મોદી સરકારના રાજમાં મહિલાઓ ખરેખર વધારે સુરક્ષિત? : રિયાલિટી ચેક

બળાત્કાર વિરુદ્ધ પ્રદર્શન કરતી મહિલાઓ Image copyright Getty Images

છ વર્ષ પહેલાં દિલ્હીમાં એક વિદ્યાર્થિની પર બસમાં સામૂહિક બળાત્કાર થયો હતો અને બાદમાં તે વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હતું.

શું તે ઘટના પછી ભારતમાં મહિલાઓ જાતીય હુમલાની બાબતમાં વધારે સલામત થઈ છે ખરી?

2012માં બનેલા તે બનાવના કારણે દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો હતો. તેના કારણે ભારતીય રાજકારણમાં જાતીય હિંસાનો મુદ્દો અગત્યનો બન્યો હતો.

આ ઘટનાના બે વર્ષ બાદ સત્તા પર આવેલી ભાજપ સરકાર એ બાબત પર ભાર મૂકતી રહી છે કે જાતીય હિંસાનો સામનો કરવા માટે વધારે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે.

પરંતુ વિપક્ષ કૉંગ્રેસ કહે છે કે પહેલાં કરતા પણ ભારતીય નારી વધારે અસુરક્ષિત છે.

હવે વધુ સ્ત્રીઓ પોતાનાં પર થયેલા જાતીય હુમલાની ફરિયાદ કરવાં આગળ આવે છે અને બળાત્કારના કેસમાં કેટલીક વધારે આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આમ છતાં મહિલાઓ આજે પણ માત્ર જાતીય હુમલાની ફરિયાદ કરવાની બાબતમાં જ નહીં, પણ ન્યાય મળે તે બાબતમાં પણ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ફરિયાદમાં વધારો

Image copyright Getty Images

નેશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરોના 2016 સુધીના આંકડા દર્શાવે છે કે પોલીસમાં નોંધાતી બળાત્કારની ફરિયાદોમાં વધારો થઈ રહ્યો છે.

દિલ્હીમાં 2012માં બસમાં ગૅંગ-રેપનો કિસ્સો બન્યો તે પછી બળાત્કારની ફરિયાદોમાં મોટો વધારો નોંધાયો છે.

ભારતમાં નોંધાયેલા બળાત્કારના કેસ

સ્રોત : નેશનલ ક્રાઇમ રૅકૉર્ડ્સ બ્યૂરો

ફરિયાદોમાં વધારો થયો તે માટેનું એક કારણ આ બાબતમાં વધેલી સભાનતા પણ છે.

આ ઉપરાંત એવા પણ પુરાવા મળે છે કે મહિલા પોલીસ અધિકારીઓની સંખ્યામાં વધારો થયાની પણ અસર થઈ છે. મહિલા પોલીસ સ્ટેશનો ખોલવામાં આવ્યા તેનાથી પણ ફરક પડ્યો છે.

નાગરિકોમાં વધેલા આક્રોશને કારણે 2012માં કાયદામાં પણ ફેરફારો થયા હતા.

બળાત્કારની વ્યાખ્યામાં ફેરફાર કરીને શરીરના કોઈ પણ ભાગ સાથે સેક્સ્યુલ ચેડાં કરવામાં આવ્યાં હોય તેનો પણ સમાવેશ કરી લેવાયો હતો.

આ ઉપરાંત પીછો કરવો, છુપાઇને જાતીય ક્રિયાઓ કે અંગો જોવાં, એસિડથી હુમલો કરવો વગેરેને પણ ચોક્કસ ગુનાની વ્યાખ્યામાં આવરી લેવાયાં હતાં.

તે માટે વધારે આકરી સજાની જોગવાઈઓ 2013માં કરવામાં આવી હતી.

આ ઉપરાંત ગયા વર્ષથી 12 વર્ષથી નીચેની ઉંમરનાં એટલે કે સગીર પર બળાત્કારનાં કિસ્સામાં ફાંસીની સજાની પણ મંજૂરી આપવામાં આવી છે.

16 વર્ષથી નીચેની કિશોરી પર બળાત્કાર બદલ થતી કેદની લઘુતમ સજામાં પણ વધારો કરાયો હતો.

જોકે, હજુ પણ એવા પુરાવા મળી રહ્યા છે કે દેશમાં જાતીય હિંસાના ઘણા કિસ્સાઓમાં ફરિયાદ થતી નથી.

એક અખબારે 2015-16ના ગુનાખોરીના સત્તાવાર આંકડા મેળવીને, તેની સરખામણી રાષ્ટ્રવ્યાપી પરિવાર આરોગ્યના સર્વે સાથે કરાયો હતો.

આ સર્વેમાં સ્ત્રીઓને જાતીય હિંસાનો અનુભવ થયો હતો કે કેમ તેનો સવાલ પણ પૂછવામાં આવ્યો હતો.

આવી સરખામણીમાં ખ્યાલ આવ્યો કે ખૂબ મોટા પ્રમાણમાં જાતીય હિંસાની ફરિયાદ થતી નથી. અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે "આવા મોટાભાગના કિસ્સામાં હિંસા કરનાર પતિ હોય છે."

કાનૂની માળખાની સમસ્યા

Image copyright Getty Images

સ્ત્રી જાતીય હિંસાનો ભોગ બને તેની સાથે હજુ પણ સામાજિક કલંક અને બીજી મુશ્કેલીઓ રહેલી છે.

હ્મુમન રાઇટ્સ વૉચના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર યુવતીઓ અને સ્ત્રીઓએ હજુ પણ પોલીસ સ્ટેશનમાં તથા હૉસ્પિટલમાં માનહાની જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે.

આ ઉપરાંત સ્ત્રીઓને હંમેશાં કાનૂની સહાય મળતી નથી કે સારવારમાં મદદ મળતી નથી.

2017માં ભારતની એક અદાલત વિવાદમાં આવી હતી, કેમ કે તેના ચુકાદામાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીને "જાતીય મુક્તાચારી" ગણાવાઈ હતી,અને બીયર પીવા બદલ તથા પોતાના રૂમમાં કૉન્ડોમ રાખવાં બદલ તેની ટીકા કરાઈ હતી.

બીજું, શું બળાત્કારની ફરિયાદ કરવામાં આવે તો સ્ત્રીને ન્યાય મળવાની શક્યતા હોય છે ખરી?

સરકારી આંકડા જણાવે છે કે 2009થી 2014 દરમિયાન કૉંગ્રેસની આગેવાની હેઠળની સરકાર હતી, ત્યારે બળાત્કારની ફરિયાદના 24%થી 28% કેસ જ અદાલતમાં સાબિત થઈ શક્યા હતા.

ભાજપની સરકારના પ્રથમ ત્રણ વર્ષમાં આ બાબતમાં ખાસ કોઈ ફરક પડ્યો નહોતો.

કોર્ટમાં સાબિત થયેલાં બળાત્કારના કેસ

વર્ષબળાત્કારમાં સજાનો દર
200826.60%
200926.90%
201026.60%
201126.40%
201224.20%
201327.10%
201428%
201529.40%
201625.50%
સ્રોત : નેશનલ ક્રાઇમ રૅકૉર્ડ્સ બ્યૂરો

અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે 2018માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ લેખ અનુસાર ગુનો સાબિત થવાના આ આંકડા માત્ર એવા કેસોના આધારે લેવાયા છે, જે કેસોમાં ચુકાદો આવ્યો હોય.

આ લેખમાં જણાવ્યા અનુસાર "છેલ્લા એક દાયકા દરમિયાન ભારતમાં નોંધાયેલા કુલ બળાત્કારના કેસોમાંથી માત્ર 12%થી 20% કેસોમાં જ ટ્રાયલ પૂર્ણ થઈ છે."

આ સંશોધન કરનારાં અનિતા રાજે બીબીસીને જણાવ્યું હતું કે ગુના સાબિત થવાનું પ્રમાણ ઓછું છે, તેના કરતાં તેમને એ બાબતની વધારે ચિંતા છે કે બળાત્કારના ગુના વધી રહ્યા છે.

ગયા વર્ષે સરકારે જણાવ્યું હતું કે બળાત્કારના કેસોનો ભરાવો થયો છે, તેનો નિકાલ કરવા માટે 1000થી વધારે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવશે.

વૈશ્વિક સ્થિતિ સાથે સરખામણી કેટલી યોગ્ય?

Image copyright Getty Images

ગયા વર્ષે જૂનમાં થૉમ્સન રોયટર્સ ફાઉન્ડેશને એવું જણાવ્યું હતું કે દુનિયામાં ભારત મહિલાઓ માટે સૌથી અસુરક્ષિત દેશ છે. અફઘાનિસ્તાન, સીરિયા અને સાઉદી અરેબિયા કરતાં પણ ભારત વધારે જોખમી દેશ હોવાનું જણાવાયું હતું.

આવા સર્વે સામે ભારતમાં ભારે વિરોધ થયો હતો. સરકારે તથા વિપક્ષના પણ કેટલાક નેતાઓએ આવા તારણને નકારી કાઢ્યું હતું.

નારી સંબંધિત મુદ્દાઓના જાણકાર દુનિયાભરના 500થી વધારે વિશેષજ્ઞોના અભિપ્રાયના આધારે આ સર્વે તૈયાર કરાયો હતો.

જોકે, સર્વે માટે જે પદ્ધતિ અપનાવાઈ હતી, તેની સામે ભારતના કેટલાક વિશેષજ્ઞોએ સવાલો ઉઠાવ્યા હતા. તેઓએ એ બાબત તરફ ધ્યાન દોર્યું હતું કે આ સર્વે આંકડાઓના આધારે તૈયાર નથી કરાયો કે પ્રયોગાત્મક સર્વે પણ નથી કરાયો.

Image copyright Reuters

જાતીય હિંસાનો વ્યાપ કેટલો છે તે નક્કી કરવાનું ખૂબ મુશ્કેલ હોવાનું જણાવીને સર્વેમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે આ સમસ્યા કેટલી મોટી છે તે નક્કી કરવાનો કોઈ સારો માર્ગ ઉપલબ્ધ નથી.

સરકારે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે ફરિયાદ કરવા માટેની પ્રક્રિયા હવે સરળ બનાવાઈ છે, તેના કારણે ફરિયાદનો આંકડો વધ્યો છે.

સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતમાં દર હજારની વસતિએ માત્ર 0.03 જેટલું બળાત્કારનું પ્રમાણ છે, જ્યારે અમેરિકામાં દર હજારે 1.2 જેટલું બળાત્કારનું પ્રમાણ છે."

ભારતની (2011ની વસતિ ગણતરી પ્રમાણે) કુલ વસતિના પ્રમાણમાં 2016માં કુલ કેટલી બળાત્કારની ફરિયાદો નોંધાઈ તેના આધારે આ આંકડો આપવામાં આવ્યો હોય તેવું લાગે છે.

Image copyright Getty Images

અમેરિકામાં બળાત્કારના પ્રમાણનો આંકડો 2016ના સર્વેમાંથી લેવામાં આવ્યો હતો. આ સર્વેમાં 12થી વધુ ઉંમરની વ્યક્તિ પર થયેલા બળાત્કાર કે જાતીય હુમલાની ગણતરી કરીને આંકડો કાઢવામાં આવ્યો હતો.

બીજું કે ભારતની સરખામણીએ અમેરિકામાં બળાત્કારની વ્યાખ્યામાં વધુ વ્યાપક બાબતોને સમાવી લેવામાં આવી છે.

સ્ત્રી અને પુરુષ બન્નેને બળાત્કારનો ભોગ બન્યા હોવાનું ગણી શકાય છે તથા લગ્નજીવનમાં થતા બળાત્કારને પણ તેમાં આવરી લેવામાં આવ્યા છે.

ભારતીય કાયદા પ્રમાણે હાલમાં માત્ર સ્ત્રી બળાત્કારનો ભોગ બનેલી ગણાય છે. આ ઉપરાંત યુવતી 16 વર્ષથી નાની, સગીર ન હોય તો પતિ પર બળાત્કારનો આરોપ લાગતો નથી.

લોકસભાની આગામી ચૂંટણીમાં આ મુદ્દો પણ ચર્ચાસ્પદ બની શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ