BBC TOP NEWS : રાજસ્થાનમાં ટોળાએ માર મારીને પોલીસ અધિકારીની હત્યા કરી

પોલીસની પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

પીટીઆઈના અહેવાલ અનુસાર રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં જમીન વિવાદ મામલાની તપાસ કરવા ગયેલા એક પોલીસ કૉન્સ્ટેબલની માર મારીને હત્યા કરી નાખવામાં આવી છે.

પોલીસ ઑફિસર ભુવન ભૂષણે જણાવ્યું કે ભીમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 45 વર્ષના હેડ કૉન્સ્ટેબલ અબ્દુલ ગની એક મામલાની તપાસ કરવા માટે હમેલા કી બેર ગામ ગયા હતા.

તેઓ બાઇક પર પરત આવી રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા લોકોએ તેમના પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

તેમને પાસેની એક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

એવો પણ આરોપ છે કે ગામ લોકો મૂક પ્રેક્ષકો બનીને ઊભા રહ્યા પરંતુ ટોળાને રોક્યું નહીં.


ગુજરાત બટાકા કેસ : પેપ્સીકોને કેન્દ્ર સરકારે નોટિસ ફટકારી

Image copyright Getty Images

ધ હિંદુના અહેવાલ અનુસાર ખાદ્ય અને પેય પદાર્થો બનાવતી જાયન્ટ કંપની પેપ્સીકોને કેન્દ્રના કૃષિ મંત્રાલય દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.

ગુજરાતના બટાકા ઉગાડતા ખેડૂતો પર કેસ કર્યા બાદ આ કંપની વિવાદોમાં આવી હતી.

બટાકાના કેસ સંદર્ભે જ ભારત સરકારના વિભાગ દ્વારા કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.

કંપનીએ આ મામલામાં કહ્યું છે કે તેઓ આ નોટિસનો અભ્યાસ કર્યા બાદ તેનો જવાબ આપશે.

આ વર્ષે એપ્રિલમાં પેપ્સીકોએ ગુજરાતના નવ ખેડૂતો સામે 1 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો હતો.

કંપનીનું કહેવું હતું કે આ ખેડૂતો તેમણે રજીસ્ટર કરાવેલી બટાકાની બ્રાન્ડનું વાવેતર કરી રહ્યા છે.

જોકે, ભારે વિરોધ અને ગુજરાત સરકારની દરમિયાનગીરી બાદ કંપનીએ પોતાનો કેસ પરત લઈ લીધો હતો.


આઈપીએલમાં ફરી 10 ટીમો રમે તેવી શક્યતા

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આઈપીએલમાં ફરી 10 ટીમોને રમાડવામાં આવે તેવી શક્યતા છે અને આ મામલે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લેવામાં આવી છે.

અમદાવાદ માટે અદાણી ગ્રૂપ, પૂણે માટે ગોયન્કા ગ્રૂપ, રાંચી અને જમશેદપૂર માટે ટાટા ગ્રૂપ અને કેટલાક અન્ય કૉર્પોરેટ હાઉસો નવી ટીમો માટે પોતાની દાવેદારી નોંધાવી શકે છે.

બીસીસીઆઈએ વર્ષ 2011માં આ 10 ટીમોને આઈપીએલમાં રમાડવાનો પ્રયત્ન કર્યો હતો.

જોકે, કેટલાક વિવાદો બાદ આ ફરીથી ટુર્નામેન્ટમાં 8 ટીમો કરવામાં આવી હતી.


આસામમાં ભારે પૂર, બિહાર-બંગાળમાં ભારે વરસાદ

Image copyright Getty Images

ડીડી ન્યૂઝના અહેવાલ અનુસાર આસામમાં આવેલા ભારે પૂરના કારણે સાત લોકોનાં મોત થયાં છે. જ્યારે 14 લાખ લોકો આ પૂરના કારણે પ્રભાવિત થયા છે.

હાલ પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યના 25 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે.

કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે આસામમાં આવેલા પૂર મામલે તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો તથા ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો