અફવાઓ વચ્ચે કાશ્મીરમાં કેવી રીતે વીત્યો દિવસ?

  • માજિદ જહાંગીર
  • શ્રીનગરથી, બીબીસી ગુજરાતી માટે

શુક્રવારે 'જમાત-એ-ઇસ્લામી' અને અન્ય કેટલાક અલગતાવાદી નેતાઓને અટકાયતમાં લેવાયા બાદ ભારત પ્રશાસિત કાશ્મીરની ખીણમાં અનિશ્ચિતતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

શુક્રવાર મોડી રાતે 'જમ્મુ ઍન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ'ના પ્રમુખ યાસિન મલિકની અટકાયત કરાઈ અને તેમને કોઠીબાગ પોલીસ સ્ટેશન લઈ જવાયા.

શનિવારે કાશ્મીરમાં મોટી સંખ્યામાં સૈન્ય મોકલવાને પગલે એવી અફવા ફેલાઈ હતી કે કાશ્મીરમાં કેન્દ્ર સરકાર કોઈ મોટું પગલું ભરવા જઈ રહી છે.

જોકે, શું ઘટવા જઈ રહ્યું છે એ સ્પષ્ટ નહોતું.

મોટી અટકાયતો અને અનુચ્છેદ 35-એ સાથે સંભવિત બાંધછોડની આશંકાને ધ્યાનમાં લેતા અલગતાવાદીઓએ રવિવારે કાશ્મીર બંધનું એલાન આપ્યું હતું.

અલગતાવાદીઓ અને વેપારી મંડળે ધમકી આપી હતી કે જો 35-એ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવશે તો મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થશે.

'ઑલ પાર્ટી હુર્રિયત કૉન્ફરન્સ'એ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે પૂરી ના થઈ રહેલી આ લડાઈ અને સતત કરાઈ રહેલી ધરપકડો ભારતની હતાશાનો સંકેત છે. તેમણે (ભારતે) સમગ્ર વસતિ વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું છે.

અલગતાવાદીઓએ આપેલા બંધને કારણે કાશ્મીરમાં રવિવારે જનજીવન સંપૂર્ણ રીતે ઠપ રહ્યું. દુકાનો બંધ રહી અને રસ્તાઓ સૂમસામ ભાસ્યા.

તો આ દરમિયાન રવિવારે વિરોધ પ્રદર્શોને અટકાવા માટે તંત્રએ સમગ્ર કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટા પ્રમાણમાં તહેનાત કર્યા અને સાથે જ શ્રીનગરના કેટલાય વિસ્તારોમાં પ્રતિબંધ પણ લગાવ્યા.

રાજ્યપાલની અપીલ : અફવાઓ પર ધ્યાન ના આપો

રાજ્યપાલ સત્પાલ મલિકે રવિવારે કાશ્મીરની જનતાને જણાવ્યું કે સુરક્ષા દળોને તહેનાતીને ચૂંટણીને ધ્યાનમાં લઈને કરવામાં આવી છે.

તેમણે લોકોને આ તહેનાતીને અન્ય કોઈ કારણ સાથે ના જોડવા પણ અપીલ કરી.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "કાશ્મીરના લોકો અફવા ફેલાવી રહ્યા છે અને હું શું કરી શકું? આને કઈ રીતે અટકાવું?"

"કેટલાક વર્ગોમાં ફેલાયેલી અફવા પર લોકોએ વિશ્વાસ ના કરવો જોઈએ અને શાંતિ બનાવી રાખવી જોઈએ."

"આ અફવા લોકોના મનમાં બિનજરૂરી ભય જન્માવે છે અને તેનાથી સામાન્ય જનજીવનમા તણાવ સર્જાય છે."

તેમણે ઉમેર્યું, "સૈન્યએ સુરક્ષા સંબંધિત સાવધાની વર્તી છે. પુલવામામાં કરાયેલા હુમલાને પગલે કરાઈ રહેલા ઉપાયનો આ ભાગ છે."

રાજ્યપાલે વધુમાં જણાવ્યું, "પુલવામામાં કરાયેલા હુમલા અને ભારતની લોકતાંત્રિક પ્રક્રિયાને અટકાવવા માટે પૂરજોશ પ્રયાસો કરી રહેલા ઉગ્રવાદી સંગઠનોની કોઈ પણ પ્રકારની સંભવિત કરતૂતને પહોંચી વળવા સુરક્ષા દળો આ પગલાં ભરી રહ્યાં છે."

"હાલની સુરક્ષા તહેનાનીને માત્ર ચૂંટણી પ્રક્રિયાના સંદર્ભમમાં જ જોવી જોઈએ."

"આગામી કેટલાક દિવસોમાં ભારતીય ચૂંટણી પંચની એક મોટી ટીમ અહીંની મુલાકાત લઈને ચૂંટણી પ્રક્રિયા સંલગ્ન અંતિમ નિર્ણય લેશે. આગામી કેટલાક દિવસોમાં વધુ સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવશે."

જ્યારે તેમને એવું પૂછવામાં આવ્યું કે 'જમાત-એ-ઇસ્લામી'ના કાર્યકરો અને અલગતાવાદી નેતાઓની અટકાયત શા માટે કરવામાં આવી તો તેમણે કહ્યું,

"કાશ્મીરમાં આ કોઈ નવી વાત નથી. આ લોકો રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર કટ્ટરવાદ ફેલાવે છે, ખાસ કરીને જમાતના લોકો."

"દક્ષિણ કાશ્મીરમાં આ લોકો યુવાનોને કટ્ટરવાદી બનાવે છે. જ્યારે પણ કોઈ અથડામણ થાય ત્યારે આ તેઓ જ લોકોને પથ્થરમારો કરવા મસ્જિદમાંથી ઉશ્કેરતા હોય છે."

પેટ્રોલ-ડીઝલનો પુરવઠો મર્યાદિત કરાયો

સ્થાનિક તંત્રએ રવિવારે પેટ્રોલિયમ પદાર્થોનો પુરવઠો મર્યાદિત કરવાનો આદેશ આપ્યો. જેનાથી ભયના માહોલમાં ઘેરાયેલા કાશ્મીરની સ્થિતિ વધુ વિકટ બની.

કાશ્મીરના સંભાગીય આયુક્ત બશીર અહમદ ખાને રવિવારે જણાવ્યું કે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ સતત બંધ રહેવાને કારણે વિસ્તારમાં કેટલાક પેટ્રોલિયમ ઉત્પાદનોના રાશનિંગના આદેશ અપાયા છે.

અલગતાવાદી નેતૃત્વએ પોતાની એક પ્રેસ જાહેરાતમાં કહ્યું કે 'જમાત-એ-ઇસ્લામી'ના લગભગ 200 જેટલા કાર્યકરો અને અલગતાવાદી નેતાઓની અટકાયત કરાઈ છે.

એક અલગતાવાદી નેતાના ભાઈએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યુ કે 23-24 ફેબ્રુઆરીની રાતે પોલીસે તેમના ભાઈના ઘરની તલાશીમાં દરોડા પાડ્યા હતા.

તેમના ભાઈ છેલ્લા કેટલાક દિવસથી ઘરે હાજર ના હોવાનું પણ તેમણે જણાવ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો