BBC TOP NEWS: લંડનમાં આઝાદીથી ફરી રહ્યા છે નીરવ મોદી

નિરવ મોદી Image copyright Getty Images

'ધ ટેલિગ્રાફ' અખબારના અહેવાલ અનુસાર ભારતમાં પંજાબ નેશનલ બૅન્ક સાથે 13 હજાર કરોડ રૂપિયાના કૌભાંડના આરોપી નીરવ મોદી લંડનમાં આઝાદીથી ફરી રહ્યા છે.

ટેલિગ્રાફના ટ્વિટર એકાઉન્ટ પર નિરવ મોદીનો એક વીડિયો પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેમાં નીરવ મોદી લંડનના રસ્તાઓ પર ફરતા દેખાય છે.

રિપોર્ટરે જ્યારે નીરવ મોદીને કેટલાક સવાલો કર્યા હતા પરંતુ મોદીએ આ સવાલોનો જવાબ આપવાનું ટાળ્યું હતું.

જ્યારે તેમને બ્રિટનમાં કેટલા સમય સુધી રહેશે તેવો સવાલ કર્યો ત્યારે તેમણે પ્રત્યુત્તરમાં 'નો કમેન્ટ્સ' કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભારતની ભલામણ બાદ ઇન્ટરપોલ દ્વારા મોદી વિરુદ્ધ રેડ નોટિસ બહાર પાડવામાં આવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ધોનીના ઘરે જ હારી ભારતીય ટીમ

Image copyright Reuters

મહેન્દ્ર સિંહ ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં રમાયેલી ત્રીજી ક્રિક્રેટ વન-ડે મૅચમાં ભારતની હાર થઈ છે.

ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતને 32 રનોથી હરાવ્યું છે. પાંચ મૅચની શ્રેણીમાં આ ઑસ્ટ્રેલિયાની પ્રથમ જીત છે. આ પહેલાં બે મૅચ ભારત જીતી ચૂક્યું છે.

પ્રથમ બૅટિંગ કરવા ઊતરેલી ઑસ્ટ્રેલિયાની ટીમે 50 ઑવરમાં 5 વિકેટ ગુમાવીને 313 રન કર્યા હતા.

તેના જવાબમાં ભારતીય ટીમ 48.2 ઑવરમાં 281 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી કપ્તાન વિરાટ કોહલીએ પોતાની 41મી સદી ફટકારી હતી.

જોકે, અન્ય બૅટ્સમેને તેમને સાથ ન આપતા કોહલીની સદી એળે ગઈ હતી.


ગુજરાતમાં કૉંગ્રેસના બે ધારાસભ્યોનાં રાજીનામાં

Image copyright JAWAHAR CHAVDA/FB
ફોટો લાઈન જવાહર ચાવડા

ગુજરાત કૉંગ્રેસને એક દિવસમાં બે ઝટકા લાગ્યા છે. એક જ દિવસમાં તેમના બે ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધાં છે.

માણાવદરની બેઠક પરથી ચૂંટાયેલી જવાહર ચાવડાએ કૉંગ્રેસ છોડી તેની માત્ર 6 કલાકમાં જ બીજા ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ રાજીનામું ધરી દીધું.

એવી ચર્ચા છે કે જ્યારે આદેશ મળશે ત્યારે સાબરિયા ભાજપમાં જોડાઈ જશે.

સૌરાષ્ટ્રના બે મોટા નેતાઓએ ધારાસભ્ય પદે રાજીનામાં આપ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

જવાહર ચાવડાએ શુક્રવારે રાજીનામું આપ્યા બાદ થોડા જ કલાકોમાં ભાજપમાં જોડાઈ ગયા હતા.

અયોધ્યા મામલે શું બોલ્યા ઔવેસી

Image copyright Getty Images
ફોટો લાઈન અસદઉદ્દીન ઓવૈસી

અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થીનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ એઆઈએમઆઈએમના નેતા અને સાંસદ અસદઉદ્દીન ઓવૈસીએ કહ્યું છે, "એ સારું છે કે હવે પેનલ પોતાનું કામ કરશે. રાજનેતાઓ તેના પર પોતાના રોટલા શેકી શકશે નહીં."

"જોકે, અમને લાગી રહ્યું હતું કે કોઈ એવી વ્યક્તિને આ પેનલમાં નહીં રાખવામાં આવે કે જેનું વલણ પહેલાથી જ લોકોને ખબર હોય."

"હવે અમે એ જ આશા રાખીયે છીએ કે સુપ્રીમ કોર્ટે જેને પણ મધ્યસ્થીની જવાબદારી આપી છે તેઓ આ કામને ગંભીરતાથી સમજે. તેઓ મધ્યસ્થી કરનારા છે ના કે આ વિવાદમાં સામેલ કોઈ પક્ષ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો