લોકસભા ચૂંટણી 2019: હાર્દિક પટેલ 12મીએ કૉંગ્રેસમાં જોડાશે, જામનગરથી ચૂંટણી લડવાની જાહેરાત

હાર્દિક પટેલ Image copyright Getty Images

હાર્દિક પટેલે કૉંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. હાર્દિક કૉંગ્રેસમાં જોડાવાના છે તેવી ઘણા સમયની ચર્ચા ચાલી રહી હતી.

જેની તમામ અટકળો પર અંત લાવતા હાર્દિકે આજે ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે તેઓ કૉંગ્રેસમાં જોડાવાના છે.

'ABP અસ્મિતા'ને આપેલા ઇન્ટરવ્યૂમાં હાર્દિકે જામનગરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરી, સાથે જ ઉમેર્યું કે 'પછી પાર્ટી જે નક્કી કરે તેમ.'

કૉંગ્રેસમાં જોડાવવાની જાહેરાત કરતા તેમણે ટ્વીટ કર્યું, "દેશ અને સમાજની સેવા કરવા માટે મેં કૉંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું છે. 12મી માર્ચે રાહુલ ગાંધી અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં હું કૉંગ્રેસમાં જોડાઈશ."

12 માર્ચના રોજ ગુજરાતમાં કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે. આ દરમિયાન જ હાર્દિક પટેલ કૉંગ્રેસનો હાથ થામશે.

હાર્દિક કૉંગ્રેસમાં જોડાયા છે ત્યારે પાર્ટી તરીકે કૉંગ્રેસને અને નેતા તરીકે હાર્દિકને કેટલો ફાયદો થઈ શકે?

હાર્દિક પટેલ પાર્ટી પૉલિટિક્સમાં અને પાર્ટીની શિસ્તમાં ગોઠવાઈ શકે કે કેમ?

હાર્દિક જો કૉંગ્રેસ તરફથી લોકસભા લડે તો કઈકઈ બેઠક પર તેનો પ્રભાવ વર્તાઈ શકે?

આ કેટલાક એવા પ્રશ્નો છે કે જેનો જવાબ શોધવા અમે ગુજરાતના કેટલાક રાજકીય તેમજ સામાજિક વિશ્લેષકો સાથે વાત કરી. 

સમાજશાસ્ત્રી વિદ્યુત જોષીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "બે તૃતીયાંશ પાટીદાર ભાજપ તરફી છે. કૉંગ્રેસને તો જે આવે તે ખપે એમ છે."

"કૉંગ્રેસને તો વકરો એટલો નફો છે, તેથી કૉંગ્રેસને તો હાર્દિકના આવવાથી ફાયદો જ છે."

"પાટીદાર અનામત આંદોલન ધીમું તો પડી જ ગયું હતું. 10 ટકા સવર્ણ અનામતની જાહેરાત પછી એ વધારે નબળું પડી ગયું છે."

"છેલ્લાં કેટલાક વખતથી હાર્દિક પણ પોતાને પાટીદાર નેતા કરતાં ખેડૂત નેતા તરીકે વધુ પ્રોજેક્ટ કરી રહ્યા છે. પોતે પણ રાજકારણમાં ગોઠવાવા માગે છે."

હાર્દિક પટેલ પાર્ટી પૉલિટિક્સમાં અને પાર્ટીની શિસ્તમાં રહી શકે કે કેમ?

આ સવાલનો જબાવ આપતા વિદ્યુત જોષીએ કહ્યું અગાઉ કહ્યું હતું, "હાર્દિક જો કૉંગ્રેસમાં જાય તો અલ્પેશ ઠાકોર કરતાં વધુ સારી રીતે ટકી શકે. અલ્પેશની ઇમેજ વ્યક્તિગત સ્વાર્થ માટે પાટલી બદલી શકે એવું વલણ ધરાવતા નેતાની છે."

"હાર્દિકની એવી ઈમેજ નથી. જ્યારે ફાયદો નહોતો ત્યારે પણ અને પાટીદાર નેતા હોવા છતાં તેણે કૉંગ્રેસ તરફી વલણ દર્શાવ્યું છે."


'હાર્દિક ફ્લૅક્સિબલ નેતા'

Image copyright HardikPatel/FB

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ આ અંગે વાત કરતા જણાવે છે, "જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની સરખામણીમાં હાર્દિક ફ્લૅક્સિબલ નેતા છે."

"તેમની ઇમેજ ભલે ઉપદ્રવી નેતાની હોય પરંતુ એ રાજકારણ માટે જરૂરી ઍડજસ્ટમેન્ટ કરી શકે છે."

ઉમટના મતે હાર્દિક રાજકારણને હવે એક ગંભીર કારકિર્દી તરીકે લઈ રહ્યા છે.

ઉમટે જણાવ્યું હતું, "હાર્દિક કૉંગ્રેસમાં જોડાય તો બંને માટે પસ્પર વીન-વીન પૉઝીશન રહે."

"હાર્દિક કૉંગ્રેસમાં જોડાય તો કૉંગ્રેસની તરફેણમાં એક માહોલ ઊભો કરી શકે એમ છે."

"કાસ્ટ અને યૂથ આ બંને ફૅક્ટર હાર્દિકની તરફેણમાં જાય એવું લાગે છે."

"વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપને નુકસાન થયુ હતું. જેમાં હાર્દિક ફૅક્ટરનો રોલ ગણી શકાય."

"હાર્દિક જામનગર અથવા મહેસાણા બેઠક પરથી લોકસભા લડે એવી વાત ચાલી રહી છે. આ બંને બેઠક ભાજપનો ગઢ ગણાતી હતી."

"તેથી હાર્દિકના આવવાથી એક બેઠકનો ફાયદો થતો હોય તો કૉંગ્રેસ તો લાભમાં જ છે."

"હાર્દિક ફૅક્ટરનો પ્રભાવ લોકસભાની જામનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર જેવી બેઠક પર વર્તાઈ શકે છે."  

હાર્દિક પટેલ છેલ્લા કેટલાક વખતથી પાટીદાર નેતા કરતાં વધારે ખેડૂત યુવા નેતા તરીકે ખુદને રજૂ કરી રહ્યા છે, તો રાષ્ટ્રીય સ્તરે કૉંગ્રેસ એનો કોઈ લાભ લઈ શકે ખરી?

આ સવાલનો જવાબ આપતાં અજય ઉમટ કહે છે, "વિધાનસભા વખતે પણ હાર્દિકને રાજસ્થાન, મધ્ય પ્રદેશ વગરે રાજ્યોમાં બોલાવવામાં આવ્યા હતા."

"તેથી યુવા વર્ગમાં અપીલ ઊભી કરવા તેને આ રાજ્યોમાં કૉંગ્રેસ સભા વગેરે માટે લઈ જઈ શકે છે." 

આપને આ પણ વાચવું ગમશે

ગુજરાતમાં કૉંગ્રેસ

Image copyright Getty Images

આવો જ અભિપ્રાય વ્યક્ત કરતા વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા કહે છે:

"હાર્દિક કૉંગ્રેસમાં જોડાય તો બંનેને ફાયદો થાય એમ છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ ફાવતો જ નથી. તેથી હાર્દિકની એ મજબૂરી છે કે વાંધો હોય તો પણ તેણે કૉંગ્રેસમાં જવું પડે."

"બીજી વાત એ કે મોટું ગજુ કાઢવા માટે હાર્દિક પાસે કૉંગ્રેસમાં ઘણો અવકાશ છે, કારણ કે કૉંગ્રેસમાં નેતા ઘણા છે, પરંતુ વ્યાપક જનજુવાળ ઊભો કરી શકે એવી ક્ષમતા ધરાવતો એકેય નેતા નથી."

તેઓ ઉમેરે છે, "હું એવું માનું છું કે ગુજરાતમાં કૉંગ્રેસને જાણીબૂજીને એક ડિઝાઇનના ભાગરૂપે વર્ષોથી બૅકફૂટ પર રાખવામાં આવતી હતી. તેમાં રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિકસ્તરે ખુદ કૉગ્રેસ પક્ષનો વાંક હતો."

"સાથોસાથ જે સ્થાપિત હિતો ભાજપની સરકાર સાથે મળીને લાભ લેતા હતા તેઓ પણ નહોતા ઇચ્છતા કે કૉંગ્રેસ બેઠી થાય. એટલે કે કૉંગ્રેસ પક્ષ વિપક્ષની ભૂમિકા ન ભજવે."

"પાર્ટીના પ્રમુખ થયા પછી રાહુલ ગાંધીનો ઍજન્ડા છે કે ગુજરાતમાં પાર્ટી પથારીમાંથી બેઠી થાય." 

રમેશ ઓઝા ઉમેરે છે, "છેલ્લાં બે વર્ષમાં હાર્દિક થોડો પરિપક્વ પણ થયો છે. શક્ય છે કે વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં સૌરાષ્ટ્રના ખેડૂતોનો મૂડ જોઈને પણ હાર્દિકને કૉંગ્રેસમાં જોડાવાની ઇચ્છા થઈ હોય." 

"હાર્દિકે જે ઉપવાસ કર્યા હતા એની સરકારે જે ઉપેક્ષા કરી હતી. એના કારણે પાટીદારો નારાજ છે.  ઉપવાસ વખતે હાર્દિકની અપમાનના સ્તરે અવગણના કરવામાં આવી હતી. આ પ્રકારના સંવેદનશીલ મુદ્દા જ્ઞાતિને એકદમ સ્પર્શે છે."

જોકે, આ દરમિયાન પ્રોફેસર તેમજ સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહે થોડી અલગ અભિપ્રાય રજૂ કરતા કહે છે,

"લોકસભામાં પાટીદારોનો મોટો વર્ગ ભાજપ તરફી જ રહેશે એનું કારણ એ છે કે તેમને કૉંગ્રેસ પર હજુય વિશ્વાસ નથી. કોંગ્રેસ એ મેળવી શકી નથી."

"હાર્દિક પટેલની મર્યાદા એ છે કે તેઓ રાજકીય વિકલ્પ પાટીદારોને આપી શક્યા નથી. હાર્દિક રેલી કાઢી શકે, જુસ્સો પેદા કરી શકે, પરંતુ વિકલ્પ શું હોઈ શકે એનો જવાબ તેઓ રજૂ કરી શક્યા નથી." 

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ