અફીણના બંધાણી બનેલા 'પોપટ' આ રીતે ચડી ગયા ચોરીને રવાડે

પોપટ Image copyright Getty Images

પોપટ આમ તો રામરામ બોલવા માટે કે માણસની નકલ કરવા માટે જાણીતા છે પરંતુ ભારતમાં અફીણ ઉગાડતા ખેડૂતો આજકાલ 'વ્યસની પોપટો' અને તેમની ચોરીથી પરેશાન છે.

ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના ખેડૂતો હાલ આવા પોપટોથી પરેશાન થઈ રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે તેમાં ઉપરથી પોપટ અફીણના પાકને ખૂબ જ નુકસાન કરી રહ્યા છે.

તેમના કહેવા પ્રમાણે લાઉડ સ્પિકરની મદદથી પોપટોને ભગાડવાનો આઇડિયા સફળ થઈ રહ્યો નથી અને સ્થાનિક તંત્ર આ મામલે કંઈ મદદ કરતું નથી.

ખેડૂતોને પોપટો ખૂબ મોટું આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં પોપટ અફીણના ડોડાઓ ચાંચ વડે કાપીને લઈ જઈ રહ્યા છે.

આ ખેડૂતો પાસે અફીણ ઉગાડવાનું લાઇસન્સ છે અને તેઓ દવા બનાવતી કંપનીઓને અફીણનું વેચાણ કરે છે.

અફીણ ઉગાડનારા એક ખેડૂત નંદકિશોરે એનડીટીવીને કહ્યું કે તેમણે આ વ્યસની પોપટોને ભગાડવા માટે લાઉડસ્પિકરનો ઉપયોગ કર્યો અને ફટાકડા ફોડીને પણ ભગાડવાનો પ્રયત્ન કર્યો.

ખેડૂતના જણાવ્યા પ્રમાણે એક છોડના એક ડોડામાંથી 20થી 25 ગ્રામ અફીણ મળે છે. જોકે, મોટા પ્રમાણમાં આવતા પોપટો દિવસમાં 30થી 40 વખત ખેતરમાં આવે છે અને કેટલાક પોપટો ડોડા લઈને ઊડી જાય છે.

તેમણે કહ્યું, "કોઈ અમારા પ્રશ્નને સાંભળતું નથી. અમને થઈ રહેલા નુકસાનની ભરપાઈ કોણ કરશે?"

મંદસૌરમાં હૉર્ટિકલ્ચર કૉલેજમાં અફીણના નિષ્ણાત ડૉ. આર. એસ. ચુંદાવતે ડેઇલી મેઇલને કહ્યું કે અફીણ પક્ષીઓને તાત્કાલિક એનર્જી આપે છે. જેવી રીતે માણસને ચા કે કૉફીમાંથી મળે છે.

તેમના કહેવા પ્રમાણે એક વખત પક્ષી અફીણનો સ્વાદ ચાખી જાય ત્યારબાદ તે ઝડપથી વ્યસની બની જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો