Oscars2019: પૅડ બનાવતાં ભારતીય મહિલાઓની કહાણીને ઍવૉર્ડ મળ્યો

  • ગીતા પાંડે
  • બીબીસી ન્યૂઝ, કાઠિખેરા ગામ
સ્નેહ

ભારતના ગામમાં રહીને સેનિટરી પૅડ બનાવતી યુવતીની ડૉક્યુમૅન્ટરી ફિલ્મને શ્રેષ્ઠ શોર્ટ ડૉક્યુમૅન્ટરી ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો છે. ઑસ્કર સમારોહમાં સ્નેહ જવાનાં હતાં એ પહેલાં બીબીસી સંવાદદાતા ગીતા પાંડેએ તેમની મુલાકાત લીધી હતી.

સ્નેહ 15 વર્ષનાં હતાં, જ્યારે તેમને માસિક આવવાનું શરૂ થયું હતું, એ વખતે તેમને ખબર નહોતી કે આ શું થઈ રહ્યું છે.

આ અઠવાડિયે હું તેના ગામ કાઠિખેરા ગઈ, જે દિલ્હીથી વધારે દૂર નથી. તેણે મને કહ્યું, "હું ખૂબ ડરી ગઈ હતી. મને થયું કે હું ગંભીર રીતે બીમાર છું અને હું ખૂબ રડવા લાગી."

"મારામાં મારાં મમ્મીને કહેવાની હિંમત નહોતી, એટલે મેં મારાં કાકીને કહ્યું. તેમણે મને કહ્યું કે 'હવે તું સ્ત્રી તરીકે પુખ્ત થઈ ગઈ છે, રળીશ નહીં, આ સમાન્ય બાબત છે.' તેમણે જ મારાં મમ્મીને જાણ કરી."

સ્નેહ, હવે 22 વર્ષનાં છે, એ ઘટના બાદ તેઓ જિંદગીની લાંબી મુસાફરી ખેડી ચૂક્યાં છે. તેઓ હવે ગામની એક ફૅક્ટરીમાં કામ કરે છે, જ્યાં સેનિટરી પૅડ બનાવવામાં આવે છે, તેઓ નાયિકા છે. ડૉક્યુમૅન્ટરીનું છેલ્લું વાક્ય. તેઓ રવીવારે ઑસ્કારના કાર્યક્રમમાં લૉસ ઍન્જેલસમાં હાજર રહેશે.

ઉત્તર હોલીવુડના વિદ્યાર્થીઓએ ફાળો એકઠો કરીને સ્નેહના ગામમાં પૅડ બનાવવાનું મશીન મોકલ્યું અને ત્યાંથી ઈરાની-અમેરિકન ફિલ્મમૅકરની આ ફિલ્મનો જન્મ થયો.

દિલ્હીથી 115 કિલોમિટર દૂર હાપુર જિલ્લાનું કાઠિખેરા ગામ, ગગનચૂંબી ઇમારતો અને મૉલખચિત રાજધાનીની દુનિયાથી સાવ જુદું છે.

સામાન્ય રીતે દિલ્હીથી ત્યાં પહોંચવામાં અઢી કલાક જેટલો સમય લાગે છે પણ રસ્તાનું સમારકામ ચાલું હોવાથી ચાર કલાક જેટલો સમય લાગ્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

હાપુરથી આ ગામની સફર કપરી છે કારણકે, બન્ને તરફ નાળાંથી ઘેરાયેલો એક સાંકડો રસ્તો આ ગામ સુધી લઈ જાય છે.

ડૉક્યુમૅન્ટરીનું ફિલ્માંકન આ જ ગામનાં ખેતરો અને ક્લાસરૂમમાં થયું. દેશના અન્ય ભાગોની જેમ આ ગામમાં પણ પિરિયડને એક ટેબૂ છે.

માસિક દરમિયાન મહિલાને અપવિત્ર માનવામાં આવે છે અને મહિલાઓ માટે આ ગાળામાં ધાર્મિક સ્થળોમા પ્રવેશબંધી છે. કેટલીક વખત મહિલાઓની સમાજિક પ્રસંગોમાંથી બાદબાકી પણ કરાય છે.

જ્યાં આ પ્રકારની સ્થિતિ હોય ત્યાં પિરિયડ વિશે અગાઉ સ્નેહે સાંભળ્યું જ નહોતું, કારણકે આ નહીં ચર્ચાતો મુદ્દો હતો.

તેઓ કહે છે, "આ વિષયની છોકરીઓ વચ્ચે પણ ચર્ચા નહોતી થતી."

પણ સ્થિતિ ત્યારે બદલાઈ જ્યારે આ ગામમાં ઍક્શન ઇન્ડિયા નામની ધર્માદા સંસ્થાએ પૅડનું ઉત્પાદન કેન્દ્ર સ્થાપ્યું.

ઇમેજ કૅપ્શન,

આ મહિલાઓએ બનાવેલાં પૅડ 30 રૂપિયામાં વેચવામાં આવે છે.

જાન્યુઆરી 2017માં સ્નેહને તેમના પાડોશમાં રહેતાં અને ઍક્શન ઇન્ડિયા સાથે કામ કરતાં સુમને ફૅક્ટરીમાં સાથે કામે આવવા માટે પૂછ્યું.

કૉલેજમાં સ્નાતક થયેલાં સ્નેહ એ વખતે દિલ્હી પોલીસ માટે નોકરી કરવાના સ્વપ્નો સેવતાં હતાં, ગામમાં અન્ય કોઈ નોકરી ન હોવાથી તેઓ આ કામ માટે આતુર હતાં.

સ્નેહ કહે છે, "જ્યારે હું મારાં મમ્મી પાસે આ કામ કરાવીન પરવાનગી લેવા ગઈ તો તેમણે કહ્યું કે તારા પપ્પાને પૂછી જો. અમારા પરિવારોમાં મહત્ત્વના નિર્ણયો પુરુષો જ લે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ પોતાના પિતા સાથે વાત કરવામાં બહુ મૂંઝવણ અનુભવતાં હતાં, એટલે તેમણે 'પૅડ બનાવવાનું કામ છે' એવું કહેવાનાં બદલે 'બાળકોનાં ડાયપર બનાવવાનું કામ છે,' એવું કહ્યું.

તેઓ હસીને કહે છે, "કામ શરૂ કર્યાના બે મહિના બાદ મમ્મીએ પપ્પાને કહ્યું કે તેઓ પૅડ બનાવવાનું કામ કરે છે. અને પપ્પાએ કહ્યું, 'કામ કામ હોય, એમાં કઈ જ ખોટું નથી.'"

આજે અહીં 18 થી 31 વર્ષનાં 7 મહિલાઓ કામ કરે છે. તેઓ સવારના 9 થી 5 કામ સુધી અઠવાડિયામાં છ દિવસ કામ કરે છે, જેના બદલામાં તેમને માસિક 2,500 રૂપિયા જેટલું વેતન મળે છે. આ કેન્દ્રમાં દિવસમાં 600 પૅડ બનાવવામાં આવે છે અને 'ફ્લાય' નામની બ્રાન્ડ તરીકે વેચવામાં આવે છે.

સ્નેહ કહે છે, "અમે સૌથી વધારે પાવરકટની સમસ્યાનો સામનો કરીએ છીએ. ક્યારેક રાત્રે લાઇટ પાછી આવે ત્યારે અમારે કામ કરવા આવવું પડે છે, કેમકે અમારે ટાર્ગેટ પૂરો કરવાનો હોય છે."

એક નાના ગામના ઘરમાંથી ચાલતા આ નાના ઉદ્યોગ થકી મહિલાઓમાં હાઇજિન સુધારવામાં મદદ મળી છે. આ કેન્દ્ર શરૂ થયું એ પહેલાં આ ગામનાં મહિલાઓ સાડી કે ચાદરના ટુકડાનો પૅડના બદલે ઉપયોગ કરતાં હતાં, પણ હવે ગામનાં 70 ટકા મહિલાઓ પૅડનો ઉપયોગ કરે છે.

આના થકી માસિક અંગેનો અભિગમ બદલવામાં પણ મદદ મળી છે, જે થોડાંક વર્ષો પહેલાં અકલ્પનિય હતું.

સ્નેહ કહે છે કે હવે ગામમાં મહિલાઓ માસિક અંગે ખુલ્લા મને વાત કરે છે, પણ અહીં સુધી પહોંચવાની સફર સરળ નહોતી.

ઇમેજ કૅપ્શન,

પિતા રાજેન્દ્રસિંહ તનવર સાથે સ્નેહ

તેઓ કહે છે, "શરૂઆતમાં આ મુશ્કેલ હતું. મારે મારાં મમ્મીને ઘરનાં કામમાં મદદ કરવી પડતી હતી, મારે ભણવાનું હતું અને જોડે કામ પણ કરવાનું હતું. કેટલીક વખત પરીક્ષા દરમિયાન ભારણ વધી જતું ત્યારે મારાં બદલે મમ્મી કામે જતાં હતાં."

તેમના પિતા રાજેન્દ્રસિંહ તનવર કહે છે કે તેમને તેમની દીકરી પર "બહુ ગર્વ" છે. "જો તેના કામથી સમાજને ફાયદો થતો હોય અને વિશેષ કરીને મહિલાઓને ફાયદો થતો હોય તો મને ખુશી થાય છે."

શરૂઆતમાં આ મહિલાઓને ગામના લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો, કારણકે ફૅક્ટરીમાં શું કામ થાય છે એ અંગે લોકોને શંકા હતી. અને જ્યારે ફિલ્મ બનાવવા ક્રૂ આવી પહોંચ્યું ત્યારે લોકો તેમના કામ વિશે પૂછવા લાગ્યા.

ઇમેજ કૅપ્શન,

સુષ્મા દેવીના પતિ નથી ઇચ્છતા કે તેઓ આ કામ કરે.

31 વર્ષીય સુષ્મા દેવી જેવાં મહિલાઓને દરરોજ પોતાના ઘરમાં સંઘર્ષ કરવો પડે છે.

સ્નેહનાં માતાએ વાત કરી એ પછી જ બે બાળકોનાં માતા સુષ્મા દેવીના પતિએ કામ કરવાની પરવાનગી આપી. પણ એવી શરત મૂકી કે કામે જતાં પહેલાં ઘરનું બધું જ કામ પૂરું કરીને જવાનું.

સુષ્મા દેવી કહે છે, "એટલે હું સવારે 5 વાગ્યે ઊઠી જાઉં છું, ઘરની સફાઈ કરું, કપડાં ધોઉં, ભેંસને નીરણ નાંખું, બળતણ માટે છાણાં થાપું, નાહવા જવું, નાસ્તો અને બપોરનું જમવાનું બનાવું અને પછી કામે જઉં. કામેથી ઘરે પરત આવીને સાંજનું જમવાનું બનાવું."

આમ છતાં તેમના પતિ આ ગોઠવણથી નાખુશ છે. સુષ્મા દેવી કહે છે, "તેઓ મારા પર ગુસ્સે થઈ જાય છે. તેઓ કહે છે કે ઘરમાં પૂરતું કામ છે, તમને ઘર બહાર કામ કરવા કેમ જવું છે? મારા પાડોશીઓ પણ કહે છે કે આ સારું કામ નથી, તેઓ એવું પણ કહે છે કે પગાર ઓછો છે."

સુષ્માના પાડોશમાં રહેતાં બે મહિલાઓ પણ ફૅક્ટરીમાં કામ કરી ચૂક્યાં છે, પણ થોડા મહિનાઓમાં તેમને કામ છોડી દીધું.

સુષ્મા એમના જેવું કરવાં નથી માગતા: "મારા પતિ મને માર મારશે તો પણ હું આ કામ નહીં છોડું, મને અહીં કામ કરવું ગમે છે."

ઇમેજ કૅપ્શન,

ઍક્શન ઇન્ડિયા દ્વારા અહીં કેન્દ્ર નાંખવામાં આવ્યું

ડૉક્યુમૅન્ટરીમાં સુષ્મા કહે છે કે તેમની કમાણીમાંથી થોડા પૈસા તેઓ તેમના નાના ભાઈનાં કપડાં ખરીદવાં પાછળ ખર્ચ કરશે. તેઓ કહે છે, "જો મને એવું ખબર હોત કે આ ઑસ્કરમાં જશે, તો હું બીજું કઈ સારું બોલી હોત."

ઑસ્કરમાં પસંદગીથી સુષ્મા, સ્નેહ અને તેમનાં સહકર્મીઓનો વિશ્વાસ વધ્યો. નેટફ્લિક્સ પર ઉપલબ્ધ આ ફિલ્મની ઑસ્કરમાં બેસ્ટ શૉર્ટ ડૉક્યુમૅન્ટરીની શ્રેણીમાં પસંદગી થઈ છે.

સ્નેહ લૉસ ઍન્જલસ જવાની તૈયારી કરી રહ્યાં છએ, ત્યારે પાડોશીએ તેમને ગામને સન્માન અને પ્રસિદ્ધિ અપાવવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે.

સ્નેહ કહે છે, "કાઠીખેરામાંથી કોઈ જ વિદેશ ગયું નથી, એટલે હું પહેલી છું કે જે વિદેશ જશે."

તેઓ કહે છે, "હવે ગામમાં લોકો મને ઓળખે છે અને મારું માન કરે છે, તેઓ કહે છે કે તેમને મારી પર ગર્વ છે."

સ્નેહ કહે છે કે તેમને ઑસ્કર વિશે સાંભળ્યું છે અને તેમને ખબર છે કે આ સિનેમાં જગતનો સૌથી મોટો ઍવૉર્ડ ગણાય છે.

તેમણે ક્યારેય ઑસ્કાર કાર્યક્રમ જોયો નથી અને તેમને કલ્પના પણ નહોતી કરી કે તેઓ એક દિવસ ઑસ્કારના કાર્પેટ પર પહોંચશે.

તેમણે કહ્યું, "મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું અમેરિકા જઈશ. હજી પણ હું સમજી નથી શકી રહી કે શું થઈ રહ્યું છે. મારા માટે નૉમિનેશન પણ ઍવૉર્ડ સમાન જ છે. આ એક એવું સપનું છે કે જે હું ખુલ્લી આંખે જોઈ શકું છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો