ફૅક્ટ ચેક : શું કૉંગ્રેસ સમર્થકોએ ભાજપના ઝંડાનું અપમાન કર્યું?
- ફૅક્ટ ચેક ટીમ
- બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા પર ભાજપના કેટલાય સમર્થકો દાવો કરી રહ્યા છે કે કૉંગ્રેસ સાથે સંકળાયેલા કેટલાક યુવાનોએ બિજનોરમાં ભાજપના ઝંડાનું અપમાન કર્યું છે.
તો આ યુવાનો ભાજપનો ઝંડો લગાવવા માત્રનો વિરોધ કરતા હોવાનું કૉંગ્રેસનું કહેવું છે.
આ વીડિયોમાં કેટલાક યુવાનો ભાજપના સમર્થકોને તેમના પક્ષનો ઝંડો લગાવવા પર સાચુંખોટું સંભળાવી રહ્યા છે.
વીડિયોમાં એક યુવાનને એવું કહેતા સાંભળી શકાય છે, "સરહદ પર સૈનિકો શહીદ થઈ રહ્યા છે તમે તમારા પ્રચારમાં લાગેલા છો."
એ બાદ ઝંડો લગાવવાનો વિરોધ કરનારો યુવક એક પ્રૌઢ વ્યક્તિના હાથમાંથી ભાજપનો ઝંડો આચકીને તેને જમીન પર ફેંકી દે છે.
આ વીડિયોને સોશિયલ મીડિયા પર દક્ષિણપંથી ગ્રૂપથી લઈને કૉંગ્રેસના સમર્થક ગ્રૂપમાં શૅર કરવામાં આવી રહ્યો છે.
દક્ષિણપંથી સોશિયલ મીડિયા પેજ પર દાવો કરાઈ રહ્યો છે કે કૉંગ્રેસ સમર્થક રાષ્ટ્રવાદના નામે ભાજપના ઝંડાનું અપમાન કરી રહ્યા છે.
તો સામે પક્ષે કૉંગ્રેસ સમર્થક સોશિયલ મીડિયા પેજ પર ભાજપ પર શહીદો પ્રત્યે અસંવેદનશીલતા દાખવવાનો આરોપ લગાવાઈ રહ્યો છે.
તો હકીકત શી છે?
આ વીડિયો ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં ગત શુક્રવારે બનાવાયો હતો.
ભાજપના ઝંડાને જમીન પર ફેંકનારા યુવકની સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે.
બિજનોરના ચાંદપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સતેન્દ્રકુમારે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું,
"આ ઘટના શુક્રવારની છે. ઉદય ત્યાગી અને અર્પિતે ભાજપની પ્રવૃતિમાં દખલ કરીને ગામનો માહોલ બગડાવવાનો પ્રયાસ કર્યા છે."
નોંધનીય છે કે ભાજપે આ મહિનાની શરૂઆતમાં પોતાનો જનાધાર વધારવા માટે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું છે.
બિજનોરમાં ભાજપના ધારાસભ્ય કમલેશ સૈનીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે એ ઝંડા ભાજપના 'હમારા ઘર, ભાજપા કા ઘર' અભિયાન અંતર્ગત લગાવાઈ રહ્યા હતા.
સૈની કહે છે, "એ લોકો શાંતિથી ઝંડા ના લગાવવા માટે કહી શક્યા હોત પણ તેમણે અમારા શાંતિપૂર્ણ અભિયાનમાં મુસીબત સર્જી. એ લોકો કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા."
કૉંગ્રેસનું શું કહેવું છે?
ઇમેજ સ્રોત, TWITTER
આ મામલે બિજનોરમાં ભાજપના જિલ્લા ઉપાધ્યક્ષ વિવેક કરનવાલનું કહેવું છે,
"અમે તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને જણાવ્યું કે પુલવામા હુમલાથી બધા લોકો દુઃખી છે."
"એમ છતાં એ લોકો માથાકૂટ કરતા રહ્યા અને વીડિયોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. તેમણે ભાજપનો ઝંડો પણ ફાડી નાખ્યો."
જ્યારે અમે કૉંગ્રેસને આ અંગે પૂછ્યું તો તેમણે ના તો આ ઘટનાનો ઇન્કાર કર્યો કે ના તો એવું કહ્યું કે યુવકો પક્ષ સાથે જોડાયેલા નથી.
બિજનોરમાં કૉંગ્રેસના મહાસચિવ મનીષ ત્યાગીએ જનાવ્યું, "આ યુવક કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ(એન.એસ.યૂ.આઈ) સાથે જોડાયેલા છે."
તેમણે કહ્યું, "ભાજપ ગુંડાગર્દી અને નિર્દોષોને જેલમાં ધકેલી દેવા માટે ઓળખાય છે. આ પણ એક એવો જ મામલો છે."
"જે પણ તેમનો વિરોધ કરે તેમના પર દેશદ્રોહી હોવાનો સિક્કો લગાવી દેવાય છે."
"ધરપકડ કરાયેલા યુવાનો એન.એસ.યૂ.આઈ. સાથે સંકળાયેલા છે. તેમણે માત્ર એટલું કહ્યું હતું કે સરહદ પર જવાનો મરી રહ્યા છે ત્યારે તમે સરહદ પર રાજકીય પ્રૉપેગૅન્ડા ના કરો."
"તેમણે કોઈ ઝંડો નથી ફાડ્યો. માત્ર, આવી પ્રવૃતિને બંધ કરવાની વાત કરી હતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો