચ પણ તેમાં ગણી લેવામાં આવે છે.
ઘણા દેશોમાં આ પદ્ધતિએ ફુગાવાનો દર નક્કી થાય છે. જોકે તેમાં સમાવી લેવામાં આવતા ખાદ્ય પદાર્થો અને બિન ખાદ્ય પદાર્થો તથા દરેકને અપાતા પોઈન્ટ અલગ અલગ હોય છે.
મોંઘવારીનો દર નીચે કેમ રહ્યો?
નરેન્દ્ર મોદીના શાસનના પ્રથમ વર્ષમાં ક્રૂડ ઑઈલના ભાવોમાં સતત ઘટાડો થતો રહ્યો હતો. ફુગાવો નીચે રહેવાનું આ સૌથી મહત્ત્વનું પરિબળ હતું તેમ ઘણા વિશ્લેષકો કહે છે.
ભારત પોતાની જરૂરિયાતનું 80% ખનીજ તેલ આયાત કરે છે અને તેના ભાવોમાં થતા ફેરફારની સીધી અસર ફુગાવા પર થાય છે.
2011માં કૉંગ્રેસ પક્ષ સત્તામાં હતો ત્યારે ભારતે ક્રૂડ ઑઈલનો બેરલ દીઠ 120 ડૉલર સુધીનો ખર્ચ કરવો પડ્યો હતો.
એપ્રિલ 2016 સુધીમાં બેરલ દીઠ ક્રૂડનો ભાવ ઘટીને માત્ર 40 ડૉલરનો થઈ ગયો હતો. જોકે તે પછીના બે વર્ષમાં ભાવો ફરી વધ્યા હતા.
જોકે અર્થતંત્રના બીજા પરિબળો પણ કામ કરતા હોય છે, જેની અસર ફુગાવા પર થાય છે.
એક સૌથી અગત્યનું પરિબળ ખાદ્ય પદાર્થોના ભાવોમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં થયેલો સતત ઘટાડો પણ છે.
એ યાદ રાખવું જરૂરી છે કે આજે પણ દેશની 60% વધુ વસતિ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે.
ભારતના ભૂતપૂર્વ ચીફ સ્ટેટેસ્ટિશિયન પ્રણબ સેન કહે છે કે ખેતીની ઉપજમાંથી થતી આવકમાં ઘટાડો થવાના કારણે હાલના વર્ષોમાં ફુગાવાનો દર નીચે જતો રહ્યો છે.
તેઓ માને છે કે આ માટે બે કારણો જવાબદાર છે:
ઇમેજ સ્રોત, Getty Images
- વર્તમાન સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની ખાતરી આપતી યોજના પાછળ વપરાતું ભંડોળ ઓછું કર્યું.
- ખેડૂતોને તેમની ઉપજ માટે ટેકાના ભાવો જાહેર થાય તેમાં બહુ ઓછો વધારો થયો.
પ્રણબ સેન કહે છે, "અગાઉના આઠથી 10 વર્ષો દરમિયાન [કૉંગ્રેસ સરકાર વખતે], ગ્રામણી રોજગાર યોજનાને કારણે મજૂરીની આવક વધી હતી અને તેના કારણે ખાદ્ય પદાર્થો પાછળનો ખર્ચ પણ વધ્યો હતો."
પરંતુ હવે મજૂરીની આવકમાં થયેલો તે વધારો ઘટી રહ્યો છે.
તેના કારણે માગ ઘટી છે અને ફુગાવો પણ ઓછો થયો છે.
ભારતની મધ્યસ્થ બૅન્ક
આ ઉપરાંત નીતિ વિષયક નિર્ણયોને કારણે પણ માગને કાબૂમાં રાખી શકાય હતી અને તેના કારણે ફુગાવો વધ્યો નહોતો.
ભારતની મધ્યસ્થ બૅન્કે વ્યાજના દરો ઓછા કર્યા નહોતા. વ્યાજ દરમાં ઘટાડો થયો હોત તો ગ્રાહક વધુ ધિરાણ લઈને વધુ ખર્ચ કરવા પ્રેરાયો હોત.
આ ફેબ્રુઆરીની શરૂઆતમાં 18 મહિના પછી છેક વ્યાજના દરોમાં ઘટાડો જાહેર કરાયો હતો.
સરકારે નાણાકીય ખાધને એટલે કે આવક સામે ખર્ચને કાબૂમાં રાખવા માટે પણ સતત પ્રયાસો કર્યા હતા.
નાણાકીય ખાધ ઓછી હોય તેનો અર્થ એ કે સરકાર ઓછું ધિરાણ મેળવે અને ઓછો ખર્ચ કરે અને તેના કારણે પણ ફુગાવો કાબૂમાં રહેતો હોય છે.
જોકે માથે ચૂંટણી આવીને ઊભી છે ત્યારે સરકાર પર, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વધુ ખર્ચ કરવાનું દબાણ ઊભું થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો