અનિલ અંબાણી : 45 અબજ ડૉલરથી 2.5 અબજ ડૉલર સુધીની સફર

અનિલ અંબાણી

ઇમેજ સ્રોત, Getty Images

વાત 2007ની છે. અંબાણી બંધુઓ એટલે કે મૂકેશ અને અનિલ વચ્ચેના ભાગલાને બે વર્ષ થઈ ગયાં હતાં. એ વર્ષે ફૉર્બ્સના પૈસાદારોની યાદીમાં બન્ને ભાઈ મૂકેશ અને અનિલ ઘણાં ઉપર હતા. મોટા ભાઈ મૂકેશ અંબાણી થોડા વધુ પૈસાદાર હતા.

એ વર્ષની યાદી અનુસાર, અનિલ અંબાણી 45 અબજ ડૉલરના માલિક હતા, જ્યારે મૂકેશ પાસે 49 અબજ ડૉલરની સંપત્તિ હતી.

હકીકતમાં 2008માં કેટલાય લોકોનું માનવું હતું કે નાનો ભાઈ મોટા ભાઈ કરતાં આગળ નીકળી જશે, ખાસ કરીને 'રિલાયન્સ પાવર'નો પબ્લિશ ઇશ્યૂ આવ્યો એ પહેલાં.

માનવામાં આવી રહ્યું હતું કે તેમની મહત્ત્વાકાક્ષી પરિયોજનાના એક શૅરની કિંમત એક હજાર રૂપિયા સુધી પહોંચી શકે એમ હતી.

જો આવું થયું હોત તો ખરેખર અનિલ અંબાણી મૂકેશ અંબાણીથી આગળ નીકળી જાત, પણ આવું કંઈ થયું નહીં.

તો હવે આપણે પરત ફરીએ 2019માં. ફૉર્બ્સની પૈસાદારોની વર્ષ 2018ની યાદી અનુસાર મૂકેશ અંબાણીની સંપત્તિમાં મામૂલી ઘટાડો થયો છે. તેમની પાસે હવે 47 અબજ ડૉલરની સંપત્તિ છે.

જોકે, 12 વર્ષ પહેલાં 45 અબજ ડૉલરની સંપત્તિ ધરાવતા અનિલ અંબાણી હવે 2.5 અબજ ડૉલરના જ માલિક રહી ગયા છે.

'બ્લૂમબર્ગ ઇન્ડેક્સ'માં તેમની સંપત્તિ માત્ર 1.5 અબજ ડૉલર જ આંકવામાં આવી છે.

એક સમય હતો કે જ્યારે બન્ને ભાઈઓમાં દોટ હતી કે ધીરુભાઈનો સાચો વારસ કોણ છે?

આ હોડનો હવે અંત આવી ગયો છે અને અનિલ અંબાણી પોતાના ભાઈ કરતાં ક્યાંય પાછળ રહી ગયા છે.

આશા જે પૂરી ના થઈ શકી

ઇમેજ સ્રોત, Kalpit S. Bhachech

ઇમેજ કૅપ્શન,

વાઇબ્રન્ટ ગુજરાત સમયે મૂકેશ અને અનિલ અંબાણી

એક દાયકા પહેલા અનિલ અંબાણી સૌથી વધુ પૈસાદાર ભારતીય બનવાની અણિ ઉપર હતા.

એ વખતે એમના વેપાર અને નવાં સાહસો અંગે કહેવાઈ રહ્યું હતું કે એ તમામ ધંધાઓ આગળ વધી રહ્યા છે અને અનિલ અંબાણી તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા તૈયાર છે.

આર્થિક બાબતોના વિશેષજ્ઞ માની રહ્યા હતા કે અનિલ પાસે વિઝન અને જોમ બન્ને છે. તેઓ 21 સદીના ઉદ્યોગસાહસિક છે અને તેમના નેતૃત્વમાં ભારતમાંથી એક બહુરાષ્ટ્રીય કંપની બહાર નીકળશે.

દુનિયા આખી જાણે તેમની મુઠ્ઠીમાં હતી. દુનિયા જીતી લેવા માટે તેમને થોડાં પગલાં ભરવાની જ વાર હતી. મોટાભાગના લોકોને તો આવું જ લાગતું હતું.

તેમને લાગતું હતું કે અનિલ પોતાના ટીકાકાર અને મોટાભાઈને ખોટા સાબિત કરવા જઈ રહ્યા છે, પણ આવું કશું ના થયું.

અનિલ અંબાણી જો ચમત્કારીક રીતે આમાંથી બહાર ના આવ્યા તો દુર્ભાગ્યવશ તેમની ગણના ભારતના વેપારી ઇતિહાસના સૌથી નિષ્ફળ લોકોમાં કરવામાં આવશે.

માત્ર એક જ દાયકામાં 45 અબજ ડૉલરની સંપત્તિ ડૂબી જવી કોઈ અમથી દુર્ઘટના નથી. એમની કંપનીના શૅરધારકોને ભારે ઝટકો લાગ્યો છે.

અનિલ અંબાણીનો કોઈ પણ ધંધો વિકસી રહ્યો નથી. તેમના પર ભારે દેવું છે અને હવે તેઓ કંઈ નવું કરવાની સ્થિતિમાં નથી.

પોતાની મોટાભાગની કંપનીઓ કાં તો તેઓ વેચી રહ્યા છે, કાં તો બંધ કરી રહ્યા છે. આટલું અધૂરું હોય તેમ તેમને રફાલ રૂપે મળેલો નવો કૉન્ટ્રાક્ટ પણ વિવાદોમાં ઘેરાઈ ગયો છે.

અનિલ અને મૂકેશના પિતા ધીરુભાઈ અંબાણીનું નિધન વર્ષ 2002માં થયું હતું. એ વખતે એમની કંપનીના થઈ રહેલા ઝડપી વિસ્તારનાં ચાર મુખ્ય કારણ હતાં.

મોટી પરિયોજનાનું સફળ સંચાલન, સરકાર સાથે સારો તાલમેળ, મીડિયા પ્રબંધન અને નિવેશકોની આશા પૂરી કરવી.

આ ચાર વસ્તુઓનું સંપૂર્ણ નિયંત્રણ કરીને કંપની ધીરુભાઈના જમાનામાં અને એમના થોડાં વર્ષો બાદ આગળથી વધતી રહી.

મૂકેશ અંબાણીએ આ ચારેય વાતોનું ધ્યાન રાખ્યું પણ કોઈ કારણથી અનિલ અંબાણી આગળ ના વધી શક્યા.

ક્યા સે ક્યા હો ગયા...

ઇમેજ સ્રોત, Getty Images

ધીરુભાઈ હંમેશાં જાણતા હતા કે તેઓ આર્થિક લહેર પર સવાર હતા. તેમણે એ લહેરને અંકે કરી લીધી હતી, તેઓ એની નીચે ઊતરી શકે એમ નહોતા.

એનો અર્થ એવો થતો હતો કે સતત આગળ વધવા માટે તેમને અપાર રોકડના પુરવઠાની સતત જરૂર પડે એમ હતી.

2007-2008 વચ્ચે મૂકેશ અંબાણીને વૈશ્વિક આર્થિક મંદીને કારણે ભારે ઝટકો લાગ્યો અને તેમની સંપત્તિ લગભગ 60 ટકા ઘટી ગઈ.

જોકે, પોતાના આ કપરાં કાળમાંથી તેઓ બહાર નીકળી આવ્યા અને પોતાની જૂની સ્થિતિ નજીક પણ પહોંચી ગયા.

હવે તેઓ આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે.

પણ અનિલ અંબાણી એક વાર લપસ્યા અને લપસતાં જ ગયા. આનું એક કારણ એ પણ હતું કે તેમની પાસે બીજી કોઈ દૂઝતી ગાય નહોતી એટલે કે એવો કોઈ ધંધો નહોતો કે જેમાંથી સતત રોકડ મળતી રહે.

2005માં જ્યારે ભાઈઓ વચ્ચે ભાગલા પડ્યા ત્યારે મૂકેશના ભાગમાં 'રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ' આવી જે સમૂહની સૌથી મોટી કંપની હતી અને ભારે નફો રળી આપતી હતી.

અનિલના હાથમાં ટેલિકૉમ ક્ષેત્ર આવ્યું, જેના ભારે વિસ્તારની સંભાવના હતી પણ તેમાં મોટા પ્રમાણમાં પ્રારંભિક રોકાણ કરવાની જરૂર હતી.

'રિલાયન્સ પાવર' કોઈ બહુ મોટી કંપની નહોતી અને તેને ચલાવવા માટે ભારે મૂડીની પણ જરૂર હતી.

'રિલાયન્સ ફાઇનાન્સિયલ સર્વિસ' ફાયદાનો ધંધો ચોક્કસ હતો પણ મોટા ભાઈના ભાગે આવેલી 'રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ' સાથે તેની સરખામણી થઈ શકે એમ નથી.

મૂકેશનો વેપાર પૈસા રળી રહ્યો હતો, જ્યારે અનિલને વેપાર વધારવા માટે પૈસાની જરૂર હતી.

જોકે, અનિલ અંબાણી કોઈ કાચા ખેલાડી નથી. ભાગલા વખતે તેમણે એક શરત મંજૂર રખાવી હતી કે 'રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ'માંથી અનિલની કંપનીને ગૅસ મળતો રહેશે.

ગૅસની જે કિંમત નક્કી કરાઈ હતી તે અંત્યંત સસ્તી હતી. આ રીતે અનિલ અંબાણીએ પોતાના પાવર પ્લાન્ટસ્ માટે સસ્તામાં કાચા માલની વ્યવ્થા કરી લીધી હતી.

ગૅસની સસ્તી કિંમત એ જાદૂની લાકડી હતી કે જેના થકી તેમને ફાયદો થવાની આશા હતી.

જોકે, એને અનિલની બદકિસ્મતી જ કહેવી પડે કે તેમની આ યોજના રાજકારણ અને કોર્ટની ઝપેટમાં આવી ગઈ. કેન્દ્ર સરકાર અને તેમના મોટા ભાઈ તેમને કોર્ટમાં લઈ ગયા.

વર્ષ 2010માં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે તેલ અને ગૅસ રાષ્ટ્રીય સંપત્તિ છે. તેને કોને, કઈ કિંમતે વેચવો એનો નિર્ણય કરવાનો અધિકાર માત્ર સરકાર પાસે જ છે.

'રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ'ને કોર્ટે આદેશ આપ્યો હતો કે તે અન્ય ઊર્જા ઉત્પન્ન કરતી કંપનીઓને પણ ગૅસ વેચવામાં આવે.

આ નિર્ણયથી અનિલ અંબાણીને ભારે ઘા લાગ્યો. માર્કેટમાંથી ઊંચી કિંમતે તેલ ખરીદવા તેઓ મજબૂર થઈ ગયા.

આ કારણે ભારે નફો રળવા અને રોકાણ કરીને આગળ વધવાની તેમની મંછા પર પાણી ફરી વળ્યું.

એ બાદ અનિલ અંબાણી 'રિલાયન્સ પાવર'નો પબ્લિક ઇશ્યૂ લઈને આવ્યા અને બજારમાંથી પૈસા મેળવવાનો પ્રયાસ કર્યો.

રોકાણકારોમાં આ ઇશ્યૂને લઈને ઉત્સાહ પણ હતો. કંપનીનો શૅર 72 ગણો ઑવર સબ્સક્રાઇબ થયા. એવું લાગી રહ્યું હતું બધુ સમુંનમું પાર ઊતરી રહ્યું છે.

11 ફેબ્રુઆરી 2018ના રોજ શૅરનું લિસ્ટિંગ થયું. શૅર 538 પર ખૂલ્યો, પોતાની અલૉટમેન્ટ પ્રાઇઝ 45થી 19 ટકા ઉપર.

જોકે, એ બાદ પ્રથમ દિવસથી જ તેમાં ઘટાડો થવાનું શરૂ થઈ ગયું. સાંજે માર્કેટ બંધ થતી વખતે 532 પર પર ખુલેલો શૅર 372.50 પર આવી ગયો.

કેટલાય લોકોના કરોડો રૂપિયા ડૂબી ગયા. હાલમાં 'રિલાયન્સ પાવર'નો શૅર 12 રૂપિયા પણ પાર નથી કરી શકતો.

દેવાનો વધી રહેલો ભાર

ઇમેજ સ્રોત, Getty Images

1980 અને 1990 વચ્ચે ધીરુભાઈ રિલાયન્સ ગ્રૂપ માટે બજારમાંથી સતત પૈસા ઉપાડી રહ્યા હતા. તેમના શૅરની કિંમતો હંમેશાં સારી રહી હતી અને રોકાણકારોને પણ વિશ્વાસ બેસતો હતો.

મૂકેશ અંબાણીએ નફામાં ગત દાયકામાં ભારે ઉમેરે કર્યો.

બીજી તરફ, ગૅસવાળા મામલે કોર્ટના નિર્ણય અને 'રિલાયન્સ પાવર'ના શૅરોના ભાવ તૂટતા અનિલનો રસ્તો વધુ ને વધુ મશ્કેલ થવા લાગ્યો.

આવી સ્થિતિમાં અનિલ અંબાણી પાસે દેશી અને વિદેશી બૅન્કો તેમજ નાણાકીય સંસ્થા પાસેથી કરજ લેવાં સિવાય કોઈ રસ્તો નહોતો બચ્યો.

2002થી 2010ના દસ વર્ષોમાં એક તરફ મોટો ભાઈ વેપારમાં આગળ વધતો રહ્યો તો બીજી તરફ નાના ભાઈની કંપની કરજમાં ડૂબતી રહી.

એમની મોટાભાગની કંપની કાં તો સમસ્યાઓ સામે ઝઝૂમી રહી હતી કાં તો મામૂલી ફાયદો કમાઈ રહી હતી.

આજે સ્થિતિ એવી છે કે તેમની કેટલીક કંપનીઓએ દેવાળું ફૂંકવાની અરજી કરી છે.

કેટલાક સમય પહેલાં શક્તિશાળી અને રાજકીય દળો સાથે સંબંધ ધરાવતાં કૉર્પોરેટ હાઉસીઝ ભારે કરજ હોવા છતાં પણ કોઈ રીતે કામ ચલાવી રહ્યા હતા.

તેમની લૉન રિસ્ટ્રક્ચર કરાવાતી અને દેવું ચૂકવવા માટે તેમને મુદ્દત પણ વધારી દેવામાં આવતી.

જોકે, એન.પી.એ. (નૉન પર્ફૉર્મિંગ ઍસેટ) હવે એક રાજકીય મામલો બની ગયો છે. બૅન્કોની સ્થિતિ કથળેલી છે અને માહોલ ખરાબ છે.

હવે કાયદામાં ફેરફાર આવ્યો છે. દેવાદાર 'નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ' થકી કંપનીઓને 'ઇન્સૉલ્વેન્ટ' જાહેર કરીને લેણદારને રમક ચૂકવવા માટે કોર્ટમાં લઈ જઈ શકે છે.

આ જ કારણ છે કે હવે અનિલ અંબાણી પાસે કંપનીઓને વેચવા કે દેવાળું ફૂંકવાનું જાહેર કરવા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો.

બન્ને ભાઈની ખાસિયત

ઇમેજ સ્રોત, Getty Images

જ્યારે ધીરુભાઈ જીવતા હતા ત્યારે અનિલને મૂડીબજારના સ્માર્ટ ખેલાડી ગણવામાં આવતા હતા. તેમને માર્કેટ વૅલ્યુએશનની આર્ટ અને સાયન્સ એમ બન્નેમાં માહેર હોવાનું કહેવાતું.

એ વખતે મોટા ભાઈની સરખામણીએ તેમની પ્રસિદ્ધિ વધુ હતી. ધીરુભાઈના વખતમાં નાણાકીય બાબતો અનિલ અને ઔદ્યોગિક બાબતો મૂકેશ સંભાળતા હતા.

અનિલ અંબાણીની ટીકા કરનારાઓનું કહેવું છે કે તેમનું ધ્યાન નાણાંના મૅનેજમૅન્ટમાં વધુ રહ્યું, પણ તેમણે પોતાના મોટા પ્રોજેક્ટ પર એટલું ધ્યાન ના આપ્યું જેટલું મૂકેશે આપ્યું.

અનિલ પોતાના રોકાણકારોની આશાએ એટલે પૂરી ના કરી શક્યા, કારણ કે ઔદ્યોગિક પ્રબંધન જેવું થવું જોઈતું હતું એવું થઈ ના શક્યું.

કેટલાય પ્રોજેક્ટ એવા હતા કે જે ડિલિવર જ ના થઈ શક્યા.

'રિલાયન્સ પાવર' અને 'ટેલિકોમ'માં અનિલને ખોટ ગઈ છે. જોકે, તેમની બે કંપનીઓ 'રિલાયન્સ કૅપિટલ' અને 'રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર'ની સ્થિતિ સારી છે.

એટલે એવું માનવું પણ ખોટું ગણાશે કે તેઓ હવે રમતમાંથી બહાર નીકળી ગયા છે.

આ બન્ને કંપનીના શૅરના ભાવ પણ સારા છે. જોકે, અનિલ માટે પડકાર એ છે કે આ કંપનીનો આકાર કઈ રીતે મોટો કરવો.

ભાગલાની લડાઈમાં બન્ને ભાઈઓએ એકબીજા પર તમામ પ્રકારના હુમલા કર્યા હતા. સરકાર અને મીડિયામાં પણ થોડા સમય માટે બે મોરચા પડી ગયા હતા.

જોકે, ધીમેધીમે મીડિયા, શાસન કે તંત્રથી જોડાયેલા લોકોને પોતાના પક્ષમાં કરી લીધા.

આ લડાઈમાં અનિલ અંબાણીએ કેટલાક મિત્રો પણ બનાવ્યા અને કેટલાક દુશ્મનો પણ.

બધુ મળીને વધુ પ્રભાવશાળી નેતાઓ, અધિકારીઓ, સંપાદકોએ અનિલના સરખામણીએ વધુ સૌમ્ય અને શાંત એવા મૂકેશને સાથ આપવાનો નિર્ણય કર્યો.

ઍક્સટર્નલ ઍલિમેન્ટ એટલે કે નિયંત્રણથી બહારની બાબતોને પ્રભાવિત કરવાનું કામ ભાગલા પહેલાં અનિલ કરતા હતા.

આ બાબતમાં તેઓ ઘણા સફળ પણ હતા. જોકે, ભાગલા બાદ, ખાસ કરીને 2010 બાદ અનિલનો પહેલાં જેવો જલવો ના રહ્યો.

આજે જે સ્થિતિ છે એ માટે એક હદ સુધી અનિલ પોતે જ જવાબદાર છે, તો અમુક હદ સુધી એ પરિસ્થિતઓ પણ જવાબદાર છે, જે તેમના નિયંત્રણમાં નહોતી.

આમાં એક મોટી ભૂમિકા તે પોતાના વચનો પૂરા ના કરી શક્યા. તેઓ લડ્યા, બાખડ્યા, વચનો આપ્યા, માત્ર વચનો અને સપનાં પૂરા ના કરી શક્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો